વ્યક્તિત્વની સમગ્ર સાધના માટે ચાંદ્રાયણ તપ, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
વ્યક્તિત્વની સમગ્ર સાધના માટે ચાંદ્રાયણ તપ, આધ્યાત્મિક ચિકિત્સા
તપનો પ્રયોગ અદ્ભુત અને તેનો પ્રભાવ અસાધારણ હોય છે. તેને વ્યક્તિત્વની સમગ્ર ચિકિત્સાના રૂપમાં પરિભાષિત કરી શકાય છે. ચિકિત્સાના અભાવે રોગી શક્તિહીન, દુર્બળ અને નિસ્તેજ રહે છે, પરંતુ ચિકિત્સાના પ્રભાવથી તેની શક્તિઓ ક્રિયાશીલ થઈ જાય છે. દુર્બળતા સબળતામાં બદલાઈ જાય છે અને વ્યક્તિત્વનું તેજસ્ પાછું આવી જાય છે. આ પરિવર્તન તો સામાન્ય ચિકિત્સાક્રમનું છે, જે અપેક્ષાકૃત આંશિક અને એકાંગી હોય છે. તપમાં તો આ પ્રક્રિયાની સ્વાભાવિક સમગ્રતા ઝળકે છે. તેનાથી શારીરિક સ્વાસ્થ્ય તેમ જ બાહ્ય પરિસ્થિતિઓ સુધારવાની સાથેસાથે આંતરિક જીવનનું પરિમાર્જન અને પરિષ્કાર થાય છે. આ પ્રક્રિયાથી રુચિઓ, પ્રવૃત્તિઓ અને ચિંતનની દિશા તથા દશા બધું જ રૂપાંતરિત થઈ જાય છે. રોગ ગમે તે હોય પણ તપના પ્રયોગોથી તેનું અચૂક સમાધાન થઈ જાય છે.
આવા ઉદ્ભૂત અને આશ્ચર્યકારક પ્રભાવો હોવા છતાં તપના પ્રયોગોની બાબતમાં અનેક ભ્રાન્તિઓ પ્રચલિત છે. કેટલાક લોકો ભૂખ્યા રહેવાને તપ માને છે, તો કેટલાક માટે માથું જમીન પર રાખીને ઊંધા ઊભા રહેવું કે એક પગ પર ઘણા સમય સુધી ઊભા રહેવું એ તપ છે. સાચા અર્થમાં કોઈ પણ રીતના પાખંડ કે આડંબરને તપ સાથે કોઈ લેવા દેવા નથી. આ તો વિશુદ્ધ રૂપથી વ્યક્તિત્વની સમગ્ર ચિકિત્સાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે.
આ સમગ્ર પ્રક્રિયાનાં ત્રણ પગથિયાં છે. ૧. સંયમ ૨. પરિશોધન ૩. જાગરણ. આ ત્રણે સોપાન ક્રમિક હોવાની સાથેસાથે એકબીજા પર આધારિત પણ છે. આમાં પહેલા ક્રમમાં “સંયમ’ એ તપની સમગ્ર પ્રક્રિયાનો આધાર છે. આ બિંદુથી જ તપના પ્રયોગનો પ્રારંભ થાય છે. આ પ્રારંભિક બિંદુમાં તપસ્વીએ પોતાની સામાન્ય જીવન-ઊર્જાનું સંરક્ષણ કરવું પડે છે. તે ક્રિયા, ચિંતન અને ભાવનાના માધ્યમથી થતા ઊર્જાના વ્યયને અટકાવે એવા નીતિ-નિયમો તથા અનુશાસનનું શ્રદ્ધા સહિત પાલન કરે છે. આપણે બધા એ સનાતન સત્યને જાણીએ છીએ, કે સ્વાસ્થ્ય અંગેની બધા પ્રકારની મુશ્કેલીઓ, પછી ભલે તે શારીરિક હોય કે માનસિક હોય, કોઈક ને કોઈક પ્રકારના અસંયમના જ કારણે થાય છે. અસંયમથી જીવનમાં રોગપ્રતિકારક શક્તિઓ ઘટે છે અને પરિણામે બીમારીઓ ઘેરી વળે છે.
