સદ્ગુરુની કૃપાથી ટળે છે ભવરોગ, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
સદ્ગુરુની કૃપાથી ટળે છે ભવરોગ, આધ્યાત્મિક ચિકિત્સા
યામિ ગુરું શરણં ભવવૈદ્યમ્ – જીવનના તમામ સાંસારિક રોગોના આધ્યાત્મિક ચિકિત્સક એ જ સદ્ગુરુ મારો આશ્રય છે. સમય અને પરિસ્થિતિઓ વિપરીત થવાથી જીવનની પ્રકૃતિ ઘણીવાર પ્રદૂષિત થાય છે. તેમાં વિકૃતિ અને વિકાર ફૂલેફાલે છે. કેટલીય જાતના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રોગ તેને ઘેરી વળે છે. સામાન્ય ચિકિત્સક નથી તેના મૂળ સુધી પહોંચી શકતા કે નથી તેનું સમાધાન કરી શકતા. તેનું કારણ એક જ છે કે તેનું સમાધાન સામાન્ય ઔષધીઓ નથી, પરંતુ ઉપયુક્ત જીવનસાધના છે. જે કેવળ સમર્થ આધ્યાત્મિક ચિકિત્સક જ બતાવી શકે છે. ટૂંકમાં કહીએ તો, સદ્ગુરુના સ્વરમાં જ સમાધાનનાં સૂત્રો હોય છે.
સવાલ પૂછી શકાય કે સદ્ગુરુ કોણ? તો આ મહાપ્રશ્નનો સરળ ઉત્તર એ છે કે સદ્ગુરુ એ છે, જે મનુષ્ય જીવનના દૃશ્ય અને અદૃશ્ય તમામ આયામોના મર્મજ્ઞ હોય છે. માનવીય ચેતનાની સંપૂર્ણતાનો એમને વિશેષ અનુભવ હોય છે. તેઓ આપણા વર્તમાનને જાણવાની જેવી ગહન ક્ષમતા ધરાવે છે, તેટલી જ જાણકારી અતીત વિશે પણ રાખે છે. સાથોસાથ તેમને આપણા ભવિષ્યનું પારદર્શક જ્ઞાન હોય છે. શરીરની કાર્યક્ષમતા, મનની વિચારશૈલી, ચિત્તમાં સમાયેલા જન્મ-જન્માંતરના કર્મ-સંસ્કાર, અહંકારની ગૂંચવાયેલી ગાંઠો – આ બધાં વિશે સદ્ગુરુ જાણે છે. તેમનામાં આનું પરિમાર્જન, પરિષ્કાર કરવાની અપૂર્વ ક્ષમતા રહેલી હોય છે. આ જ કારણે સદ્ગુરુનું મિલન આપણા મહાસૌભાગ્યનું સૂચક છે. આ એ સત્યનો ઉદ્ઘોષ છે કે આપણા જીવનની સંપૂર્ણ આધ્યાત્મિક ચિકિત્સાની શુભ ઘડી આવી ગઈ.
જેમને આવો અવસર મળ્યો છે, તેમની અનુભૂતિમાં આપણે આ સત્યનો અહસાસ પામી શકીએ છીએ. જે ક્ષણે આવી અનુભૂતિ થવાનો ક્રમ શરૂ થયો, તે દિવસોમાં આપણા પોતાના સદ્ગુરુ ગાયત્રી તપોભૂમિ, મથુરાને કેન્દ્ર બનાવીને પોતાની યોજનાને આકાર આપી રહ્યા હતા. એ વર્ષ ૧૯૫૫નું હતું. તપોભૂમિમાં વિશિષ્ટ યજ્ઞોની શૃંખલા ચાલી રહી હતી. એમાં (૧) ચારેય વેદોનાં પારાયણનો યજ્ઞ (૨) મહામૃત્યુંજય યજ્ઞ (૩) રુદ્ર યજ્ઞ (૪) વિષ્ણુયજ્ઞ (૫) શતચંડી યજ્ઞ (૬) નવગ્રહ યજ્ઞ (૭) ગણપતિ યજ્ઞ (૮) સરસ્વતી યજ્ઞ (૯) જ્યોતિષ્ટોમ (૧૦) અગ્નિષ્ટોમ વગેરે અનેક યજ્ઞોની પ્રક્રિયાનો સમાવેશ થયો હતો.
કર્મકાંડના મહાન વિદ્વાનોનું વિશિષ્ટ સંમેલન હતું આ મંત્રવિદ્યાના અનેક મહારથીઓ પધાર્યા હતા. કર્મકાંડના સ્થૂળ પ્રયોગ સૂક્ષ્મને કેવી રીતે પ્રભાવિત કરે છે? કેવી રીતે જીવન ચેતના રૂપાંતરિત થાય છે? મનુષ્યની અંતર્નિહિત શક્તિઓના જાગરણનો પ્રયોગ કેવી રીતે સફળ થાય? વગેરે અનેક ગંભીર પ્રશ્નો પર ચર્ચા ચાલી રહી હતી. પરમ પૂજ્ય ગુરુદેવ મૌનભાવે આ ચર્ચા સાંભળી રહ્યા હતા. સાંભળતાં-સાંભળતાં જ્યાં જરૂરી લાગતું, ત્યાં તેઓ પોતાની અનુભૂતિનો સ્વર જોડી દેતા. તેમની મૌલિકતાથી આ વિશદ ચર્ચામાં નવપ્રાણનો સંચાર થઈ જતો.
