પ્રત્યેક કર્મ અને ભગવાનની પ્રાર્થના, આધ્યાત્મિક ચિકિત્સા

પ્રત્યેક કર્મ અને ભગવાનની પ્રાર્થના, આધ્યાત્મિક ચિકિત્સા

પ્રેમમયી ભક્તિની પ્રક્રિયા પ્રાર્થનામાં છે. પોતાના વહાલા પ્રભુ પ્રત્યે જો પ્રેમ હોય, તેમના પ્રત્યે જો સઘન ભક્તિ હોય તો પ્રાર્થના સ્વતઃ સ્કુરિત થવા લાગે છે. પ્રાર્થનાના આ સ્વરો કેવળ શરીરની જ નહિ, પરંતુ સંપૂર્ણ જીવનની આધ્યાત્મિક ચિકિત્સા કરે છે. રોગ દૂર થાય છે, શોક દૂર થાય છે, સંકટ કપાય છે, સંતાપ શાંત થાય છે. જે સમયે આપણી ચારે બાજુ પીડા-પરેશાની અને વિપત્તિનાં વાદળો ઘેરાવા લાગે છે, અંધકાર છવાઈ જાય છે, કોઈ સાથી રહેતો નથી, તે સમયે જો આપણા અંતઃકરણમાં થોડોક પ્રભુ-વિશ્વાસ જાગી શકે તો આપણે બેબાકળા થઈ તેમને પોકારી ઊઠીએ છીએ – રક્ષા કરો ભગવાન ! તમારા સિવાય અમારું બીજું કોઈ નથી !

અને ત્યારે આપણામાંથી ઘણાનો અનુભવ છે કે પોકાર કરતાંની સાથે જ એવી કોઈ વિચિત્ર રીતે આપણી રક્ષા થાય છે, કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. ભયંકર રોગ, આકરો શોક ચમત્કારિક રીતે અનાયાસે જ દૂર થઈ જાય છે. આવું એટલાં માટે થાય છે, કે ભગવાન આપણાથી દૂર નથી. તે ભક્તવત્સલ ભગવાન પોતાનું સંપૂર્ણ જ્ઞાન, અનંત સામર્થ્ય અને ભાવભર્યો પ્રેમ લઈને હરઘડી આપણી સાથે રહે છે. બસ, તેમની સાથે હૃદયના તાર જોડાતાં જ તેમની સંપૂર્ણ શક્તિ આપણી રક્ષા માટે, ચિકિત્સા માટે, દુઃખ-વિષાદ દૂર કરવા માટે પ્રગટ થઈ જાય છે. જ્યાં તેમની અનંત શક્તિ, અપરિમિત પ્રેમને વ્યક્ત થવાની તક મળે છે ત્યાં કાળા વાદળો વિખેરાઈ જાય છે, નિર્મળ પ્રકાશ છવાઈ જાય છે.

પરંતુ વહાલા પ્રભુ સાથે આપણા હૃદયનો આ સંયોગ સ્થાયી થઈ શકતો નથી. પ્રાર્થનાના આ ચમત્કારનો અનુભવ કર્યા પછી પણ આપણું જીવન ભગવદ્ પ્રાર્થનામય બનતું નથી. અનુકૂળ પરિસ્થિતિ આવતાં જ આપણે વહાલા પ્રભુને, તેમની ભક્તિને ભૂલવા લાગીએ છીએ. તેનાથી ઊપજેલી પ્રાર્થનાની પ્રક્રિયા વિસરાવા લાગે છે. એટલે સુધી કે પ્રભુની પ્રાર્થના આવી અદ્ભુત અને ચમત્કારિક છે, એવી યાદ પણ ધીરેધીરે ધૂંધળી થવા લાગે છે.

પ્રાર્થના કેવી રીતે સફળ થાય છે ? પ્રાર્થના દ્વારા આધ્યાત્મિક ચિકિત્સા કઈ વિધિથી થાય છે? પ્રાર્થનાની પ્રક્રિયાનું વિજ્ઞાન શું છે? આવા સવાલો આપણા મન-મસ્તિષ્કમાં આવી અનુભૂતિ પછી પણ જળવાઈ રહે છે. તેના જવાબો આપણામાંથી કોઈને આ દુનિયાદારીની ઝઝંટોમાં શોધ્યા જડતા નથી. જો કે એ વધારે અઘરા નથી. તેને શોધી અને જાણી શકાય છે. એટલું જ નહિ, આપણામાંથી પ્રત્યેક વ્યક્તિ પ્રાર્થનાના વિજ્ઞાનથી પરિચિત થઈ શકે છે.

