બીજાની સાથે વાર્તાલાપ કરવાના વિશેષ નિયમ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ
August 25, 2022 Leave a comment
બીજાની સાથે વાર્તાલાપ કરવાના વિશેષ નિયમ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ
આપણી વાતચીત સમયને અનુકૂળ અને પ્રભાવશાળી હોય અને તેનાથી કોઈ ઉદ્દેશ્ય પૂરો થઈ શકે એ માટે સાવધાનીની ઘણી મોટી જરૂરિયાત છે. જે લોકોને કુદરતે આ ગુણ સ્વાભાવિક રૂપે આપ્યો છે તેમની તો કોઈ વાત નથી, પરંતુ બીજા લોકોએ પોતાનાથી શ્રેષ્ઠ વ્યક્તિઓની સાથે રહીને અને માર્ગદર્શન મળે તેવાં પુસ્તકોમાંથી પણ આ વાતો શીખવી જોઈએ અને પ્રયત્નપૂર્વક તેનો અભ્યાસ કરવો જોઈએ. આ સંબંધમાં કેટલાક નિયમ નીચે આપવામાં આવ્યા છે :
(૧) જેવી રીતે સારાં પુસ્તકોને તમે ફક્ત પોતાના લાભ માટે પસંદ કરો છો તેવી રીતે સાથી અથવા સમાજ પણ એવો પસંદ કરો, જેનાથી તમને કાંઈક લાભ થાય. સૌથી સારો મિત્ર તે છે કે જેનાથી પોતાનો કોઈક રીતે સુધાર થાય અથવા આનંદમાં વૃદ્ધિ થાય. જો એ મિત્રોથી તમને કાંઈ લાભ ન થઈ શકે તો તમે તેમના આનંદ અને સુધારની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરો અને જો તે મિત્રોથી તમે કોઈ લાભ ન મેળવી શકો અથવા તેમને તમે પોતે કોઈ લાભ ન આપી શકો, તો તમે તરત જ તેમનો સાથ છોડી દો.
(૨) પોતાના મિત્રોના સ્વભાવનું પૂરું જ્ઞાન મેળવો. જો તે તમારાથી મોટા હોય તો તમે તેમને કાંઈક ને કાંઈક પૂછો અને તેઓ જે કહે તેને ધ્યાનથી સાંભળો. જો નાના હોય તો તમે તેમને કાંઈક લાભ પહોંચાડો.
(૩) જ્યારે એકબીજાની વાતચીત નીરસ થઈ રહી હોય તો તમે કોઈ એવો વિષય શરૂ કરો, જેના પર બધા કાંઈ ને કાંઈ બોલી શકે અને જેનાથી બધા મનુષ્યોના આનંદમાં વૃદ્ધિ થાય, પરંતુ તમે ત્યાં સુધી એવું કરવાના અધિકારી નથી કે જ્યાં સુધી તમે નવો વિષય શરૂ કરતાં પહેલાં તેનું કાંઈક જ્ઞાન ન મેળવ્યું હોય.
(૪) જ્યારે કાંઈક નવી મહત્ત્વપૂર્ણ અથવા શિક્ષણપ્રદ વાત કહેવામાં આવે ત્યારે તમે તેને પોતાની નોટબુકમાં નોંધી લો. તેનો સારાંશ રાખો અને નકામી વાત કાઢી નાંખો.
(૫) તમે કોઈ પણ સમાજમાં અથવા મિત્રોની સાથે જતી આવતી વખતે સંપૂર્ણ મૌન ન રહો. બીજાને ખુશ કરવાનો અને તેને શિક્ષણ આપવાનો પ્રયત્ન અવશ્ય કરો. સંભાવના છે કે તમને પણ બદલામાં કાંઈક આનંદવર્ધક અથવા શિક્ષણપ્રદ સામગ્રી અવશ્ય મળી જાય. જ્યારે કોઈ કાંઈક બોલે ત્યારે તમે જરૂર હોય તો ભલે ચૂપ રહો, પરંતુ જ્યારે બધા લોકો ચૂપ થઈ જાય ત્યારે તમે બધાની શૂન્યતાનો ભંગ કરો. બધા તમારા આભારી રહેશે.
(૬) કોઈ વાતનો નિર્ણય ઉતાવળમાં ન કરો, પહેલાં બંને પક્ષોને ધ્યાનથી સાંભળી લો. કોઈ પણ વાતને વારંવાર ન કહો.
(૭) એ વાત સારી રીતે યાદ રાખો કે તમે બીજાની ત્રુટિઓ તથા દોષોને જે દષ્ટિથી જુઓ છો તેને તેઓ પણ તેજ દૃષ્ટિથી નથી જોતા. એ માટેસમાજની સામે કોઈપણ મનુષ્યના દોષો પર સ્વતંત્રતાપૂર્ણ આક્ષેપ, કટાક્ષ અથવા ટીકાટિપ્પણ કરવાનો તમને હંમેશાં અધિકાર નથી.
(૮) વાતચીત કરતી વખતે પોતાની બુદ્ધિમત્તા દેખાડવાનો નકામો પ્રયત્ન ન કરો. જો તમે બુદ્ધિમાન હશો તો તમારી વાતોથી તે જાણી શકાય છે. જો તમે પ્રયત્ન કરીને હંમેશાં પોતાની બુદ્ધિને પ્રગટ કરવા ઈચ્છશો, તો સંભવ છે કે તમારી બુદ્ધિહીનતા પ્રગટ થઈ જશે.
(૯) કોઈની વાત જો તમને અપમાનજનક અથવા કોઈની રીતભાત અવિનયભરી જણાય તો પણ થોડીવાર સુધી ચૂપ રહેવાનો પ્રયત્ન કરો. એવું પણ બની શકે છે કે તે વાત તમારા સ્વભાવને કારણે તમને ખરાબ લાગે, પરંતુ બધા લોકોને સારી પણ લાગે અને જો વાત એવી જ થઈ તો તમારે થોડીવાર સુધી ચૂપ રહેવાથી કોઈ પણ વખતે પસ્તાવું નહિ પડે, પરંતુ તમે ધીરજનો એક નવો પાઠ શીખતા જશો.
(૧૦) તમે પોતે સ્વતંત્રતાપૂર્વક તથા સરળતાપૂર્વક વાતચીત કરો અને બીજાઓને પણ એવું કરવા દો. અમૂલ્ય શિક્ષણને ટૂંક સમયમાં મેળવવાનું આથી વધુ સારું સાધન સંસારમાં બીજું કોઈ નથી.
પ્રતિભાવો