વાતાવરણની દિવ્ય આધ્યાત્મિક પ્રેરણાઓ, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
વાતાવરણની દિવ્ય આધ્યાત્મિક પ્રેરણાઓ, આધ્યાત્મિક ચિકિત્સા
આધ્યાત્મિક વાતાવરણમાં રહેવાથી વ્યક્તિનાં તન, મન અને જીવનની આધ્યાત્મિક ચિકિત્સા આપોઆપ થયા કરે છે. બસ અહીં રહેનાર વ્યક્તિ ગ્રહણશીલ હોવી જોઈએ નહિતર એની પરિસ્થિતિ ગંગાજળમાં રહેનારી માછલી, કાચબા જેવી જ બની રહે છે. તે ગંગાજળનો ભૌતિક લાભ તો ઉઠાવે છે, પરંતુ એની ચેતના એનાં આધ્યાત્મિક સંવેદનોથી સંવેદિત થતી નથી. આનાથી ઊલટું, ગંગા કિનારે રહેનારા, ગંગાજળથી પૂજા-અર્ચના કરનારા તપસ્વી, યોગી ક્ષણેક્ષણે પોતાના શરીરની સાથે પોતાના અંતર્મનને પણ એનાથી ધોતા રહે છે. એમનામાં આધ્યાત્મિક જીવનની જ્યોતિ વધતી રહે છે. શ્રદ્ધા અને સંસ્કાર હોય, વિચાર અને ભાવનાઓ સંવેદનશીલ હોય તો આધ્યાત્મિક વાતાવરણનું સાંનિધ્ય જીવનમાં ચમત્કાર ઉત્પન્ન કર્યા વિના રહેતું નથી.
વરસાદ હોય તો મેદાન હરિયાળીથી ભરાઈ જાય છે. હવાની દિશા બરાબર હોય તો નાવિકની મુસાફરી સરળ થઈ જાય છે. આ જ પરિસ્થિતિ વાતાવરણની વૈચારિક અને ભાવનાત્મક ઊર્જાની બાબતમાં છે. જે આ ઊર્જા પ્રેરક અને સકારાત્મક હોય તો ત્યાં રહેનારનાં મન આપોઆપ જ આનંદથી ભરેલાં રહે છે. અંતર્મનમાં નવીનવી પ્રેરણાઓનો પ્રવાહ ઊમટતો રહે છે. જીવન ખરા અર્થમાં ગતિશીલ રહે છે અને એની દશા સુધરતી રહે છે. આનાથી ઊલટી પરિસ્થિતિ થતાં મનમાં વિષાદ, અવસાદનાં ચક્રવ્યૂહોનો વિકાસ થાય છે. પ્રાણશક્તિ પોતે જ નિર્બળ થતી રહે છે. જીવનને અનેક પ્રકારની આધિ-વ્યાધિ ઘેરી વળે છે. જેમને વાતાવરણની સૂક્ષ્મતાનું જ્ઞાન છે તેઓ પણ આ સત્યનો અનુભવ કરે છે.
પ્રત્યેક સ્થાન સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના ક્રમિક આવરણોથી ઘેરાયેલું હોય છે. એમાંનું સ્થૂળ તત્ત્વ જે બધાને નરી આંખે દેખાય છે, તે વાતાવરણની સૃષ્ટિ રચે છે. આસપાસની પરિસ્થિતિ, ઈમારતો, સ્કૂલ-સંસ્થાઓ, ત્યાં રહેનારા લોકો એનાથી જ વાતાવરણનો પરિચય મળે છે. આ સ્થૂળ આવરણ સિવાય પ્રત્યેક સ્થાનમાં પર્યાવરણનું સૂક્ષ્મ આવરણ પણ હોય છે. આ પરિસ્થિતિ પંચમહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશના સમન્વય અને સંતુલન પર આધાર રાખે છે. આ સમન્વય અને સંતુલનની પરિસ્થિતિ કેટલી સુધરેલી કે બગડેલી છે તે અનુસાર એના સત્પ્રભાવ કે દુષ્પ્રભાવ તે સ્થાને જોવા મળે છે. જો પર્યાવરણ અસંતુલિત હોય તો અનાયાસ જ શારીરિક બીમારીઓ, મનોરોગ વિકસતા રહે છે. સૌ જાણે છે કે આ દિવસોમાં વિશિષ્ટ લોકોની સાથે સામાન્ય લોકોની પણ પર્યાવરણ પ્રત્યેની જાગરૂકતા વધી છે અને તેઓ એની અસરોનો અનુભવ કરવા લાગ્યા છે.
