અતિ સર્વત્ર વર્જયેત્ | માનસિક સંતુલન । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
અતિ સર્વત્ર વર્જયેત્ | માનસિક સંતુલન । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
આપણા પ્રાચીન શાસ્ત્રકારો તથા નીતિકારોએ વારંવાર એ વાત પર ભાર મૂક્યો છે કે, કોઈ પણ કામમાં ‘અતિ’(અતિશયતા)ન કરવી જોઈએ. આ નિયમ ખોટી બાબતોને જ નહિ, અનેક સારી બાબતોને પણ લાગુ પડે છે. કહેવામાં આવ્યું છે કે અતિદાનવૃત્તિને કારણે બલિને પાતાળમાં બંધાવું પડ્યું. સંભવ છે કે કોઈ વિશિષ્ટ આત્માઓ કે જેઓ ખાસ અસાધારણ ઉદ્દેશની પૂર્તિ માટે પૃથ્વી પર અવતર્યા છે, તેમને માટે આ નિયમ આવશ્યક ન હોય, પરંતુ સર્વસાધારણ માટે હંમેશાં મધ્યમ માર્ગ – સંતુલિત જીવનનો નિયમ જ યોગ્ય સિદ્ધ થાય છે.
ભગવાન બુદ્ધે ‘મંઝમ મગ્ન’ અર્થાત્ મધ્યમ માર્ગનું આચરણ કરવા માટે લોકોને ઉપદેશ આપ્યો છે. ખૂબ ઝડપથી દોડનાર જલદી થાકી જાય છે અને ઘણું ધીમેથી ચાલનાર ઈચ્છિત લક્ષ્યસ્થાન સુધી પહોંચવામાં પાછળ પડી જાય છે. જેઓ મધ્યમ ગતિથી ચાલે છે તેઓ થાક્યા વિના, પાછળ પડ્યા વિના ચોક્કસ સમય સુધીમાં પોતાના નક્કી કરેલા સ્થાન સુધી પહોંચી જાય છે.
હાથી જ્યારે નદીને પાર કરે છે ત્યારે પોતાનું એક એક ડગલું સાવધાનીથી મૂકે છે. આગળની જમીન ફંફોળીને એના પર પહેલાં એક પગ મૂકે છે, જ્યારે કોઈ ભય ન લાગે ત્યારે જ એના પર ભાર મૂકી પાછલો પગ ઉઠાવે છે. આ ગતિવિધિથી તે ભારે કામોને પણ પૂરાં કરે છે. જો તે ઉતાવળ કરે તો ઊંડાં પાણીમાં ડૂબી શકે, ક્યાંક કાદવમાં ફસાઈ શકે અથવા કોઈ ખાડામાં ઊંધા મોઢે પડીને પ્રાણ ખોઈ શકે છે. સાથે સાથે જો તે આગળ વધવાનું સાહસ ન કરે, પાણીની વિશાળ પ્રવાહને જોઈ ડરી જાય તો નદી પાર કરી શકે નહિ. હાથી બુદ્ધિમાન પ્રાણી છે. તે પોતાના ભારેખમ શરીરને બરાબર ધ્યાનમાં રાખે છે, નદી પાર કરવાની આવશ્યકતાનો અનુભવ કરે છે. પાણીના વિસ્તૃત ફ્લાવાને અને નદી પાર કરતી વખતે સંભવિત ભયને પણ સમજે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તે પોતાનું કાર્ય ગંભીરતાપૂર્વક શરૂ કરે છે. જ્યાં ભય જુએ છે ત્યાંથી પગ પાછળ હઠાવી લે છે અને બીજી જગ્યાએથી રસ્તો શોધે છે. આવી રીતે એ પોતાનું કામ પૂરું કરે છે.
મનુષ્ય હાથી જેવી બુદ્ધિમત્તા શીખવી જોઈએ અને પોતાનાં કાર્યો મધ્યમગતિથી પૂરાં કરવાં જોઈએ. વિદ્યાર્થી ગમે તેટલી ઉતાવળ કરે તો પણ એકાદ બે મહિનામાં પોતાની વિદ્યા પૂરી કરી શકતો નથી. જો પૂરી કરે તો પણ એને જલદી ભૂલી જશે. ક્રમશઃ રીતે નક્કી સમયમર્યાદામાં પૂરી કરવામાં આવેલી વિદ્યા જ મગજમાં સ્થિર થાય છે. વૃક્ષ, છોડ, પશુપક્ષી બધાં જ પોતાના નિયત સમયમાં પરિપકવ ફળ આપવાલાયક અને વૃદ્ધ બને છે. જો તે નિયત ગતિવિધિમાં ઉતાવળ કરે તો પરિણામ વિપરીત આવેછે. આપણે આપણી શક્તિ, સામર્થ્ય, યોગ્યતા, મનોભૂમિ, પરિસ્થિતિ વગેરેને ધ્યાનમાં રાખીને નિર્ધારિત કાર્યો પૂરાં કરવાં જોઈએ.
ઘણું ખાવું,ભૂખથી વધારે ખાવું ખોટું છે. એવી જ રીતે બિલકુલ ન ખાવું, ભૂખ્યા રહેવુ તે પણ યોગ્ય નથી, અતિશય ભોગ ખરાબ છે અને અમર્યાદિત તપ પણ યોગ્ય નથી. અધિક વિષયવાસના આચરનાર ક્ષીણ થઈ અકાળે મૃત્યુ પામે છે. જેઓ અતિશય તપ કરે છે, શરીરને અતિશય ઘસી નાખે છે તે પણ લાંબું જીવી શકતા નથી. અતિશય કંજૂસ હોવું યોગ્ય નથી, સાથે સાથે એવા દાનવીર હોવું નકામું છે કે પાછળથી પોતાને એકએક દાણા માટે બીજા પર આધાર રાખવો પડે. આળસમાં પડી રહેવું પણ નુકસાનકારક છે. તેની સાથેસાથે શક્તિથી વધારે શ્રમ કરી જીવનશક્તિને સમાપ્ત કરવી પણ યોગ્ય નથી. કુબેર બનવાની તૃષ્ણામાં ગાંડા બની જવું અથવા વનમાં દિવસો પસાર કરવા એ બંને સ્થિતિ અનિચ્છનીય છે.
હંમેશાં મીઠાઈ જ ખાવાની મળે તો અરુચિની સાથેસાથે ઝાડા પણ શરૂ થઈ જાય. ભોજનમાં મીઠાની માત્રા બિલકુલ ન હોય તો ચામડી પીળી પડી જાય. વધુ પડતું ઘી ખાવાથી મંદાગ્નિ થઈ જાય પણ બિલકુલ ઘી ન મળે તો લોહી ખરાબ થઈ જાય. બિલકુલ કપડાં ન મળે તો ઠંડીમાં ન્યૂમોનિયા અને ગરમીમાં લૂ લાગી જવાનો ભય રહે છે. વળી કપડાંની વચ્ચે વીંટળાઈ રહીએ તો શરીર કેરીની જેમ પીળું પડી જાય. બિલકુલ ન ભણવાથી મગજનો વિકાસ થતો નથી અને દિવસરાત ભણવાની ધૂનમાં વ્યસ્ત રહેવાથી મગજ ખરાબ થઈ જાય, આંખો નબળી પડી જાય.
કટ્ટર, અસહિષ્ણુ કે સિદ્ધાંતવાદી બનવાથી કામ ચાલતું નથી. બીજાની ભાવનાઓનો પણ આદર કરીને સહિષ્ણુતાનો પરિચય આપવો પડે છે. આંધળા ભક્ત કે અવિશ્વાસુ બનવું એ બંને ખરાબ બાબતો છે. વિવેકપૂર્ણ હંસની જેમ નીરક્ષીરનું પરીક્ષણ કરી સ્વીકાર અને અસ્વીકારનું પૃથ્થકરણ કરવામાં જ બુદ્ધિમત્તા છે. દેશ, કાળ અને પાત્રના તફાવતથી જાતિ, વ્યવહાર અને ક્રિયાપદ્ધતિનો તફાવત કરવો પડે છે. જો ન કરીએ તો અતિવાદી કહેવાઈએ. અતિવાદી મનુષ્ય આદર્શ તો ઉપસ્થિત કરી શકે છે, પરંતુ નેતૃત્વ કરી શકતો નથી.
આદર્શવાદ આપણું લક્ષ્ય હોવું જોઈએ. આપણી પ્રગતિ એ તરફની હોવી જોઈએ. પરંતુ સાવધાન ! અપરિપકવ અવસ્થામાં એવી છલાંગ મારવામાં ન આવે, જેને પરિણામે પગ તૂટવાની પીડા સહન કરવી પડે. કપરાં કાર્યો પૂરાં કરવા માટે મજબૂત વ્યક્તિત્વની જરૂર છે. ધૈર્યવાનોનું વ્યક્તિત્વ મજબૂત હોય છે. ઉતાવળ કરનારા, ઉછાંછળા, નાદાન અથવા આળસુ નહિ, પરંતુ જેઓ ધૈર્યવાન હોય છે તેઓ જ મહત્ત્વપૂર્ણ સફળતાઓ પ્રાપ્ત કરી શકે છે. તેઓ વિવેકપૂર્ણ મજબૂત કદમ ઉઠાવે છે. અતિવાદના આવેશથી બચી મધ્યમ માર્ગ પર ચાલવાની નીતિ અપનાવે છે. નિયમિતતા, દઢતા અને સ્થિરતાની સાથે સમગતિથી કામ કરતા રહેનાર વ્યક્તિ દ્વારા જ ઉપયોગી સંતુલિત કાર્યો પૂરાં થઈ શકે છે.
પ્રતિભાવો