૧૭૯. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૯/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 24, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૯/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
યો વઃ શિવતમો રસસ્તસ્ય ભાજયતેહ નઃ | ઉશતીરિવ માતરઃ ॥ (ઋગ્વેદ ૧૦/૯/૨)
ભાવાર્થ : પાણી મનુષ્ય માટે કલ્યાણકારી હોય છે. એના સેવનથી બાહ્ય અને આંતરિક મળ અને ચરો દૂર થાય છે.
સંદેશ : માતૃત્વનું ગૌરવ સંતાનના કલ્યાણમાં સમાયેલું છે. માતા પોતાના સંતાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને સંસ્કારો માટે સજાગ રહે છે અને ન જાણે કેટલાંય દુઃખ વેઠે છે. સદ્ગુણી અને સુસંસ્કારી સંતાનથી જ સ્ત્રીનું સૌભાગ્ય ચમકે છે. ગર્ભધારણથી લઈને તેના જન્મ સુધી તે કષ્ટ વેઠે છે અને પછી બાકીનું સમગ્ર જીવન તે પોતાનાં બાળકોના કલ્યાણમાં ખર્ચી નાંખે છે. આ જ રીતે પરમપિતા પરમેશ્વર પણ હંમેશાં પોતાના પુત્રોના કલ્યાણની કામનાથી જ સંસારચક્રને ચાલુ રાખે છે. તે સૃષ્ટિનાં બધાં જીવજંતુઓ, પશુપક્ષીઓ તથા મનુષ્યોને માટે માતાની જેમ જ સુખ આપનાર છે. તે બધાના ભરણપોષણની વ્યવસ્થા કરે છે. પરમાત્માની અનેક પ્રકારની મદદમાં જળનું મહત્ત્વ સૌથી વધુ છે અને એ બધાને માટે કલ્યાણકારી છે.
વેદમાં પાણીને જીવન અને અમૃત કહેવામાં આવ્યું છે. પાણીમાં આરોગ્યપ્રદ અદ્ભુત ઔષધીય ગુણ છે તથા એ દરેક પ્રકારના રોગોનો નાશ કરી શકે છે. આયુર્વેદ ચિકિત્સામાં પાણીનું ઘણું મોટું મહત્ત્વ છે. મનુષ્યના શરીરમાં ૭૦ ટકા પાણી છે. મગજમાં તો ૯૦ ટકા પાણી હોય છે અને નક્કર હાડકાંમાં ૨૫ ટકા પાણી છે. મનુષ્યનું શરીર, જળ, જમીન, વાયુ, આકાશ, અગ્નિ એમ પાંચ તત્ત્વોનું બનેલું છે.
આ પૃથ્વીની સમગ્ર શોભા પાણીના લીધે છે. આ મનોહર હરિયાળી, મનમોહક સુગંધિત ફૂલોના છોડ, સ્વાદિષ્ટ ફળોથી લદાયેલાં વૃક્ષો, ઘી, દૂધ, દહીં, માખણ વગેરે બધું જ પાણીની કૃપાથી જ ઉત્પન્ન થાય છે.
પર્વતોની દુર્લભ ખનીજોનું ટૉનિક પીધેલું બળવર્ધક પાણી જ્યારે ખેતરોમાં પહોંચે છે ત્યારે જમીન સોનું પકવવા લાગે છે. સંસારનાં બધાં જ કાર્યો જળદેવતાની કૃપા પર જ આધારિત છે. કણેકણમાં જળદેવતાની સત્તા સમાયેલી છે. પાણીમાં ઘણા મોટા ગુણ છે અને એ આપણા જીવનનું અમૃત છે.
શુદ્ધ અને ઠંડું પાણી પીવાથી શરીરનો સર્વ પ્રકારનો મળ-કચરો દૂર થઈ જાય છે. પ્રાતઃકાળે ઊઠતાંવેંત જ ઉષાપાનનું વિધાન આયુર્વેદમાં બતાવાયું છે. જે માણસ સૂર્યોદય પહેલાં ઊઠીને આઠ ખોબા ભરીને પાણી પીએ છે તે હંમેશાં નીરોગી રહે છે. મળ સારી રીતે સાફ થઈ જાય છે, મન પ્રસન્ન રહે છે, ભૂખ કકડીને લાગે છે અને પાચનતંત્ર શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. ઉષાપાનથી અનેક શારીરિક રોગો અને નબળાઈ દૂર થઈ જાય છે. મોઢેથી પાણી પીવાને બદલે જો નાકથી પાણી પીવાનો મહાવરો કરવામાં આવે તો એ સ્વાસ્થ્યને માટે અતિ ઉત્તમ છે. તે આંખોનું તેજ અને બુદ્ધિને વધારીને વૃદ્ધત્વને દૂર ભગાડે છે.
શરીરશુદ્ધિ માટે સ્નાન ખૂબ જ જરૂરી છે. દરરોજનું સ્નાન બળ, શક્તિ, આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. એનાથી શરીરની સ્વચ્છતા અને સ્ફૂર્તિ જળવાય છે. શુદ્ધ અને ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરનો મેલ, પરસેવો અને થાક દૂર થઈ જાય છે. એ શારીરિક બળની વૃદ્ધિ કરીને ઓજસ્વિતા અને દીર્ઘાયુષ્ય અર્પે છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. ઠંડા પાણીથી સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે હિતકારી છે. પાણી જ જીવન છે.
પ્રતિભાવો