૧૭૦. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૬૭/૨૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 15, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૬૭/૨૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
મા નો હેતિર્વિવસ્ત આદિત્યાઃ કૃત્રિમા શરુઃ । પુરા નુ જરસો વધીત્ ॥ (ઋગ્વેદ ૮/૬૭/૨૦)
ભાવાર્થ : આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણે પૂર્ણ આયુષ્ય ભોગવીએ. આપણું અકાળ મૃત્યુ ન થાય એ માટે આપણે સંયમપૂર્વક જીવન વિતાવીએ.
સંદેશ : મનુષ્યના શરીર અને મનમાં શક્તિઓનો અખૂટ ભંડાર ભરેલો છે. તેને નષ્ટ થતો બચાવી શકાય અને તે શક્તિઓનો સદુપયોગ કરી શકાય તો ઇચ્છિત દિશામાં આશાસ્પદ સફળતાઓ મેળવી શકાય છે. આ હકીકતને ન સમજવાના કારણે આપણે આપણી મૂલ્યવાન શક્તિઓનો દુર્વ્યય કરતા રહીએ છીએ અને ઈશ્વરે આપેલી શક્તિનો ભંડાર વ્યર્થ સાબિત થાય છે. રોગિષ્ઠ, અશક્ત અને અસફળ જીવન જીવતા રહીને દિવસો પૂરા કરીએ છીએ.
શરીર અને મન પોતપોતાના ખોરાક દ્વારા શક્તિઓનું સતત સર્જન કરતાં રહે છે, તેના લીધે આપણા સામર્થ્યનો ભંડાર જળવાઈ રહે છે. આ શક્તિભંડારને જો અપવ્યયથી બચાવીને રચનાત્મક દિશામાં વાપરી શકાય તો કોઈપણ ક્ષેત્રમાં ઇચ્છિત પ્રગતિ કરી શકાય છે. સંયમનો અર્થ છે શક્તિના અપવ્યયને રોકવો. આ અપવ્યય મોટાભાગે આપણી ઇન્દ્રિયો દ્વારા જ થાય છે. આ બધામાં મુખ્ય છે જીભ અને જનનેન્દ્રિય.
જીભ દ્વારા આપણે નિરર્થક બકવાસ, નિંદા, ચાડી, બડાશ તથા ગપ્પાં મારવામાં આપણી શક્તિનો નાશ કરીએ છીએ. જો જીભથી અસત્ય અને કડવાં વેણ ન બોલવામાં આવે તો આપણી વાણી આશ્ચર્યજનક રૂપથી પ્રભાવશાળી બની શકે છે. તેને આશીર્વાદ અને વરદાન આપવાની ક્ષમતા પ્રાપ્ત થઈ જશે. મૌન એક તપ ગણાય છે. તપસ્વીઓ જેવું મૌન રાખવું પ્રત્યેક માટે શક્ય નથી, પરંતુ નકામા બકવાસ પર તો નિયંત્રણ રાખી શકાય છે. આપણે એટલું જ બોલવું જોઈએ કે જે આપણા તથા બીજાઓના માટે હિતકારી હોય.
જીભનો બીજો અસંયમ છે ચટાકાપણું. વિકૃત સ્વાદ માટે આપણે અનિચ્છનીય અને અભક્ષ્ય પદાર્થો ખાઈએ છીએ. સ્વાદના લીધે આપણે વધારે પડતું ખાઈ લઈએ છીએ, પરંતુ તે પચતું નથી. અપચાથી શરીરમાં જે સડો પેદા થાય છે તે પાચનતંત્રને નબળું પાડે છે અને અશક્તિ પેદા કરે છે. આ અશક્તિના કારણે જ અનેક રોગો પેદા થાય છે. સ્વાદ કરતાં સ્વાસ્થ્ય વધુ અગત્યનું છે, એ હકીકતને આપણે ભૂલી જઈએ છીએ અને તેનું દુષ્પરિણામ ભોગવીએ છીએ.
જનનેન્દ્રિયનો સંયમ તો સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. એનો અસંયમ શરીરના સારતત્ત્વનો નાશ કરી નાખે છે. આ સારતત્ત્વથી જ શરીરમાં ઓજસ, ચહેરા પર ચમક, વાણીમાં પ્રભાવ, આંખોમાં પ્રકાશ, મગજમાં બુદ્ધિ અને સ્વભાવમાં સાહસનો પ્રવાહ વહે છે. આ સારતત્ત્વનો જેટલો પણ અપવ્યય થાય છે તેટલો જ મનુષ્ય શારીરિક અને માનસિક દૃષ્ટિથી દુર્બળ થતો જાય છે. કામવાસનાગ્રસ્ત માણસ નીરોગી રહી શકતો નથી અને દીર્ઘાયુષ્યનો આનંદ પણ લઈ શકતો નથી.
સંયમનો અર્થ છે શક્તિનો સંચય. અસંયમનો અર્થ છે શક્તિની બરબાદી. એ હકીકત છે કે બરબાદીથી મનુષ્ય દેવાળિયો બને છે અને જે થોડું થોડું કરીને બચાવતો રહે છે તેનો ભંડાર ભરાતો રહે છે.
પ્રતિભાવો