૧૬૭. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૨૦/૯૨/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 12, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૨૦/૯૨/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અર્ચત પ્રાર્ચત પ્રિયમેધાસો અર્ચત । અર્ચન્તુ પુત્રકા ઉત પુરં ન ધૃષ્ણ્વર્ચત ॥ (અથર્વવેદ ૨૦/૯૨/૫)
ભાવાર્થ : હે ઈશ્વર ! અમે અમારાં પુત્ર,પુત્રીઓ, ભાઈઓ, મિત્રો સહિત હંમેશાં આત્માની ઉન્નતિનાં કાર્યોમાં જોડાયેલાં રહીએ. સંદેશઃ પોતાની પ્રગતિ માટે, આગળ વધવા માટે અને આત્માની ઉન્નતિ માટે આપણામાં અભાવ અને અગવડોની સામે લડવાનું સાહસ હોય એ જરૂરી છે. માણસે સાધનસામગ્રી વધારવાને બદલે પોતાની સંકલ્પશક્તિને દૃઢ બનાવવા પર વધુ ધ્યાન આપવું જોઈએ.વાસ્તવિક પ્રગતિમાં સાધનો અને પરિસ્થિતિઓનો ફાળો વિચારો અને મહેચ્છાઓ જેટલો હોતો નથી. સંકલ્પની પ્રખરતાથી આ બધાનો યોગ્ય સમન્વય થઈ શકે છે.
કુટુંબના બધા સભ્યોએ આત્માની ઉન્નતિનો દૃઢ સંકલ્પ કરીને પોતાનાં દૈનિક કાર્યો કરવાં જોઈએ. એનાથી તેમનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ બનશે અને કુટુંબનો ઉત્કર્ષ થશે. માનવીય વ્યક્તિત્વનું નિર્માણ મનુષ્યની પોતાની સૂઝબૂઝ, એકાગ્રતા અને પરાક્રમનું ફળ છે, જે સંસારની બીજી કમાણીઓની સરખામણીમાં વધારે મહત્ત્વપૂર્ણ છે. એમાં સંકલ્પશક્તિ, સાહસિકતા અને દીર્ઘદૃષ્ટિનો સમાવેશ કરવો પડે છે. સામાન્ય લોકોએ અપનાવેલી રીતિનીતિથી બિલકુલ ઊલટી દિશામાં ચાલવું પડે છે. સામાન્ય લોકો તો દરેક કામના બદલામાં સમૃદ્ધિ અને પ્રશંસા મેળવવાના ચક્કરમાં ડૂબેલા રહે છે, પરંતુ આત્મિક પ્રગતિ કરનારા સાધકોને ‘સાદું જીવન, ઉચ્ચ વિચાર’ ની નીતિ સ્વીકારીને થોડામાં સંતોષ માનીને અપરિગ્રહી બનવું પડે છે. કેટલીકવાર સાથીદારોની મજાક, અસહયોગ અને વિરોધનો પણ સામનો કરવો પડે છે.
જે આત્મનિર્માણ કરી લે છે તેને સસ્તી પ્રશંસા મળતી નથી, તેનાં ભૌતિક સુખસગવડોમાં કાપ પડે છે, પરંતુ ઈશ્વરકૃપાની સતત વર્ષાથી તે પ્રાણવાન બને છે. આત્મસંતોષ અને અનુકરણીય આદર્શનું પાલન કરવાનું ઉદાહરણ મૂકી જવાનું ગૌરવ તો કોઈક વિરલાને જ પ્રાપ્ત થાય છે. ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં આદર્શવાદિતા છવાયેલી રહે તો જ મહાનતા પ્રાપ્ત થાય છે.
કુટુંબમાં દરેક સભ્યે પોતાના વ્યક્તિગત જીવનમાં આ જ રીતે આત્માની ઉન્નતિનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આપણે પોતાનાં અને પારકાંની સાથે, પરિચિત અને અપરિચિત વગેરે સાથે કેવો વ્યવહાર કરવો ? બહારના અને અંદરના શત્રુઓ પ્રત્યે કેવો વ્યવહાર રાખવો ? આ બધા પ્રશ્નોનો યોગ્ય ઉત્તર તથા શંકાનું સમાધાન શોધવાનો રસ્તો તેમને જ મળે છે કે જેઓ સતત પોતાના આત્માની ઉન્નતિ કરતા રહે છે. મનુષ્યના કર્મ મુજબ તેનું જીવન ઘડતર થાય છે. સત્કર્મોથી તે આગળ વધે છે અને કુકર્મોથી તેનું પતન થાય છે. વેદોનું શિક્ષણ એ છે કે સદ્ગુણોને આપણા જીવનમાં નિરંતર વધારતા રહીએ અને દુર્ગુણોનો ત્યાગ કરતા રહીએ. આ રીતે જીવન પવિત્ર અને શ્રેષ્ઠ બનશે.
સુખી અને સમૃદ્ધ કુટુંબમાં બધા સભ્યોએ આ રીતનું વર્તન કરવું જોઈએ. માતાપિતા અને વડીલોની વિશેષ જવાબદારી છે કે તેઓ બાળકોને શરૂઆતથી જ શ્રેષ્ઠ વર્તન કરવાની ટેવ પાડે તથા તેમના આત્માની ઉન્નતિમાં સહાયક બને.
પ્રતિભાવો