ભવિષ્યનું સંપૂર્ણ તથા સમગ્ર વિજ્ઞાન અધ્યાત્મ, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
ભવિષ્યનું સંપૂર્ણ તથા સમગ્ર વિજ્ઞાન અધ્યાત્મ, આધ્યાત્મિક ચિકિત્સા
આધ્યાત્મિક સારવારની બાબતમાં વિશ્વદૃષ્ટિ આ દિવસોમાં સાચા અર્થમાં બદલાઈ છે. વિશ્વભરના મનીષીઓનો દૃષ્ટિકોણ આશ્ચર્યજનક રીતે પરિવર્તન પામ્યો છે. લોકદષ્ટિ પણ આ બાબતમાં પરિમાર્જિત તથા પરિવર્તિત થઈ છે. આજથી થોડાં વર્ષો પહેલાં આધ્યાત્મિક સિદ્ધાંતો, તકનિકો તથા પ્રયોગોને અવૈજ્ઞાનિક ગણીને તિરસ્કૃત કરી દેવામાં આવતા હતા. લોકમાનસ પણ વૈજ્ઞાનિક પ્રયોગશાળામાંથી મળેલી જાણકારીઓને જીવનના સર્વોચ્ચ સંદેશના રૂપમાં સાંભળતાં તથા સ્વીકારતાં હતાં. એકવીસમી સદીનાં આ ચાર વર્ષોમાં પરિસ્થિતિમહદંશે બદલાઈ છે. વિશ્વ મનીષીઓને લાગવા માંડ્યું છે, કે પ્રાયોગિક ખરાઈ સિવાય આધ્યાત્મિક દૃષ્ટિકોણ તથા તકનિકોને નકારવી એ અવૈજ્ઞાનિકતાની પરાકાષ્ઠા છે. આ જ રીતે લોકમાનસને એ અનુભૂતિ થઈ, કે પ્રયોગશાળાઓમાંથી મળેલી જાણકારીઓમાં શુભની સાથે અશુભ પણ મળેલું હોય છે અને એના આંધળા ઉપયોગથી નુકસાન પણ થઈ શકે છે.
અનુભવોની આ શ્રેણીમાં બીજા અનુભવ પણ થયા છે. વૈજ્ઞાનિક સારવારનાં બધાં પાસાઓની અનેક અસફળતાઓ તથા ભારે દુષ્યભાવો પણ સામે આવ્યા. એ સત્ય સૌ જાણે છે, કે સૌએ આખી વીસમી સદી આડઅસર સાથે લડતાંઝઘડતાં તથા પછાડ ખાતાં વિતાવી છે. આડઅસરને લીધે કોણ જાણે કેટલાયે માસુમ મૃત્યુની ગોદમાં સૂઈ ગયાં છે. એક બીમારી ઠીક કરવાના ચક્કરમાં કોણ જાણે કેટલી બધી બીમારીઓ ભેટમાં મળે છે. દુનિયાભરના કર્ણધારોએ આ વિષય પર ચર્ચા પણ કરી, ચિતા પણ દર્શાવી, પરંતુ સમાધાન ન કરી શક્યા છેવટે થાકીહારીને બધાનું ધ્યાન વૈકલ્પિક સારવાર તરફ ગયું. ચુંબક ચિકિત્સા, રંગ ચિકિત્સા, એક્યુપ્રેશર અને કોણ જાણે કેટલીય તકનિકો અજમાવવામાં આવી. આ ક્રમમાં આધ્યાત્મિક તકનિકનાં પણ પારખાં કરવામાં આવ્યાં. એમાંથી જે પરિણામો મળ્યાં, એનાથી બધાને ખૂબ જ આશ્ચર્ય થયું, કેમ કે એમાં આશાતીત સફળતા મળી હતી.
એમાં સૌથી મોટી વાત તો એ છે, કે આધ્યાત્મિક તકનિકો અત્યાર સુધી ફક્ત અધકચરી રીતે જ તપાસવામાં આવી છે. એને અવ્યવસ્થિત અને અસ્તવ્યસ્ત રીતે જ પ્રયોગમાં લાવવામાં આવી છે. એની પ્રાયોગિક રીતમાં હજી એની વાસ્તવિક અને સંપૂર્ણ વિધિ-વ્યવસ્થા તો અપનાવવામાં જ નથી આવી. એમ છતાં પણ એમાંથી મળેલાં પરિણામોએ વૈજ્ઞાનિકોને દંગ કરી દીધા છે. એમાંથી મળનારી વિશ્રાંતિ, ઘટતું જતું તાણ, જીવન શક્તિમાં ખૂબ વધારો વગેરે એવાં પરિણામો છે કે જેણે બધાના દૃષ્ટિકોણને બદલી નાખ્યા છે. ક્યારેક એને અવૈજ્ઞાનિક કહેનારા વૈજ્ઞાનિકો એની વૈજ્ઞાનિકતાને સ્વીકારવા માટે મજબૂર થયા છે.
એમાંના કેટલાકે તો આ મુદ્દા પર પોતાના વિચારોનાં તારણો પણ પ્રકાશિત કર્યા છે. આ તારણોમાંથી એક છે-માર્ટિન રૂથ ચાઈલ્ડનું પુસ્તક “સ્પિરિચ્યલિટી એન્ડ ઈટ્રસ સાઈન્ટીફિક ડોમેન્શન્સ” એટલે કે, આધ્યાત્મિકતા અને એના વૈજ્ઞાનિક આયામો. માર્ટિન રૂથ ચાઈલ્ડપ્રખ્યાત ન્યૂરોલોજિસ્ટ છે. એમના દ્વારા કરવામાં આવેલી શોધોને વિજ્ઞાન જગતમાં સન્માનપૂર્વક સ્વીકારવામાં આવે છે. એમણે એમનાં પુસ્તકમાં આધ્યાત્મિક દષ્ટિ તથા સિદ્ધાંત અને પ્રયોગો સાથે સંબંધિત ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. એમનું કહેવું છે – “જેઓ આધ્યાત્મિક સિદ્ધાંતોની વૈજ્ઞાનિકતા પર કોઈપણ જાતનાં પ્રાયોગિક તારણો વિના પ્રશ્નો ઉપસ્થિત કરે છે, એમણે સૌથી પહેલાં પોતે વૈજ્ઞાનિક છે તેની તપાસ કરવી જોઈએ.”
રૂથ ચાઈલ્ડનું કહેવું છે, કે વિજ્ઞાન કોઈ પુસ્તક કે વિષયનું નામ નથી. આ એક વિશિષ્ટ શોધ-વિધિ છે, જે એક ખાસ પ્રકારનું અધ્યયન કરીને કોઈ સત્ય અથવા તો સિદ્ધાંતને પ્રમાણિત કરે છે. એમ કહેતાં માર્ટિન રૂથ ચાઈલ્ડ એક પ્રશ્ન કરે છે, કે આધ્યાત્મિક સિદ્ધાંતોને શું કોઈએ વૈજ્ઞાનિક શોધ-વિધિના આધારે ઓળખવાનો પ્રયાસ કર્યો છે? જો હા, તો પછી એનાં શોધપત્રો પર સાર્થક ચર્ચા થવી જોઈએ. જો ના, તો પછી એને કોઈએ અવૈજ્ઞાનિક કહેવાનો આધાર શું છે? આ રીતે તો અવૈજ્ઞાનિકતાની વાતો કરવી એ જ અવૈજ્ઞાનિક છે.
રૂથ ચાઈલ્ડ પોતાનાં આ પુસ્તકના એક ભાગમાં કહે છે કે અત્યારે આધ્યાત્મિક સારવારની ધ્યાન વગેરે જે તકનિકો પ્રયોગમાં લાવવામાં આવી રહી છે, એના પરિણામો ઉત્સાહજનક છે. એ ફક્ત સારવાર જગત માટે જ નહિ, પરંતુ સંપૂર્ણ માનવજત માટે કલ્યાણકારી છે. યોગ અને અધ્યાત્મની જે કોઈ પણ તકનિકો શારીરિક તથા માનસિક રોગોને ઠીક કરવા માટે પ્રયોગમાં લાવવામાં આવી રહી છે, એનાં પરિણામો કોઈ પણ વૈજ્ઞાનિકને એવું કહેવા મજબૂર કરી શકે છે કે “સ્પિરિચ્યલીટી ઈઝ ધ ઈંટીગ્રલ સાયન્સ ઓફ ધી ફયુચર’ એટલે કે, અધ્યાત્મ ભવિષ્યનું સંપૂર્ણ વિજ્ઞાન છે.
શારીરિક રોગોની સાથે આધ્યાત્મિક તકનિકોનો પ્રયોગ મનોરોગ પર પણ કરવામાં આવ્યો છે. આ બાબતમાં વિલિયમ વેસ્ટનું પુસ્તક “સાઈકોથેરેપી એન્ડ સ્પિરિચ્યલિટી” વાંચવાલાયક છે. આ પુસ્તકમાં પ્રખ્યાત મનોચિકિત્સક વિલિયમ વેસ્ટનું કહેવું છે કે હવે આ જમાનામાં મનોચિકિત્સા તથા અધ્યાત્મ વિદ્યા વચ્ચેની દીવાલ તૂટી રહી છે. મનોરોગોનો સાચો તથા સંપૂર્ણ ઈલાજ આધ્યાત્મિકતકનિકોના પ્રયોગથી જ શક્ય છે. એમણે એક બીજા શોધપત્રમાં એવું પણ કહ્યું છે, કે આધ્યાત્મિક જીવનશૈલીને અપનાવવાથી લોકોને માનસિક રોગોની સંભાવના રહેતી નથી. આ ક્રમમાં એમણે પ્રાર્થના તથા ધ્યાનને મનોરોગોનું કારગર ઔષધ ગણાવ્યાં છે.
અધ્યાત્મ સારવારની બાબતમાં વિશ્વદષ્ટિને પરિવર્તિત કરનારામાં ડૉ. બ્રાયન વીજનું નામ ઉલ્લેખનીય છે. વ્યવસાયે ડૉ. વીજ સાઈકિયાટ્રિસ્ટ છે, પરંતુ હવે તેઓ પોતાને આધ્યાત્મિક ચિકિત્સક કહેવડાવવાનું પસંદ કરે છે. એમનાં ઘણાં પુસ્તકો-જેની ચર્ચા પહેલાં પણ થઈ ચૂકી છે -અધ્યાત્મ ચિકિત્સાની સાર્થક ઉપયોગિતાને પ્રમાણિત કરે છે. એમનું કહેવું છે કે આધ્યાત્મિક સિદ્ધાંતો તથા સાધનાથી જ સંપૂર્ણ જીવનબોધસંભવ છે. ચિકિત્સાની બાબતમાં જ્યારે પણ વૈજ્ઞાનિક અસફળતાઓની વાત થાય છે ત્યારે એનું કારણ એકતરફી હોય છે. વિજ્ઞાન કહે છે કે માણસ ફક્ત દેહમાત્ર છે, જે સાચું નથી. આપણું જીવન દેહ પ્રાણ, મન તથા આત્માનો સંયોગ છે અને એ સંપૂર્ણ આયામ આધ્યાત્મિક દૃષ્ટિ વિના જાણી શકાતા નથી.
એક અન્ય વૈજ્ઞાનિક રિચર્ડ કાર્લસને પોતાના શોધ- નિષ્કર્ષ “સ્પિરિટ્યૂલિટી કમ્પ્લીટ સાયન્સ ઓફ લાઈફ” એટલે કે, આધ્યાત્મિકતા-જીવનનું સંપૂર્ણ વિજ્ઞાનમાં આ તથ્યોનો ખુલાસો કર્યો છે. એમનું માનવું છે કે અધ્યાત્મ સિવાય જીવનનું સંપૂર્ણ જ્ઞાન અસંભવ છે. કાર્લસન કહે છે કે જેવી રીતે કપાયેલી આંગળીઓ દ્વારા માનવ શરીરની સંપૂર્ણતાને જાણી શકાતી નથી તેવી રીતે ફક્ત શરીરના આધારે સંપૂર્ણ અસ્તિત્વને જાણવું અશક્ય છે. એમણે પોતાનાં પુસ્તકમાં આ બાબતમાં ઘણા સત્યો તથા તથ્યોનું વિશ્લેષણ કરતાં કહ્યું છે કે જેવી રીતે વીસમી સદી વિજ્ઞાનની સદી સાબિત થઈ છે એવી રીતે એકવીસમી સદી અધ્યાત્મની સદી રૂપે જોવાશે, જણાશે તથા અનુભવાશે. આધ્યાત્મિક જીવન-દૃષ્ટિ, અધ્યાત્મ સારવારના સિદ્ધાંત તથા પ્રયોગોને સૌ આ સદીની મહાન ઉપલબ્ધિ રૂપે અનુભવશે. એટલા માટે આધ્યાત્મિક સ્વાથ્યનો અર્થ સમજીએ તથા અધ્યાત્મ ચિકિત્સા તરફ ડગ માંડીએ એ યોગ્ય છે.
પ્રતિભાવો