કર્મફળના સિદ્ધાંતને સમજવાનું પણ જરૂરી, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
કર્મફળના સિદ્ધાંતને સમજવાનું પણ જરૂરી, આધ્યાત્મિક ચિકિત્સા
યોગ: કર્મસુ કૌશલમ્ – એટલે કે કર્મોમાં કુશળતા શીખવી જરૂરી છે અને એ ત્યારે શક્ય છે જ્યારે કર્મફળ – સિદ્ધાંતને સમજવામાં આવે. એને સમજ્યા વિના આધ્યાત્મિક ચિકિત્સા શક્ય નથી. જીવનની આધ્યાત્મિક દૃષ્ટિ કહે છે કે ઉપયુક્ત કારણ વિના કોઈ કાર્ય સંભવી શકતું નથી. જો જિંદગીમાં કંઈક બની રહ્યું છે તો તેની પાછળ કોઈક કારણ હોવું જરૂરી છે; પછી એ રોગ-શોક પેદા કરનારી ઘટના હોય કે હર્ષ-ઉલ્લાસ વધારનારી ઘટના હોય. જીવનની કોઈ ઘટનાને સંયોગ કહીને ટાળવાની કોશિશ કરવી એ પૂર્ણપણે અવૈજ્ઞાનિક છે. સાચું તો એ છે કે પ્રકૃતિના સંપૂર્ણ પરિદૃશ્યમાં ક્યાંય પણ ક્યારેય પણ સંયોગ બનતા નથી હોતા. પ્રત્યેક ઘટના ઉપયુક્ત કારણોના ગર્ભમાંથી જન્મ લે છે. પ્રત્યેક ફળ બીજના સમુચિત વિકાસનું પરિણામ હોય છે.
કેટલીક વાર એવું બને છે કે આપણે કોઈક ઘટના માટે જવાબદાર ઉપયુક્ત કારણોને શોધવામાં નિષ્ફળ રહીએ છીએ અને આપણી આ નિષ્ફળતાને સંયોગોના માથે મારીને છૂટી જઈએ છીએ, પણ આ પ્રક્રિયા સરાસર ખોટી છે, એને બિનજવાબદારી સિવાય બીજું કાંઈ કહી શકાય નહિ. પ્રત્યેક વર્તમાનને ભૂતકાળ હોય છે અને ભવિષ્ય પણ હોય છે. અતીતના ગર્ભ વિના કોઈ વર્તમાન પોતાનું અસ્તિત્વ પામી શકતો નથી. એવી જ રીતે વર્તમાનનાં કાર્યોની પરિણતિ ભવિષ્યમાં પોતાનું સુફળ કે કુફળ પ્રકટ કર્યા વિના રહેતી નથી. ઘટના નાની હોય કે મોટી, પ્રત્યેક સાથે આ નિયમ-વિધાન કામ કરે છે. એને અસ્વીકારવાની કે જૂઠું પાડવાની કોશિશ એ અજ્ઞાનથી જન્મેલ મૂઢતા સિવાય બીજું કંઈ નથી.
કર્મફળ-વિધાનની આ સચ્ચાઈ આપણી પોતાની જિંદગી સાથે જોડાયેલી છે. આપણું આ જીવન, આ મનુષ્ય જન્મ કોઈ સંયોગોને કારણે ઊપજ્યા કે વિકસ્યા નથી. તેની પાછળ આપણા જ દ્વારા કરવામાં આવેલાં કેટલાંક સુનિશ્ચિત કર્મ છે. આપણો બાળપણનો કિલકિલાટ, કિશોરવયની અલ્લડતા, યૌવનનું પૌરુષ, ઘડપણની લાચારીના જવાબદાર આપણા પોતાના સિવાય બીજું કોઈ નથી. પરમાત્મા ક્યારેય કોઈના પ્રત્યે ભેદભાવ રાખતા નથી. એમની કૃપા કે કોપની પાછળ આપણાં પોતાનાં જ સત્કર્મો કે દુષ્કર્મો જવાબદાર હોય છે. જીવનમાં સુખ આવે કે દુ:ખ, તેનું કારણ કેવળ આપણે જ છીએ. આપણી જિંદગીની નાની કે મોટી, સુખદ કે દુઃખદ પરિસ્થિતિઓ માટે આપણા સિવાય બીજું કોઈ જવાબદાર નથી.