જ્યારે બીજી બાજુ સંયમ પ્રતિકારક શક્તિની લોખંડી દીવાલને મજબૂત કરે છે. સંયમથી જીવન એટલું શક્તિશાળી બને છે કે કોઈ પણ પ્રકારના જીવાણુ-વિષાણુ કે નકારાત્મક વિચારો પ્રવેશ કરી શકતા નથી. તપના પ્રયોગનું આ પ્રથમ ચરણ પ્રાણબળને વધારવાનો અચૂક ઉપાય છે. તેનાથી સંરક્ષિત થયેલી ઊર્જા સ્વાસ્થ્ય જીવનનો આધાર બને છે. જેમને તપમાં આસ્થા છે તેઓ નિત્ય નિયમિત સંયમની શક્તિઓનો અનુભવ કરે છે. ઋતુજન્ય રોગો કે પરિસ્થિતિઓથી થતી મુશ્કેલીઓ તેમને સ્પર્શી શકતી નથી. એનાથી સાધકમાં જે બળ વધે છે તેનાથી જ બીજા ચરણને પૂરું કરવાનો આધાર વિકસિત થાય છે. “પરિશોધન’ના આ બીજા સોપાનમાં તપની આંતરિકતા પ્રગટ થાય છે. આ બિંદુ પર જ તપના વાસ્તવિક પ્રયોગોની શરૂઆત થાય છે. મૃદુ ચાંદ્રાયણ, કૃચ્છ્ ચાંદ્રાયણની સાથે કરવામાં આવતી ગાયત્રી સાધનાઓ આ જ શૃંખલાનો એક ભાગ છે. વિશિષ્ટ મુહૂર્તા, ગ્રહયોગો, પર્વો પર કરવામાં આવતા ઉપવાસનો પણ આ જ હેતુ છે.
પરિશોધન ક્યાં સ્તરે અને કેટલું કરવાનું છે, તેને ધ્યાનમાં રાખીને આ પ્રયોગોની પસંદગી કરવામાં આવે છે. તેના દ્વારા આ જન્મમાં ભૂલથી કે પ્રમાદવશ થયેલાં દુષ્કર્મોનો નાશ થાય છે. એટલું જ નહિ, ગત જન્મોનાં દુષ્કર્મો, પ્રારબ્ધજનિત ખરાબ ગ્રહયોગોનું આ પ્રક્રિયાથી શમન થાય છે. તપના પ્રયોગોમાં આ ચરણ અતિ મહત્વપૂર્ણ છે. આ ક્રમમાં શું કરવાનું છે, કઈ વિધિથી કરવાનું છે, તેનું નિર્ધારણ કોઈ સફળ આધ્યાત્મિક ચિકિત્સક જ કરી શકે છે. જેમની પહોંચ ઉચ્ચસ્તરીય સાધનાની કક્ષા સુધીની હોય તેઓ પોતે પણ પોતાની અંતર્દષ્ટિની મદદથી તેનું નિર્ધારણ કરવામાં સમર્થ હોય છે.
ત્રીજા ક્રમમાં ‘જાગરણ’નું સ્થાન છે. આ તપના પ્રયોગની સર્વોચ્ચ કક્ષા છે. અહીં પહોંચનારને સાધક નહિ, સિદ્ધજન કહે છે. પરિશોધનની પ્રક્રિયામાં જ્યારે બધા જ કષાય-કલ્મશ દૂર થઈ જાય છે ત્યારે એ અવસ્થામાં સાધકની અંતર્શક્તિઓ વિકસિત થાય છે. તેના દ્વારા તે પોતાની સાથે બીજાઓને પણ જાણી શકે છે. પોતાના સંકલ્પ દ્વારા તે બીજાની સહાયતા કરી શકે છે. આ અવસ્થાએ પહોંચેલી વ્યક્તિ પોતે પણ સ્વાસ્થ્ય હોય છે અને બીજાઓને પણ સ્વાસ્થ્યનું વરદાન આપવામાં સમર્થ હોય છે. જાગરણની આ અવસ્થામાં તપસ્વીનો સીધો સંપર્ક બ્રહ્માંડની વિશિષ્ટ શક્તિધારાઓ સાથે થઈ જાય છે. તેની સાથે સંપર્ક, ગ્રહણ, ધારણ અને નિયોજન કરવાની કળા તેને સહજ રીતે જ્ઞાત થઈ જાય છે. આ અવસ્થામાં તે પોતાના ભાગ્યનો દાસ નહિ, પરંતુ તેનો સ્વામી હોય છે. તેનામાં એવું સામર્થ્ય હોય છે કે પોતાના ભાગ્યની સાથેસાથે બીજાના ભાગ્યનું નિર્માણ પણ કરી શકે છે.
