૧૬૯. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૮/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 14, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૮/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
આ રોહતાયુર્જરસં વૃણાના અનુપૂર્વ યતમાના યતિષ્ઠ । ઇહ ત્વષ્ટા સુજનિમા સજોષા દીર્ઘમાયુઃ કરતિ જીવસે વઃ ॥ (ઋગ્વેદ ૧૦/૧૮/૬)
ભાવાર્થ : ૫રમાત્માએ આ સંસારમાં બધાને દીર્ઘાયુષ્ય આપ્યું છે, પરંતુ મનુષ્ય અયોગ્ય આહારવિહાર દ્વારા પોતાનું આયુષ્ય ઘટાડે છે. એટલા માટે દરેક મનુષ્યનો ધર્મ છે કે તે નિયમપૂર્વક જીવન જીવીને પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરે.
સંદેશ : માનવજીવન રૂપી આ ભેટ પરમેશ્વરે આપણને ફોગટમાં આપી નથી. તેમણે આપણને આ સંસારમાં એક જવાબદાર રાજકુમાર બનાવીને મોકલ્યા છે. આપણે સો વર્ષ સુધી તંદુરસ્ત રહીને સમાજમાં બધાની ભલાઈનું કાર્ય કરતા રહીને યશસ્વી અને શ્રેષ્ઠ જીવન પસાર કરીએ, જેથી આપણી કીર્તિનો ધ્વજ સદાય ફરકતો રહે. જીવન ઘણી અમૂલ્ય સંપત્તિ છે. તેને ગમે તેવાં હલકાં કાર્યોમાં ગુમાવી દેવી યોગ્ય નથી. આપણે પુરુષાર્થી બનીએ કે જેથી પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરી શકીએ.
પ્રત્યેક માણસે જીવનમાં શ્રેષ્ઠ, યશસ્વી અને કીર્તિવાન બનવાની ઇચ્છા રાખવી જોઈએ. તેણે હંમેશાં સત્કર્મો દ્વારા સમાજમાં હિતકારી કાર્યો કરવાં જોઈએ. સૂર્ય,ચંદ્ર, પવન વગેરે જે રીતે સંસાર ૫૨ ઉપકાર કરતાં રહે છે તે રીતે આપણે પણ એવાં કાર્યો કરવાં જોઈએ. કદી કોઈ એવું કાર્ય ન કરીએ કે જેથી આપણને અપયશ મળે.
યશસ્વી અને સર્વશ્રેષ્ઠ બનવાનો સર્વોત્તમ માર્ગ છે આપણા જીવનને દોષદુર્ગુણોથી બચાવવું અને રાક્ષસી વૃત્તિઓનું સંપૂર્ણ રીતે દમન કરવું. દુરાચારી માણસો હલકાં કાર્યોથી થોડોઘણો લાભ ભલે પ્રાપ્ત કરી લે, પરંતુ તેઓ અંદરથી સતત ઉદાસ, દુઃખી, વ્યાકુળ અને ક્લ્પાંત કરતા જોવા મળે છે. આપણે આ જીવનનો સર્વોત્તમ ઉપયોગ કરવો જોઈએ. વિષયવાસનાઓથી પોતાને દૂર રાખીએ. એમાં ફસાવાથી હંમેશાં અપયશ જ મળે છે.
આપણે આપણી સમીક્ષા કરીને અને ન્યાયાધીશ બનીને દુરાચારો માટે પોતાને શિક્ષા કરતા રહેવું જોઈએ. આપણી ભાવના એવી હોવી જોઈએ કે જે પગ કુમાર્ગ પર ચાલે તેને કાપી નાખીએ, જે હાથ કોઈની મદદમાં ન આવે તેને કાપી નાખીએ, જે જીભ પારકી નિંદામાં જોડાય તેને કાપી નાખીએ, જે આંખમાં કરુણાનાં આંસુ ન હોય તેને ફોડી નાખીએ. આ રીતે પોતે પોતાના આચરણની સમીક્ષા કરતા રહીને પુરુષાર્થી, સદાચારી તથા યશસ્વી બનીએ.
સંસારમાં સર્વશ્રેષ્ઠ બનવા માટે મનુષ્ય પાસે ઉચ્ચ શ્રેણીનું જ્ઞાન, સ્વસ્થ શરીર, સ્વસ્થ મગજ અને શ્રેષ્ઠ મનોબળ જોઈએ. જ્ઞાની, વિદ્વાન, સદાચારી, પરોપકારી અને ઉદાર મનનો માણસ જ મનુષ્યોમાં પોતાનું સર્વોચ્ચ સ્થાન મેળવી શકે છે. જે મનુષ્ય દૈવી ગુણોમાં વધારો કરતા રહેવાનું સાહસ કરી શકે છે તે પાપકર્મોનાં પ્રલોભનોથી પોતાને બચાવી શકે છે. દૈવી ગુણોથી દિવ્યતા આવે છે તથા સુશીલતા, તેજસ્વિતા અને પ્રાણશક્તિમાં વૃદ્ધિ થાય છે. કરુણા, દયા, પ્રેમ, ઉદારતા, સરસતા, શિષ્ટતા અને વિનયના પ્રભાવથી તેના વ્યક્તિત્વમાં ચમક આવે છે અને તે સમાજમાં અદ્વિતીય, અનુપમ અને અગ્રણી હોવાનું સન્માન મેળવે છે.
દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવાનું આ જ સાધન છે.
પ્રતિભાવો