૧૭૩. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૩/૪૦/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 18, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૩/૪૦/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
દધિષ્વા જઠરે સુતં સોમમિન્દ્ર વરેણ્યમ્ । તવ ઘુક્ષાસ ઇન્દ્રવઃ ॥ (ઋગ્વેદ ૩/૪૦/૫)
ભાવાર્થ: આપણો ખોરાક એવો હોવો જોઈએ કે જેનાથી આપણી બુદ્ધિ, આયુષ્ય અને બળમાં નિરંતર વૃદ્ધિ થતી રહે.
સંદેશ : ખોરાક સિવાય જીવન અશક્ય છે. પ્રત્યેક માણસે પોતાના ખોરાક પર વધુ ધ્યાન આપવું જોઈએ. ખોરાક જેટલો શુદ્ધ, સાદો અને સાત્ત્વિક હશે તેટલો જ સ્વાસ્થ્યપ્રદ થશે. ગીતામાં એ સ્પષ્ટ કહેવાયું છે કે આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને સ્નેહને વધારનાર અને ચીકણા તેમજ રસવાળા, સ્થિર રહેનારા તથા સ્વભાવથી મનને પ્રિય લાગનારા પદાર્થ સાત્ત્વિક હોય છે. આપણે હંમેશાં સાત્ત્વિક અને સમતોલ આહાર જ લેવો જોઈએ. ઠાંસીઠાંસીને ખાવાને બદલે અલ્પાહારી રહેવું જોઈએ. ગૌતમ બુદ્ધનો પણ એ ઉપદેશ છે કે ‘એક વખત ખોરાક લેનારો મહાત્મા છે, બે વખત સંયમપૂર્વક ખાનારો બુદ્ધિમાન છે અને એનાથી વધુ વખત ખાનારો અભાગી, મહામૂર્ખ અને પશુસમાન છે.’ એથી જ કહેવાય છે, ‘એક વાર યોગી, બે વાર ભોગી, ત્રણ વાર રોગી.’ જીભનો સંયમ સૌથી બે જરૂરી સંયમ છે. ભક્ષ્ય-અભક્ષ્ય, યોગ્ય-અયોગ્યનું ધ્યાન રાખીને પોતાનો ખોરાક નક્કી કરવો જોઈએ. તેમાં સાત્ત્વિક ભોજન અને ફળોનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. એનાથી જીવનમાં સાત્ત્વિકતા, સહનશીલતા અને આધ્યાત્મિકતાની વૃદ્ધિ થાય છે તથા બધી ઇન્દ્રિયો પણ કાબૂમાં રહે છે.
સંયમનું એક મોટું અને સરળ સાધન આહાર છે. અઠવાડિયામાં એક દિવસ અસ્વાદવ્રત કરવું જોઈએ. અસ્વાદનો અર્થ છે સ્વાદના ગુલામ ન બનવું. એનો અર્થ એ નથી કે આપણે સંસારના ખાવાલાયક પદાર્થોનું સેવન જ ન કરીએ અને પોતાની જીભની સ્વાભાવિક શક્તિ ગુમાવી દઈએ. અસ્વાદવ્રતનું તાત્પર્ય એ છે કે શરીરના પોષણ, સ્વાસ્થ્ય અને રક્ષણ માટે જે પદાર્થોની જરૂરિયાત હોય તેમને ગ્રહણ કરવામાં ઊણપ ન રાખીએ. જીભને હંમેશાં કાબૂમાં રાખીએ. એને મહાવરો પાડવા માટે અઠવાડિયામાં એક દિવસ મીઠું અને ખાંડ વિનાનું ભોજન કરવું. તાજાં ફળોનું સેવન કરવું જોઈએ.
સાત્ત્વિક અને સંયમિત ખોરાક ગ્રહણ કરવાથી શારીરિક, આર્થિક અને સામાજિક એમ કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, બલ્કે લાભ જ થાય છે. જેમ આહારની સાત્ત્વિકતા જરૂરી છે એ જ રીતે નિયમિત અને વ્યવસ્થિત આચરણ સિવાય પણ કામ ચાલતું નથી. સ્વાસ્થ્યની દૃષ્ટિએ નિયમિતતાનું મોટું મહત્ત્વ છે. સૂવું, જાગવું અને સ્નાન કરવું વગેરે દૈનિક ક્રિયાઓ સમયસર કરવી. નિત્યકર્મોમાં રાખવામાં આવતી બેદરકારી સ્વાસ્થ્યને બગાડે છે. કેટલાક માણસો ઘણા આળસુ હોય છે. તેઓ પોતાની દિનચર્યાનો કોઈ ક્રમ જાળવતા નથી. શરીરની એકત્રિત ઊર્જા દુરાચારને થોડોક સમય તો સહન કરતી રહે છે. જુવાનીના જોશમાં કંઈ ખબર પડતી નથી, પરંતુ ૩૫-૪૦ વર્ષની ઉંમર થઈ જતાં શરીર જાતજાતના રોગોનું ઘર બની જાય છે. કેટલીકવાર તો એવી સ્થિતિ સર્જાય છે કે જુવાનીની શરૂઆત જ ન થઈ હોય અને ઘડપણ આવી પડે.
યોગ્ય આહારવિહારથી જ જીવનરસમાં પ્રગાઢતા આવે છે. તે આપણી બુદ્ધિને અને શારીરિક તેમ જ આત્મિક બળને વધારીને આપણને દીર્ઘજીવન અર્પણ કરે છે.
પ્રતિભાવો