પ્રારબ્ધનું સ્વરૂપ અને ચિકિત્સામાં તેનું સ્થાન, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
પ્રારબ્ધનું સ્વરૂપ અને ચિકિત્સામાં તેનું સ્થાન, આધ્યાત્મિક ચિકિત્સા
પ્રારબ્ધનો સુયોગ-દુર્યોગ જીવનમાં સુખદ-દુઃખદ પરિસ્થિતિઓની સૃષ્ટિ રચે છે. પ્રારબ્ધના સુયોગનો ઉદય થવાથી અનાયાસ જ સુખ સૌભાગ્ય અને સ્વાસ્થ્યની ઘટા છવાઈ જાય છે, જ્યારે ક્યાંક જો પ્રારબ્ધના દુર્યોગનો ઉદય થયો તો જીવનમાં દુ:ખ-દુર્ભાગ્ય અને રોગ શોકનાં વાદળો ઘેરાવા લાગે છે. માનવજીવનમાં પ્રારબ્ધનો આ સિદ્ધાંત ભાગ્યવાદી કાયરતા નથી, પણ આધ્યાત્મિક કૃષ્ટિની સૂક્ષ્મતા અને પારદર્શિતા છે. આ સત્ય છે, જેનો સૌ કોઈ પ્રત્યેક પળે અનુભવ કરે છે. સુખ-દુઃખના હિંડોળે ઝૂલતા આમાંના કેટલાક આ સચ્ચાઈને પારંપરિક રૂપે સ્વીકારે છે, તો કેટલાક પોતાની બુદ્ધિવાદી અહંતાને કારણે એને ધરમૂળથી નકારે છે. થોડાક તપસ્વી અને વિવેકી લોકોને આધ્યાત્મિક દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. તેઓ આ સૂક્ષ્મ સત્યને સ્પષ્ટપણે જોઈ શકે છે, તેનો પૂરેપૂરી પારદર્શિતા સાથે અનુભવ કરે છે.
જેમને આ અનુભૂતિ થાય છે અને થઈ રહી છે, તેઓ આ વિશે તમામના તમામ પ્રકારના સવાલોના જવાબ આપવામાં સક્ષમ છે. મોટાભાગના લોકોને જિજ્ઞાસા થાય છે – પ્રારબ્ધ શું છે? તો એનો સરળ જવાબ છે-પ્રારબ્ધનો અર્થ છે પરિપકવ કર્મ. આપણાં પૂર્વકૃત કર્મોમાં જે, જ્યારે, જે સમયે પરિપકવ થઈ જાય છે, તેને પ્રારબ્ધનું નામ મળી જાય છે. આ સિલસિલો કાળક્રમને અનુરૂપ ચાલતો રહે છે. આમાં વર્ષો પણ લાગે છે અને જન્મો પણ. કેટલીક વાર ક્રિયામાં ભાવ અને વિચારોનો એટલો તીવ્રતમ સંયોગ હોય છે કે તરત પ્રારબ્ધ કર્મનું રૂપ લઈ લે છે અને પોતાનું ફળ પ્રકટ કરવામાં સક્ષમ સાબિત થાય છે. આ લીટીઓ વાચકોને થોડા અચરજમાં નાંખી શકે છે, પરંતુ આ બધું તર્કથી પર અનુભૂત સત્ય છે.
આધ્યાત્મિક ચિકિત્સામાં પ્રારબ્ધનું સ્વરૂપ અને તેના સિદ્ધાંતને સમજવાનું ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ ક્રમમાં સૌથી પ્રથમ બિંદુ એ છે કે આપણા દ્વારા કરવામાં આવતું પ્રત્યેક કર્મ અવિનાશી છે. એ સારું હોય કે ખરાબ, સમયાનુસાર પરિપકવ થઈને પ્રારબ્ધમાં બદલાયા વિના રહેશે નહિ અને પ્રારબ્ધનો અર્થ જ છે કે જેનાં ફળ ભોગવવામાંથી આપણે બચી શકતા નથી એવું કર્મ. તેને સામાન્ય વ્યવહારમાં બૅન્ક અને તેની મુદતી થાપણના ઉદાહરણથી સમજી શકાય છે. આપણે સૌ જાણીએ છીએ કે બેંકમાં આપણા રૂપિયા નિશ્ચિત સમયગાળામાં જમા કરાવવાની પ્રથા છે. આ પ્રક્રિયામાં અલગ અલગ જમાપૂંજી નિશ્ચિત સમયગાળામાં દોઢ ગણી થઈ જાય છે. આ રીતે આપણે બૅન્કમાં આપણા અઢી હજાર રૂપિયા જમા કરીને પાંચ વર્ષમાં પાંચ હજાર મેળવવા હકદાર બની જઈએ છીએ.
