ચિકિત્સકનું વ્યક્તિત્વ તપ: પૂત હોય છે, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
ચિકિત્સકનું વ્યક્તિત્વ તપ:પૂત હોય છે, આધ્યાત્મિક ચિકિત્સા
ચિકિત્સક અને દર્દી વચ્ચેનો સંબંધ પવિત્રતા અને પ્રામાણિકતાના તાણા-વાણાઓથી વણાયેલો હોય છે. સારવારની પદ્ધતિ ભલે ગમે તે હોય અથવા દર્દીની પ્રકૃતિ ગમે તેવી હોય, પણ તે બંને વચ્ચેના સંબંધોનો આધાર આ જ હોય છે. હા, આધ્યાત્મિક સારવારના ક્ષેત્રમાં આ પવિત્રતા અને પ્રામાણિકતા અપેક્ષા કરતાં અનેકગણી સઘન થઈ જાય છે, કારણ કે આધ્યાત્મિક સારવારમાં ચિકિત્સકનું વ્યક્તિત્વ તપ-સાધનાના ઊર્જા -તરંગોથી બનેલું હોય છે અને તપની પરિભાષા તથા તપસ્વી હોવાનો અર્થ જ પવિત્રતા છે. વ્યક્તિત્વમાં પવિત્રતા જેટલી વધે છે, એટલાં જ પ્રમાણમાં આધ્યાત્મિક પાત્રતા વિકસિત થાય છે. એટલાં જ પ્રમાણમાં વ્યક્તિની પ્રામાણિકતા વધતી જાય છે. આ જ તત્ત્વ દર્દીને પોતાના ચિકિત્સક પ્રત્યે આસ્થાવાન બનાવે છે.
આમ પણ આ સંબંધોને જાળવવાની, ગરિમાપૂર્ણ બનાવવાની વધુ જવાબદારી ચિકિત્સકની હોય છે. દર્દી તો દર્દી જ છે. તેનું જીવન તો અનેક પ્રકારની શારીરિક-માનસિક દુર્બળતાઓથી ઘેરાયેલું છે. આ દુર્બળતાઓ અને નબળાઈઓ જ તેને રોગી બનાવે છે. આથી તેના અટપટા આચરણને ક્ષમા કરવા યોગ્ય ગણી શકાય, પરંતુ ચિકિત્સકની કોઈ પણ ખામી-નબળાઈ હમેશાં અક્ષમ્ય હોય છે. તેને તેની કોઈ ભૂલ માટે ક્યારેય માફ ન કરી શકાય. આ જ કારણે ચિકિત્સકે પોતાની પવિત્રતા તથા પ્રામાણિકતાને કસોટીની એરણ પર કસતા રહીને સાચા સાબિત થવું જોઈએ.
ચિકિત્સકનાં સંવેદન-સૂત્રો સાથે દર્દીને આત્મીયતા હોય છે. તેની સંવેદના પર વિશ્વાસ રાખીને જ દર્દી પોતાની મુશ્કેલીઓ કહેવા જણાવવાની હિંમત એકઠી કરી શકે છે. આ દુનિયામાં સૌથી વધારે ખોટ પોતાપણાની છે. દર્દી પોતાનાં સગા-સંબંધીઓને પોતાની વ્યથા કહી શકે તે જરૂરી નથી, કારણ કે કહેવાતા અંગત સંબંધોની પોકળતા જગજાહેર છે. ક્યારેક ક્યારેક તો સંબંધોની આ પોકળતા અને ખાલીપો જ તેના રોગોનું કારણ હોય છે. પોતાની એવી વાતો, જે દર્દી કહી શકતો નથી; એવું દુ:ખ-દર્દ, જે કોઈને વહેંચી શકાતું નથી; વ્યથાની એવી કથા, જે વણકહી રહી ગઈ છે – આ બધું તે માત્ર પોતાના ચિકિત્સકને જ જણાવવા-સંભળાવવા ઇચ્છે છે. ચિકિત્સકની સંવેદનાના આધારે જ તે આવું કરવાની હિંમત કેળવી શકે છે. એક દર્દી માટે ચિકિત્સક કરતાં પોતાનું વધારે અંગત બીજું કોઈ હોતું નથી. આથી ચિકિત્સકનું કર્તવ્ય છે કે તે આ સંબંધ સૂત્રોની દૃઢતા જાળવી રાખે.
