પૂર્વજન્મનાં દુષ્કર્મોનું પરિમાર્જન જરૂરી, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
પૂર્વજન્મનાં દુષ્કર્મોનું પરિમાર્જન જરૂરી, આધ્યાત્મિક ચિકિત્સા
પૂર્વજન્મમાં વર્તમાન જીવનનાં રહસ્યોનાં મૂળ છે, એને ખોઘા વિના, તેને સમજ્યા વિના જિંદગીની સૂક્ષ્મતાનો ભેદ પામી શકાતો નથી. અચેતનની શોધને આધુનિક મનોવિજ્ઞાન પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ માને છે. મનોવૈજ્ઞાનિક સંશોધનોની તમામ દીવાલો આ પાયા પર ટકેલી છે. કોઈપણ પીડા-પરેશાનીનું કારણ મનોચિકિત્સક અચેતનમાં શોધવાની કોશિશ કરે છે. આજના વૈજ્ઞાનિક સમુદાયમાં એ સત્યને સ્વીકારવામાં આવે છે કે જિંદગીની સમસ્યાઓનાં મૂળ માણસના મનમાં છે. અગણિત શોધ-પ્રયાસોએ એ તથ્યને પ્રામાણિકતા આપી છે કે રોગ શારીરિક હોય કે માનસિક, તેનાં બીજ માણસના અચેતન મનના પડમાં છુપાયેલાં હોય છે. આ સર્વમાન્ય સ્વીકારોક્તિને વિશેષજ્ઞોએ કેટલીય રીતે તપાસી – પરખીને સાચી ઠરાવી છે.
હા, એવો સવાલ જરૂર છે કે અચેતન મન શું છે? તો મનોવૈજ્ઞાનિક એના જવાબમાં કહે છે કે એ બીજું કંઈ નથી, આપણી વીતેલી કાલ છે. વીતી ગયેલી કાલમાં આપણે જે કાંઈ કર્યું, વિચાર્યું કે જે ભાવાનુભૂતિઓ અનુભવી, તેની ગાઢ રેખાઓ આપણા મનમાં અત્યારે પણ એવી ને એવી જ છે. તેને એમ પણ કહી શકીએ કે આપણી વીતેલી કાલની અનુભૂતિઓ જ અચેતનનું નિર્માણ કરે છે. જો આ અનુભૂતિઓમાં કટુતા, કડવાશ કે પીડા બાકી રહ્યાં છે તો તે રોગ શોકરૂપે પ્રકટ થાય છે. આનાથી અનેક દુઃખદ ઘટનાક્રમ જન્મ લે છે. જો અચેતનની સ્થિતિ સુધરેલી-વ્યવસ્થિત હોય તો જીવન સુખમય હોવાનાં લક્ષણ પણ બને છે.
ઘણુંખરું તમામ મનોચિકિત્સક અચેતનની એ પરિભાષા અને પ્રભાવથી સહમત છે, પરંતુ આધ્યાત્મિક ચિકિત્સક આ સત્યને ધાર્યા કરતાં વ્યાપક પરિદૃશ્યમાં જુએ છે. તેમનું કહેવું છે કે વીતેલી કાલની સીમાઓ કેવળ વર્તમાનની ક્ષણથી માંડીને બાળપણ સુધી સંકુચિત નથી. તેની સીમાઓ સારી એવી મોટી છે. એ એટલી વ્યાપક છે કે એમાં આપણા પૂર્વજન્મની અનુભૂતિઓ પણ સમાયેલી છે. પૂર્વજન્મમાં આપણા દ્વારા કરવામાં આવેલાં કર્મ, ગહનતાથી વિચારેલા વિચારો અને પ્રગાઢતાથી પોષેલી ભાવનાઓ પણ પોતાની સ્થિતિને અનુરૂપ વર્તમાન જીવનમાં સુખદ કે દુ:ખદ સ્થિતિને જન્મ આપે છે.
