સાચી અને ખરી વાત કહો, પણ નમ્રતા અને મધુરતા સાથે | GP-9. શિષ્ટાચાર અને સહયોગ
August 25, 2022 Leave a comment
સાચી અને ખરી વાત કહો, પણ નમ્રતા અને મધુરતા સાથે | GP-9. શિષ્ટાચાર અને સહયોગ
છ શત્રુઓ આધ્યાત્મિક સંપત્તિઓનો પ્રભાવ ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અસુરત્વ વધી રહ્યું છે અને સાત્ત્વિકતા ઓછી થઈ રહી છે. આત્મા દુઃખી થાય છે. અને શૈતાનિયતનું શાસન મજબૂત થઈ રહ્યું છે, શું આપ આ આધ્યાત્મિક અન્યાયને સહન જ કરતા રહેશો ? જો કરતા રહેશો, તો પતનની ઊંડી ખાઈમાં અવશ્ય પડી જશો. ઈશ્વરે સોની, સાત્ત્વિક વૃત્તિઓની, સદ્ભાવનાઓની મૂડી તમને આપેલી છે અને આદેશ આપેલો છે કે આ સંપત્તિ સુરક્ષિત રૂપથી પોતાની પાસે રહેવી જોઈએ. જો આ મૂડીનું રક્ષણ ન કરી શક્યા અને ચોરોએ, પાપોએ તેના ઉપર કબજો જમાવી લીધો તો ઈશ્વરની સમક્ષ જવાબ દેવો પડશે, અપરાધી બનવું પડશે.
બરોબર આ રીતે બાહ્યજગતમાં માનવીય અધિકારોની મૂડી ઈશ્વરે આપને સોંપેલી છે. તેને અનીતિપૂર્વક કોઈને છીનવી લેવા ન દો. ગાયનું દાન કસાઈને નહિ, પરંતુ બ્રાહ્મણને આપવું જોઈએ. પોતાના જન્મસિદ્ધ અધિકારોને જો કોઈને પરાણે છિનવી લેવા દે તો ગાયનું દાન કસાઈને કર્યા બરોબર થયું. જો સ્વૈચ્છિક રીતે સત્કાર્યોમાં પોતાના અધિકારોનો ત્યાગ કરીએ તો તે અપરિગ્રહ છે, ત્યાગ છે, તપ છે. આત્મા વિશ્વાત્માનો એક અંશ છે. એક અંશમાં જે નીતિ અથવા અનીતિની વૃદ્ધિ થાય છે તે સંપૂર્ણ વિશ્વાત્મામાં પાપપુણ્યને વધારે છે. જો આપ સંસારમાં પુણ્યની, સારા આશયની, સમાનતાની વૃદ્ધિ ઈચ્છતા હો તો એની શરૂઆત પોતાનાથી જ કરો, પોતાના અધિકારોના રક્ષણ માટે મન લગાડીને પ્રયત્ન કરો. એના માર્ગમાં જે ખોટો સંકોચ મુશ્કેલી ઊભી કરે છે તેને હિંમતથી હટાવી દો.
પ્રભાવશાળી રીતથી, નિર્ભયતાપૂર્વક ખુલ્લા મનથી બોલાવાનો અભ્યાસ કરો. સાચી અને ખરી વાત કહેવાની ટેવ પાડો. જ્યાં બોલવાની જરૂર છે ત્યાં બિનજરૂરી મૂંગા ન રહો, ઈશ્વરે વાણીનું પવિત્ર દાન મનુષ્યને એ માટે આપ્યું છે કે પોતાના મનોભાવોને સારી રીતે રજૂ કરે, ભૂલેલાને સમજાવે. શંકાનું નિવારણ કરે અને અધિકારોનું રક્ષણ કરે. આપ બેસી ન રહો. પોતાને નીચા ન માનો. બોલતી વખતે ડરવાની કોઈ જરૂર નથી. ધીરેધીરે ગંભીરતાપૂર્વક, હસતાં હસતાં, સ્પષ્ટ શબ્દોમાં સદ્ભાવના સાથે વાત કરતા રહો અને ખૂબ કરતા રહો. એનાથી આપની યોગ્યતા વધશે, બીજાને પ્રભાવિત કરવામાં સફળતા મળશે, મન હલકુ રહેશે અને સફળતાનો માર્ગ ખુલ્લો થતો જશે.
વધુ બોલબોલ કરવાનો પ્રયત્ન ન કરો. બિનજરૂરી, અપ્રાસંગિક, અરુચિકર વાતો કરવી, પોતે બીજાની વાત ન સાંભળવી, હરહંમેશ ચવાઈ ગયેલી વાતો કરતા રહેવું, કસમયે બેસુરા રાગથી ગાવું, પોતાની યોગ્યતા વગરની વાતો કરવી, બડાઈ હાંકવી વગેરે વાણીના દુર્ગુણ છે. એવા લોકોને મૂર્ખ, વધુ વાચાળ અને અસભ્ય સમજવામાં આવે છે. એવું ન થાય કે વાચાળતાને કારણે આપ એ શ્રેણીમાં પહોંચી જાવ. તીક્ષ્ણ દૃષ્ટિથી જોતા રહો કે આપની વાતોને વધુ દિલચશ્પીથી સાંભળવામાં આવે છે કે નહિ, સાંભળતાં લોકો કંટાળી જતા તો નથી ને, ઉપેક્ષા તો નથી કરતા. જો એવું હોય તોવાર્તાલાપના દોષ શોધવા અને તેમને સુધારવાનો પ્રયત્ન કરો, નહિતર બકવાસ સમજીને લોકો આપનાથી દૂર ભાગવા લાગશે. પોતાના માટે અથવા બીજાના માટે હિતકારક હોય એવી વાત કરો. કોઈ ઉદ્દેશ્યને લઈને પ્રયોજનયુક્ત ભાષણ કરો, નહિતર ચૂપ રહો. કડવી, હાનિકારક, દુષ્ટ ભાવોને ભડકાવે તેવી તથા ભ્રમપૂર્ણ વાતો ન કરો. મધુર, નમ્ર, વિનયુક્ત, યોગ્ય અને સદ્ભાવનાયુક્ત વાતો કરો, જેનાથી બીજાઓ પર સારો પ્રભાવ પડે, તેમને પ્રોત્સાહન મળે, જ્ઞાનની વૃદ્ધિ થાય, શાંતિ મળે તથા સન્માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે. એવો વાર્તાલાપ એક રીતે વાણીનું તપ છે.
પ્રતિભાવો