આ સ્થળ તથા સૂક્ષ્મ આવરણો ઉપરાંત પ્રત્યેક સ્થાનમાં એક કારણ આવરણનું પડ ચડેલું રહે છે. આ પડ ત્યાંનાં વાતાર્ એટલે કે હવામાં વ્યાપ્ત વિચારો, ભાવનાઓ તથા પ્રાણ પ્રવાહનું હોય છે. એનાથી વ્યક્તિના વિચારો પ્રેરિત તથા પ્રભાવિત થાય છે. તેને અનુરૂપ જ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. સામાન્ય રીતે આ પડ સકારાત્મક અને નકારાત્મક વિચારો, ખરાબ તથા સારી ભાવનાઓ અને ઘણુંખરું પ્રદૂષિત પ્રાણ-પ્રવાહનું મિશ્રણ હોય છે. આ દિવસોમાં એની પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે. આ જ કારણે, જન સામાન્ય પ્રદૂષિત પ્રેરણાઓથી ગ્રસ્ત છે. તે ભ્રમિત તથા ભટકેલ છે. એનું તન-મન તથા જીવન ખરાબ રીતે બીમારીઓની લપેટમાં છે.
પરિવેશના પરિદૃશ્યની ચિંતા બધા જ કરે છે. પર્યાવરણને લઈને પણ આંદોલનો કરવામાં આવે છે, પરંતુ પ્રેરણાઓના સ્રોત વાતાવરણ તરફ કોઈનું પણ ધ્યાન નથી, જ્યારે પ્રાચીન ભારત આ દૃષ્ટિએ સંપૂર્ણ રીતે સમૃદ્ધ અને સંપન્ન હતું. સ્થળ-સ્થળે સ્થપાયેલા તીર્થસ્થળો, મહામાનવોની તપોભૂમિ, સિદ્ધપીઠો આ મહાન આવશ્યકતાઓને પૂર્ણ કરતાં હતાં. અહીંનાં આધ્યાત્મિક વાતાવરણના સંપર્કમાં વ્યક્તિ પોતાના જીવનની ઉચ્ચસ્તરીય પ્રેરણાઓથી લાભ મેળવતી હતી. આજે તો તીર્થસ્થાનો, દેવાલયોને પણ ભોગ-વિલાસ તથા મનોરંજનનું કેન્દ્ર બનાવી દેવામાં આવ્યાં છે. ભાવભરી પ્રેરણાઓ ત્યાંથી અલોપ થઈ ગઈ છે. આ જ કારણે, માનવીય વ્યક્તિત્વ દિવસે-દિવસે રોગી થતું જાય છે.
એની ચિકિત્સા માટે ભારતના આઝાદીના સંઘર્ષ સમયે હતો તેવો આધ્યાત્મિક વાતાવરણનો સમર્થ આધાર જરૂરી છે. આ બાબતમાં યોગીવર મહર્ષિ શ્રી અરવિંદના ભાઈ વારીંદ્રએ પોતાનાં સંસ્મરણોને સુંદર રીતે આલેખ્યાં છે. એમણે લખ્યું હતું, “અમારા વ્યક્તિત્વને ઉચ્ચસ્તરીય બનાવવા માટે અમારી આધ્યાત્મિક ચિકિત્સા-ભૂમિ દક્ષિણેશ્વર હતી. આ પવિત્ર સ્થાનનું સ્મરણ જ અમને બધાને સ્કૂર્તિથી ભરી દેતું હતું. એનું કારણ ફક્ત એ જ હતું કે ભગવાન શ્રીરામકૃષ્ણ અહીં અદ્ભુત અને અપૂર્વ તપશ્ચર્યાઓ પૂર્ણ કરી હતી. અહીંની માટીમાં એમના તપના સંસ્કાર હતા. અહીંનાં વૃક્ષ-વનસ્પતિઓમાં ઉચ્ચસ્તરીય જીવનની ભાવનાઓ સમાયેલી હતી. અહીંની હવાઓમાં અમે લોકો એ મહામાનવના મહાપ્રાણની અનુભૂતિ કરતા હતા.”
