આધ્યાત્મિક નિદાન-પંચક, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
આધ્યાત્મિક નિદાન-પંચક, આધ્યાત્મિક ચિકિત્સા
દર્દીની સારવારનો મુખ્ય આધાર રોગના નિદાન પર છે. તેની મદદથી જ દર્દી માટે દવાઓ, તેની માત્રા, પરેજી, ખોરાક તેમ જ જીવનક્રમનું નિર્ધારણ થઈ શકે છે. તેમાં જરા પણ ભૂલચૂક થવાથી ચિકિત્સાની બધી વ્યવસ્થા ડગમગી જાય છે. ક્યારેક ક્યારેક તો સ્વાસ્થ્યનું વરદાન આપનારી આ ચિકિત્સા પદ્ધતિ જીવલેણ પણ સાબિત થાય છે. આ જ કારણે દરેક ચિકિત્સા-પદ્ધતિએ પોતાની આગવી રોગનિદાનની અચૂક વિધિઓ શોધી કાઢી છે, તેના અસરકારક ઉપાયો અંગે સંશોધન તથા વિકાસ કર્યા છે, કારણ કે ચિકિત્સા પદ્ધતિ કોઈ પણ હોય, પરંતુ તેની સફળતા કે નિષ્ફળતાનો બધો આધાર સાચા અને ચોક્કસ રોગનિદાન પર રહે છે.
જેને આપણે આધુનિક ચિકિત્સા પદ્ધતિ કહીએ છીએ, તેણે પોતાની સફળતા માટે રોગનિદાન માટેની અત્યાધુનિક પદ્ધતિ વિકસાવી છે. ઘણાં દવાખાનાઓ તથા ચિકિત્સા સંસ્થાઓએ તો પોતાની સંસ્થામાં રોગનિદાનનું માળખું કેટલું ચોક્કસ અને મજબૂત છે એના આધારે જ વિશેષ ખ્યાતિ મેળવી છે. સામાન્ય રોગ પરીક્ષણ અથવા રોગનિદાનની ક્લિનિકલ વિધિઓથી લઈને પેથોલોજીકલ વિધિઓ તથા સી.ટી. સ્કેન, એમ.આર.આઈ. માટેનાં મોંઘાં સાધનો આ જ મહત્ત્વપૂર્ણ ઉદેશ્યો માટે તત્પર રહે છે. પોતપોતાની રીતે ડૉક્ટરોનો એ પ્રયાસ રહે છે, કે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન રહી જાય.
ચિકિત્સા પદ્ધતિ કોઈ પણ હોય, પરંતુ એકદમ ચોક્કસ રોગનિદાન માટેનો પ્રયાસ દરેક જગ્યાએ હોય છે. આયુર્વેદમાં વાત, પિત્ત તથા કફ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને રોગનિદાન કરવાની પરંપરા છે. આથી જ નાડી પરીક્ષણ વગેરેની પ્રક્રિયા અપનાવવામાં આવે છે. તેનાં પરિણામોના આધારે દર્દીની સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે. હોમિયોપથીમાં આ બાબત થોડા જુદા પ્રકારની છે. આમાં દર્દીની શારીરિક સ્થિતિની સાથે તેની મનોદશાનું પણ પરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રચલિત અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ સિવાય વૈકલ્પિક ચિકિત્સા-પદ્ધતિઓના જે નવા આયામો આજકાલ વિકસિત થયા છે, તે બધામાં ક્યાંક ને ક્યાંક રોગનિદાનની યોગ્ય વિધિ-વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે જો રોગનું સાચું નિદાન જ ન થાય, તો ઇલાજ કયા રોગનો કરવો?
આધ્યાત્મિક ચિકિત્સાના ક્ષેત્રમાં રોગ નિદાનનું માળખું થોડું વધારે વ્યાપક છે. તેમાં પ્રચલિત અને પરંપરાગત રીતો કરતાં એક આગવું તંત્ર વિકસિત કરવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે આધ્યાત્મિક દૃષ્ટિ માનવીય જીવનને સમગ્રતા તેમ જ પરિપૂર્ણતાથી જોવામાં જ વિશ્વાસ ધરાવે છે. તેનો ભાર કોઈ એક આયામ પર નથી, પરંતુ દૃશ્ય-અદૃશ્ય બધા જ આયામો પર સમાનરૂપે છે.