બ્રહ્મર્ષિ પરમ પૂજ્ય ગુરુદેવે પોતાનું આખું જીવન તપના ઉચ્ચસ્તરીય પ્રયોગોમાં વિતાવ્યું. તેમણે પોતાના સમસ્ત જીવનકાળમાં ક્યારેય તપની પ્રક્રિયાને કદી વિરામ ન આપ્યો. પોતાના અવિરત તપથી તેમણે જે પ્રાણઊર્જા એકઠી કરી, તેના દ્વારા તેમણે લાખો લોકોને સ્વાસ્થ્યનું વરદાન આપ્યું. એટલું જ નહિ, તેમણે અસંખ્ય કુમાર્ગગામીઓ ભટકી ગયેલા લોકોને તપના માર્ગે ચાલવા માટે પ્રેરિત કર્યા. આવું જ એક ઉદાહરણ ગુજરાતના સોમેશભાઈ પટેલનું છે. આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં પણ આ સજ્જન દારૂ, સિગારેટ, જુગાર, નશા જેવી અનેક ખરાબ આદતોની પકડમાં આવી ગયા હતા. આ કુટેવોના કારણે તેમના ઘરમાં કાયમ ક્લેશ રહેતો હતો, સાથેસાથે તેમના સ્વાસ્થ્યમાં પણ સડો લાગી ચૂક્યો હતો. ઉચ્ચ રક્તચાપ અને મધુપ્રમેહની સાથેસાથે કેન્સરનાં લક્ષણો પણ તેમનામાં ઊપસી આવ્યાં હતાં.
આવી અવસ્થામાં તેઓ ગુરુદેવની પાસે આવ્યા. ગુરુદેવે તેમની આખી વિશદ કથા ધીરજથી સાંભળી. બધી વાતો સાંભળી તેઓ બોલ્યા – “બેટા, હું તને સારો તો કરી શકું છું, પરંતુ તે માટે તારે મારી ફી આપવી પડશે.” આ “ફી’ શબ્દએ પહેલાં તો સોમેશભાઈ પટેલને ચોંકાવી દીધા, પરંતુ ત્યાર બાદ તેઓ બોલ્યા-‘તમે જે માગશો તે હું આપીશ.” ગુરુદેવે તેને ચેતવ્યો- “પહેલાં વિચારી લે.’ જવાબમાં સોમેશભાઈ ખચકાયા, પરંતુ તેમણે એવું જ કહ્યું કે “વાંધો નહિ, તમે જે પણ માગશો તે હું આપીશ.” “તો ભલે, પહેલાં તું અહીં જ શાંતિકુંજમાં રહીને એક મહિનો ચાંદ્રાયણ કરીને ગાયત્રી અનુષ્ઠાન કર. ત્યાર બાદ મહિના પછી મળજે.’ ગુરુદેવનો આ આદેશ આમ તો તેમની પ્રકૃતિથી વિરુદ્ધ હતો, તેમ છતાં તેમણે ગુરુદેવની વાતનો સ્વીકાર કર્યો. તે દિવસોમાં શાંતિકુંજમાં ચાંદ્રાયણ સત્ર ચાલી રહ્યું હતું. તેઓ પણ તેમાં જોડાઈ ગયા. ચાંદ્રાયણ તપ કરતાં એક મહિનો વીતી ગયો. આ એક મહિનામાં તેમના શરીર તેમ જ મનનો આશ્ચર્યજનક રીતે કાયાકલ્પ થઈ ગયો.
ત્યાર પછી તેઓ ગુરુદેવને મળવા ગયા, તો તેમણે કહ્યું – તું હવે સ્વસ્થ છે, આગળ પણ સ્વસ્થ રહીશ.” “ગુરુજી ! તમારી ફી ?’ સોમેશભાઈની આ વાત પર તેઓ હસ્યા અને બોલ્યા – “એ તો હું લઈશ જ, છોડીશ નહિ. મારી ફી એ છે કે તું દર સાલ આસો, ચૈત્ર, મહા અને અષાઢ આ ચાર મહિનામાં ચાંદ્રાયણની સાથે ગાયત્રી સાધના કરજે. સાધક બનીને જીવજે. જે સાધકને યોગ્ય ન હોય, તેવું કંઈ પણ તું કરીશ નહિ. બસ, આ જ મારી ફી છે.” વચનના પાકા સોમેશભાઈએ પૂરી ઈમાનદારી સાથે તેમની ફી ચૂકવી. તેના બદલામાં તેમને સમગ્ર સ્વાસ્થ્યનું અનુદાન પણ મળ્યું. સાથેસાથે તેમને લાગવા માંડ્યું- સાચું સુખ ભોગ – વિલાસમાં નહિ, પ્રેમમયી ભક્તિમાં રહેલું છે.
પ્રતિભાવો