૧૬૫. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૭/૩૦/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 10, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૭/૩૦/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સ્વાક્તં મે ધાવાપૃથિવી સ્વાક્તં મિત્રો અકરયમ્ । સ્વાક્તં મે બ્રહ્મણસ્પતિઃ સ્વાક્તં સવિતા કરત્ ॥ (અથર્વવેદ ૭/૩૦/૧)
ભાવાર્થ : મનુષ્ય એવાં શુભ કર્મો કરે, જેથી માતાપિતા તથા ગુરુજનોનો પ્રેમ તેને મળતો રહે.
સંદેશ : મનુષ્યજીવનની સ્થિરતા અને પ્રગતિનો પાયો તેની કર્તવ્યપરાયણતા છે. જો આપણે આપણી જવાબદારીઓને ભૂલી જઈએ અને કર્તવ્યોની અવગણના કરીએ તો એવો અવરોધ ઉત્પન્ન થઈ જશે કે પ્રગતિની વાત તો દૂર રહી, પરંતુ મનુષ્યના જેવું જીવન જીવવું પણ શક્ય નહિ બને. જીવનની દરેક વિભૂતિનો આધાર કર્તવ્યપરાયણતા જ છે. દરેક સિદ્ધિની સ્થિરતા અને સુરક્ષાનો આધાર કર્તવ્યનિષ્ઠા ૫૨ રહેલો છે. આપણને મૂલ્યવાન શરીર મળ્યું છે. એને નીરોગી, બળવાન તથા દીર્ઘજીવી ત્યારે જ બનાવી શકાય છે, જ્યારે શૌચ, સ્નાન, સ્વચ્છતા, શ્રમ, સમયપાલન, આહારસંયમ, ઇન્દ્રિયનિગ્રહ વગેરેની જવાબદારીને સારી રીતે નિભાવવામાં આવે. મનની સમર્થતા અને પ્રખરતાનો આધાર એ વાત પર રહેલો છે કે ચિંતા, શોક, નિરાશા, ક્રોધ, આવેશ વગેરેથી દૂર રહીને ઉત્સાહ, ઉલ્લાસ, સાહસ, સંતોષ, સમતોલન, ધૈર્ય, વિશ્વાસ, એકાગ્રતા જેવા સદ્ગુણોથી મનને સુસજ્જિત રાખવામાં આવે.
કુટુંબ દ્વારા જીવનમાં ઘણી સગવડો અને સુવ્યવસ્થા પ્રાપ્ત થાય છે, પરંતુ તે સગવડો ફક્ત તેમને જ પ્રાપ્ત થાય છે, જેઓ કુટુંબના દરેક સભ્યની સાથે પોતાની જવાબદારીઓ પૂર્ણ તત્પરતા, સાવચેતી અને ઈમાનદારીપૂર્વક નિભાવે છે. સ્ત્રી ફક્ત સેવા માટે જ મળી નથી. તેના વિકાસ, સગવડ, સંતોષ અને સ્વાસ્થ્યની દરેક જરૂરિયાતને પૂરી કરવી તે પણ એક કર્તવ્ય છે. ગાય તેને જ દૂધ આપશે, જે પેટ ભરીને ઘાસ ખવડાવશે.દાંપત્યજીવનનો આનંદ પણ તેને જ મળશે, જે પોતાનું સંપૂર્ણ કર્તવ્યપાલન કરતા રહીને તેમનું હૃદય જીતી લેશે. જેઓ બાળકોને પ્રેમ, સમય અને સહકાર આપીને તેમને વિકાસશીલ અને સુસંસ્કારી બનાવવા માટે સદાય તત્પર રહે છે તેમનાં બાળકો જ સુસંસ્કારી અને સુવિકસિત બનશે. માતાપિતા અને ગુરુજનોનો સ્નેહ અને આશીર્વાદ તેમને જ મળશે, જેઓ તેમની સગવડો સાચવે તથા તેમનું સાચા હૃદયથી સન્માન કરે. ભાઈબહેનોનો અનંત પ્રેમ અને સહકાર મેળવવાની આશા તેમણે જ રાખવી જોઈએ કે જેઓ તેમના માટે જીવ આપવા તૈયાર હોય અને તેમને ભરપૂર પ્રેમ કરતાં હોય. કુટુંબનો આનંદ માત્ર કર્તવ્યપરાયણ લોકો જ લઈ શકે છે. આનાથી ઊલટું, જેઓ માત્ર સગવડો પ્રાપ્ત કરવાનો અધિકાર મેળવવા ઇચ્છે છે, પરંતુ કર્તવ્યપાલનની શરત ભૂલી જાય છે, તેમને માટે ઘર અને નકમાં કોઈ ફરક રહેશે નહિ. મનની મલિનતા અને કજિયાથી ઘરનું વાતાવરણ ઝેરયુક્ત બની જશે. પત્ની ન તો જીવનસાથી બની રહેશે કે ન બાળકો આજ્ઞાંકિત હશે. માતાપિતાને અસંતોષ રહેશે અને ભાઈબહેનોની ઈર્ષા ઘરને સ્મશાન બનાવશે.
જેઓ ડગલે ને પગલે પોતાની જવાબદારીઓ નિભાવવામાં તત્પર રહે છે તથા પોતાના સાથીદારોની ખામીઓને સહર્ષ સહન કરી લે છે તેમના માટે ઘર સ્વર્ગ સમાન બની જાય છે. જેઓ ઘરવાળાંઓ પાસે મોટી મોટી આશાઓ રાખે છે, પરંતુ પોતાની જવાબદારીઓ પ્રત્યે બેદરકાર રહે છે તેમના માટે ઘર નરક છે.
આત્મા અને ઈશ્વર પ્રત્યે પણ આપણી જવાબદારી છે. આપણું અસ્તિત્વ પણ તેમના માટે જ છે. આપણે આત્માનો અવાજ સાંભળીએ અને પરમાત્માએ નક્કી કરેલાં કર્તવ્યોનું પાલન કરતા રહીને માનવજીવનને સાર્થક બનાવવા માટે પ્રયત્નશીલ રહીએ તે પણ જરૂરી છે. આવાં શુભ કર્મોથી જ બધાંનો સ્નેહ મળે છે અને કુટુંબ સ્વર્ગ બની જાય છે.
પ્રતિભાવો