આ ઉદેશ્યને પૂરો કરવા માટે આધ્યાત્મિક ચિકિત્સામાં રોગનિદાનના પાંચ આયામોના તાણા-વાણા વણવામાં આવ્યા છે. આયુર્વેદ નિદાન પંચકની જેમ તેને આધ્યાત્મિક નિદાન-પંચક નામ આપી શકાય છે. તે અંતર્ગત આધ્યાત્મિક ચિકિત્સક દર્દીના વ્યક્તિત્વનાં પાંચ તત્ત્વોનું પરીક્ષણ કરે છે – (૧) વ્યવહાર (૨) ચિંતન (૩) સંસ્કાર (૪) પ્રારબ્ધ તેમ જ (૫) પૂર્વજન્મના દોષ-દુષ્કર્મ. આ પાંચનું સાચું પરીક્ષણ કરીને જ રોગનું યોગ્ય નિદાન કરવામાં આવે છે. જ્યાં સુધી આ પાંચ તત્ત્વોનો સવાલ છે ત્યાં સુધી આધ્યાત્મિક ચિકિત્સા માટે આ બધાનું ખૂબ વ્યાપક મહત્ત્વ છે. જો કે આમાંથી એક સિવાય બાકીના બધા આયામો અદૃશ્ય છે, જે આધ્યાત્મિક દૃષ્ટિ તથા શક્તિ વિના જોઈ કે જાણી શકાતા નથી, પરંતુ આ અદૃશ્ય તથ્યોને જાણ્યા વગર આધ્યાત્મિક ચિકિત્સા સંભવ પણ નથી.
આમાં પહેલા પરિમાણ એટલે કે “વ્યવહાર” અંતર્ગત દર્દીની શારીરિક પીડા, પરેશાની અથવા માનસિક દુ:ખ-દર્દનું મૂલ્યાંકન તેના વ્યવહારની સ્થિતિના આધારે કરવામાં આવે છે. આ બધાથી તેનાં ચિંતન ચેતના પર પડેલા પ્રભાવોની જાણકારી, તેની ચિંતન પ્રક્રિયાની તપાસ દ્વારા મેળવી શકાય છે. ત્રીજા ક્રમમાં સંસ્કારોની પરતો અપેક્ષા કરતાં વધારે ઊંડી છે. તેની તપાસ કોઈ પણ મનોવૈજ્ઞાનિક પરીક્ષણ દ્વારા શક્ય નથી. તેનું પરીક્ષણ આધ્યાત્મિક દૃષ્ટિ તેમ જ શક્તિ દ્વારા જ કરી શકાય છે. મોટા ભાગના રોગોનાં કારણોએ અહીં જ મૂળિયાં નાખેલાં હોય છે. ચોથા ક્રમમાં પ્રારબ્ધની શોધ-પરખ થોડી વધારે જટિલ હોય છે. જો રોગનું કારણ આપણા બાહ્ય જીવનમાં ક્યાંય જણાતું ન હોય અને આપણા સંસ્કાર ક્ષેત્રમાં પણ ક્યાંય જડતું ન હોય, તો પછી પ્રારબ્ધ-ક્ષેત્રમાં શોધખોળ કરવી પડે છે.
લાંબા સમય સુધી એટલે કે દસ-પંદર વર્ષ સુધી ચાલનારો રોગ અથવા તો એક પછી એક નવી કષ્ટ-કઠણાઈઓનું પ્રગટ થવું, એ લગભગ પ્રારબ્ધના કારણે જ હોય છે. અહીં જ તેનાં મૂળ હોય છે. જો આ ઊંડી પરતને સાચી રીતે જાણવામાં સમજવામાં ન આવે તો રોગ કે કષ્ટ નિવારણ માટેના બધા ઉપાયો નિષ્ફળ જાય છે. પાંચમાં ક્રમમાં આધ્યાત્મિક ચિકિત્સકે કેટલાક ખાસ રોગીઓના રોગ-નિવારણમાં એ પણ જાણવું પડે છે, કે તેના જીવનના પ્રારબ્ધમાં આવા ખરાબ યોગ કેમ આવ્યા? આવી દુઃખદ પ્રક્રિયા બની જ કેમ? પાછલાં જન્મોનાં ક્યાં કર્મો આમાં કારણભૂત બન્યાં છે? પૂર્વજન્મોના જ્ઞાનથી જ સત્યની જાણકારી મેળવી શકાય છે. આવું કરીને જ રોગના ચોક્કસ નિદાન તેમ જ સાર્થક ઉપાય સુધી પહોંચવું શક્ય બની શકે છે.
