નૈતિકતાની નીતિ સ્વાસ્થ્યની ઉત્તમ કેડી, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
નૈતિકતાની નીતિ સ્વાસ્થ્યની ઉત્તમ કેડી, આધ્યાત્મિક ચિકિત્સા
નૈતિકતાની નીતિ પર ચાલતાં સ્વાસ્થ્યનાં અનોખાં વરદાન પામી શકાય છે. તેની અવહેલના જિંદગીમાં સદૈવ રોગ-શોક, પીડા-પતનના અનેક ઉપદ્રવ ઊભા કરે છે. અનૈતિક આચરણથી અધીરાઈપૂર્વક પ્રાણ-ઊર્જાની બરબાદી થાય છે. સાથોસાથ વૈચારિક અને ભાવનાત્મક સ્તર પર અગણિત ગ્રંથિઓ જન્મ લે છે. આની સાથે શારીરિક સ્વાસ્થ્યની સાથે ચિંતન, ચરિત્ર અને વ્યવહારના સમગ્ર તાણાવાણા ઢીલા પડી જાય છે. આધુનિકતા, સ્વચ્છંદતા અને ઉન્મુક્તતાના નામે અત્યારે નૈતિક વર્જનાઓ અને મર્યાદાઓ પર ઢગલાબંધ પ્રશ્નસૂચક નિશાન લગાવવામાં આવી રહ્યાં છે. તેને પુરાતન ઢોંગ કહીને અસ્વીકાર કરવામાં આવી રહ્યો છે. નવી પેઢી તેને રૂઢિવાદ કહીને નજરઅંદાજ કરી રહી છે. આમ હોવાનાં અને કરવાનાં દૂષિત દુષ્પરિણામ આજે કોઈથી છૂપાં નથી.
જો કે નવી પેઢીના સવાલ “નૈતિકતા શા માટે?” ને પણ નજર અંદાજ ન કરવો જોઈએ. તેનો યોગ્ય જવાબ આપતાં તેને તેના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રભાવોનું જ્ઞાન કરાવવું જોઈએ. પ્રશ્ન ક્યારેય ખોટા હોતા નથી, ખોટી હોય છે પ્રશ્નોની અવહેલના કે ઉપેક્ષા. તેનો જવાબ શોધી ન શકવાના કોઈ પણ કારણને વાજબી ઠરાવી શકાય નહિ. ધ્યાન રાખો, પ્રત્યેક યુગ પોતાના સવાલોના જવાબ માગે છે. નવી પેઢી પોતાના નવા પ્રશ્નોનું તાજગીસભર સમાધાન માગે છે. “નૈતિકતા શા માટે?” આ યુગ પ્રશ્ન છે. આ પ્રશ્નના માધ્યમથી નવી પેઢીએ નવા સમાધાનની માગણી કરી છે. તેને પરંપરાની દુહાઈ દઈને ટાળી શકાય નહિ. એમ કરવાથી નૈતિકતાની નીતિ ઉપેક્ષિત થશે અને તેનાથી થનારી હાનિઓ વધતી જશે.
નૈતિકતા શા માટે? એ પ્રશ્નનો સાચો ઉત્તર છે – ઊર્જાના સંરક્ષણ અને ઊર્ધ્વગમન માટે. આ પ્રક્રિયામાં શારીરિક અને માનસિક અપવ્યયની વાત સર્વવિદિત છે. હોય પણ કેમ નહિ? અનૈતિકતાથી એક જ વાત સ્ફુટ થાય છે – ઈન્દ્રિય વિષયોનો અમર્યાદિત ભોગ. સ્વાર્થલિપ્સા, અહંતા અને તૃષ્ણાની અબાધિત તુષ્ટિ. પછી એના માટે કંઈ પણ કેમ ન કરવું પડે. પ્રાણની સંપદા જ્યાં સુધી છે, ત્યાં સુધી આ સમગ્ર ખેલ ચાલતો રહે છે. પરંતુ તેમાં ચૂક થતાં જ જીવનજ્યોતિ બુઝાવાનો અણસાર નજરે પડવા માંડે છે.
