શિષ્ટાચારની સદ્ભાવના | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
શિષ્ટાચારની સદ્ભાવના | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
શિષ્ટાચારનો અર્થ ઘણા લોકો ફક્ત ઔપચારિક આદર સત્કાર જ સમજતા હોય છે, પરંતુ આવી પ્રવૃત્તિ ઘણી ઓછી ઉપયોગી થાય છે. શિષ્ટાચારની કૃત્રિમતા બીજી વ્યક્તિઓથી છુપાઈ નથી શકતી અને એનાથી તેના હૃદયમાં મિત્રતા અથવા આત્મીયતાનો ભાવ જાગૃત નથી થતો, જે ખરેખર સહયોગની શક્તિને ઉત્પન્ન કરે છે અને આપણા જીવનને લાભકારી બનાવે છે. એ માટે આપણા વ્યવહારમાં સામાન્ય શિષ્ટાચારના નિયમોનું પાલન કરવાની સાથે જ સદ્ભાવના હોવી ઘણી જરૂરી છે. એના વગર દેખાવનો શિષ્ટાચાર અનેકવાર બીજી વ્યક્તિના મનમાં એવો ભાવ ઉત્પન્ન કરે છે કે આપણે કોઈ સ્વાર્થ દેખાવ કરી રહ્યા છીએ.
આપણે પરસ્પર સંદેહ અને સંશય કરીને તો ભયને જ ઉત્પન્ન કરીશું અને એકબીજાની પડતી અને છેલ્લે નાશ જ નોતરીશું. આપણે પરસ્પર વિચાર કરવાનું શીખવું પડશે. વિશ્વાસનો આધાર પવિત્રતા છે અને પવિત્ર હૃદયોમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે. પવિત્ર હૃદય અને નિર્મળ બુદ્ધિમાં સદ્ભાવનાનો ઉદય થાય છે. સદ્ભાવના ખૂબ જરૂરી છે. સદ્ભાવનાથી જ પરસ્પરનો દષ્ટિકોણ એકરૂપ બને છે. સદ્ભાવનાના અભાવમાં તો એકબીજામાં સંદેહ અને ભયની જ ઉત્પત્તિ થાય છે. આપણે પરસ્પર શા માટે એકબીજાથી ભયભીત બનીએ ? છુપાવેલી દૂષિત અથવા વિશુદ્ધ મનોવૃત્તિ વ્યવહારમાં પ્રગટ થઈ જાય છે. મનોવૃત્તિને છુપાવીને ઉપરથી થતો શિષ્ટતાનો વહેવાર પણ બહુ જોવા મળે છે, પરંતુ વાસ્તવિકતાને છુપાવવા છતાં છુપાવી નથી શકાતી. આપણે બધાને મિત્ર દૃષ્ટિથી જોવા જોઈએ. મનમાં કોઈ પ્રકારની મલિનતાને સ્થાન ન આપવું જોઈએ, પરંતુ સાથે જ સચેત અને સાવધાન પણ રહેવું જોઈએ કે ક્યાંય આપણી સરળતાનો લાભ ઉઠાવવામાં ન આવે. સતર્ક તથા સાવધાન રહેવું જોઈએ, પરંતુ મનની મલિનતા સારી નથી.
સદ્દભાવનાથી એકબીજાને બરોબર જાણવા અને પરસ્પર વિશ્વાસ ઉત્પન્ન કરવો, સહાનુભૂતિથી પરસ્પર એકબીજાના હૃદયોનો સમન્વય કરવો તથા સહયોગથી સામર્થ્ય મેળવવું એ ક્રમ છે મહત્ત્વાકાંક્ષાની પૂર્તિનો. સહયોગ એક યજ્ઞ છે. યજ્ઞ કદી નિષ્ફળ નથી થયો. બધી શક્તિઓમાં સહયોગ હોવાથી એક અત્યંત મહાન શક્તિનો ઉદય થાય છે, જેનાથી બધામાં નવો ઉત્સાહ, સાહસ અને વસ્તુતઃ કાર્યક્ષમતાયુક્ત નવજીવનનો ઉદય થાય છે.
પ્રતિભાવો