૧૬૬. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૭/૬૦/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 11, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૭/૬૦/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અપહૂતા ભૂરિધનાઃ સખાયઃ સ્વાદુસંમુદઃ । અક્ષુધ્યા અતૃષ્યા સ્ત ગૃહા માસ્મદ્ વિભીતન્ ॥ (અથર્વવેદ ૭/૬૦/૪)
ભાવાર્થ : કુટુંબના બધા સભ્યો ધન કમાનાર, શ્રદ્ધાવાન અને આનંદી હોય. તેઓ ભૂખ અને તરસથી વ્યાકુળ ન બને તેમ જ એકબીજાથી ડરે પણ નહિ.
સંદેશ : આપણી પાસે બીજાઓને આપવા માટે ધનદોલત ન હોય, કોઈને બીજું કંઈ આપવાની સ્થિતિ પણ ન હોય, છતાં આપણે એક વસ્તુ આપી શકીએ છીએ અને તે વસ્તુ છે – પ્રસન્નતા. પ્રસન્નતા વહેંચીને સતત પુણ્ય અને સંતોષનો લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. જો પ્રસન્ન રહેવાનો અભ્યાસ કરવામાં આવે અને હાસ્યમજાકની ટેવ પાડવામાં આવે, તો તમે જ્યાં પણ રહેશો ત્યાં પ્રસન્નતા વેરતા રહેશો અને જે કોઈ તમારા સંપર્કમાં આવશે તે પ્રસન્ન અને પ્રભાવિત થઈને જશે.
પ્રસન્નતાનો આધાર આંતરિક સુસંસ્કારો પર રહેલો છે. ગરીબીમાં પણ હસતા રહેતા અને મુશ્કેલીઓની વચ્ચે પણ ખુલ્લા મનથી હસનારા અનેક માણસો જોવા મળશે. ઉદાર અને સમતોલ વ્યક્તિત્વવાળા લોકો દરેક પરિસ્થિતિમાં હસતા રહે છે. તેઓ જાણે છે કે માનવજીવન સગવડો અને અગવડો, અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓના તાણાવાણાથી ગુંથાયેલું છે. આજ સુધી સંસારમાં એક પણ માણસ એવો નથી જન્મ્યો કે જેને ફક્ત સગવડો અને અનુકૂળતાઓ જ મળી હોય અને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડ્યો હોય. આપણા આદર્શ પુરુષ રામ અને કૃષ્ણને સમગ્ર જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓની સામે સંઘર્ષ જ કરતા રહેવું પડ્યું હતું. સંસારમાં જેટલા પણ મહાપુરુષો થયા છે તે બધાએ હસતા રહીને વિપરીત પરિસ્થિતિઓની સામે ટક્કર લીધી છે અને તેમને બદલી નાખી છે.
સુખી અને સમૃદ્ધ કૌટુંબિક જીવનનો આધાર પણ આ જ છે. દરેક કુટુંબમાં સુખદુઃખ, કષ્ટ અને પરેશાનીઓની સ્થિતિ પેદા થતી હોય છે. જે માણસ પોતાની પ્રતિકૂળતાઓ અને દુઃખોનાં રોદણાં જ રોતો રહેશે તે તે હંમેશાં દુ:ખી રહેશે. પોતાનાથી વધુ સમૃદ્ધ લોકોની સાથે પોતાની સરખામણી કરતો રહેશે, તો પોતાના દુર્ભાગ્યથી નારાજ થઈ જશે. પોતાની હતાશાના કારણે દરેક માણસ પર ક્રોધ કરતો રહે. તેનું સમગ્ર જીવન જ માનસિક અસમતોલનનું પ્રતીક બની જશે.
આનાથી ઊલટું, જે પોતાની સરખામણી નીચા દરજ્જાના લોકોની સાથે ક૨શે અને જે કોઈ સગવડો મળી છે તેનાથી સંતોષ માનશે, તો તે હંમેશાં પ્રસન્ન રહેશે. તેને લાગશે કે ઈશ્વરની મહાન કૃપાને લીધે જે કંઈ મળ્યું છે તે બીજા કરોડો લોકો કરતાં કંઈક વિશેષ છે. ભગવાને આપણને એવું કંઈક આપ્યું છે કે જેના માટે લાખો-કરોડો માણસો તડપે છે. તે પોતાને ભાગ્યશાળી માનશે. સુસંસ્કારી મનઃસ્થિતિવાળા માણસોને જ આ ઈશ્વરીય વરદાન પ્રાપ્ત થાય છે. તેમને સર્વત્ર આનંદમંગળ દેખાય છે તથા ઈશ્વરની કૃપા અને લોકોની સદ્ભાવના પર અતૂટ વિશ્વાસ હોય છે.
જે કુટુંબોમાં આવી વિચારસરણીવાળા લોકો રહે છે ત્યાં હંમેશાં સુખશાંતિનું વાતાવરણ રહે છે. બધા લોકો કષ્ટ વેઠીને પણ પ્રેમ અને સંતોષપૂર્વક જીવન વિતાવતા રહીને એકબીજાને સહકાર આપે છે. આનાથી જે નિર્ભયતા અને નિશ્ચિંતતાનું વાતાવરણ બને છે તેનાથી બધાની આર્થિક, સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ મોકળો થાય છે.
પ્રતિભાવો