૧૭૪. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૮/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 19, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૮/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
શતં વો અમ્બ ધામાનિ સહસ્રભુત વો રુહઃ । । અધા શતક્રત્વો યૂયમિમં મેડઅગદં કૃત ॥ (યજુર્વેદ ૧૨/૭૬)
ભાવાર્થ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મુખ્ય સાધન મનુષ્યનું શરીર છે. એટલા માટે યોગ્ય આહાર, સંયમિત વિહાર અને વર્તનમાં કલ્યાણભાવનું ધ્યાન રાખીને પોતાના આરોગ્યને સ્થિર રાખવું જોઈએ. નીરોગી શરીર જ સર્વ સુખોનું મૂળ છે.
સંદેશ : સ્વર્ગ અને મુક્તિનો આનંદ આ જીવનમાં જ શક્ય છે, પરંતુ બને છે એવું કે આપણે આપણા જીવનલક્ષ્યને સારી રીતે સમજતા નથી અને તેને પ્રાપ્ત કરવા માટેના બધા પ્રયત્નો ખોટી દિશામાં કરતા રહીએ છીએ. આપણા જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પુરુષાર્થ સ્વસ્થ શરીર દ્વારા જ પૂર્ણ કરી શકીએ છીએ. અસ્વસ્થ, બીમાર અને દુર્બળ લોકો તો અડધા મરેલા જેવા હોય છે. શરીરગત પીડા તો રહે જ છે, સાથે સાથે અસમર્થતા અને અસફળતાની વેદના પણ મનોબળને તોડે છે. સ્વાસ્થ્ય વિશેની અવગણના ઘણી જ મોંઘી પડે છે.
દવાઓથી સ્વાસ્થ્ય સારું રહી શકતું નથી. તે પૈસાથી પણ ખરીદી શકાતું નથી. કીમતી પદાર્થોનું સેવન કરીને આરોગ્યના રક્ષણની વાત વિચારવી એ પણ મૂર્ખતા છે. સ્વાસ્થ્યનો આધાર તો આહાર, વિહાર, શ્રમ અને સંયમ પર જ રહેલો છે. પ્રકૃતિના આદેશ અનુસાર ચાલવું, પ્રાકૃતિક આહારવિહારને અનુસરવું, પ્રાકૃતિક જીવન જીવવું તે સ્વાસ્થ્યને યોગ્ય રાખવાનો અને વધા૨વાનો રાજમાર્ગ છે. અપ્રાકૃતિક, અસ્વાભાવિક, કૃત્રિમ, આડંબરયુક્ત અને વિલાસી જીવનચર્યાથી લોકો બીમાર પડે છે અને નાની ઉંમરમાં જ કાળનો કોળિયો બની જાય છે. સંસારનાં બધાં જીવજંતુઓ, પશુપક્ષીઓ પ્રકૃતિના નિયમોનું અનુસરણ કરે છે, પરિણામ સ્વરૂપે તેઓ કદી બીમાર પડતાં નથી. જો કોઈવાર દુર્ઘટનાને લીધે કે પરસ્પરની લડાઈમાં ઘાયલ થઈ જાય તો પણ આપોઆપ પ્રકૃતિમાતાની કૃપાથી સાજાં પણ થઈ જાય છે. જે પશુપક્ષીઓ મનુષ્યના સંપર્કમાં રહે છે તેમના માટે પશુ દવાખાનાની જરૂર પડે છે.
મનુષ્ય જ એક મહામૂર્ખ જાનવર છે, જે ખોટું આચરણ, અસંયમ અને અનિયમિતતાને કારણે પોતે જ બીમારીઓને આમંત્રિત કરે છે. આ આહારવિહારની બેદરકારી, આળસ, પ્રમાદ વગેરેનું પરિણામ છે. પ્રકૃતિએ મનુષ્યના રૂપમાં વિશ્વનું સૌથી વધુ સુંદર શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓથી પરિપૂર્ણ સ્વસ્થ, સુડોળ અને દીર્ઘજીવી પ્રાણી બનાવ્યું છે. આરોગ્ય અને ઉત્તમ સ્વાસ્થ્યનો સરળ અને સીધો માર્ગ બતાવ્યો છે. બને ત્યાં સુધી પ્રાકૃતિક આહાર જ લેવો જોઈએ. ભોજનને જેટલો અગ્નિનો ઓછો સંપર્ક થશે તેટલાં તેના પોષકતત્ત્વો જીવંત રહેશે અને શરીરને બળ પૂરું પાડશે. પાકાં અને ઋતુને અનુરૂપ સસ્તાં ફળ, કાચાં શાકભાજી, અંકુરિત અનાજ અને બાફેલું કે વરાળથી રાંધેલું ભોજન દરેક દૃષ્ટિએ ઉત્તમ, સાત્ત્વિક અને પૌષ્ટિક હોય છે.
જો શરીર સ્વસ્થ હોય તો જ મગજ સ્વસ્થ હોય છે અને તેમાં પવિત્ર અને મધુર વિચારો આવે છે તથા મન પ્રસન્ન અને શુભ કલ્પનાઓથી પરિપૂર્ણ રહે છે, કામમાં મન પરોવાય છે, આળસ અને બેચેની રહેતી નથી અને હૃદય ફૂલોની જેમ ઉલ્લાસથી ભરેલું રહે છે.
‘યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ’ નો આદર્શ હંમેશાં આપણો માર્ગદર્શક રહેવો જોઈએ.
પ્રતિભાવો