આધ્યાત્મિક ચિકિત્સાના આ સિદ્ધાંતને કેટલાય આધુનિક મનોચિકિત્સકોએ સ્વીકાર્યો છે. એમાંના એક ડૉ. બ્રાયન વીજ છે, જેઓ અમેરિકામાં ફલોરિડામાં આવેલ મિયામી શહેરમાં મનોચિકિત્સા કરી રહ્યા છે. ડૉ. વિજે પોતાના ચિકિત્સા-કાર્યમાં કેટલીય વાર જાણ્યું કે રોગીનાં દુઃખ-દર્દનું કારણ તેના વ્યક્તિત્વના અતલ ઊંડાણમાં છે. પહેલાં તો તેમણે પ્રચલિત વિધિઓનો પ્રયોગ કરીને મૂળ સુધી જવાની કોશિશ કરી, પરંતુ તેમને કોઈ ખાસ સફળતા ન મળી. હા, એમને એટલો જરૂર અહેસાસ થયો કે હજી વધુ ઊંડે ખોદકામની જરૂર છે અને એમણે નવી રીત શોધીને પોતાના રોગીના પાછલા જીવનમાં ઝાંખવાની કોશિશ કરી. આ કોશિશે ફક્ત તેમને સફળ જ ન બનાવ્યા, પરંતુ આ રીતે તેઓ પૂર્વજન્મની વૈજ્ઞાનિકતાને જાણવામાં સફળ રહ્યા.
ડૉ.વીજે પોતાના આ પ્રાયોગિક નિષ્કર્ષોને અલગ અલગ રીતે પુસ્તકોમાં પ્રકાશિત કર્યા, આ પુસ્તકોમાં “મૈસેજેસ ફ્રોમ ધ માસ્ટર્સ, મેની લાઈવ્સ, મેની માસ્ટર્સ, ઓનલી લવ ઇઝ રિયલ અને થ્રુ ટાઈમ ઈન ટુ હીલિંગ” મુખ્ય છે. તેમની આ વૈજ્ઞાનિક રચનાથી સંસારમાં આધ્યાત્મિક ચિકિત્સાની હકીકત જાણી-સમજી અને વાંચી શકાય છે. સાથોસાથ એ પણ અનુભવ કરી શકાય છે કે કોઈપણ રોગીની સફળ આધ્યાત્મિક ચિકિત્સા માટે તેના પૂર્વજન્મના જ્ઞાનનું શું મહત્ત્વ છે.
ડૉ.વીજના આ સત્યને ભગવદ્ ભૂમિ ભારતે યુગયુગાંતરથી અનુભવ્યું છે. યોગેશ્વર શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતામાં એ સત્ય જણાવતાં કહ્યું છે –
બહુનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુના | તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેલ્થ પરંતપ || (૪૫)
પરંતપ અર્જુન! મારા અને તારા બહુ જન્મો થઈ ચૂક્યા છે. તે બધાને તું જાણતો નથી, પરંતુ હું જાણું છું.
આ જાણકારી કોઈ પણ આધ્યાત્મિક ચિકિત્સકની યોગ્યતાને પ્રમાણિત કરે છે. જો કોઈમાં આ યોગ્યતા નથી તો તેની આધ્યાત્મિક ચિકિત્સા પણ તેના જેવી જ અધૂરી અને અપ્રામાણિક રહેશે.
આ યુગના મહાનતમ આધ્યાત્મિક ચિકિત્સક બ્રહ્મર્ષિ પરમપૂજ્ય ગુરુદેવ આ પ્રક્રિયામાં સિદ્ધહસ્ત છે. તેમણે અસંખ્ય પરિજનોના પૂર્વજન્મ જાણીને તેમનાં જીવનને પીડા-પરેશાનીથી મુક્ત કર્યા. એવી જ એક ઘટના શિવનારાયણ કુલકર્ણીના જીવનની છે. એ દિવસોમાં શ્રી કુલકર્ણી યુવાન હતા અને તાજેતરમાં જ તેઓ એમ.એસસી. (ભૌતિકવિજ્ઞાન)માં પ્રથમ વર્ગમાં પાસ થયા હતા. તેમનાં સ્વજનો તેમને શોધ-અધ્યયન માટે અમેરિકા મોકલવા ઈચ્છતા હતા. પાસપોર્ટ, વીઝા વગેરે તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. ખર્ચની પણ સગવડ થઈ ગઈ હતી, પરંતુ ત્યારે જ તેમને પાગલપનનો એટેક આવ્યો. સ્વજનોએ મેડિકલ કોલેજના સાઈકિએટ્રી વિભાગમાં તેમનો ઈલાજ કરાવ્યો, પણ સ્થિતિ સુધરી નહિ. ચિકિત્સક અને ચિકિત્સાલય બદલાતાં ગયાં અને સ્થિતિ બગડતી ગઈ.
