નિરાશા આપણો મહાન શત્રુ છે । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
નિરાશા આપણો મહાન શત્રુ છે । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
નિરાશાવાદ એવા ભયંકર રાક્ષસ જેવો છે કે જે મોં ફાડીને આપણા પરમ આનંદમય જીવનનો સર્વનાશ કરવા તાકી રહે છે. તે આપણી તમામ શક્તિઓનો નાશ કર્યા કરે છે, આપણને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા દેતો નથી, જીવનનો અંધકારમય અંશ આપણી સામે રજૂ કર્યા કરે છે. તે આપણને ડગલે ને પગલે અસળતા જ દેખાડે છે તથા વિજયદ્વારમાં પ્રવેશ કરવા દેતો નથી.
આ માંદગીમાં સપડાયેલ લોકો ઉદાસ તથા ખિન્ન મુદ્રા સાથે ઘરના ખૂણામાં પડી રહો . રાતદિવસ માખીઓ માર્યા કરે છે. આવી વ્યક્તિ એવું ચુંબકત્વ ધરાવતી હોય છે કે જે ઉદાસ વિચારોને હંમેશાં પોતાની તરફ આકર્ષ્યા કરતી હોય છે અને દુર્ભાગ્યની ગંદી ડરપોક વિચારધારામાં મગ્ન રહે છે. એને ચારે તરફ મુશ્કેલી જ મુશ્કેલી દેખાય છે. ક્યારેક એક તો ક્યારેક બીજી ભયંકર વિપત્તિ એને આવતી દેખાય છે. જયારે એ વાતો કરે છે ત્યારે પોતાની આપત્તિ વિપત્તિઓ અને કલેશપૂર્ણ અભદ્ર પ્રસંગોને જ છેડ્યા કરે છે. દરેક વ્યક્તિને એવું જ કહ્યા કરે, “ભાઈ, હું શું કરું, હું કમનસીબ છું, મારું ભાગ્ય ફૂટેલું છે, ભગવાન મારી વિરુદ્ધ છે, મારા નસીબમાં વિધાતાએ ઠોકરો ખાવાનું જ લખ્યું છે, તેથી તો મારે થોડા થોડા સમયે લજ્જિત અને પરેશાન, અશાંત, ક્ષુબ્ધ અને દુઃખી થવું પડે છે.” એની ચિંતાગ્રસ્ત મોંની રેખાઓ જોતાં એવું જણાય છે કે જાણે એણે એવા પદાર્થો સાથે ગાઢ સંબંધ બાંધી લીધો છે, જે જીવનની તમામ મધુરતાનો નાશ કરી રહ્યા છે, એના સોના જેવા જીવનનો તમામ આનંદ છીનવી રહ્યા છે, ઉન્નતિના માર્ગને કાંટાળો બનાવી રહ્યા છે. જાણે કે સમસ્ત સંસારનું દુઃખ અને આપત્તિ એના માથા પર જ આવી પડ્યાં હોય, ઉદાસીનતાના અંધકારમય પડછાયાએ એના હૃદયપટલને કાળો બનાવી દીધો હોય.
આનાથી વિપરીત આશાવાદ મનુષ્ય માટે અમૃત સમાન છે. જેવી રીતે તરસ્યાને ઠંડા પાણીથી, બીમારને દવાથી, અંધકારને પ્રકાશથી તથા વનસ્પતિને સૂર્યથી લાભ થાય છે એવી જ રીતે આશાવાદની સંજીવની જડીબુટ્ટીથી મૃતપ્રાયઃ વ્યક્તિમાં જીવનશક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. આશાવાદ એવો દિવ્ય પ્રકાશ છે, જે આપણા જીવનને ઉત્તરોત્તર પરિપુષ્ટ, સમૃદ્ધ અને પ્રગતિશીલ બનાવે છે. સુખ, સૌંદર્ય અને અલૌકિક છટાથી એને વિભૂષિત કરી એનો પૂર્ણ વિકાસ કરે છે. એનામાં મધુરતાનું સિંચન કરી વિઘ્ન, મુશ્કેલી, દુઃખ, કલેશ અને કઠિનતા પર વિજય પ્રાપ્ત કરનારી ગુપ્ત મનઃશક્તિને જાગૃત કરે છે. આત્માની શક્તિથી દેદીપ્યમાન, આશાવાદી મનુષ્ય આશાનો પાલવ પકડી પ્રલોભનોને કચડીને આગળ અને આગળ વધ્યે જાય છે. તે કદમ કદમ પર વિચલિત થતો નથી, એને કોઈ પરાજિત કરી શકતું નથી, સંસારની કોઈ શક્તિ એને દબાવી શકતી નથી, કારણ કે બધી શક્તિઓનો વિકાસ કરનારી “આશા” ની શક્તિ હંમેશાં એના આત્માને તેજોમય કરે છે.
સંસારમાં કેટલીયે વ્યક્તિઓ પોતાના જીવનને યોગ્ય, શ્રેષ્ઠ અને શ્રેયના માર્ગ પર કામે લગાડતી નથી. તેઓ કોઈ એક ઉદ્દેશને સ્થિર કરતી નથી, ન તો તેઓ પોતાના માનસિક સંકલ્પને એટલો દઢ બનાવતી કે જેથી પોતાના પ્રયત્નમાં સફળ થઈ શકે. તેઓ વિચારે છે કંઈ અને કરે કંઈ. કામ કોઈ એક પદાર્થ માટે કરે છે અને આશા બીજા કશાની રાખે છે. તેઓ બાવળનું ઝાડ રોપી કેરી ખાવાની આશા રાખે છે. હાથમાં લીધેલા કાર્યની વિપરીત દિશામાં માનસિક ભાવ રાખવાથી આપણને આપણી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી. આપણે આપણી ઈચ્છિત વસ્તુથી ઘણા દૂર જઈ પડીએ છીએ. તેથી જ તો અસફળતા, લાચારી, તંગી તથા ક્ષુદ્રતા પ્રાપ્ત થાય છે. પોતાને ભાગ્યશાળી માની લેવા, લાચારીની વાતો લઈને ઝીંક્યા કરવી તથા બીજાની ઈષ્ટ સિદ્ધિની નિંદા કરવી વગેરે દોષો આપણને સફળતાથી દૂર લઈ જાય છે. વિરોધી ભાવ રાખવાથી મનુષ્ય ઉચ્ચ અવસ્થામાં કદી પહોંચી શકતો નથી. સંસારની સાથે અવિરોધી રહો કારણ કે વિરોધ સંસારની ઉત્કૃષ્ટ વસ્તુઓને આપણી પાસે આવવા દેતો નથી. અવિરોધ શ્રેષ્ઠ વસ્તુઓનું આકર્ષણ બિંદુ છે.
પ્રતિભાવો