૧૮૦. વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૧૩૫૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 25, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૧૩૫૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
યદઘ સૂર ઉદિતેઽનાગા મિત્રો અર્યમા । સુવાતિ સવિતા ભગઃ ॥ (સામવેદ ૧૩૫૧)
ભાવાર્થઃ પ્રાતઃકાળનો પ્રાણવાયુ સૂર્યોદયની પહેલાં નિર્દોષ રહે છે. આથી પ્રાતઃકાળે વહેલા ઊઠીને આ પ્રાણવાયુનું સેવન કરવું જોઈએ. એનાથી સ્વાસ્થ્ય અને આરોગ્ય સ્થિર રહે છે તથા ધનની પ્રાપ્તિ થાય છે.
સંદેશઃ પ્રકૃતિમાં દરેક પ્રકારની વિચિત્રતા અને વિપુલતા છે. આનંદ, સ્વાસ્થ્ય અને આરોગ્યની તો આપણા માટે કોઈ મર્યાદા જ નથી. સ્વાસ્થ્યની આ વિપુલતાનું રસપાન કરીને સંસારનાં બધાં પશુપક્ષીઓ અને જીવજંતુઓ પોતાના જીવનનો આનંદ માણે છે. પાણી, પવન, પ્રકાશ તથા ભોજનમાંથી પોષકતત્ત્વો મેળવીને તેઓ દીર્ઘાયુષ્યનું સુખ મેળવે છે.
પરમાત્માએ આ પ્રકૃતિના કણેકણમાં, પાંદડાંમાં, ફૂલો અને ફળોમાં તથા પાણીના દરેક ટીપામાં આરોગ્ય ભર્યું છે. વાયુનો પ્રત્યેક અંશ, પાણીનો પ્રત્યેક ઘૂંટડો, ફળ, અનાજ અને શાકભાજીનો ક્લેક્સ જે આપણે શ્વાસમાં, પીવામાં અને ખોરાકમાં લઈએ છીએ તે આપણા માટે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ અને બળવર્ધક છે. પ્રકૃતિની પાસે જીવનના સર્વાંગી વિકાસ અને શક્તિ માટે દરેક પ્રકારનાં સાધનો મોજૂદ છે.
જીવનની શરૂઆત દરરોજ બ્રહ્મમુહૂર્તમાં ઊઠવાથી જ થાય છે. બધાં પશુપક્ષીઓ બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને, આળસ છોડીને દૈનિક કાર્યોમાં જોડાઈ જાય છે. વહેલા ઊઠવાના અનેક લાભ છે. પ્રાતઃકાળની હવા સ્વાસ્થ્યપ્રદ અને દોષમુક્ત હોય છે. એને ‘પ્રાણવાયુ’ અને ‘વીરવાયુ’ પણ કહેવાય છે. એનું સેવન કરવાથી બળમાં વધારો થાય છે, મોંનું તેજ વધે છે, મન હંમેશાં પ્રસન્ન રહે છે અને બુદ્ધિ તીવ્ર બને છે. શરીરનાં બધાં અંગો
નીરોગી રહે છે. સવારમાં વહેલા ઊઠવાથી શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી આવે છે. આનાથી ઊલટું, જે લોકો સૂર્યોદય થયા પછી પણ ઊંઘતા રહે છે તેમનાં આળસ અને પ્રમાદ વધી જાય છે અને તેઓ વિવિધ પ્રકારના રોગોનો ભોગ બને છે. આખો દિવસ સુસ્તી રહે છે અને કોઈ કામ કરવામાં મન લાગતું નથી.
પ્રાતઃકાળની ઉષાદેવી પોતાના બંને હાથથી સ્વાસ્થ્ય, આરોગ્ય, બુદ્ધિ, બળ અને દીર્ઘાયુષ્યનાં વરદાન વરસાવતી રહે છે. તે મધુર વેળામાં જેઓ જાગે છે તેઓ તેમને મેળવી શકે છે. ‘જો જાગત હૈ સો પાવત જો સોવત હૈ વો ખોવત હૈ’ માનવીના દૈનિક જીવનની શરૂઆત આ પુનિત પ્રભાતની વેળાથી જ થાય છે. પ્રાતઃકાળના મંદ પવિત્ર પવનની લહેરો શરીરના રોમેરોમમાં સ્ફૂર્તિ ભરી દે છે અને જીવનના નિર્માણ, પ્રગતિ અને વિકાસમાં ઉત્સાહનો સંચાર કરે છે. મનમાં આગળ વધવાની અને કંઈ કરી બતાવવાની ભાવના જાગૃત થાય છે. પ્રાતઃકાળનું સુંદર, મધુર અને નયનરમ્ય વાતાવરણ, પક્ષીઓનો લ૨વ, પશુઓની મસ્તી આપણા અંતઃકરણમાં નવચેતના અને નવજીવનની જ્યોતિ પ્રગટાવવામાં મોટી સહાય કરે છે.
પ્રકૃતિના આ વરદાનનો આપણે અવશ્ય લાભ લેવો જોઈએ. બધાં પશુપક્ષીઓ બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને આ પ્રાણવાયુનું સેવન કરે છે અને કદી પણ બીમાર પડતાં નથી. મનુષ્ય માટે બ્રહ્મમુહૂર્તમાં ઊઠવું સ્વાસ્થ્ય, મન, બુદ્ધિ અને આત્મા બધાના માટે ખૂબ જ ઉપયોગી છે. એ શરીરમાં સંજીવની શક્તિનો સંચાર કરે છે.
જે મનુષ્યો શારીરિક, માનસિક અને આત્મિક પ્રગતિ ઇચ્છતા હોય તેમણે બ્રહ્મમુહૂર્તમાં પ્રાતઃકાળે ચાર વાગે પથારીમાંથી ઊઠીને ખુલ્લી હવામાં અવશ્ય આવી જવું જોઈએ.
પ્રતિભાવો