જીવનમાં સંતુલનનું મહત્ત્વ । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
જીવનમાં સંતુલનનું મહત્ત્વ । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
એક એવી વ્યક્તિની કલ્પના કરો જે હવાના ભયંકર તોફાનમાં ચાલી રહી છે, ધૂળથી એની આંખો પલભર માટે બંધ થઈ જાય છે, અર્ધમીંચેલી આંખોથી એ બીજી તરફ ચાલી જાય છે. યોગ્ય માર્ગ પર જવા માગે છે, પરંતુ માર્ગ સૂઝતો નથી.
આ જ હાલત માનવીના આંતરિક જગતની છે. અંદરોઅંદર જ અનેક વિરુદ્ધ ભાવનાઓનો શિકાર બની રહે છે. પ્રલોભનની માયાજાળ અને વાસનાની આંધી એને ઘેરી રહે છે. વાસનાતૃપ્તિ માટે એ આમતેમ ભટકતો રહે છે. પદભ્રષ્ટ થતો જોઈને એની સારી શક્તિઓ એને સચેત કરે છે. જો તે શક્તિ બળવાન હોય તો એ બચી જાય છે. નહિ તો પતનની ઊંડી ખાઈમાં ડૂબી નષ્ટ થઈ જાય છે.
માનવજીવનમાં અનેક આંતરિક અને બાહ્ય શક્તિઓનું પ્રાધાન્ય છે. ભાવના કહે છે –
“અમુક વ્યક્તિ ઘણી દયાજનક સ્થિતિમાં છે. એની સહાયતા કરો. પોતાનાં સુખસગગવડ અને સાધનોને ન જુઓ. કર્ણ, શિબિ તથા રાજા હરિશ્ચંદ્રનાં ઉદાહરણ જુઓ. આ મહાપુરુષોએ દયા, કરુણા, સહાનુભૂતિ અને દાન દ્વારા મહાન પદ પ્રાપ્ત કર્યું. આપણે પણ એ જ કરવું જોઈએ. પોતાની સગવડો તથા સુખ વગેરેનું ધ્યાન રાખવું ન જોઈએ.”
તર્ક આપણને રોકે છે અને કહે છે, “શું પાગલ થયા છો ? સમજો, વિચારો, મગજથી કામ લો. જો સાધનોનું ધ્યાન છોડીને ખર્ચ કર્યો, બીજાને મોટા મોટા વાયદા કર્યા, તો આફતમાં ફસાઈ જશો. ભાવનામાં વહો નહિ. સમાજ તો રૂપિયાનો આદર કરે છે.”
વિલાસપૂર્ણ ભાવનાઓ કહે છે – “અરે માનવી ! તેં ઘણો જ શ્રમ કર્યો છે, હવે થોડો આનંદ માણી લે, જીવનનો રસ લઈ લે, વારંવાર જીવન મળવાનું નથી.” આમ માનવીના આંતરિક જીવનમાં ભાવના, તર્ક, વાસના, શરીરબળ, આત્મબળ, પ્રેમ, દ્વેષ, ઘૃણા વગેરે પરસ્પર વિરોધી શક્તિઓનું તાંડવ અવિરત ચાલતું રહે છે. જેઓ આ શક્તિઓનો યોગ્ય સમન્યવ કરી શકે તેઓ જ સફળ થાય છે.
જીવનમાં ભાવનાની આવશ્યકતા છે. ભાવના વિનાનો મનુષ્ય માટી અથવા પથ્થરના પૂતળા જેવો બની જાય છે. તર્ક અથવા વિવેકની પણ જરૂર છે. જે સમજી વિચારીને કામ ન કરે, બુદ્ધિથી કામ ન લે તે સાવ પશુ જ છે. એ જ રીતે વાસના,ધૃણા, પ્રેમ વગેરે દરેકનું પોતપોતાના સ્થાન પર મહત્ત્વ છે, પરંતુ સુખ અને સફળતા માનવીની વિભિન્ન શક્તિઓના સમન્વયમાં જ રહેલાં છે. અસંતુલનમાં પરાજય છુપાયેલો છે.
સિકંદર, જુલિયસ સીઝર અને ઔરંગઝેબની અત્યંત મોટી મહત્ત્વાકાંક્ષાઓનું પરિણામ આપણી સામે છે. કર્ણના પતનનું કારણ અતિ ભાવુકતા હતી, રાવણ અહંકારના કારણે મૃત્યુ પામ્યો.
તર્કશીલ, ભાવનાશીલ તથા કર્મશીલ એ ત્રણે પ્રકારના માનવીઓ જીવનમાં અમર્યાદિત સંતુલનથી અસફળ થઈ શકે છે. તેથી એ ધ્યાન રાખો કે આપણા વ્યક્તિત્વના માત્ર એક જ પાસાનો વિકાસ ન થાય, પરંતુ બધાં પાસાં સમતોલ રીતે વિકસિત થાય. અતિરેક ત્યાજ્ય છે. ધ્યેય અને વ્યવહાર, કર્મ અને ભાવના, પરિશ્રમ અને વિશ્રામ, તર્ક અને કાર્ય એ બધાં દ્વંદ્વોના યોગ્ય સમન્વયનું નામ જ જીવન છે.
પ્રતિભાવો