૧૭૭. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૧/૫/૧૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 22, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૧/૫/૧૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
બ્રહ્મચર્યેણ તપસા દેવા મૃત્યુમપાઘ્નત । ઇન્દ્રો હ બ્રહ્મચર્યેણ દેવેભ્યઃ સ્વ રાભરમ્ II (અથર્વવેદ ૧૧/૫/૧૯)
ભાવાર્થ : જે રીતે સૂર્ય ભગવાન પોતાના પ્રકાશથી અંધકાર દૂર કરીને ઉત્તમ પદાર્થો પ્રગટ કરે છે, તે રીતે મનુષ્ય બ્રહ્મચર્ય દ્વારા રોગ, આળસ, ગરીબાઈ વગેરેનો નાશ કરીને મોક્ષનું સુખ મેળવે.
સંદેશ : ‘તમસો મા જ્યોતિર્ગમય’, સંસારમાં ચારે તરફ ફેલાયેલ અજ્ઞાનના અંધકારને દૂર કરીને દિવ્ય પ્રકાશ ફેલાવવો તેમાં જ માનવજીવનની સાર્થકતા છે. એનો મુખ્ય આધાર બ્રહ્મચર્ય છે. એનાથી સતોગુણી ઋતંભરા બુદ્ધિનો વિકાસ થાય છે, જે તત્ત્વ અને અતત્ત્વનો, સત્ય અને અસત્યનો, શ્રેય અને અશ્રેયનો નિર્ણય કરવાની ક્ષમતા અર્પે છે. એના દિવ્ય પ્રકાશમાં એ વિચાર કરવો સરળ બની જાય છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. સંયમ, સાદાઈ અને શ્રમશીલતાની પ્રાકૃતિક દિનચર્યાથી બળ અને વીર્ય વધે છે, શરીર સક્રિય રહે છે અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે છે. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તેના મનમાં અપરિગ્રહ, પરમાર્થ, સેવા, ત્યાગ, સહિષ્ણુતા, દયા, સહાનુભૂતિ, મૈત્રી, કરુણા, નમ્રતા, ધર્મ, શ્રદ્ધા, ઈશ્વરપરાયણતા વગેરેની ભાવના જાગૃત થાય છે. બ્રહ્મચર્ય શારીરિક શક્તિ, માનસિક તેજ અને આત્મિક બળની વૃદ્ધિ કરે છે અને મૃત્યુને પણ પરાજિત કરી દે છે.
ભોગવિલાસના કાદવકીચડમાં ફસાયેલો મનુષ્ય કોઈ સંયમી બ્રહ્મચારીના દિવ્ય સુખની કલ્પના પણ કરી શકતો નથી. માયામોહની જંજાળમાં ફસાયેલો મનુષ્ય શું જાણે કે જે મજા ફકીરીમાં છે તે અમીરીમાં નથી. ઇન્દ્રિયસંયમને બ્રહ્મચર્ય કહેવાય છે. એની સર્વોત્તમ સાધના તો ગૃહસ્થાશ્રમમાં જ થાય છે. રામ, કૃષ્ણ, શંકર, પાર્વતી, સીતા બધાં ગૃહસ્થ હતાં અને બ્રહ્મચર્યના શ્રેષ્ઠ આદર્શનાં પ્રતીક હતાં. તેમના જીવનમાં આપણને કૌટુંબિક જવાબદારીઓનું પાલન કરતા રહીને સંયમ અને સાદગીની અનુપમ દિનચર્યાનું ઉદાહરણ જોવા મળે છે. એ બ્રહ્મચર્યની શક્તિની કમાલ હતી કે રાજ્યાભિષેક અને વનવાસ બંનેનો રામે સમભાવથી સ્વીકાર કર્યો. રાજ્ય મેળવવાનો કોઈ ઉલ્લાસ ન હતો, કે વનવાસ જવાનું કોઈ દુઃખ ન હતું. સીતાએ પણ તેવી જ મર્યાદાનું પાલન કર્યું. કૃષ્ણનું તો સમગ્ર જીવન જ બ્રહ્મચર્યનો એક પ્રયોગ હતો. ભલે ગોવાળિયાઓનો સાથ હોય કે ગોપીઓ સાથેની રાસલીલા, રાજનીતિના દાવપેચ હોય કે યુદ્ધનું મેદાન, દરેક જગ્યાએ તેમનો સંયમ જોવા મળે છે. મનનું, વાણીનું અને કર્મનું આવું સુંદર નિયંત્રણ શું બ્રહ્મચર્ય સિવાય શક્ય છે ? બ્રહ્મચર્ય વિશ્વની સૌથી મહાન શક્તિ છે.
વિશ્વનું રહસ્ય જાણવા માટે બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. ભોગથી રોગો જન્મે છે અને પરમાત્મામાં ધ્યાન લાગતું નથી. બ્રહ્મચર્યથી જ્ઞાનપ્રાપ્તિની અભિલાષા પેદા થાય છે અને આધ્યાત્મિક વિકાસ થાય છે.
બ્રહ્મચર્યથી મનુષ્યનું આત્મિક બળ તો વધે જ છે, વધુમાં સાહસ, સહનશીલતા, નિર્ભયતા અને નીરોગતામાં વૃદ્ધિ થાય છે. બ્રહ્મચર્યથી મનુષ્ય શાંત, એકાગ્ર અને કર્તવ્યનિષ્ઠ બને છે. આળસ, પ્રમાદ અને ગરીબાઈ તેની પાસે ફરકતાં નથી. તે હંમેશાં પુરુષાર્થમાં જોડાયેલો રહે છે અને પોતાનું તથા સમાજનું હિત સાધે છે. આનાથી જ માનવજીવન સાર્થક બને છે.
પ્રતિભાવો