જે જીવનની, પ્રકૃતિની, કર્મફળના નિયમની, પરમેશ્વરના સમર્થ વિધાનની આ સચ્ચાઈને જાણે છે તેને વિવેકવાન કહેવામાં આવે છે. પોતાના જીવનની જવાબદારી સ્વીકારનાર કુશળ વ્યક્તિ જ તેને સજાવવાનો સાચો પ્રયત્ન કરે છે, બીજા લોકો તો બિનજવાબદારીના વલણને કારણે પોતાની વિપન્નતાઓનો દોષ બીજાના માથે થોપતા રહે છે. એવા લોકોનું જીવન હમેશાં વિડંબનાભરી કથા બની રહે છે.
જેમને જિંદગીની આધ્યાત્મિક ચિકિત્સામાં રુચિ કે રસ છે, તેમની પાસે સમજદારીની અપેક્ષા છે. તેના માટે તેઓ પૂરેપૂરી પ્રામાણિકતાથી પોતાની જિંદગીની જવાબદારી સ્વીકારે અને હિંમતપૂર્વક તે નિભાવે. આ રીતિને અનુસર્યા વિના મહાનતમ આધ્યાત્મિક ચિકિત્સક પણ આપણી કારગર ચિકિત્સા કરી શકશે નહિ. યુગઋષિ ગુરુદેવનું કહેવું હતું કે કર્મફળ-વિધાન આધ્યાત્મિક ચિકિત્સાનો સર્વમાન્ય સિદ્ધાંત છે. એને સમજ્યા અને સ્વીકાર્યા વિના કોઈની કોઈ પણ મદદ સંભવ નથી.
આ વિશે એક માર્મિક ઘટના છે. મહારાષ્ટ્રના કોઈ ભાઈ તેમને મળવા આવ્યા. એમની ઉંમર આશરે ૩૦-૩૫ વર્ષ હશે, પણ જિંદગીની થપાટોએ એમને કસમય વૃદ્ધ બનાવી દીધા હતા-રૂક્ષ-ગૂંચવાયેલા સફેદ વાળ, પીળાશ પડતી અંદર ઊતરી ગયેલી આંખો, ચહેરા પર વિષાદની ઘેરી છાયા, દૂબળું-પાતળું કદ, કાળા રૂપ-રંગ. ખૂબ આશા લઈને તેઓ ગુરુદેવ પાસે આવ્યા હતા. આવતાં જ તેમણે પ્રણામ કરી પોતાનું નામ જણાવ્યું-ઉદયવીર ઘોરપડે. એમ પણ જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રના જલગાંવ પાસેના કોઈક ગામમાં રહે છે. આટલો પરિચય આપીને તેઓ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. રોતારોતાં તેમણે પોતાની વિપદકથા કહી સંભળાવી.
સાચે જ એમની વાત કરુણાથી ભરેલી હતી. લાંબી બીમારીથી પત્નીનું મૃત્યુ, લૂંટફાટમાં ઘરની તમામ સંપત્તિ લૂંટાઈ જવી અને સાથે જ તમામ સ્વજનોની નિર્મમ હત્યા. પોતે તો એટલાં માટે બચી ગયા કે કંઈક કામસર બહાર ગયા હતા. હવે નિર્ધનતા અને પ્રિયજનોના વિયોગે તેમને અર્ધપાગલ બનાવી દીધા હતા. જીવન એમના માટે અર્થહીન હતું અને પોતે તેનો સ્વીકાર કર્યો હતો. તેઓ પોતાની વાત કહેતાં એક જ રટણ કર્યા કરતા કે “ગુરુજી! મારી સાથે આવું કેમ થયું? મેં તો કોઈનું કાંઈ બગાડ્યું ન હતું. ભગવાન આવા અન્યાયી કેમ છે?” પૂજ્ય ગુરુદેવે પ્રેમથી તેના માથે હાથ ફેરવતાં કહ્યું -“બેટા! હમણાં તારું મન બરાબર નથી. હું તને કાંઈક કહીશ તો પણ તને સમજાશે નહિ.”