ચર્ચાના આ ક્રમમાં બહુ વિચિત્ર અવરોધ આવ્યો. સૌની નજર એક રોતાં-કકળતાં પ્રૌઢ દંપતી પર પડી, જેઓ પોતાના કિશોર પુત્રને લઈને આવ્યાં હતાં. તેમનો આ કિશોર પુત્ર કેટલીય જીર્ણ બીમારીઓથી પીડાતો હતો. લગભગ અસહાય અને અપાહીજ સ્થિતિ હતી તેની. નિસ્તેજ મુખ, નિસ્તેજ આંખો, કૃશકાય, લડખડાતાં ડગલા. બસ, તેનાં માતા-પિતાએ તેની લાવીને ગુરુદેવનાં ચરણોમાં મૂકી દીધો. “આપ જ બચાવી શકો છો મારા પુત્રને” – એક જ રટણ હતું એ બંનેનું. ગુરુદેવે ખૂબ આત્મીયતાથી તેમની વાતો સાંભળી. પછી તેમને થોડું સમજાવીને તેમના રહેવાની ઉચિત વ્યવસ્થા કરી આપી.
શું થશે આ અસાધ્ય રોગોથી ઘેરાયેલા કિશોરનું? ઉપસ્થિત તમામ મહાન વિદ્વાનોને જિજ્ઞાસા હતી. કેવી રીતે આચાર્યશ્રી એની ચિકિત્સા કરશે? આવા અનેક પ્રશ્નો એ તમામના મનમાં ઊઠી રહ્યા હતા. આ બાજુ, પરમ પૂજ્ય ગુરુદેવ પૂર્ણ પણે આશ્વસ્ત હતા. જાણે તેમણે તેની ચિકિત્સા પદ્ધતિ શોધી લીધી ન હોય ! તેઓ સહજ ઉપસ્થિત જનોને તેમની અનુત્તરિત જિજ્ઞાસા સાથે છોડીને પોતાની દિનચર્યામાં વ્યસ્ત થઈ ગયા. દિવસે યજ્ઞીય કાર્યક્રમ, વિદ્વાનોની ચર્ચાઓ તથા આવનારા પરિજનો-આગંતુકો સાથે મુલાકાત, બધું જ ચાલતું રહ્યું, પરંતુ ક્યાંક પોતાના મનના કોઈક ખૂણામાં સૌને આવતી કાલની પ્રતીક્ષા હતી.
બીજા દિવસે સવારે સૂર્યોદયની સાથે જ વેદમંત્રોના સ્વરો ગુંજવા લાગ્યા. સ્વાહાના ઘોષ સાથે સવિધિ યજ્ઞીય આહુતિઓ યજ્ઞકુંડમાં પડવા લાગી. ભગવાન જાતવેદસ્ પોતાના પ્રખર તેજ સાથે ભુવન ભાસ્કરને પડકાર ફેંકી રહ્યા હતા. એટલામાં સૌએ જોયું કે કાલે આવેલો તે કિશોર બાળક પોતાના પગે ચાલીને પોતાનાં માતાપિતા સાથે આવી રહ્યો હતો. એક રાતમાં આવો અપૂર્વ ચમત્કાર! સૌ અચરજમાં હતા. તેમના એ અચરજને વધારતાં તે કિશોર બાળકે કહ્યું -“આપ મને શિષ્ય રૂપે અપનાવી લો, ગુરુદેવ !”
ગુરુદેવે તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું- “બેટા! તું મારો પોતાનો જ છે. તું સદેવથી મારા આત્માનો અભિન્ન અંશ છે. પરેશાન ન થા, બધું ઠીક થઈ જશે.” “પણ કેવી રીતે આચાર્યજી?” એક વિદ્વાને પૂછી જ લીધું. જવાબ આપતાં ગુરુદેવ બોલ્યા – “મિશ્રજી ! બીમારી બે પ્રકારની હોય છે – અસંયમથી ઊપજેલી અને પ્રારબ્ધથી પ્રેરિત. આ બાળક રામનારાયણ પ્રારબ્ધથી પ્રેરિત બીમારીઓથી જકડાયેલો છે. જ્યાં સુધી તે પોતાના પ્રારબ્ધથી ગ્રસિત રહેશે, ત્યાં સુધી તેને કોઈ ઔષધ ફાયદો નહિ કરે. તેથી તેની એકમાત્ર ચિકિત્સા અધ્યાત્મ છે. હા, ઔષધીઓ શરીરના સ્તર પર એમાં સહયોગી સાબિત થઈ શકે છે.”
આમ કહીને ગુરુદેવ તે બાળકનાં માતા-પિતા તરફ ફર્યા અને કહ્યું “આપ ચિંતા ન કરો. આપનો પુત્ર રામનારાયણ આજથી મારો પુત્ર છે. આપે તેના શરીરને જન્મ આપ્યો છે. હું તેના જીવાત્માને નવો જન્મ આપીશ.” ગુરુદેવની વાતોથી માતા-પિતાને આશ્વાસન મળ્યું. આમ પણ તેઓ એક રાતમાં સારું એવું પરિવર્તન જોઈ ચૂક્યાં હતાં. ગુરુદેવના તપનો અંશ પામીને થોડાક જ મહિનામાં તે કિશોર રામનારાયણના ફક્ત શારીરિક રોગો દૂર થયા એમ નહિ, પરંતુ તેની માનસિક ચેતના પણ નિખરી. તેની બૌદ્ધિક શક્તિઓનો ભારે વિકાસ થયો. એટલું જ નહિ, રુચિઓ-પ્રવૃત્તિઓ પણ પરિષ્કૃત થઈ. તેનામાં ગાયત્રી સાધના પ્રત્યે ભારે અનુરાગ જાગી ઊઠ્યો. તેનામાં આ બધાં પરિવર્તન સદ્ગુરુની કૃપાથી આવ્યાં. એ જ સદ્ગુરુ, જે માનવજીવનનાં આધ્યાત્મિક રહસ્યોના મર્મજ્ઞ હતા.
પ્રતિભાવો