આધ્યાત્મિક ચિકિત્સાના રૂપમાં પરમ પૂજ્ય ગુરુદેવ આ બધી પ્રક્રિયાઓમાં નિષ્ણાત તથા મર્મજ્ઞ હતા. આધ્યાત્મિક નિદાન-પંચકમાં તેમની વિશેષજ્ઞતાનો નજીક રહેનારાઓને કાયમ અનુભવ થતો હતો. આમ તો આવા પ્રકારના અનુભવો અને ઘટનાઓ હજારો છે, પરંતુ અહીં માત્ર એક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ ઘટના એક એવી વ્યક્તિ સાથે સંકળાયેલી છે, કે જે ગુરુદેવ સાથે વર્ષોથી જોડાયેલી હતી. વર્ષોના સાંનિધ્ય છતાં પણ તેમનો ઘર-પરિવાર રોગ-શોક સંતાપથી ઘેરાયેલો હતો. આર્થિક સ્થિતિ પણ ખરાબ હતી. તેઓ જ્યારે પણ ગુરુદેવની પાસે આવતા, ત્યારે પોતાની મુશ્કેલીઓ કહેતાંકહેતાં રડવા લાગતા. ગુરુદેવ પણ તેમનાં દુઃખો સાંભળી દ્રવિત થઈ જતા. ક્યારેક ક્યારેક તો તેમની આંખોમાં પણ આંસુ છલકાઈ જતાં. તેઓ એવું પણ કહેતા, કે “તું ચિંતા ન કરીશ બેટા, હું તારા માટે પ્રયાસ કરી રહ્યો છું. પરંતુ તેમના આ કથન કે આશ્વાસન પછી પણ તેમના જીવનમાં ક્યાંય કંઈ સારું થવાનાં લક્ષણો જોવા મળતાં ન હતાં.
આખરે હારી-થાકીને તેઓ એક દિવસ પ્રયાગ ચાલ્યા ગયા. ત્યાં કુંભમેળો ભરાયેલો હતો. ત્યાં અનેક સંત-મહાત્માઓ પધારેલા હતા. એક સ્થળે પૂ. દેવરાહા બાબાનો પણ મંચ હતો. દુઃખી તો તેઓ હતા જ. આવી પરેશાનીના ભાર સાથે તેઓ તેમની પાસે ગયા. તેમને જોઈને પહેલાં તો તેમણે આશીર્વાદ માટે હાથ ઉઠાવ્યો. પછી જાતે જ બોલ્યા તારું નામ રામનારાયણ છે. ફતેપુરનો નિવાસી છે, શાંતિકુંજના આચાર્યજીનો શિષ્ય છે. ભલે, મારી પાસે આવ !’ તેમણે ભીડમાંથી તેને બોલાવી પોતાનો પગ તેના માથા પર મૂક્યો અને બોલ્યા-‘તું આટલો દુઃખી કેમ છે? તારા ઉપર આચાર્યજીની કૃપા છે. તું નથી જાણતો કે તેઓ કંઈ પણ કહ્યા વગર તારા માટે શું કરી રહ્યા છે!
આટલું કહી તેઓ થોડું અટકીને ફરી બોલ્યા – “તારા સંસ્કારો, પ્રારબ્ધ તેમ જ પૂર્વજન્મનાં કર્મો ભયંકર છે. જે આચાર્યજીની કૃપા ન હોત તો તમારા બધાના હાલહવાલ ખરાબ થઈ ગયા હોત, ન તું બચત, ન તારો પરિવાર. અત્યાર સુધી તો બધું સમાપ્ત થઈ ગયું હોત. આચાર્યશ્રી દિવ્યદ્રષ્ટા છે. તેઓ બધું જ જાણે છે અને યોગ્ય ઉપાય કરી રહ્યા છે. તું જરા વિચાર કે તારી ઉપર તેમને કેટલો બધો પ્રેમ છે! તેઓ થોડી વાર પહેલાં જ સૂક્ષ્મરૂપે મારી પાસે આવ્યા હતા અને કહ્યું કે તમે મારા આ બાળકને સમજાવો, કે તેનું બધું બરાબર થઈ જશે.’ દેવરાહા બાબાની વાતો સાંભળીને તે ભાવવિભોર થઈ ગયો. થોડાક સમય પછી શાંતિકુંજ આવીને તેણે બધી જ વાતો ગુરુદેવને જણાવી. સાંભળીને તેઓ મલકાયા. માત્ર એટલું બોલ્યા-બેટા, તું અત્યારે મારા દવાખાનામાં દાખલ થયેલો દર્દી છે. હું એક સારા ડૉક્ટરની જેમ તારી દેખભાળ રાખી રહ્યો છું.’ કેટલાંક વર્ષો પછી તેની પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. તેમણે ચિકિત્સક અને દર્દી વચ્ચેના સંબંધોની પવિત્ર ભાવનાઓની પોતાના અંતઃકરણમાં અનુભૂતિ કરી.
પ્રતિભાવો