સહયોગની જરૂરિયાત | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
સહયોગની જરૂરિયાત | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
શિષ્ટાચાર અને સદ્વ્યવહારના તત્ત્વને સમજવા માટે જરૂરી છે કે પહેલાં આપણે માનવજીવનમાં સહયોગની ભાવનાની ઉપયોગિતા સમજીએ. મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી તે પોતે સંપૂર્ણ નથી. દેડકાનું બચ્ચું જન્મ લીધા પછી પોતાની શક્તિથી પોતાનું જીવન નભાવી લે છે, પરંતુ મનુષ્યનું બાળક બીજાની મદદ વગર એક દિવસ પણ જીવતું રહી શકતું નથી. તેને માતાપિતાની, કપડાંની, મકાનની અને સારવારની જરૂર હોય છે. આ વસ્તુઓ માટે તે બીજાની મદદ ઉપર આધાર રાખે છે. બાળક મોટું થયા પછી તેને ભોજન, વસ્ત્ર, વ્યાપાર, શિક્ષણ, મનોરંજન વગેરે જે વસ્તુઓની જરૂર પડે છે તે તેને બીજાની મદદથી જ મળે છે. આ જ કારણે મનુષ્યને હંમેશાં બીજાની મદદ ઉપર આધાર રાખવો પડે છે. આ મદદ તેને ન મળે તો તેનો જીવનનિર્વાહ થવો મુશ્કેલ છે.
પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે માનવજાત બીજા પ્રાણીઓની સરખામણીમાં ઘણી જ નબળી છે. બીજાની મદદ લે છે અને તેમને પોતે પણ મદદ કરે છે. પૈસાને માધ્યમ બનાવીને આ રીતના સહયોગની લેવડદેવડ સમાજમાં પ્રચલિત છે. એક માણસ પોતાના એક દિવસના સમય અને શ્રમથી વીસ શેર લાકડાં ભેગાં કરે છે, બીજો માણસ એક દિવસના સમય અને શ્રમથી માટીના ચાર ઘડા બનાવે છે. હવે ઘડાવાળાને લાકડાંની જરૂર છે અને લાકડાંવાળાને ઘડા મેળવવાની જરૂર છે. માટે તે અડધાં લાકડાં ઘડાવાળાને આપે છે અને ઘડાવાળો બે ધડા લાકડાંવાળાને આપે છે. બીજા શબ્દોમાં આ પરિવતનને આમ કહી શકાય કે અડધા અડધા દિવસનો સમય એકબીજા સાથે બદલી લીધો. વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની મુશ્કેલીને કારણે શ્રમ અથવા સમયને પૈસામાં ફેરવવામાં આવ્યો. આથી લોકોને સગવડતા થઈ. વીસ શેર લાકડાંને એક રૂપિયામાં વેચી દીધાં એટલે કે એક દિવસની મહેનતને એક રૂપિયામાં બદલી લીધી. આ એક રૂપિયો એક માણસની એક દિવસની મહેનત છે. બીજા માણસોની મહેનતને પણ આ રીતે રૂપિયામાં ફેરવાય છે અને ફરી એ રૂપિયાથી જે વસ્તુઓ ખરીદવામાં આવે છે તે વસ્તુઓ પણ સમયની જ કિંમત છે. આ રીતે (૧) મહેનત (૨) વસ્તુઓ (૩) રૂપિયા, આ ત્રણે વસ્તુઓ ત્રણ સ્વરૂપોમાં દેખાવા છતાં મૂળભૂત રૂપે એક જ પદાર્થ છે.
દુનિયામાં રૂપિયાથી મનગમતી વસ્તુઓ મળી શકે છે. એનો અર્થ એ છે કે આપણે આપણી મહેનત બીજાઓને આપીએ છીએ અને બીજાઓ પોતાની મહેનત આપણને આપે છે. આ જ લેણદેણથી દુનિયાનો કારભાર ચાલી રહ્યો છે. અર્થાત્ એમ કહેવાય કે એક એકબીજાની મદદથી સુદૃઢ આધાર ઉપર સંસારનો સંપૂર્ણ વ્યવહાર ટકી રહ્યો છે. જો આ પ્રથા તૂટી જાય તો મનુષ્યને ફરી પ્રાચીન યુગમાં જવું પડશે. ગુફાઓમાં નગ્ન અવસ્થામાં રહીને કંદમૂળ તથા ફળફળાદિ ઉપર ગુજારો કરવો પડશે. અત્યાર સુધીમાં થયેલ વર્તમાન પ્રગતિ નષ્ટ થઈ જશે.
ધન અથવા શ્રમનું પરિવર્તન અર્થાત્ સહયોગ હવે સાધારણ રીતે પ્રચલિત થઈ ગયો છે. તે આપણા જીવનનું એક અંગ બની ગયો છે. આપણી મહેનત કે ધનના બદલે આપણે વિદ્વાનો, દાક્તરો, વકીલો, વક્તાઓ,એન્જિનિયરો, કલાકારો કે મજૂરોનો સહયોગ જેટલા સમય સુધી જોઈએ તેટલા સમય સુધી લઈ શકીએ છીએ. આ જ રીતે જોઈતી વસ્તુઓ પણ જોઈએ તેટલા પ્રમાણમાં લઈ શકીએ છીએ. આ સહયોગપ્રથા વ્યક્તિગત જરૂરિયાત મુજબ ચાલે છે. આ પ્રથાને લઈને આપણે સૌ પોતાનું જીવન જીવી રહ્યા છીએ અને સંસારનો કારભાર ચલાવીએ છીએ.
પ્રતિભાવો