અસંતુલિત અસફળતાનું મૂળ કારણ । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
અસંતુલિત અસફળતાનું મૂળ કારણ । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
માનસિક અસંતુલનની અશાંત સ્થિતિમાં કોઈ વ્યક્તિ ન તો સાંસારિક ઉન્નતિ કરી શકે છે કે ન તો આધ્યાત્મિક પ્રગતિ શક્ય બને છે. એનું કારણ એ છે કે ઉન્નતિ માટે, ઊંચે ઊઠવા માટે, આગળ વધવા માટે જે બળની જરૂર હોય તે બળ માનસિક અસ્થિરતાને કારણે એકત્રિત થઈ શકતું નથી. જેવી રીતે હાથ થરથરી રહ્યો હોય તેવા સમયે બંદૂકનું નિશાન તાકી શકાતું નથી, તેવી જ રીતે આવેશ અથવા ઉત્તેજનાની દશામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનો નિર્ણય કરવાનું મુશ્કેલ બની જાય છે.
માનસિક અસંતુલન અને ઉત્તેજનાથી અધીરાઈનો ભાવ ઉત્પન્ન થાય છે. અધીરાઈ એ હૃદયની સંકીર્ણતા, સંકુચિતતા અને બાલિશતાનું ચિહ્ન છે. બાળક જ્યારે બાગ બનાવવાની રમત રમે છે ત્યારે એની કાર્યપ્રણાલી ઘણી વિચિત્ર હોય છે. અત્યારે જ બીજ વાવ્યું, અત્યારે જ ખાતરપાણી આપ્યાં અને તરત જ બે-ચાર મિનિટમાં તે બીજને ઊલટસૂલટ કરીને જુએ છે કે બીજમાંથી અંકુર ફૂટ્યો કે નહિ. જ્યારે અંકુર દેખાતો નથી ત્યારે ફરી જમીનમાં દાટી દે છે અને ફરી ત્રણ ચાર મિનિટ પછી પાછું ખોદીને જુએ છે. એવી રીતે ઘણીવાર જોવા છતાં છોડ ઉત્પન્ન થવાની એની કલ્પના પૂરી થતી નથી ત્યારે બીજા ઉપાય કરે છે. વૃક્ષોની ડાળી તોડીને જમીનમાં રોપે છે અને એ રીતે પોતાની બાગની લાલસાને સંતોષવા પ્રયત્ન કરે છે. એ ડાળીનાં પાંદડાંને ઊંચાનીચાં કરીને જુએ છે કે ફળ લાગ્યું કે નહિ. જો દસ વીસ મિનિટમાં ફળ ન લાગે તો કાપડના દડાને દોરાથી બાંધીને ડાળી પર લટકાવી દે છે, છતાં આવા અધૂરા બાગથી એને તૃપ્તિ થતી નથી. ફળસ્વરૂપ થોડા સમય પછી બાગનો નાશ કરીને તે જતો રહે છે. કેટલાક યુવાન અને વૃદ્ધ પુરુષો પણ આવી જ બાળરમત પોતાના ક્ષેત્રમાં રમ્યા કરે છે. કોઈ કામનો અતિ ઉત્સાહથી આરંભ કરે છે. એ ઉત્સાહ ‘અતિ ઉતાવળો’ બની જાય છે. પછી કાર્ય શરૂ થતાં થોડો સમય થયો ન થયો ત્યાં તો એવું જોવા લાગે છે કે સફળતા પ્રાપ્ત થતાં હજી કેટલી વાર લાગશે. તેઓ થોડો પણ વિલંબ સહન કરવા તૈયાર હોતા નથી. જ્યારે થોડાક સમયમાં એમને પોતાની રંગીન ક્લ્પનાઓ પૂરી થતી દેખાતી નથી, ત્યારે નિરાશ થઈને એમને છોડી દે છે. આવી રીતે અનેક કાર્યોનો આરંભ કરવો અને એમને બગાડવાં એવી જ બાળરમત તેઓ જિંદગીભર રમ્યા કરે છે. નાનાં બાળકો પોતાની આકાંક્ષા અને ઈચ્છાપૂર્તિની વચમાં કોઈ પણ મુશ્કેલી, અંતર અથવા વિલંબ થવાની કલ્પના કરી શક્તા નથી. આવી બાળરમત રમનાર અધીરા પુરુષોની મનોભૂમિ પણ એવી જ હોય છે. જો હથેળીમાં સફળતા ન દેખાય તો ખેલ બગડતાં જરા પણ સમય લાગતો નથી.
પ્રાચીન સમયમાં જ્યારે શિષ્ય વિદ્યાભ્યાસ માટે ગુરુની પાસે જતો, ત્યારે પહેલાં એણે પોતાની ધીરજની પરીક્ષા આપવી પડતી, ગાય ચરાવવી પડતી, લાકડાં વીણી લાવવાં પડતાં. ઉપનિષદોમાં આવા પ્રકારની અનેક કથાઓ છે. ઇન્દ્રને પણ લાંબા સમય સુધી તપસ્યાપૂર્ણ પ્રતીક્ષા કરવી પડી હતી. જ્યારે તેઓ પોતાની ધીરજની પરીક્ષા આપી ચૂક્યા ત્યારે જ તેમને આવશ્યક વિદ્યા પ્રાપ્ત થઈ. જૂના વખતમાં બુદ્ધિમાન પુરુષો જાણતા જ હતા કે ધીરજવાન પુરુષ જ કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેથી ધૈર્યવાન શિષ્યોને જ વિદ્યાભ્યાસ કરાવાતો, કારણ કે ભણાવવાનો પરિશ્રમ પણ અધિકારી શિષ્યો દ્વારા જ સફળ થઈ શકે. ચંચળ મનવાળા, અધીરા સ્વભાવવાળા મનુષ્યનું ભણવું એ ન ભણવા બરાબર છે. અક્ષરજ્ઞાન મેળવવાથી કે અમુક ધોરણનું પ્રમાણપત્ર લઈ લેવાથી કોઈ વિશેષ પ્રયોજન સિદ્ધ થતું નથી.
આતુરતા અને ઉતાવળિયો સ્વભાવ જીવનને અસફળ બનાવનાર એક ભયંકર દોષ છે. કર્મને પાકતાં સમય લાગે છે. રૂને કપડા સુધી પહોંચતા અનેક કઠોર મુશ્કેલીઓ પાર કરવી પડે છે અને અસહ્ય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. જેઓ સંક્રાંતિકાળના મધ્યવર્તી કાર્યક્રમો ધીરજપૂર્વક પૂરા થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરી શકતા નથી, એમણે રૂને કપડામાં રૂપમાં જોવાની આશા રાખવી જોઈએ નહિ. કરવામાં આવેલો પરિશ્રમ એક વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા જ ફળદાયી બનેછે. એમાં વાર લાગે છે અને મુશ્કેલી પણ આવે છે. કેટલીક વાર આ પ્રકારનું અંતર અને સમય તથા મુશ્કેલીઓ આવશ્યક્તાથી વધારે પણ હોઈ શકે. એને પાર કરવા માટે સમય અને શ્રમ લગાવવો પડે છે. કેટલીકવાર તો અનેક પ્રયત્ન કરવા છતાં સફળતા સુધી પહોંચી શકાતું નથી, ત્યારે ઘણી વખત લાંબા સમય સુધી ધીરજપૂર્વક કાર્યને વળગી રહીને સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય છે. આતુર મનુષ્ય આટલી દેઢતા રાખી શકે નહિ. થોડીક મુશ્કેલી આવતાં અથવા થોડીક વાર લાગવાથી એ ગભરાઈ જાય છે અને મેદાન છોડીને ભાગી જાય છે. આ ભાગેડુવૃત્તિ એના પરાજયનો ઇતિહાસ બની જાય છે.
કોઈ એક કાર્યમાં મન ન લાગવું, શંકા અને સંકલ્પ વિકલ્પમાં પડી રહેવું એ એક પ્રકારનો માનસિક રોગ છે. કદાચ કામ પૂરું ન થાય તો ? કદાચ કોઈક આકસ્મિક આપત્તિ આવી પડી તો ? કદાચ ઊલટું પરિણામ આવશે તો ? આ પ્રકારની અનિશ્ચિતતાપૂર્ણ શંકાઓ મનને ડામાડોળ કરી નાંખે છે. પૂરું આકર્ષણ અને વિશ્વાસ ન રહેવાથી મન વિક્ષુબ્ધ રહ્યા કરે છે. જે કામ હાથમાં લીધું છે તેમાં નિષ્ઠા રહેતી નથી. તેથી એ કામ મન વગર જ કરવામાં આવે છે અને એવી જ સ્થિતિમાં બીજા નવા કામની શોધ કરતા રહે છે. આવી ડામાડોળ સ્થિતિમાં એક પણ કામ પૂરું થતું નથી. હાથમાં લીધેલા કામમાં સફળતા મળતી નથી, પરંતુ ઊલટી ભૂલ થતી જાય છે, ઠોકર પર ઠોકર વાગ્યે જાય છે. બીજી બાજુ ઉત્સાહ વગર જે નવું કામ શોધવામાં આવે છે તેના લાભ-ગેરલાભનો પણ પૂરો વિચાર કરવામાં આવતો નથી. અધૂરી કલ્પના અને તેના આધાર પર નવું કામ વાસ્તવિક રૂપમાં નહિ, પરંતુ આલંકારિક રૂપમાં દેખાય છે. પહેલું કામ છોડીને નવું કામ હાથ પર લેવા જતાં ફરીથી નવા કામની એ જ સ્થિતિ થાય છે, જેવી જૂના કામની થઈ હતી. થોડા સમય પછી એને પણ છોડીને નવું કામ હાથ પર લેવું પડે છે. આમ “કામ શરૂ કરવું અને અધૂરું છોડી દેવું’ એવા કાર્યક્રમનું પુનરાવર્તન થતી રહે છે અને અંત સુધી મનુષ્યને પોતાના અસફળ જીવન પર પશ્ચાત્તાપ કર્યા સિવાય બીજું કંઈ હાથમાં આવતું નથી.
પ્રતિભાવો