“અત્યારે તો હું તને એક વાર્તા કહું છું. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોના દૂત બનીને કૌરવ સભામાં ગયા હતા ત્યારે આ વાત બની હતી. ત્યાં તેમણે ઉદ્દંડ દુર્યોધનને ધમકાવતાં પોતાનું વિરાટ રૂપ બતાવ્યું. આ દિવ્યરૂપને ભીષ્મ, વિદુર જેવા ભક્તોએ જોયું. એવામાં ધૃતરાષ્ટ્રએ પણ થોડાક વખત માટે આંખોનું વરદાન માગ્યું, જેથી તે પણ ભગવાનની દિવ્ય છબી જોઈ શકે. કૃપાળુ પ્રભુએ ધૃતરાષ્ટ્રની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. ત્યારે ધૃતરાષ્ટ્ર કહ્યું – “ભગવન્! આપ કર્મફળ-સિદ્ધાંતને જીવનની અનિવાર્ય સચ્ચાઈ સમજો છો. સર્વેશ્વર ! હું જાણવા માગું છું, કે ક્યાં કર્મોના પરિણામે હું અંધ છું.”
ભગવાને ધૃતરાષ્ટ્રની વાત સાંભળીને કહ્યું- “ધૃતરાષ્ટ્ર ! આ સચ્ચાઈને જાણવા માટે મારે તમારા પાછલા જન્મો જોવા પડશે.” ભગવાનનાં આ વચનો સાંભળીને ધૃતરાષ્ટ્ર ઢીલા સ્વરે બોલ્યા- “કૃપા કરો પ્રભુ! આપના માટે શું અસંભવ છે?” કુરુ સમ્રાટના આ કથન સાથે ભગવાન યોગસ્થ થઈ ગયા અને કહેવા લાગ્યા – “ધૃતરાષ્ટ્ર! હું જોઈ રહ્યો છું કે પાછલા ત્રણ જન્મોમાં તમે કોઈ એવું પાપ કર્યું નથી, જેના કારણે તમારે અંધ બનવું પડે.” શ્રીકૃષ્ણનાં આ કથન સાંભળી ધૃતરાષ્ટ્ર બોલ્યા – “ત્યારે તો કર્મફળ વિધાન મિથ્થા સાબિત થયું, પ્રભુ!” “નહિ ધૃતરાષ્ટ્ર! આટલા જલદી કોઈ નિષ્કર્ષ પર ન પહોંચો.” ભગવાન ધૃતરાષ્ટ્રના વિગત જન્મોના હાલ બતાવવા લાગ્યા. એક એક કરીને પાંત્રીસ જન્મો વીતી ગયા.
સાંભળનાર ચકિત હતા. ધૃતરાષ્ટ્રનું સમાધાન થઈ રહ્યું ન હતું. ત્યારે પ્રભુ બોલ્યા – “ધૃતરાષ્ટ્ર! હું અત્યારે તમારો ૧૦૮મો જન્મ જોઈ રહ્યો છું. હું જોઈ રહ્યો છું – એક યુવક રમત રમતમાં ઝાડ પર બાંધેલા ચકલીઓના માળા ઉપાડી રહ્યો છે અને જોતજોતામાં તેણે ચકલીનાં બધાં બચ્ચાંની આંખો ફોડી નાખી. ધ્યાનથી સાંભળો, ધૃતરાષ્ટ્ર! આ યુવક બીજો કોઈ નથી, તમે જ છો. વિગત જન્મોમાં તમારાં પુણ્યકર્મોની અધિકતાના કારણે આ પાપનો ઉદય થઈ ન શક્યો. આ વખતે પુણ્ય ક્ષીણ થવાને કારણે આ અશુભ કર્મનો ઉદય થયો છે.”
આ કથા સંભળાવતાં પરમપૂજ્ય ગુરુદેવે તે યુવકના માથે ભ્રમર વચ્ચે હલકું દબાણ આપ્યું અને તે નિસ્પંદ થઈને કોઈ અદ્રશ્ય લોકમાં જઈ પહોંચ્યો. થોડીક મિનિટોમાં ખબર નહિ તેણે શું જોયું. જ્યારે તેની ચેતના પાછી ફરી તો તે શાંત હતો. ગુરુદેવ બોલ્યા- “સમજી ગયો ને, બેટા !” તે બોલ્યો, “હા ગુરુજી ! મારાં જ કર્મ છે. આ બધું મારાં જ દુષ્કર્મોનું ફળ છે.” “કાંઈ વાંધો નહિ, બેટા ! જાગ્યા ત્યાંથી સવાર. હવેથી તું તારા જીવનને સજાવ. હું તને મદદ કરીશ.” “શું કરવાનું રહેશે” – એ યુવકે પૂછ્યું. “ચિત્તના સંસ્કારોને જાણો અને તેને શુદ્ધ કરો.” – ગુરુદેવનાં આ કથને તેના જીવનમાં નવો માર્ગ ખોલી આપ્યો.
પ્રતિભાવો