બસ, આ જ પ્રક્રિયા કર્મબીજોની છે, જે જીવન ચેતનાની ધરતી પર અંકુરિત, પલ્લવિત અને પુષ્પિત થઈને પોતાનું ફળ પ્રકટ કરવાની સ્થિતિમાં આવતાં રહે છે. ક્યું કર્મ કયા સમયે ફળ બનીને સામે આવશે, એમાં કેટલાય કારકો ક્રિયાશીલ હોય છે. દાખલા તરીકે, સૌથી પહેલાં કર્મની તીવ્રતા કેવી છે? કેટલી છે? ધ્યાન આપવાની વાત એ છે કે પ્રત્યેક ક્રિયા કર્મ બનતી નથી. જે આપણે અજાણતાં કરીએ છીએ, જેમાં આપણી ઈચ્છા કે સંકલ્પનો યોગ હોતો નથી, તેને કર્મ કહી શકાતું નથી. તેનું કોઈ સુફળ કે કુફળ પણ હશે નહિ. આનાથી ઊલટું, જે ક્રિયામાં આપણી ઈચ્છા અને સંકલ્પનો સુયોગ જોડાય છે, તે કર્મનું રૂપ ધારણ કરે છે અને તેનું કોઈ ને કોઈ ફળ અવશ્ય હોય છે.
આપણા કર્મની તીવ્રતાનો આધાર હોય છે ભાવ અને વિચાર, કારણ કે એનાથી જ ઇચ્છા અને સંકલ્પની સૃષ્ટિ થાય છે. ઇચ્છા અને સંકલ્પ તીવ્ર અને સબળ થતાં કર્મ પણ પ્રબળ થઈ જાય છે. આવા પ્રબળ કર્મ ટૂંકા સમયગાળામાં પ્રારબ્ધમાં પરિવર્તિત થઈને પોતાનું ફળ આપવાની સ્થિતિમાં આવી જાય છે, જ્યારે સામાન્ય ઇચ્છા સાથે કરવામાં આવતી ક્રિયાઓ કર્મ તો બને છે, પરંતુ પ્રારબ્ધના રૂપમાં તેનું રૂપાંતરણ સારા એવા લાંબા સમય પછી થાય છે. ક્યારેક ક્યારેક તો તેનું પ્રારબ્ધ બનવામાં જન્મ અને જીવન પણ લાગી જાય છે. અહીં જે બતાવવામાં આવી રહ્યું છે, તે સુપરીક્ષિત સત્ય છે. એનો વારંવાર અનુભવ કરવામાં આવ્યો છે.
આ સિદ્ધાંત અનુસાર આધ્યાત્મિક કર્મ, તપ વગેરે સાધનાત્મક પ્રયોગ તીવ્રતમ કર્મ માનવામાં આવ્યાં છે. કારણ કે તેમાં ભાવ અને વિચારોની તીવ્રતા અધિકતમ હોય છે, ઇચ્છા અને સંકલ્પ પ્રબળતમ હોય છે. એવા કર્મોનું જ્યારે વિધિસર અનુષ્ઠાન કરવામાં આવે છે તો તે તરત જ પ્રારબ્ધમાં પરિવર્તન થઈને પોતાનું ફળ પ્રકટ કરી દે છે. કોઈ પણ અવરોધ એમાં આડે આવતો નથી. જેમને કઠિન-તપ પ્રયોગોનો અભ્યાસ છે, તેમના માટે આ રોજનો અનુભવ છે. તેઓ પોતાના દૈનિક જીવનમાં આ સત્યનો સાક્ષાત્કાર કરતા રહે છે.
પ્રારબ્ધના સિદ્ધાંત અને વિજ્ઞાનમાં બીજું પણ મહત્ત્વપૂર્ણ સત્ય છે. તે એ છે કે કર્મબીજમાંથી પ્રારબ્ધ બનવાની પ્રક્રિયા જો હજી પૂરી થઈ શકી નથી તો તેને કોઈ વિશેષ આધ્યાત્મિક પ્રયોગથી ઓછું કરી શકાય છે કે ટાળી શકાય છે, પરંતુ જો આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય તો અને પ્રારબ્ધ પોતાનો પૂર્ણ આકાર લઈ લીધો હોય તો પછી તે અટળ અને અનિવાર્ય બની જાય છે. એમાં થોડા – ઘણાં પરિવર્તન ભલે કરી દેવામાં આવે, પરંતુ તે ટળી જાય એ કોઈ રીતે સંભવ બની શકતું નથી.