આ બાબતમાં વાત એટલી જ છે કે આપણું સામાન્ય વ્યાવહારિક જીવન નિમ્નસ્તરે પસાર થાય છે. આપણામાંથી લગભગ મોટા ભાગના લોકો સ્થૂળ શરીરની અનુભૂતિઓ અને સંવેદનોમાં જીવે છે. જીવનમાં ઊંડી વિચારણાની તક પણ લગભગ ભાગ્યે જ મળે છે. વૈચારિક એકાગ્રતા કે તન્મયતા કદાચ હોય તો પણ થોડીક ક્ષણો માટે અને એ પણ સાંસારિક-સામાજિક તેમ જ બાહ્ય જીવનના વિષયોને લીધે હોય છે. આંતરિક ચેતના સાથે જોડાવાની તો તક જ મળતી નથી. રહી વાત ભાવનાઓની, તો એ બાબતમાં આપણે સૌથી વધારે અસ્થિર અને આછકલાં સાબિત થઈએ છીએ. આપણો પ્રેમ ઈર્ષા, દ્વેષ તેમ જ પ્રપંચથી કલુષિત તથા મેલો હોય છે. આપણા રિસાવા-ભટકવાના કારણે આપણી ભાવનાઓ પળેપળ તૂટતી-વિખરાતી રહે છે. આપણે ન તો તેના સત્યથી પરિચિત થઈ શકીએ છીએ કે ન તો તેની શક્તિથી.

પરંતુ સાધારણ જીવન-સ્તર પર જીવવામાં આવતું સત્ય વિપત્તિની ક્ષણોમાં બદલાઈ જાય છે. રોગ-શોક અને સંકટની ભયાનક પળ આપણને વ્યાવહારિક જીવન તરફથી વિમુખ થવા માટે વિવશ કરે છે. જ્યારે એક એક કરીને બધા તરફથી આપણને નિરાશા મળે છે, ત્યારે આપણે આપણી ચેતનાના ઊંડાણમાં જ કોઈ સહારો શોધીએ છીએ. આપણી અંતર્મુખી ચેતના સ્થળ જગતમાંથી સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરે છે. ક્યાંય કોઈ પોતાનું ન મળતાં વિકળ ભાવનાઓ પહેલાં તો આંદોલિત અને ઉદ્વેલિત થાય છે, પછી એકાગ્ર થવા લાગે છે. આપણા અંતર્મુખી વિચારો આ એકાગ્રતાને વધારે સ્થિર કરે છે. આવામાં સંકટભરી પરિસ્થિતિઓ વારંવાર આપણને ચેતવે છે, કે વિચારી લે, ભગવાન સિવાય હવે આપણું કોઈ નથી.

વ્યાવહારિક જીવનની પળો એ આપણા સ્થૂળ શરીરનું તળિયું છે. વૈચારિક પ્રગાઢતા આપણને સૂક્ષ્મ ચેતનાની અનુભૂતિ કરાવે છે. ભાવનાત્મક એકાગ્રતામાં આપણે કારણ શરીરમાં જીવીએ છીએ. અહીં આપણે જેટલા વધારે સ્થિર-એકાગ્ર થઈએ છીએ, એટલી જ વધારે ભાવનાત્મક ઊર્જા એકઠી થાય છે. આપણી શ્રદ્ધાની પરમ સઘનતામાં આ સ્થિતિ તેની ચરમસીમાએ હોય છે. કારણ શરીરના આ સર્વોચ્ચ શિખર અથવા પોતાના અસ્તિત્વની ચેતનાના આ મહાકેન્દ્રમાં આપણે પરમ કારણ એટલે કે સ્વયં પ્રભુનો સ્પર્શ પામીએ છીએ. આપણી શ્રદ્ધાની સઘનતામાં થયેલો ભાવનાત્મક ઊર્જાનો આ વિસ્ફોટ આપણને સર્વેશ્વરની સર્વવ્યાપી ચેતના સાથે એકાકાર કરી દે છે. આ સ્થિતિમાં આપણા જીવનમાં એ પરમપ્રભુનો અસીમ ઊર્જા-પ્રવાહ ઊમટતો રહે છે અને પછી અસંભવ સંભવ થવા લાગે છે.

પરંતુ વિપત્તિનાં વાદળો હટતાં જ આપણે ફરી આપણા જીવનની ક્ષુદ્રતાઓમાં રસ લેવા લાગીએ છીએ. ફરીથી વિષય-ભોગો આપણને લોભાવે છે. લાલસાઓની લોલુપતા આપણને લલચાવે છે અને આપણે આપણી ભાવચેતનાના સર્વોચ્ચ શિખરથી પતિત થઈ જઈએ છીએ. પ્રાર્થનાએ આપણને જે મેળવી આપ્યું હતું તે ફરીથી ખોવાવા લાગે છે. આપણા સૌના સામાન્ય જીવનનું આ જ સત્ય છે. પરંતુ આ સંત અથવા ભક્ત, કે જેમને ભોગોની, લાલસાઓની કોઈ ઇચ્છા નથી, તેઓ હર પળ પ્રાર્થનામાં જીવે છે. તેમની ભાવચેતના સદાય એવી સ્થિતિમાં જ હોય છે, કે જ્યાં તેઓ સર્વવ્યાપી પરમેશ્વરના સંપર્કમાં રહી શકે. આ જ કારણે તેમની પ્રાર્થનાઓ ક્યારેય નિષ્ફળ જતી નથી.