હારે કો હરિનામ, મુસીબત પડે તો શ્રીરામ. ક્યાંકથી શોધીને તેઓ ગુરુદેવ પાસે આવી પહોંચ્યા. ગુરુદેવે ખૂબ ધ્યાનથી તેમને જોયા અને એમની આંખો છલકાઈ ગઈ. યુવક શ્રી શિવનારાયણ કુલકર્ણીના માતા પિતાએ જાણવા માગ્યું કે એમના આ દીકરાનું શું થશે? ઘર-પરિવારમાં સૌથી તેજસ્વી બાળક આવા ખરાબ પાગલપનની ઝપટમાં આવી ગયો હતો. એનાં ચિંતિત માતા-પિતા સામે જોતાં ગુરુદેવ બોલ્યા- “બેટા! તારા પુત્રની સમસ્યા ગંભીર છે. અને એ ઠીક થાય તે અસંભવ છે. એમ કરો, તમે લોકો હમણાં શાંતિકુંજમાં રહો અને કાલે મારી પાસે આવજો. ત્યારે કંઈક વિચારીશું.”
મોટીમોટી વિપત્તિઓને ચપટીમાં ઉકેલતા ગુરુદેવ આમ શા માટે કરી રહ્યા છે, તેનું રહસ્ય પાસે બેઠેલા કાર્યકર્તાઓને ન સમજાયું. એમણે જિજ્ઞાસાવશ પૂછયું – “ગુરુદેવ! આ યુવકના જીવનમાં કોઈ ગંભીર વાત છે શું?” આ પ્રશ્ન પર પહેલાં તો ગુરુદેવ મૌન રહ્યા પછી બોલ્યા બેટા ! એણે પૂર્વજન્મમાં ખૂબ મોટો અપરાધ કર્યો છે, એનાં જ ફળ આ રીતે પ્રકટ થઈ રહ્યાં છે. તેને કોઈ ઠીક કરી શકશે નહિ.” “તો શું થશે?” “જોઈશું.” કહીને તેઓ મૌન થઈ ગયા.
બીજા દિવસે તે યુવક અને તેનાં માતા-પિતા ફરીથી આવ્યાં. એ કાર્યકર્તા પણ કામસર પૂજ્યવર પાસે પહોંચ્યા હતા. ગુરુદેવે તેનાં માતા પિતાને કહ્યું- “હું તમને નિરાશ કરવા માગતો નથી. આનું આયુષ્ય પણ ઓછું છે. હું આને ઠીક તો કરી દઈશ, પણ એમાં સમય જશે. સ્થિતિ કઠિન જરૂર છે, પરંતુ હું પોતે તેણે પૂર્વજન્મમાં કરેલાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરીશ. સાથે જ મારી આધ્યાત્મિક શક્તિથી તેનાં મન-મસ્તિષ્કની શલ્ય ચિકિત્સા કરીશ. આ પ્રક્રિયા અનેક તબક્કે ચાલશે અને એમાં લગભગ બે-અઢી વર્ષ લાગશે.”
ગુરુદેવની આ વાતે યુવકનાં માતાપિતાને ધીરજ બંધાવી. વચ્ચે વચ્ચે ગુરુદેવને મળવા શાંતિકુંજ આવતાં રહ્યાં. એ યુવકમાં સમયની સાથે પરિવર્તન શરૂ થઈ ગયું અને સમય જતાં તે ઠીક પણ થઈ ગયો. પૂજ્યવરની આધ્યાત્મિક ચિકિત્સાના વિજ્ઞાનનો અનુભવ એ યુવકની સાથે સાથે તેનાં માતાપિતાએ પણ કર્યો. સાથોસાથ એ પણ જાણી શક્યાં કે પૂર્વજન્મમાં કરેલાં દુષ્કર્મ અને એનાથી ઊપજેલા રોગ – શોકનું પરિમાર્જન આધ્યાત્મિક રીતે જ શક્ય છે. આ વિધિથી પ્રારબ્ધના સુયોગ – દુર્યોગ બદલી શકાય છે.
પ્રતિભાવો