૧૭૫. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૯/૪૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 20, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૯/૪૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઋજીતે પરિ વૃડ્ંગ્ધિ નોશ્મા ભવતુ નસ્તનૂઃ । સોમો અધિ બ્રવીતુ નોદિતિ શર્મ યચ્છતુ ॥ (યજુર્વેદ ૨૯/૪૯)
ભાવાર્થ : જે રીતે મનુષ્ય પૃથ્વી પર પોતાનું ઘર બનાવીને નિવાસ કરે છે, તે જ રીતે શરીર પણ જીવાત્માનું ઘર છે. આથી એને બ્રહ્મચર્ય, સાત્ત્વિક ખોરાક અને સંયમ દ્વારા હંમેશાં સ્વસ્થ અને નીરોગી રાખીએ.
સંદેશ : માનવશરીરનું મહત્ત્વ એ જ વાતથી સમજાય છે કે ભગવાનને પણ સંસારનો ઉદ્ધાર કરવા માટે આ જ શરીરમાં અવતાર લેવો પડે છે. આમેય સમગ્ર જીવજંતુઓમાં મનુષ્યની રચના સર્વશ્રેષ્ઠ છે. પરમાત્માએ મનુષ્યને આ સર્વગુણયુક્ત શરીર આપ્યું છે તેનું પણ વિશેષ કારણ છે. ઈશ્વરે સૃષ્ટિની શાંતિ, સુવ્યવસ્થા, સમૃદ્ધિ, સુંદરતા અને પ્રગતિને માટે મનુષ્યને પોતાના સહાયક અને સહચરના રૂપમાં રચ્યો છે. પોતાની સંપૂર્ણ વિભૂતિઓ અને વિશેષતાઓ એનામાં ભરી દીધી છે, જેનાથી તે આ પવિત્ર લક્ષ્યોને સારી રીતે નિભાવી શકે. એટલું જ નહિ, ૫રમાત્મા સ્વયં પ્રત્યેક મનુષ્યના શરીરમાં જીવાત્માના રૂપમાં બિરાજમાન છે અને તેને માર્ગદર્શન આપતા રહે છે, છતાંય મનુષ્ય પોતાની મૂર્ખતાને લીધે પોતાના આત્માની ઉપેક્ષા અને અવગણના કરીને પોતે જ પોતાના પગ પર કુહાડી મારે છે.
આ શરીરને અર્થાત્ આત્માના નિવાસસ્થાનને સ્વચ્છ, પવિત્ર અને નીરોગી રાખવાની જવાબદારી મનુષ્યની છે. એનાથી તેને લાભ પણ થાય છે અને પ્રભુકૃપા પણ સરળતાથી પ્રાપ્ત થાય છે. સારું સ્વાસ્થ્ય અણમોલ સંપત્તિ છે. એનાથી કપાળ પર ગુલાબી છટા, ચહેરા પર આભા અને તેજ, આંખોમાં ચમક તથા ઇન્દ્રિયો, મન અને આત્મામાં પ્રસન્નતા રહે છે. જો શરીર સ્વસ્થ ના હોય તો ધન, ધાન્ય, ઐશ્વર્ય, વિદ્યા, બુદ્ધિ વગેરે શા કામનાં ? એક માણસ ધનધાન્યથી પૂર્ણ હોય, પરંતુ જો તેનું સ્વાસ્થ્ય ઠીક ન હોય તો તેનું જીવન બોજારૂપ બની જાય છે.લૌકિક ઉન્નતિ માટે તો સ્વાસ્થ્યની જરૂરિયાત હોય જ છે, પારલૌકિક ઉન્નતિ માટે પણ એનું મહત્ત્વ ઓછું નથી.
રોગી માણસ ઈશ્વરચિંતન પણ કરી શકતો નથી. સ્વાસ્થ્ય સારું ન હોય તો બંને લોક બગડી જાય છે અને જીવન કષ્ટમાં પસાર થાય છે. ઉત્તમ કર્મ ન કરવાથી નવો જન્મ પણ બગડી જાય છે. મનુષ્ય ન તો ઘરનો રહે છે કે ન ઘાટનો રહે છે. મનુષ્ય ખૂબ ઉન્નતિ કરે, ધન કમાય, વસ્તુઓનો સંગ્રહ કરે, પરંતુ તે સ્વાસ્થ્ય ન ગુમાવે તે જરૂરી છે. એવા શરીરથી શો લાભ કે આપણે પોતાનું ભોજન પણ ન પચાવી શકીએ ? સ્વસ્થ રહેવા માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને સાત્ત્વિક ભોજન લેવું જોઈએ. ઈંડાં, માંસ, માછલી, બીડી, દારૂ વગેરે નશીલી અને નુકસાનકારક વસ્તુઓનું સેવન તો કદી પણ ન કરવું. આ વસ્તુઓના સેવનથી મનુષ્ય જંગલી અને અશિષ્ટ બને છે. વ્યાયામને દિનચર્યાનું અંગ બનાવવું જોઈએ. મન અને વિચારોને પણ સદૈવ શુદ્ધ અને પવિત્ર રાખવાં જોઈએ તથા સદાચારનું પાલન દેઢતાપૂર્વક કરવું જોઈએ. સ્વસ્થ અને હૃષ્ટપુષ્ટ માણસ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે અને તેના આત્માનો પ્રકાશ ચારે તરફ ફેલાઈ જઈને તેનાં યશ અને કીર્તિને વધારે છે.
પ્રતિભાવો