“દક્ષિણેશ્વરની પવિત્ર માટીને પોતાના માથા પર લગાડીને અહીંનાં વૃક્ષોની નીચે બેસીને અમારા બધાનાં મનનો અવસાદ દૂર થતો હતો.” વારીંદ્ર આ કથાને આગળ વધારતાં કહે છે, “સ્વાધીનતા સંઘર્ષનો એ સમય અમારામાંથી કોઈના માટે સહેલો ન હતો. વિપરીતતાઓ વિપન્નતાઓ ભયાનક હતી. ડગલે ને પગલે સંકટો હતાં. ક્યારે શું થઈ જાય કંઈ નક્કી ન હતું. એવામાં તંદુરસ્ત માણસ પણ મનોરોગી બની જાય. જીવનશૈલી એવી કે ખાવું-પીવું, સૂવું એટલે સુધી કે જીવન પણ હરામ. એવામાં શરીર રોગોથી ઘેરાઈ જાય તેમાં કોઈ આશ્ચર્યની વાત નહતી, પરંતુ અમને બધાને દક્ષિણેશ્વરની માટી પર ઊંડી આસ્થા હતી. આ માટીથી તિલક કરીને અમે ઊર્જાવાન થતા હતા. આ ભૂમિ અમારી બધી રીતે ચિકિત્સા કરતી હતી.”
આ આશ્ચર્યજનક પરંતુ સત્યનો અર્થ શ્રદ્ધાળુ સમજી શકે છે. એવો અનુભવ કરી શકે છે કે વાતાવરણની આધ્યાત્મિક પ્રેરણાઓ કેવી રીતે વ્યક્તિત્વને પ્રેરિત, પ્રભાવિત તથા પરિવર્તિત કરે છે. વારીંદ્રની આ અનુભૂતિ-કથાની આગળની કડીનું સત્ય એ છે કે જ્યારે અંગ્રેજ પોલીસ કૅપ્ટન મહર્ષિશ્રી અરવિંદની ધરપકડ કરવા એમના રૂમમાં આવ્યા ત્યારે તેમને એક ડબ્બી મળી. આ ડબ્બીમાં દક્ષિણેશ્વરની માટી હતી. સાધારણ માટી એટલી સંભાળથી રાખવામાં આવી હતી કે અંગ્રેજ કેપ્ટનને એના ઉપર વિશ્વાસ ન આવ્યો. એણે કેટલીય રીતે પૂછપરછ કરી, પણ એને અનુકૂળ તારણ ન નીકળ્યું, કેમ કે એ માટીને તે બૉમ્બ બનાવવાનું રસાયણ સમજી રહ્યો હતો. તેણે એને પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલી દીધી.
પ્રયોગશાળાના પરિણામોએ એને વ્યાકુળ બનાવી દીધો, કારણ કે પરિણામો પણ એને માટી બતાવી રહ્યાં હતાં, પરંતુ એ માનવા તૈયાર નહતો કે એ માટી હોઈ શકે. બધા ક્રાંતિકારીઓએ આ અંગે એની ખૂબ મજાક ઉડાવી. વારીંદ્રએ આ ઘટના અંગે પોતાનો અભિપ્રાય આપતાં લખ્યું હતું કે, “એ અંગ્રેજ કૅપ્ટન એક રીતે સાચો હતો. તે માટી સાધારણ પણ નહોતી. તે એકદમ અસાધારણ હતી. કેમ કે તેમાં દક્ષિણેશ્વરના પરમહંસદેવની ચેતના સમાયેલી હતી, જે અમારા બધાના જીવનનું ઔષધ હતી.” આધ્યાત્મિક વાતાવરણના આ સત્યના દિવ્ય પ્રભાવ ખૂબ સઘન છે, પરંતુ જે સંયમ તથા સદાચારના પ્રયોગોમાં મગ્ન હોય તે જ એનો અનુભવ કરી શકે છે.
પ્રતિભાવો