એવી જ એક ઘટના અહીં જણાવવામાં આવે છે. વર્ષો પહેલાં બનેલી આ ઘટનામાં એક બાળકનાં માતા-પિતા ગુરુદેવ પાસે આવ્યાં. એમની સાથે એમનું બાળક પણ હતું, જે કેટલાક વખતથી તાવથી પીડાતું હતું. એવો તાવ હતો કે કોઈ ચિકિત્સકની દવાથી સારું થતું જ ન હતું. હા, એનો દુષ્પ્રભાવ હાથ-પગ સહિત આખા શરીર પર પડવાનું શરૂ થઈ ગયું હતું. એક રીતે એનું શરીર લૂલુંલંગડું થઈ ગયું હતું. બાળકની મગજની હાલત પણ બગડવા માંડી હતી. સમગ્ર સ્નાયુ સંસ્થાન નિષ્ક્રિય પડી રહ્યું હતું. માતા-પિતાએ પોતાના બાળકની વ્યથાકથા ગુરુદેવને કહી સંભળાવી. તેમણે બધી વાત ધ્યાનથી સાંભળી અને મૌન થઈ ગયા.
બાળકનાં માતા-પિતા ખૂબ આશાભરી નજરે એમના સામે જોઈ રહ્યા હતાં, પણ અહીં ગુરુદેવની આંખો છલકાઈ ઊઠી હતી. તેઓએ બાળકની પીડાથી, માતા-પિતાના સંતાપથી વિહ્વળ થઈ ગયા હતા. થોડીવાર પછી ભાવસભર હૃદયે તેમણે કહ્યું- “બેટા! તમે લોકોએ અહીં આવવામાં બહુ મોડું કર્યું. આના પ્રારબ્ધનો દુર્યોગ હવે એકદમ પાકી ગયો છે. આવી સ્થિતિમાં કંઈ પણ કરવું અસંભવ છે. આમ પણ આ બાળક છે, જો હું આના પર મારી વિશેષ આધ્યાત્મિક ઊર્જાનો પ્રયોગ કરીશ તો આનું શરીર સહન કરી શકશે નહિ. સંભવ છે કે તે મરી જ જાય.”
ગુરુદેવની આ વાતોએ માતા-પિતાને સ્તબ્ધ કરી દીધાં. તેઓ નિરાશ થઈ ગયાં. એમને આવા દુઃખી જોઈને ગુરુદેવ બોલ્યા – “તમે લોકો મારી પાસે આવ્યા છો, તો આ અસંભવ સ્થિતિમાંય હું કંઈક તો કરીશ જ. આમાં પહેલી વાત એ છે કે બાળકનું મગજ એકદમ ઠીક થઈ જશે. અપંગ સ્થિતિમાં પણ એ પ્રતિભાવાન બનશે. આજની લગભગ અપંગતાની આ સ્થિતિ હોવા છતાંય એનામાં કેટલીય જાતનાં કૌશલ્યો વિકસિત થશે. બસ, બેટા ! આ સ્થિતિમાં આના માટે આનાથી વધારે કાંઈ સંભવ નથી.” ગુરુદેવના આ શબ્દોએ માતા-પિતાને જાણે વરદાન આપી દીધું! થોડાક મહિના પછી પૂજ્ય ગુરુદેવની આધ્યાત્મિક ઊર્જાના પ્રભાવથી એ બાળકમાં જીવન પ્રકટ થયું. અપંગ હોવા છતાંય તે પ્રતિભાવાન કલાકાર બન્યો. તેના પ્રારબ્ધનો અટલ દુર્યોગ ટળ્યો તો નહિ, પણ પૂજ્ય ગુરુદેવની આધ્યાત્મિક ચિકિત્સાએ તેને રૂપાંતરિત તો કરી જ દીધો. આવી આશ્ચર્યજનક પ્રક્રિયાના સંકેતો આજ પણ મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક ગ્રંથોમાં જોઈ શકાય છે.
પ્રતિભાવો