એટલું જ નહિ, એમ કરવાથી જે પ્રતિબંધો તૂટે છે, મર્યાદાઓ લેપાય છે, તેનાથી અપરાધ-બોધની ગ્રંથિ પેદા થયા વિના રહેતી નથી. વૈચારિક અને ભાવનાત્મક સ્તર પર ઉદ્દભવેલી ગ્રંથિઓથી અંતર્ચેતનામાં અસંખ્ય તિરાડ પડી જાય છે. સમગ્ર વ્યક્તિત્વ વિખંડિત થવા લાગે છે. જ્યારે બહારનો વ્યવહાર અસામાન્ય થઈ જાય છે, ત્યારે બીજાઓને આની જાણ થાય છે. આ બધું થાય છે અનૈતિક આચરણના કારણે. હજી હમણાં જ પશ્ચિમી દુનિયાના એક વિખ્યાત મનોવૈજ્ઞાનિક રૂડોલ્ફ વિલ્કિન્સને આ સંદર્ભમાં એક શોધ-પ્રયોગ કર્યો છે. તેમણે પોતાનાં તારણોને “સાઈકોલોજિકલ ડિસઓર્ડર કોઝ એન્ડ ઈફેક્ટ’ના નામે પ્રકાશિત કર્યા છે. આ તારણોમાં એમણે એ સચ્ચાઈને સ્વીકારી છે કે નૈતિકતાની નીતિ પર આસ્થા રાખનાર લોકો ઘણુંખરું મનોરોગના શિકાર બનતા નથી. આનાથી ઊલટું અનૈતિક જીવન વિતાવનાર લોકો ઘણુંખરું અનેક જાતના મનોરોગોના શિકાર બનતા જોવા મળે છે.
સમાજ મનોવૈજ્ઞાનિક એરિક ફ્રોમે પોતાના ગ્રંથ “મેન ફોર હિમસેલ્ફમાં પણ આ સચ્ચાઈનું વર્ણન કર્યું છે. એમનું કહેવું છે કે અનૈતિકતા મનોરોગોનું બીજ છે. વિચારો અને ભાવનાઓમાં તે અંકુરિત થતાં જ માનસિક સંકટોનો પાક લહેરાયા વિના રહેતો નથી. યોગીવર ભર્તુહરિએ “વૈરાગ્ય શતક’માં આની ચર્ચામાં કહ્યું છે – “ભોગે રોગં ભયં” એટલે કે ભોગમાં રોગનો ભય છે. તેને એમ પણ કહી શકાય કે ભોગ હશે તો રોગ ફાલશે જ. નૈતિક પ્રતિબંધોની અવહેલના કરનાર નિરંકુશ ભોગવાદી રોગોની ઝપટમાં આવ્યા વિના રહેતો નથી. તેની ચિકિત્સા નૈતિકતાની નીતિ સિવાય બીજી કોઈ નથી.
ક્યારેક ક્યારેક તો આ રોગ એટલો વિચિત્ર હોય છે કે તેને મહાવૈદ્ય પણ સમજી શકતા નથી. આ ઘટના મહાભિષક આર્યજીવકના જીવનની છે. આર્ય જીવક તક્ષશિલાનો સ્નાતક હતો. આયુર્વિજ્ઞાનમાં તેણે વિશેષજ્ઞતા મેળવી હતી. ગરીબ ભિક્ષુકથી માંડીને ધનપતિ શ્રેષ્ઠી અને નરપતિ સમ્રાટ, સૌ તેની પાસેથી સ્વાસ્થ્યના આશિષ પામતા હતા. મરણપથારીએ પડેલા રોગીને પોતાની ચમત્કારિક ઔષધિઓથી નિરોગી કરી દેવામાં આર્ય જીવક સમર્થ હતા. એમની ઔષધિઓ અને ચિકિત્સા વિશે અનેક કથા-કિંવદંતીઓ પ્રચલિત હતી. યુવરાજ અભયકુમાર અને સમ્રાટ બિંબસાર પણ તેમની પ્રશંસા કરતાં થાકતા ન હતા.
