૧૭૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૭૫/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 17, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૭૫/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
જુષસ્વ સપ્રથમસ્તમં વચો દેવપ્સરસ્તમમ્ । હવ્યા જુહ્વાન આસનિ ॥ (ઋગ્વેદ ૧/૭૫/૧)
ભાવાર્થ : શારીરિક અને આત્મિક સુખ મેળવવા ઇચ્છતા હો, તો પોતાના આહાર, વિહાર અને ક્રિયાઓમાં સાદાઈ રાખો અને બ્રહ્મચારી બનો.
સંદેશઃ શારીરિક સામર્થ્ય માનવજીવનની મહત્ત્વની જરૂરિયાત છે. સ્વાસ્થ્ય સારું ન હોય તો કોઈ કાર્ય કરવું શક્ય નથી. ધન, વિદ્યા, પદ, સન્માન વગેરે મેળવવા માટે જે શ્રમ કરવો પડે છે તે અસ્વસ્થ માણસ માટે શક્ય નથી. જે માણસ સ્વસ્થ અને નીરોગી હોય છે તે જરૂરી કર્તવ્યો પૂરાં કરવામાં અને મહત્ત્વાકાંક્ષાઓની દિશામાં પ્રગતિ કરી શકે છે. શારીરિક સામર્થ્ય જાળવવા માટે સ્વસ્થતા અને બળ વધારવામાં જાગૃતિ રાખવી જોઈએ.
વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે આહાર, વિહાર, શ્રમ અને સંયમ ચારેયની જરૂર પડે છે. આમાંથી એક પણ અસ્તવ્યસ્ત થઈ જાય તો અસ્વસ્થતાની તકલીફ ઊભી થાય છે. પોતાની ઇન્દ્રિયોને સંયમપૂર્વક કાબૂમાં રાખવાથી જ શારીરિક અને આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયો તો આત્માનું સાધન છે, સેવક છે. પરમાત્માએ ઇન્દ્રિયો એટલા માટે આપી છે કે તેમના દ્વારા આત્માની જરૂરિયાતો પૂરી થાય અને સુખ મળે. બધી જ ઇન્દ્રિયો ઘણી ઉપયોગી છે અને તેમનું કાર્ય જીવનો ઉત્કર્ષ કરવાનું અને આનંદ આપવાનું છે. જો ઇન્દ્રિયોનો સદુપયોગ કરવામાં આવે તો મનુષ્ય નિરંતર જીવનના મધુર રસને માણીને પોતાનું જીવન સફળ બનાવી શકે છે.
ઇન્દ્રિયોનો બીજો કોઈ ઉપયોગ નથી, પરંતુ તેઓ અંતઃકરણની ભૂખને સંતોષવાનું એક ઉત્તમ સાધન છે. જેવી રીતે પેટની ભૂખતરસને તૃપ્ત ન કરવાથી શરીર દુર્બળ બની જાય છે તેવી જ રીતે સૂક્ષ્મ શરીરની, જ્ઞાનેન્દ્રિયોની ભૂખને યોગ્ય રીતે સંતુષ્ટ ન કરવામાં આવે તો આંતરિક ક્ષેત્રનું સમતોલન બગડી જાય છે અને અનેક પ્રકારની માનસિક તકલીફો પેદા થાય છે. આજકાલ મોટા ભાગના માણસો ઇન્દ્રિયોની વાસનાના ગુલામ હોય છે. બેકાબૂ થયેલી વાસના પોતાના સ્વામીને ખાઈ જાય છે.
આત્મનિયંત્રણ જ સ્વર્ગનું દ્વાર છે અને એનો મૂળ મંત્ર છે આત્મસંયમ. એનાથી મનુષ્ય પોતાના દૈવી ગુણોનો વિકાસ કરી દૈવી જ્ઞાન અને શાંતિ મેળવે છે. જે માણસ આત્મસંયમના પરમ ગૌરવનો અનુભવ કરતો નથી તે એની અસીમ જરૂરિયાતને સમજતો નથી. તે આધ્યાત્મિક સ્વતંત્રતા અને વૈભવને મેળવી શકતો નથી. તે ખરાબ વાસનાઓનો ગુલામ બની રહે છે. ઇન્દ્રિયો કુમાર્ગે વળી જવાનું મુખ્ય કારણ જાતજાતનાં પ્રલોભનો છે. તે એટલાં મનમોહક, લોભામણાં અને માદક હોય છે કે તે આપણને વિવેકશૂન્ય, અદૂરદર્શી અને વ્યગ્ર બનાવી દે છે, તેથી આપણે વિષયવાસના, આર્થિક લાભ, સ્વાર્થ વગેરે પ્રલોભનોનો શિકાર બની જઈએ છીએ. આપણે પ્રબળ ઇચ્છાશક્તિ દ્વારા આત્મસંયમની સાધના કરવી જોઈએ અને ‘સાદું જીવન ઉચ્ચ વિચાર’ ને પોતાનો આદર્શબનાવી લેવો જોઈએ.
આત્મસંયમ પુણ્યમાર્ગની સીડી છે. એનાથી સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે. સાચા તથા સુવ્યવસ્થિત ધાર્મિક જીવનની આ સર્વપ્રથમ જરૂરિયાત છે.
પ્રતિભાવો