આ જ કારણે પ્રાર્થનાશીલ મનુષ્યો આધ્યાત્મિક ચિકિત્સક બનીને આ સંસારમાં જીવન જીવે છે. અમે પરમ પૂજ્ય ગુરુદેવને આ જ રૂપમાં જોયા છે અને તેમની કૃપાનો અનુભવ કર્યો છે. તેમણે જીવનના દરેક શ્વાસને પ્રભુ-પ્રાર્થનામય બનાવી લીધા હતા. એક દિવસ તેઓ જ્યારે બેઠાં હતા, તેમનાં શ્રીચરણો પાસે અમે બધા બેઠાં હતા. સાધનાની ચર્ચા નીકળી તો તેમણે કહ્યું કે બેટા ! બધા જ યોગ, જપ, ધ્યાન એક બાજુ અને પ્રાર્થના એક બાજુ છે. પ્રાર્થના આ બધાથી ક્યાંય વધારે છે. આટલું કહીને તેમણે પોતાની અનુભૂતિ જણાવતાં કહ્યું- “મેં તો મારાં દરેક કર્મને ભગવાનની પ્રાર્થના સમાન બનાવી લીધાં છે. જો કોઈ તમારી પાસે મારા જીવનનું રહસ્ય જાણવા માગે તો તેને જણાવો, કે અમારા ગુરુજીનું પ્રત્યેક કર્મ તેમના શરીર દ્વારા કરવામાં આવેલી ભગવાનની પ્રાર્થના હતી. તેમના મનનું ચિંતન મનમાંથી પેદા થતા પ્રભુ પ્રાર્થનાના સ્વરો હતા. તેમની ભાવનાઓનું દરેક સ્પંદન ભાવોથી ભરપૂર પ્રભુ-પોકાર જ હતું. અમારા ગુરુદેવનું જીવન પ્રાર્થનામય જીવન હતું. આથી જ તેઓ સદાય પોતાના ભગવાન સાથે તન્મય થઈને જીવતા હતા. મીરાંના કૃષ્ણની જેમ તેમના ભગવાન તેમની સાથે, તેમની આસપાસ જ રહેતા હતા. તેઓ હમેશાં ભગવાનનું કહ્યું માનતા હતા અને ભગવાન તેમનું કહ્યું કરતા હતા.’

આ કથન એમનું છે, જેમને અમે અમારા પ્રભુ માનીએ છીએ. આ પ્રાર્થનામય જીવનના કારણે જ તેમણે અસંખ્ય લોકોની આધ્યાત્મિક ચિકિત્સા કરી. એક વાર તેમની પાસે એક યુવાન આવ્યો. તેની ચિંતા એ હતી કે તેના પિતાને કેન્સર થઈ ગયું હતું. તેણે જેવી પોતાની સમસ્યા ગુરુદેવને જણાવી કે તેઓ બોલ્યા- “બસ બેટા ! આટલી જ વાત છે, તું માને પ્રાર્થના કર. હું પણ તારા માટે પ્રાર્થના કરીશ.” ડોક્ટરો માટે કોઈ વસ્તુ અસંભવ હોઈ શકે, પરંતુ જગન્માતા માટે કંઈ પણ અસંભવ નથી અને ખરેખર એ યુવકે તેમની વાતને ગાંઠે બાંધી લીધી. થોડા દિવસ પછી જ્યારે તે ફરીથી તેમને મળ્યો, ત્યારે તેણે જણાવ્યું કે ખરેખર માએ તેની પ્રાર્થના સાંભળી લીધી. તેના પિતાને હવે ઘણું સારું છે. ગુરુદેવ કહેતા હતા, કે પ્રાર્થના કરતી વખતે આપણે એવું ન વિચારવું જોઈએ, કે અમુક કાર્ય અસંભવ છે. આ તો કેવી રીતે શક્ય બનશે! પરંતુ એવું વિચારવું જોઈએ, કે ભગવાન દરેક અસંભવ કાર્યને સંભવ કરી શકે છે. પ્રાર્થનાની આ પ્રગાઢતા તેમ જ નિરંતરતામાં ધ્યાનના પ્રયોગોની સફળતા સમાયેલી છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: