ચીડિયાપણું અને શુષ્કતા । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા

ચીડિયાપણું અને શુષ્કતા । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા

માનવ સ્વભાવના દુર્ગુણોમાં ચીડિયાપણું આંતરિક મનની દુર્બળતાનું સૂચક છે. સહિષ્ણુતાના અભાવમાં મનુષ્ય વાતવાતમાં ગુસ્સે થઈ જાય છે, નાકનાં ટેરવાં ચડાવે છે, ઘણીવાર ગાળાગાળી કરે છે. માનસિક દુર્બળતાના કારણે તે એમ માને છે કે બીજા એને જાણી જોઈને હેરાન કરવા ઈચ્છે છે, એના દુર્ગુણોને જુએ છે, એની મજાક ઉડાવે છે. કોઈ જૂના અનુભવના કારણે તે વધુ સંવેદનશીલ બની જાય છે અને એની ભાવનાગ્રંથિ એની ગાળાગાળી અથવા કઢંગા વર્તન રૂપે પ્રગટ થાય છે.

ચીડિયાપણાના રોગીમાં ચિંતા તથા શંકાશીલતાની ટેવ મુખ્ય છે. કોઈ કોઈવાર શારીરિક અશક્તિને કારણે કબજિયાત, પરિશ્રમથી થાક, માથાનો દુઃખાવો તથા અન્ય સમસ્યાઓથી અકળાઈ જવાના કારણે એને ઊંડી નિરાશા જન્મે છે. ચીડિયાપણું એક પેચીદો માનસિક રોગ છે, તેથી શરૂઆતથી જ એના વિષયમાં આપણે સાવધાન રહેવું જોઈએ.

જે વ્યક્તિમાં ચીડિયાપણાની ટેવ છે તે હંમેશાં બીજાના દોષો શોધ્યા કરે છે. તે વ્યક્તિ બીજી વ્યક્તિની દૃષ્ટિમાં તો ખરાબ હોય જ છે, પોતે પણ એક અવ્યક્ત માનસિક ઉદ્વેગનો શિકાર બને છે. એના મનમાં એક પ્રકારનો સંઘર્ષ ચાલ્યા કરે છે. તે ભ્રામક કલ્પનાઓનો શિકાર બની રહે છે. એની શંકા જ્ઞાનતંતુઓને તંગ રાખે છે, ભ્રમ વધ્યા કરે છે અને તે મનમાં ઈર્ષાના અગ્નિમાં બળતો રહે છે. તે ક્રોધી, ભ્રાંત તથા દુઃખી જેવો દેખાય છે. જરા સરખી વાતમાં ઉદ્વિગ્નતાની મર્યાદા રહેતી નથી. ગુપ્ત મન પર શરૂઆતથી જેવા સંસ્કાર જામી જાય છે, તેના પરિણામે તે એવો જ બની જાય છે.

શુષ્કતા જીવનનો સૌથી મોટો શત્રુ છે. ઘણા મનુષ્યોનો સ્વભાવ ઘણો નીરસ, શુષ્ક, નિષ્ઠુર,કઠોર અને અનુદાર હોય છે. એની આત્મીયતાનો પરિધ ઘણો જ નાનો હોય છે. આ પરિધની બહારની વ્યક્તિ તથા પદાર્થોમાં એને કોઈ રસ હોતો નથી. કોઈનો લાભ-ગેરલાભ, પ્રગતિ-અધોગતિ, ખુશી-રંજ કે સારી-નરસી બાબતો વગેરે સાથે એને કોઈ સંબંધ નથી હોતો. પોતાના અત્યંત નાના વર્તુળમાં સ્ત્રી, પુરુષ, તિજોરી, મોટર,મકાન વગેરેમાં એનો થોડો રસ જરૂર રહે છે. બાકીની વસ્તુઓ પ્રત્યે એના મનમાં ઘણી જ અનુદારતાપૂર્ણ નીરસતા રહે છે. કોઈ કોઈ તો એવા કંજૂસ હોય છે કે પોતાના શરીર સિવાય પોતાના પડછાયા પર પણ ઉદારતા કે કૃપા બતાવવા ઈચ્છતા નથી. આવા નીરસ મનુષ્યો એ સમજી જ શકતા નથી કે મનુષ્યજીવનમાં પણ કોઈક આનંદ છે. પોતાની નીરસતાના પ્રત્યુત્તરમાં દુનિયા એમને ઘણી જ શુષ્ક, કર્કશ, સ્વાર્થી, કઠોર અને કદરૂપી જણાય છે.

શુષ્કતા જીવનની સૌથી મોટી કુરૂપતા છે. સૂકી ભાખરીમાં શી મજા છે? સૂકા વાળ કેટલા વેરવિખેર લાગે છે? સૂકા (કોરા) મશીનમાં ઘણો જ અવાજ થાય છે, તેના ભાગો જલદી તૂટી જાય છે. સૂકા રણમાં કોણ રહેવાનું પસંદ કરશે? પ્રાણી માત્ર સુંદરતા માટે તડપી રહેછે. સૌભાગ્ય માટે સુંદરતા, સ્નિગ્ધતાની આવશ્યકતા છે. મનુષ્યનું અંતઃકરણ રસિક છે, કવિ છે, ભાવિક છે, સૌદર્ય ઉપાસક છે, ક્લાપ્રિય છે, પ્રેમમય છે. માનવહૃદયનો એ જ ગુણ છે. સહૃદયતાનો અર્થ કોમળતા, મધુરતા તથા મૃદુતા છે. જેનામાં આ ગુણ નથી તેને હૃદયહીન કહેવામાં આવે છે. હૃદયહીનનો અર્થ છે, “જડ પશુઓથી પણ નીચો.” નીરસ વ્યક્તિઓને પશુઓથી પણ નીચી માનવામાં આવે છે.

જેણે પોતાની વિચારધારાઓ અને ભાવનાઓને શુષ્ક, નીરસ અને કઠોર બનાવી રાખી છે તે માનવજીવનના વાસ્તવિક રસનું પાન કરવાથી વંચિત રહે છે. એ બિચારાએ વ્યર્થ જ જીવન ધારણ કર્યું અને વ્યર્થ જ મનુષ્ય શરીરને કલંકિત કર્યું. આનંદનો સ્રોત સુંદરતાની અનુભૂતિમાં છે. પરમાત્માને આનંદમય કહેવામાં આવે છે. શા માટે? એટલા માટે જ કે તે સુંદર છે, પ્રેમમય છે. શ્રુતિ કહે છે – “રસોવૈસઃ” એટલે કે પરમાત્મા રસમય છે. એને મેળવવા માટે આપણા મનમાં એવી જ લચીલી, કોમળ, સ્નિગ્ધ, સુંદર ભાવનાઓ ઉત્પન્ન કરવી પડે છે.

તમે તમારા હૃદયને કોમળ, દ્રવિત, શ્રમશીલ, પ્રેમમય અને સુંદર બનાવો. સંસારના પદાર્થોમાં જે સરસતા, સુંદરતાનો અપાર ભંડાર ભરેલો છે એને શોધતાં અને મેળવતાં શીખો. તમારી ભાવનાઓને જ્યારે તમે કોમળ બનાવી લેશો, ત્યારે તમોને તમારી ચારે તરફ અમૃત ઝરતું હોય એવો અનુભવ થવા લાગશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: