તંત્ર એક સંપૂર્ણ વિજ્ઞાન, એક ચિકિત્સા પદ્ધતિ, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
તંત્ર એક સંપૂર્ણ વિજ્ઞાન, એક ચિકિત્સા પદ્ધતિ, આધ્યાત્મિક ચિકિત્સા
તંત્રવિજ્ઞાનની ટેકનિકો દરેક સ્થિતિમાં અસરકારક સાબિત થાય છે. આધ્યાત્મિક ચિકિત્સક તેનો ઉપયોગ વ્યક્તિનાં દુઃખ, દુર્ભાગ્ય, દોષ દીનતા, પીડા-પતન, વિકૃતિ-વિરોધ વગેરેના નિવારણ માટે કરે છે. જો આ ટેકનિકોનો ઉપયોગ વિધિસર કરવામાં આવે તો તેનો અચૂક પ્રભાવ પેદા થાય છે. સ્થિતિ ગમે તેવી હોય, વ્યક્તિ કોઈ પણ હોય, પરંતુ તેની અચૂક અસર થયા વિના રહેતી નથી. આ દુર્લભ વિજ્ઞાનના અધિકારી વિદ્વાનો આ યુગમાં ઓછા જોવા મળે છે, પરંતુ જે છે તેમના સાંનિધ્યમાં તેના ચમત્કારો અનુભવી શકાય છે. આવા વિશેષજ્ઞોનું કહેવું છે કે અધ્યાત્મ વિદ્યાના બે આયામો છે-એક આત્મિકી અને બીજો ભૌતિકશાસ્ત્ર. આત્મિકીને યોગ વિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રને તંત્રવિજ્ઞાન કહેવામાં આવે છે.
તંત્ર મહાવિદ્યાની સ્થિતિ પણ ખરેખર કંઈક એવી જ છે. જે વસ્તુઓને આપણે ઉપેક્ષિત તથા નકામી માનીએ છીએ, તેવી ચીજોનો તંત્રની ટેકનિકોમાં ખૂબ જ અસરકારક ઉપયોગ થાય છે. પદાર્થવિજ્ઞાને અણુ ભૌતિકી, કણ – ભૌતિકી તેમ જ ક્વૉન્ટમ – યાંત્રિકીની શોધ હમણાં દશક પહેલાં જ કરી છે, પરંતુ તંત્ર વિજ્ઞાનના નિષ્ણાતોએ હજારો વર્ષ પહેલાં આ તથ્યની શોધ કરી હતી. એટલું જ નહિ, તેના પ્રયોગની અનેક ટેકનિકો પણ વિકસિત કરી લીધી હતી. તંત્ર વિદ્યા દરેક પદાર્થને એક ઊર્જા સ્રોતના રૂપમાં જુએ છે અને માને છે તથા વ્યાવહારિક જીવનમાં તેના પ્રયોગની ટેકનિકોની શોધખોળ પાછળ લાગેલી રહે છે.
તંત્ર પોતાના સિદ્ધાંત તેમ જ પ્રયોગમાં એક સંપૂર્ણ વિજ્ઞાન છે. જેમને તેની વૈજ્ઞાનિકતા પર સંદેહ થતો હોય, તેમણે વિજ્ઞાન તથા વૈજ્ઞાનિક્તાની શૈલીને નવેસરથી વાંચવી-શીખવી જોઈએ. સાર્થક વૈજ્ઞાનિક દ્રષ્ટિ એવું કહે છે, કે કોઈ પણ સિદ્ધાંતની પ્રાયોગિક તપાસ કર્યા વિના તેને નકારી કાઢવી ન જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં કોઈ આગ્રહ કે માન્યતાઓને કોઈ સ્થાન નથી. તેમાં પ્રાયોગિક તારણો પર જ બધો આધાર હોય છે. તેમાં પ્રત્યક્ષીકરણ જ સિદ્ધાંતોનો આધાર બને છે. જેઓ વિજ્ઞાનના આ દર્શનનો સ્વીકાર કરતા હોય, તેમના માટે તંત્ર વિદ્યા એક નવા સંશોધન ક્ષેત્રનાં દ્વાર ખોલી આપે છે.
અધ્યાત્મ ચિકિત્સાના નિષ્ણાતો સદીઓથી આ જ કરતા આવ્યા છે અને અત્યારે પણ આ જ કરી રહ્યા છે. તંત્રનું આખું વિજ્ઞાન મૂળરૂપે પાંચ તત્ત્વો પર ટકેલું છે. જે રીતે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ- આ પાંચ તત્ત્વોથી સૃષ્ટિ બને છે, એવી જ રીતે ૧. પદાર્થ ૨. સ્થાન ૩. શબ્દ ૪. અંક અને ૫. સમય – આ પાંચ અવયવોના આધારે તંત્રની વૈજ્ઞાનિક પ્રક્રિયા ક્રિયાશીલ બને છે. આ પાંચેનો એક વિશેષ અર્થ છે, જેને જાણ્યા પછી જ તેનો પ્રયોગ કરી શકાય છે. આ ક્રમમાં સૌથી પહેલો છે ‘પદાર્થ.” આ અંગે આધુનિક વૈજ્ઞાનિકોની જેમ તંત્ર નિષ્ણાતો પણ માને છે, કે બ્રહ્માંડીય ઊર્જાની જુદીજુદી ધારાઓએ એક ખાસ ક્રમમાં ગોઠવાઈને આ સૃષ્ટિના વિભિન્ન પદાર્થોની રચના કરી છે. આ સૃષ્ટિનો દરેક અવયવ, પછી ભલે તે વસ્તુ હોય કે પ્રાણી અથવા વનસ્પતિ હોય, આ બધું ઊર્જાનું જ સઘન રૂપ છે.
જગત અને જીવનના આ સત્યને વૈજ્ઞાનિકો પણ સ્વીકારે તો છે, પરંતુ તેઓ સૃષ્ટિના દરેક અવયવને સંપૂર્ણ રીતે અથવા આંશિક રીતે ઊર્જામાં રૂપાંતરિત કરવાની કળા જાણતા નથી. જ્યારે તાંત્રિકો આવું કરી શકવામાં સમર્થ હોય છે. તેઓ પોતાના પ્રયોગોમાં સૃષ્ટિના દરેક અવયવનો, ભલે તે જીવિત હોય કે મૃત, તેમાં રહેલી ઊર્જાનો ઉપયોગ કરી શકે છે. વૃક્ષોનાં મૂળિયાં કે પાંદડાં, પશુ-પક્ષીઓ તથા માણસોના નખ કે વાળ સુધ્ધામાં સમાયેલી ઊર્જાનો તેઓ યોગ્ય ઉપયોગ કરી લે છે. આ પ્રયોગોમાં બીજો ક્રમ “સ્થાન’નો છે. વિશેષજ્ઞોનું માનવું છે, કે બ્રહ્માંડીય ઊર્જા-ધારાઓ દરેક સ્થળે એક ચોક્કસ રીતથી કેન્દ્રીભૂત થાય છે. આથી કઈ ઊર્જાનો, કઈ રીતે, શું ઉપયોગ કરવો છે તેના આધારે સ્થળની પસંદગી કરવામાં આવે છે. આવું સ્થળ મંદિર કે દેવાલય પણ હોઈ શકે છે અને પીપળ, વડ વગેરે વૃક્ષોની છાયા અથવા નદીનો કિનારો કે સ્મશાન પણ હોઈ શકે છે.
તંત્ર વિજ્ઞાનમાં ત્રીજું પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ “શબ્દ છે. શબ્દની તન્માત્રા આકાશ છે. આકાશ પરમ તત્ત્વ છે. એમાંથી જ અન્ય તત્ત્વો નીપજે છે. આ જ કારણે તંત્રવિજ્ઞાને આકાશ તત્ત્વને પોતાની સાધનાના આધાર તરીકે સ્વીકાર્યું છે. શબ્દથી બીજાક્ષરો તેમ જ મંત્રાક્ષરોના વિધિસર પ્રયોગથી તંત્ર વિશેષજ્ઞો બ્રહ્માંડની ઊર્જ-ધારાઓની દિશાને નિયંત્રિત તેમ જ નિયોજિત કરે છે. વાંચનાર ભલે આને અસંભવમાને પણ આ હકીકત છે. તેને કોઈ પણ અનુભવી શકે છે. તંત્રવિદ્યામાં શબ્દનો પ્રયોગ અતિશય રહસ્યમય છે અને તરત જ પ્રભાવ પેદા કરનારો છે. એમાંય કેટલાક બીજાક્ષરો તો એવા છે, કે જે એક-દોઢ અક્ષરના હોવા છતાં, સિદ્ધ થઈ ગયા પછી થોડીક જ ક્ષણોમાં ચમત્કાર પેદા કરવા લાગે છે.
આ ક્રમમાં ચોથા તત્ત્વના રૂપમાં “અંકનું સ્થાન છે. તંત્રવિદ્યામાં શબ્દોની જેમ અંકો પણ મહત્ત્વ ધરાવે છે. આ અંકો અને કેટલીક ચોક્કસ રેખાકૃતિઓના સંયોજનથી યંત્રોનું નિર્માણ થાય છે. આ યંત્રોની પૂજ પ્રતિષ્ઠા તથા વિધિસરની સાધના દ્વારા વિશિષ્ટ ઊર્જા-ધારાઓ તેમાં કેન્દ્રિત કરવામાં આવે છે. તેને જ યંત્રની સિદ્ધિ કે જાગૃતિ કહેવામાં આવે છે. આવું કર્યા પછી યંત્ર એક ટ્રાન્સ્ફૉર્મર જેવું કામ કરવા લાગે છે એટલે કે તે પોતાનામાં કેન્દ્રિત થયેલી ઊર્જાને ઇચ્છિત ઉદ્દેશ્યની પૂર્તિ માટે યોગ્ય બનાવે છે. આ વિજ્ઞાનનું પાંચમું તત્ત્વ “સમય’ છે. જેના પર આખી પ્રયોગ પ્રક્રિયા નિર્ભર રહે છે. તેની અંદર ઉપરનાં ચારે તત્ત્વોનો સંયોગ ક્યારે, કઈ વિશેષ ક્ષણે કરવામાં આવે તે જાણવું પડે છે.
આ પ્રવાહમાન સૃષ્ટિમાં તેમાં સંવ્યાપ્ત ઊર્જા-ધારાઓ પણ પ્રવાહિત છે. તેમાં દરેકની સ્થિતિ, ક્ષમતા, પ્રકૃતિ, દિશા વગેરે જુદાંજુદાં હોય છે. કોઈ ચોક્કસ ક્ષણોમાં એક વિશિષ્ટ રીતે તેમનું મિલન થાય છે. આ ક્ષણોમાં તેમનો વિશેષ પ્રભાવ પદાર્થ પર પણ પડે છે અને સ્થાન પર પણ પડે છે. મંત્ર અથવા યંત્ર સાધના પણ આનાથી પ્રભાવિત થાય છે. આ જ કારણે વિશેષ સાધનાઓ માટે વિશેષ ક્ષણોની પસંદગી કરવી પડે છે. જેમ કે ગ્રહણનો સમય, દિવાળી કે હોળીની રાત્રિ અથવા તો પછી શિવરાત્રિ કે નવરાત્રિનો પ્રસંગ. કેટલાક વિશેષ યોગો પણ આમાં જરૂરી માનવામાં આવ્યા છે, જેવા કે ગુરુપુષ્યામૃત યોગ, રવિપુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિયોગ, અમૃતસિદ્ધિયોગ વગેરે. આવી પુણ્ય ક્ષણોમાં તંત્રોક્ત પ્રયોગો ઝડપથી ફળદાયી નીવડે છે.
જેને આ બધાનું સંપૂર્ણ જ્ઞાન હોય છે, તે જ પોતાની આધ્યાત્મિક ચિકિત્સામાં તંત્રની ટેકનિકોનો પ્રયોગ કરવામાં સક્ષમ નીવડે છે. તાંત્રિકોના આરાધ્ય બાબા કીનારામ આ પ્રક્રિયાના પરમ વિશેષજ્ઞ હતા. તેમના વિશે એવું કહેવાતું હતું કે જે બાબા વિશ્વનાથ કરી શકે છે તે બાબા કીનારામ પણ કરી શકે છે. પોતાની બાબતમાં આવી ઉક્તિ સાંભળી તેઓ હસીને કહેતા – “અરે! અહીં બીજું છે પણ શું? અહીં તો બધું કણોની ધૂળની આંધી છે. મહામાયાની ઊર્જાની માત્ર રમત છે. તેમણે જે બતાવી દીધું છે એ જ હું કરતો રહું છું. એક વાર તેમને ત્યાં એક પ્રૌઢ સ્ત્રી પોતાના વીસ વર્ષના દીકરાને લઈને આવી. તેનો દીકરો લગભગ મરણ પથારીએ હતો. બધા ડોક્ટરોએ તેને અસાધ્ય જાહેર કરી દીધો હતો. તે જ્યારે બાબા કીનારામ પાસે આવી ત્યારે તેમણે કહ્યું – “અત્યારે જા, સાંજના સમયે આવજે.” તે ખૂબ રડી, કરગરી, પણ તેઓ માન્યા નહિ. એક નજર સૂરજ તરફ કરી અને સાંજે આવવાનું કહી દીધું.
એક લાચાર સ્ત્રી બીજું કરે પણ શું? રોતી કકળતી જતી રહી. ફરી પાછી સાંજે આવી. બાબા કીનારામે ત્યાં ઘાટ પાસેથી એક પાંદડું તોડ્યું અને તેનો રસ તે યુવાનના મોઢામાં નિચોવી દીધો. જ્યારે તે મરણ પથારીએ પડેલો યુવાન ઊઠીને બેઠો થયો, ત્યારે સૌને ભારે અચરજ થયું. ઉપસ્થિત લોકો બાબાનો જયજયકાર કરવા લાગ્યા. આથી એ બધાંને વઢીને બોલ્યા- “અરે ! જય બોલવી હોય તો મહાકાલની બોલો. આ ક્ષણની જય બોલો. આ ક્ષણનું વિશેષ મહત્ત્વ છે. આમાં પ્રયોગ કરવામાં આવેલ ઔષધિ અને મંત્ર મડદામાં પણ પ્રાણ પૂરી શકે છે.’ વાસ્તવમાં બાબા કીનારામ દ્વારા પ્રયોગ કરવામાં આવેલી ચિકિત્સાની આ વિશેષ વિધિ હતી, કે જે મંત્ર ચિકિત્સા પર આધારિત હતી. તેના સફળ પ્રયોગે તે યુવાનને નવજીવન આપ્યું હતું.
પ્રતિભાવો