૧૭૬. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩૦/૧૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 21, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩૦/૧૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અયં લોક: પ્રિયતમો દેવાનામ પરાજિતઃ । યસ્મૈ ત્વમહિ મૃત્યવે દિષ્ટ: પુરુષ જજ્ઞિષે ॥ સ ચ ત્વાનુ હૃયામસિ મા પુરા જરસો મૃથાઃ ॥ (અથર્વવેદ ૫/૩૦/૧૭)
ભાવાર્થ : માનવશરીર બીજાં પ્રાણીઓ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. બંધનમુક્તિની સંપૂર્ણ શક્તિઓ અને સાધનો એમાં રહેલાં છે. એટલા માટે મનુષ્ય એવો આહાર, વિહાર, વિચાર અને વ્યવહાર રાખવો જોઈએ કે જેથી તે સંપૂર્ણ આયુષ્ય ભોગવી શકે.
સંદેશ : ચોર્યાસી લાખ યોનિઓમાં ભટક્યા પછી આત્મા જ્યારે માનવશરીરને પ્રાપ્ત કરે છે ત્યારે તેના માટે ઉન્નતિના બધા માર્ગો આપોઆપ મોકળા બની જાય છે. આ શરીરમાં જે શક્તિઓ અને સાધનો છે તેમનો યોગ્ય ઉપયોગ કરીને ભવસાગરથી મુક્ત થવામાં વાર લાગતી નથી. પરમાત્માએ મનુષ્યને જે સો વર્ષનું આયુષ્ય આપ્યું છે તેનો પૂર્ણ ઉપભોગ કરતા રહીને લોકહિતનાં કાર્યોને પરિપૂર્ણ કરવાનું સામર્થ્ય તેને બ્રહ્મચર્યથી જ પ્રાપ્ત થઈ શકે છે.
મોટેભાગે બ્રહ્મચર્યનો સંકુચિત અર્થ વીર્યનું રક્ષણ અને કામવાસના પર નિયંત્રણ જ માનવામાં આવે છે, પરંતુ આ તો તેનું ફક્ત એક જ પાસું છે. બ્રહ્મચર્યનો અર્થ છે ઈશ્વરચિંતન, વેદાભ્યાસ, જ્ઞાનોપાર્જન અને વીર્યરક્ષા. બ્રહ્મ કહેવાય છે બ્રહ્માને, મહાનતાને અને ચર્યનો અર્થ છે વિચરવું. મહાનતામાં વિચરવું, મહાન થવું, મહાનતાનું આચરણ કરવું તે બ્રહ્મચર્યનો વ્યાપક અર્થ છે. આપણે મહાનતા માટે ઈશ્વરના દિવ્ય ગુણોનું ચિંતન કરવું જોઈએ અને તેમને વ્યવહારમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
વેદો તથા બીજા સગ્રંથોનો અભ્યાસ કરીને સત્યજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આપણી બુદ્ધિને વિકસાવીને યોગ્ય અયોગ્ય, નીતિ-અનીતિનો નિર્ણય કરવાની વિવેકબુદ્ધિ જાગૃત કરવી જોઈએ, પરંતુ જ્યારે વીર્યના રક્ષણ દ્વારા સ્વાસ્થ્યને ઉત્તમ રાખવામાં આવે છે ત્યારે જ આ શક્ય બને છે. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તેનામાં દૈવી તેજ ભરપૂર હોય છે, આંખોમાં ચમક હોય છે, ગાલ ગુલાબી થઈ જાય છે અને ચહેરો ઓજસ તેમ જ આભાથી પ્રકાશવાન રહે છે. બ્રહ્મચર્ય દ્વારા શરીર હૃષ્ટપુષ્ટ બને છે અને પ્રસન્નતા, દૃઢતા, સાહસ અને ધૈર્ય જેવા ગુણો વિકસે છે. વધુમાં બ્રહ્મચર્ય પાળવાથી આપણે આપણી શક્તિઓનો નાશ થતો અટકાવીને જીવનને મહાનતાના માર્ગ પર ચાલવામાં તેનો સદુપયોગ કરી શકીએ છીએ.
મનુષ્ય પોતાની ઉન્નતિ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેનો વ્યાપક અર્થ જોઈએ તો સમાજને પણ બ્રહ્મચર્યની જરૂરિયાત છે. આજે સમગ્ર સમાજ અશક્ત, વેરવિખેર અને સંકુચિત થઈ રહ્યો છે. ચારે તરફ સ્વાર્થપરાયણતા, અસમર્થતા, અશ્લીલતા, વ્યાકુળતા, ભય તથા બરબાદીનાં જ લક્ષણો જોવા મળે છે. એનું કારણ એ છે કે મનુષ્યની માફક સમાજમાં પણ જે બ્રહ્મચર્ય હોવું જોઈએ. તેના અભાવમાં તેની શક્તિઓ ખલાસ થઈને આમતેમ વિખેરાઈ રહી છે. દેવાસુરસંગ્રામમાં જ્યારે દેવત્વનો પરાજય થવા લાગ્યો હતો ત્યારે પરમાત્માએ બધી વેરવિખેર થયેલી શક્તિઓને એકત્રિત કરીને એક પ્રચંડ શક્તિ પ્રગટ કરી હતી, જેનું નામ દુર્ગા હતું. આજે પણ જેમ મનુષ્ય માટે બ્રહ્મચર્ય દ્વારા પોતાની વિખરાયેલી શક્તિઓને એકત્રિત કરવી જરૂરી છે એ જ રીતે સમાજે પણ બ્રહ્મચર્યનું પાલન કરીને એકતા, સહકાર, સદ્ભાવના અને સદ્ગુણોની શક્તિને એકત્રિત કરવાની જરૂર છે. શરીર, મન, આત્મા, સમાજ અને રાષ્ટ્ર એ બધાંએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
પ્રતિભાવો