આ દૃઢતા માટે ચિકિત્સકમાં સંવેદનશીલતાની સાથેસાથે સહિષ્ણુતા પણ હોવી જરૂરી છે. આમ તો એ અનુભવેલી હકીકત છે. કે સંવેદનશીલતા એ સહિષ્ણુતા અને સહનશીલતાને વિકસિત કરે છે, તેમ છતાં તેના વિકાસ પ્રત્યે વધુ ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે બીમાર અવસ્થામાં વ્યક્તિ શારીરિક રીતે અસહાય હોવાની સાથેસાથે માનસિક રીતે પણ ચીડિયો થઈ જાય છે. તેનામાં વ્યાવહારિક અસામાન્યતાઓ પેદા થઈ હોય એ સ્વાભાવિક છે. ક્યારેક ક્યારેક તો આવી અસામાન્ય વર્તણૂકો એટલી બધી અસહ્ય હોય છે કે જેને તેનાં સગાં-સ્વજનો પણ સહન કરી શકતા નથી. તેમનો પણ એવો પ્રયાસ હોય છે કે પોતાના આ રોગી પરિજનને કોઈ ચિકિત્સકના ગળે વળગાડી પોતાનો પીછો છોડાવી લે. આ સ્થિતિમાં ચિકિત્સકની સહનશીલતા જ તેની સારવાર-પદ્ધતિને અસરકારક બનાવી શકે છે.
આમ તો સંબંધોનું સ્વરૂપ ગમે તે હોય, પરંતુ સંબંધ સૂત્રો તો હમેશાં કોમળ અને નાજુક જ હોય છે. એમાંય ચિકિત્સક તથા દર્દી વચ્ચેના સંબંધ-સૂત્રોની કોમળતા અને નાજુકતા કંઈક વધારે જ હોય છે. જરાસરખો પણ આઘાત તેને કાયમ માટે બરબાદ કરી શકે છે. આથી ચિકિત્સકે ખાસ કાળજી રાખવી જરૂરી છે, કારણ કે દર્દીના પાછલાં અનુભવોની કડવાશ તેણે પોતાની ચિકિત્સા સાધના દ્વારા ધોવાની હોય છે. ઘણી વાર તો દર્દીના પાછલાં અનુભવો અતિશય દુ:ખદ હોય છે. એની પીડા તેને હમેશાં સતાવતી હોય છે. ભૂતકાળમાં મળેલા અપમાન, લાંછન, કલંક, દગો, અવિશ્વાસ વગેરેને તે ભૂલી શકતો નથી. એટલે સુધી કે તેનો સંબંધો તેમ જ પોતાપણામાંથી જ વિશ્વાસ ઊઠી ગયો હોય છે. આવી સ્થિતિમાં તે ચિકિત્સકને પણ શંકાની નજરે જુએ છે. તેને બેઈમાન અને દગાખોર માને છે. વાતવાતમાં તેના પર ચીડાઈ જાય છે તથા ગાળો બોલે છે. તેની આ મનોદશાને સુધારવી તથા જાળવવી એ ચિકિત્સકનું કામ છે. સંવેદનશીલ સહનશીલતાનો અવિરત પ્રવાહ જ આ ચમત્કાર કરી શકે છે.
સ્થિતિ ગમે તે હોય, દર્દી કંઈ પણ કહે કે કરે, પરંતુ તેના દરેક આચરણને ભૂલીને તેની સારવાર કરવી એ ચિકિત્સકનો ધર્મ છે, તેનું કર્તવ્ય છે. આધ્યાત્મિક ચિકિત્સક માટે તો તેની અનિવાર્યતા ઘણી વધી જાય છે. સાચો આધ્યાત્મિક ચિકિત્સક તો એ જ છે, કે જે દર્દીની અનાસ્થાને આસ્થામાં, અવિશ્વાસને વિશ્વાસમાં, અશ્રદ્ધાને શ્રદ્ધામાં, લેષને મિત્રતામાં, ઘૃણાને પ્રેમમાં બદલી દે. મહાપ્રભુ ચૈતન્યએ જવાઈ મઘાઈ સાથે આવું જ કર્યું હતું. યોગી ગોરખનાથે ડાકુ દુર્દમ સાથે આવો જ ચમત્કાર કર્યો હતો. સ્વયં યુગઋષિ પરમ પૂજ્ય ગુરુદેવે હજારો દર્દીઓની આ રીતે જ સારવાર કરી હતી. ડાકુ અંગુલિમાલની મહાત્મા બુદ્ધ દ્વારા કરવામાં આવેલી આધ્યાત્મિક ચિકિત્સા સૌ જાણે છે. આ સત્યકથા આજે પણ કોઈ આધ્યાત્મિક ચિકિત્સક માટે આદર્શ છે.