એવા સમર્થ ચિકિત્સક જીવક પોતાના એક રોગીના કારણે ચિંતિત હતા. આ રોગીનો રોગ પણ બહુ વિચિત્ર હતો. આમ તો તે બધી રીતે સ્વાસ્થ્ય હતો, બસ, તેને તકલીફ એટલી જ હતી કે તેની જમણી આંખ ખૂલતી ન હતી. આ પરેશાનીને લઈને જીવક પોતાની બધી જાતની ચિકિત્સકીય સારવાર કરી ચૂક્યા હતા. ક્યાંય કોઈ ચૂક નજરે પડતી ન હતી. શરીરનાં બીજાં અંગોની સાથે આંખના બધા અવયવ સામાન્ય હતા. આર્યજીવકને સમજાતું ન હતું-શું કરે? હારી-થાકીને તેમણે પોતાની પરેશાની મહાસ્થવિર રેવતને કહી સંભળાવી. મહાસ્થવિર રેવત ભગવાન તથાગતના સમર્થ શિષ્ય હતા. માનવીય ચેતનાનાં તમામ રહસ્યોને તેને સારી રીતે જાણતા હતા.
જીવકની વાતો સાંભળીને પહેલાં તો તેમણે એક પળ પોતાનાં નેત્ર બંધ કર્યા, પછી થોડુંક હસી પડ્યા. જીવક એમના મોંએ કશુંક સાંભળવા માટે બેચેન હતા. એમની બેચેનીને જોતાં મહાભિક્ષુ રેવતે કહ્યું, “મહાભિષક જીવક! તમારા રોગીની સમસ્યા શારીરિક નથી, માનસિક છે. તેણે પોતાના જીવનમાં નૈતિકતાની નીતિની અવહેલના કરી છે. આ કારણે તે માનસિક ગ્રંથિનો શિકાર બની ગયો છે. તેની માનસિક પરેશાની જ આ રીતે શારીરિક વિસંગતિ રૂપે દેખાય છે.” “આનું સમાધાન શું છે આર્ય ?” જીવક બોલ્યા. “આને લઈને તમે ભગવાન બુદ્ધ પાસે જાવ. પ્રભુના પ્રેમની ઉષ્માથી તેને પોતાની મનોગ્રંથિમાંથી મુક્તિ મળશે અને તે ઠીક થઈ જશે.” મહાભિક્ષુ રેવતે કહ્યું.
જીવક તેને લઈને ભગવાન પાસે ગયા. ભગવાન પાસે પહોંચતાં જ તે રોગી યુવકે પોતાના મનની વ્યથા ભગવાનને કહી. પોતાનાં અનૈતિક કાર્યોને પ્રભુ સામે પ્રગટ કરતાં તેણે ક્ષમા અંગે પ્રાર્થના કરી. ભક્તવત્સલ ભગવાને તેને ક્ષમાદાન આપતાં કહ્યું- “વત્સ ! નૈતિક મર્યાદાઓનું હમેશાં પાલન કરવું જોઈએ. આયુ, વર્ગ, યોગ્યતા, દેશ અને કાળના ક્રમમાં પ્રત્યેક યુગમાં નૈતિકતાની નીતિ બનાવવામાં આવે છે. તેનું આસ્થાપૂર્વક પાલન કરવું જોઈએ. નૈતિકતાની નીતિનું પાલન કરનાર આત્મગૌરવથી ભરપૂર હોય છે, જયારે તેની અવહેલના કરનારને આત્મગ્લાનિ ઘેરી વળે છે.”
પ્રભુનાં વચનોએ યુવકને અપાર શાંતિ આપી. તેને અનાયાસ જ પોતાની મનોગ્રંથિમાંથી મુક્તિ મળી ગઈ. જ્યારે તેની જમણી આંખને સામાન્ય રીતે ખૂલતી જોઈ ત્યારે જીવકને ભારે અચરજ થયું. અચરજમાં પડેલા જીવકને સંબોધતાં ભગવાન તથાગતે કહ્યું – “આશ્ચર્ય ન કરો વત્સ, જીવક ! નૈતિકતાની નીતિ સ્વાસ્થ્યની ઉત્તમ કેડી છે. તેના પર ચાલનાર ક્યારેય અસ્વાસ્થ્ય થતો નથી. તે સ્વાભાવિક પણે શારીરિક અને માનસિક રૂપે સ્વાસ્થ્ય હોય છે. જે તેને જાણે છે, તે કર્મસુ કૌશલમ્ ના રહસ્યને જાણે છે.”
પ્રતિભાવો