ક્રોધ પતન તરફ ધકેલે છે । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
ક્રોધ પતન તરફ ધકેલે છે । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
ક્રોધનો ઘનિષ્ઠ સંબંધ મનના અન્ય વિકારો સાથે છે. ક્રોધની માયાજાળમા આપણને યોગ્ય-અયોગ્યનો વિવેક રહેતો નથી અને તેથી મારામારી કરી બેસીએ છીએ . વાતવાતમાં અકળાઈ જવું, લડાઈ-ઝઘડો કરવો તે સામાન્ય બાબત બની જાય છે. જો તરત ક્રોધનું દમન થઈ જાય તો માનસિક સ્વાસ્થ્યની દૃષ્ટિથી સારું છે, પરંતુ તે અંતઃપ્રદેશમાં પહોંચી એક ભાવનાગ્રંથિ બની જાય, તો દુઃખદાયક બની જાય છે. ઘણા સમય સુધી ટકેલો ક્રોધ વેર કહેવાય છે. વેર એક એવી માનસિક માંદગી છે, જેનું અનિષ્ટ ફળ મનુષ્ય દૈનિક જીવનમાં ભોગવવું પડે છે. તે પોતાને સમતોલ રાખી શકતો નથી. જેની સાથે એને વેર હોય છે તેનાં ઉત્તમ ગુણ, ભલાઈ, જૂનો પ્રેમ, ઉચ્ચ સંસ્કાર વગેરે બધું જ ભૂલી જાય છે. એ સ્થાયી રૂપથી એક ભાવનાગ્રંથિ બની જવાથી ક્રોધનો વેગ તો ધીમો પડી જાય છે, પરંતુ બીજી વ્યક્તિને સજા કરવા, નુકસાન પહોંચાડવા અથવા પીડા આપવાની ખરાબ ભાવના મનને નિરંતર બાળ્યા કરે છે.
વેર જૂની માનસિક માંદગી છે, ક્રોધ તત્કાળ અને ક્ષણિક પ્રમાદ છે. ક્રોધમાં ગાંડા થઈ આપણે વિચારવાનો સમય જોતા નથી, વેર એના માટે ઘણો સમય લે છે. ક્રોધમાં અસ્થિરતા, ક્ષણિકતા, તત્કાલીનતા, બુદ્ધિ કુંઠિત થઈ જવી, ઉદ્વિગ્નતા, આત્મરક્ષા, અહંકારની વૃદ્ધિ, અસહિષ્ણુતા તથા બીજાને દંડ આપવાની ભાવનાઓ જોડાયેલી હોય છે.
ક્રોધ મનને ઉત્તેજિત અને તંગ સ્થિતિમાં રાખે છે. જેના પરિણામ રૂપે મન દૂષિત વિકારોથી ભરાઈ જાય છે. ક્રોધથી પ્રથમ તો ઉદ્વેગ ઉત્પન્ન થાય છે. મન એક ગુપ્ત પરંતુ તીવ્ર પીડાથી બળવા લાગે છે. લોહીમાં ગરમી આવી જાય છે અને એનો પ્રવાહ તેજ બની જાય છે. આ ગરમીમાં મનુષ્યનો શુભ ભાવ, દયા, પ્રેમ, સત્ય, ન્યાય, વિવેકબુદ્ધિ બધું જ ભસ્મીભૂત થઈ જાય છે.
ક્રોધ એક પ્રકારનું ભૂત છે, જે સવાર થતાં જ મનુષ્ય પોતાની ઉપર કાબૂ રાખી શકતો નથી. એના પર બીજી જ કોઈ સત્તાની અસર થઈ જાય છે. મનની નિંદનીય વૃત્તિઓ એના પર પોતાની રાક્ષસી માયાજાળ ફેલાવી દે છે. તે બિચારો એટલો બધો હતાશ થઈ જાય છે કે પોતે શું કરી રહ્યો છે તેનું ભાન પણ રહેતું નથી.
આધુનિક મનુષ્યનું આંતરિક જીવન અને માનસિક અવસ્થા અત્યંત વિક્ષુબ્ધ છે. બીજામાં તે અનિષ્ટ જુએ છે, નુકસાન થવાની અનિષ્ટ કલ્પનામાં ડૂબેલો રહે છે. જીવનપર્યંત આમતેમ અથડાતો, કુટાતો, ઠોકર ખાતો જાય છે. શોક, દુઃખ, ચિંતા, અવિશ્વાસ, ઉદ્વેગ, વ્યાકુળતા વગેરે વિકારોને વશ થતો રહે છે. આ ક્રોધજન્ય મનોવિકારો પોતાનું ઝેર ફેલાવીને મનુષ્યના જીવનને ઝેરીલું બનાવી દે છે. એની આધ્યાત્મિક શક્તિઓનું શોષણ કરે છે. સાધનાની સૌથી મોટી મુશ્કેલી ક્રોધ નામનો રાક્ષસ જ છે.
ક્રોધ શાંતિ ભંગ કરનાર મનોવિકાર છે. એકવાર ક્રોધ આવતાં જ માનસિક સ્થિતિ વિચલિત થઈ જાય છે, શ્વાસોચ્છ્વાસ તીવ્ર બને છે, હૃદય વિક્ષુબ્ધ બની જાય છે. આ અવસ્થા આત્મિક વિકાસથી ઊલટી છે. આત્મિક ઉન્નતિ માટે શાંતિ, પ્રસન્નતા, પ્રેમ અને સદ્ભાવ જરૂરી છે.
જે વ્યક્તિ ક્રોધના વશમાં છે તે એક એવા રાક્ષસના વશમાં છે, જે કોણ જાણે ક્યારે મનુષ્યને પતનના માર્ગમાં ધકેલી દેશે. ક્રોધ અને આવેશના વિચાર આત્મબળનો નાશ છે.
પ્રતિભાવો