૧૬૮. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૮/૪, યજુર્વેદ ૩૫/૧૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 13, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૮/૪, યજુર્વેદ ૩૫/૧૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઇમં જીવેભ્યઃ પરિધિં દધામિ મૈષાં નુ ગાદપરો અર્થમેતમ્ । શતં જીવન્તુ શરદઃ પુરુચીરન્તર્મૃત્યું દધતાં પર્વતેન ॥ (ઋગ્વેદ ૧૦/૧૮/૪, યજુર્વેદ ૩૫/૧૫)
ભાવાર્થ : પરમાત્માએ મનુષ્યનું આયુષ્ય સો વર્ષથી પણ વધારે બનાવ્યું છે. આથી મનુષ્ય સંયમ અને બ્રહ્મચર્યપૂર્વક રહે અને અકાળ મૃત્યુને પ્રાપ્ત ન કરે.
સંદેશ : સર્જનહારે પોતાના અદ્ભુત કૌશલ્યથી આ સૃષ્ટિની રચના કરી છે. તેઓ સર્વત્ર વ્યાપેલા છે. તેઓ બધાના પાલક અને વિધાતા છે. બધું જ તેમના વિધાન અને નિયમો મુજબ ચાલે છે. તેઓ ક્યાંય કોઈ અવ્યવસ્થા થવા દેતા નથી. સંસારમાં ૮૪ લાખ યોનિઓનાં જીવજંતુઓની ઉત્પત્તિ પણ તેમણે જ કરી છે. એક એકથી ચડિયાતા શરીરધારી જીવોની રચના કરી છે. કેટલાંક જંતુઓ તો એટલાં નાનાં છે કે આંખ વડે જોઈ પણ શકાતાં નથી અને કેટલાંક પ્રાણીઓ મનુષ્યના વજનથી દસ, વીસ કે પચાસગણાં ભારે છે. દરેક જીવની નિશ્ચિત આયુષ્ય સીમા છે, કોઈનું જીવન એકાદ-બે પળનું છે, કોઈકનું કેટલાક કલાકનું છે, કોઈકનું કેટલાક દિવસોનું કે પછી કેટલાંક વર્ષોનું છે. ચારેબાજુએ નજર કરીએ તો આ નિયત ક્રમ જોઈને મન ભાવવિભોર થઈ જાય છે.
૫રમેશ્વરે બધાં જીવજંતુઓને અસંખ્ય વરદાનો આપ્યાં છે, તેમાં આયુષ્યનું વરદાન પણ છે. દરેકની આયુષ્યમર્યાદા નક્કી છે. વૃક્ષો, છોડ વગેરેની ઉંમર પણ તેમણે નક્કી કરી છે. ઘઉંના છોડની ઉંમર લગભગ ચાર મહિનાની છે. તે સમયગાળામાં તે બીજમાંથી અંકુરિત થઈને ફૂલેફાલે છે અને પછીથી સુકાઈ જાય છે. આપણે ઇચ્છીએ કે એક મહિનામાં ઘઉં પાકીને તૈયાર થઈ જાય કે પછી તે છોડ વર્ષપર્યંત લીલોછમ રહે, તો એ પ્રકૃતિના નિયમની વિરુદ્ધ છે. આવી જ સ્થિતિ બધાં જ વૃક્ષો, છોડવાઓ અને પ્રાણીઓની છે.
આ જ રીતે તેમણે મનુષ્યની આયુષ્યમર્યાદા પણ સો વર્ષની નિશ્ચિત કરી છે અને તેની પાસે એવી અપેક્ષા રાખી છે કે તે આ મર્યાદાને ન તોડે કે ન તેનું ઉલ્લંઘન કરે. બધા મનુષ્યો સો વર્ષ સુધી અને તેનાથી પણ વધુ જીવતા રહે અને તેના પહેલાં ન મરે. અકાળમૃત્યુને આપણે આપણા પુરુષાર્થથી દૂર ભગાડીએ. આ પરમેશ્વરનું પોતાના પ્રિય પુત્રોને વરદાન પણ છે અને આદેશ પણ છે.
આપણને ભગવાને કૃપા કરીને આ સર્વગુણસંપન્ન માનવશરીર કેટલાક વિશિષ્ટ હેતુઓની પૂર્તિ માટે આપ્યું છે. તે હેતુઓ ત્યારે જ પૂરા થશે કે જ્યારે આપણે આપણું ખાવુંપીવું, આહારવિહાર અને સમગ્ર દિનચર્યા એવી રાખીએ કે જેથી બીમાર ન થઈએ. સંસારમાં કોઈ જીવજંતુ કદી પણ બીમાર પડતું નથી. તે બધાં પ્રકૃતિની સાથે તાલમેળ રાખીને પોતાનું પૂર્ણ આયુષ્ય ભોગવે છે. તેઓ સમય થતાં મરે છે, પરંતુ કદી બીમાર પડતાં નથી. આનાથી ઊલટું, મનુષ્ય કાયમ પ્રકૃતિની વિરુદ્ધ આચરણ કરે છે અને તે કોઈ ને કોઈ રોગથી ઘેરાઈ જાય છે. ભોજન પાછળ જેટલો ખર્ચ થાય છે તેનાથી વિશેષ તો દવાઓમાં થાય છે. ભારરૂપ જીવન પસાર કરતાં કરતાં તે અકાળે જ મરી જાય છે.
મનુષ્યે સંયમ અને બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને શ્રમ, તપ અને પુરુષાર્થને પોતાના જીવનનું અંગ બનાવવું જોઈએ કે જેથી મૃત્યુ પણ તેના દ્વારે આવે તો એ જોઈને પાછું જાય કે હજુ તો એ માણસ કાર્યમાં મગ્ન છે અને એને હજુ જવાનો સમય થયો નથી.
પ્રતિભાવો