અંગુલિમાલ ક્રૂર અને નિર્દય ડાકુહતો. તેની બાબતમાં એવું કહેવાતું હતું કે તે સામે મળનારને મારી નાખતો અને તેની ટચલી આંગળી કાપી લેતો હતો. આવી અગણિત આંગળીઓને કાપીને તેની માળા બનાવી હતી. સેનાઓ પણ તેનાથી ડરતી હતી. ખુદ કૌશલ નરેશ પ્રસેનજિત પણ તેનાથી ડરતો હતો. તેની નિર્દયતા, ક્રૂરતા અને હત્યારા હોવા અંગેની અનેક લોકકથાઓ જનતામાં લોકમુખે હતી. પરંતુ જ્યારે ભગવાન બુદ્ધ આ દંતકથાઓ સાંભળી, ત્યારે તેમને અંગુલિમાલમાં એક હત્યારાના બદલે એક મનોરોગી દેખાયો. ભગવાન તથાગતે સંપૂર્ણ તત્પરતા સાથે તેની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે વિચાર્યું, કે અંગુલિમાલની આ સ્થિતિ કોઈ ક્રિયાઓની પ્રતિક્રિયા છે. કોણ જાણે કેટલાય લોકોએ કેટલીય વાર તેની ભાવનાઓને ચોટ પહોંચાડી હશે. કેટલીય વાર તેનું દિલ દુભાયું હશે. કેટલીય વાર તેની સંવેદનાઓને ક્યડવામાં, રગદોળવામાં આવી હશે. અંગુલિમાલનું આદ, જેનો આજ સુધી કોઈ અનુભવ કરી શક્યું ન હતું, તે ભગવાન બુદ્ધ ક્ષણ વારમાં જ પોતાની ચેતના દ્વારા અનુભવી લીધું.
અંગુલીમાલની પીડા તેમના પોતાના પ્રાણની પીડા બની ગઈ અને તેઓ ચાલી નીકળ્યા. જંગલમાં તેમને જોતાં જ અંગુલિમાલે પોતાનો ફરસો ઉઠાવ્યો, પરંતુ બુદ્ધ ઊભા રહ્યા. તેમની આંખોમાંથી કરુણા ઝલકી રહી હતી. અંગુલિમાલ તેમને ડરાવતો-ધમકાવતો રહ્યો. બુદ્ધ તેને સાંભળતા રહ્યા, સહેતા રહ્યા. છેવટે જ્યારે તે ચૂપ થઈ ગયો, ત્યારે તેઓ બોલ્યા- “વત્સ! તને બધાએ ખૂબ જ સતાવ્યો છે. અનેક લોકોએ વારંવાર તારી ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. હું તારા દુઃખમાં ભાગીદાર બનવા માટે આવ્યો છું.” કરુણાભર્યા આવા સ્વરો અંગુલિમાલ અગાઉ ક્યારેય સાંભળ્યા ન હતા. તેણે તો ફક્ત ધૃણા, ઉપેક્ષા તથા અપમાનના જ ડંખ વેઠ્યા હતા. બુદ્ધના સ્વરોમાં તો માની મમતા છલકાઈ રહી હતી. તેમનાં જ્યોતિપૂર્ણ નેત્રોમાંથી તો તેના માટે કેવળ અસીમ પ્રેમજ છલકાઈ રહ્યો હતો.
ક્ષણ વારમાં એ ડાકુ કહેવાતા પીડિત માનવીનાં તમામ આવરણો ખરી પડ્યાં. તેનું વ્યક્તિત્વ ભગવાન તથાગતની કરુણાથી ભીંજાઈ ગયું. એક જ ક્ષણમાં અનેક ચમત્કારો સર્જઈ ગયા. અનાસ્થા આસ્થામાં બદલાઈ ગઈ, અવિશ્વાસ વિશ્વાસમાં, અશ્રદ્ધા શ્રદ્ધામાં બદલાઈ ગઈ, તો દ્વેષ મિત્રતામાં અને ધૃણા પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ. એક ડાકુનું વ્યક્તિત્વ ભિક્ષુના વ્યક્તિત્વમાં રૂપાંતરિત થઈ ગયું. પરંતુ આ રૂપાંતરણનો સ્રોત આધ્યાત્મિક ચિકિત્સાના રૂપમાં ભગવાન બુદ્ધનું વ્યક્તિત્વ જ હતું, કે જેમણે એ માનસિક રોગીના અંતર્મનને પોતાની પવિત્રતા તેમ જ પ્રામાણિકતાની દોરીથી બાંધી દીધું હતું. પાછળથી વિદ્વાનોએ કહ્યું કે એ ક્ષણ વિશેષ હતી, જયારે ભગવાને અંગુલિમાલને રૂપાંતરણ માટે પસંદ કર્યો હતો. આ જ કારણે આધ્યાત્મિક ચિકિત્સાની સફળતા માટે જ્યોતિષની ઉપયોગિતા પણ કોઈ નકારી શકતું નથી.
પ્રતિભાવો