૧૭૧. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૬૪/૩૮, અથર્વવેદ ૯/૧૦/૧૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 16, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૬૪/૩૮, અથર્વવેદ ૯/૧૦/૧૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અપાઙ્પ્રાઙ્તિ સ્વધયા ગૃભીતોઽમત્ર્યો મત્ર્યેના સયોનિઃ । તા શશ્વન્તા વિષૂચીના વિયન્તાન્યન્યં ચિક્યુર્ન નિ ચિક્ચરન્યમ્ ॥ (ઋગ્વેદ ૧/૧૬૪/૩૮, અથર્વવેદ ૯/૧૦/૧૬)
ભાવાર્થ : જીવાત્મા અમર છે અને શરીર નાશવંત છે. આત્મા બધી જ શારીરિક ક્રિયાઓનો સ્વામી છે, કારણ કે જ્યાં સુધી શરી૨માં પ્રાણ રહે છે ત્યાં સુધી જ તે ક્રિયાશીલ રહે છે. આ આત્મા વિશે મોટા મોટા પંડિતો અને બુદ્ધિશાળી માણસો પણ જાણતા નથી. એને ઓળખવો તે માનવજીવનનું મુખ્ય લક્ષ્ય છે.
સંદેશ : આત્મા અને શરીર વચ્ચે જે ગૂઢ સંબંધ છે તેનાથી બધા માનવો હંમેશાં અજાણ છે અને ભ્રમમાં રહે છે. આ આત્મા કયાંથી આવે છે અને શરીરના મૃત્યુ પછી કયાં ચાલ્યો જાય છે તે કોઈ જાણી શક્યું નથી. ગીતામાં આત્માની અમરતા વિશે સ્પષ્ટ રૂપથી કહેવાયું છે કે આત્માને કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને વાયુ તેને સૂકવી શકતો નથી. આનાથી સ્પષ્ટ છે કે શરીરનો તો અંત થાય છે, પણ આત્માનો અંત થતો નથી. આત્મા તો અજરઅમર છે, નિત્ય છે અને શાશ્વત છે. શરીરનો નાશ થવા છતાંય આત્માનું અસ્તિત્વ યથાવત્ રહે છે.
આત્મા અને શરીર વિપરીત પ્રકૃતિનાં હોવા છતાંય સાથોસાથ રહે છે. ‘કઠોપનિષદ’ના ઋષિનું કથન છે, “શરીર એક રથ સમાન છે કે જેમાં ઘોડાઓ જોડેલા છે. ઘોડાની લગામ સારથિના હાથમાં હોય છે, જે તેમને ચલાવે છે, જો કે રથનો સ્વામી પાછળ બેઠેલો હોય છે. તેના હુકમ મુજબ સારથિ રથ ચલાવે છે. શરીર રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે, મન લગામ છે અને બુદ્ધિ સારથિ છે. આત્મા આ રથનો સ્વામી છે.” આથી તે જ્યાં જવાનું કહે ત્યાં જ બુદ્ધિએ જવું જોઈએ. એના અનુસાર મન અને ઇન્દ્રિયોએ કાર્ય કરવું જોઈએ. જ્યાં સુધી આ ક્રમ ચાલશે ત્યાં સુધી જીવનરૂપી રથ તેના નિર્ધારિત સ્થાને પહોંચી જશે, નહિતર ખબર નથી કે તે કઈ કઈ યોનિઓમાં ભટકતો રહેશે.
આત્મા અને શરીરમાં અમરતા અને નાશવંતતાનો વિરોધાભાસ છે, છતાંય બંને વચ્ચે અતૂટ સંબંધ છે. શરીર જીવતું રહે ત્યાં સુધી આત્મા તેને છોડતો નથી, પછી ભલે મનુષ્ય આત્માની ગમે તેટલી અવગણના કેમ ન કરે. જીવનની વ્યાવહારિકતા માટે અધ્યાત્મવાદ અને સંસારવાદ (ભૌતિકવાદ) બંનેની જરૂર છે. ભૌતિક સુખસગવડો પણ જોઈએ, શરીર અને ઇન્દ્રિયોને યોગ્ય ખોરાક પણ જોઈએ અને સાથે જ આત્મશક્તિના વિકાસનો પણ પ્રયત્ન થવો જોઈએ. આપણે દરરોજ પોતાનાં કાર્યોની સમીક્ષા કરતા રહીને પોતાની ચિત્તવૃત્તિઓનું શુદ્ધિકરણ કરતા રહેવું જોઈએ. શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ માનસિક સ્વાસ્થ્યનું પણ પૂરતું ધ્યાન રાખવું જોઈએ. બંને સ્વસ્થ રહે તો જ આત્મામાં શુદ્ધ અને પવિત્ર વિચોરોનો જન્મ થાય છે.
આ સત્યને સારી રીતે હૃદયમાં ઉતારી લઈને પોતાના આચરણમાં લાવવું એ જ શરીરની ઉપયોગિતા છે.
પ્રતિભાવો