સહયોગ અને સાંસારિક ઉન્નતિ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
સહયોગ અને સાંસારિક ઉન્નતિ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
સંસારમાં માણસે આજ સુધી જે આશ્ચર્યજનક પ્રગતિ કરી છે અને બધાં પ્રાણીઓને પોતાના કાબૂમાં લઈને તે જે પ્રકૃતિનો માલિક બની ગયો છે, તેનો પાયો સહયોગની પ્રવૃત્તિમાં જ છે. એના ફળસ્વરૂપે તેનામાં એકતાશક્તિ, મિલનશક્તિ,સામાજિકતા, મૈત્રીભાવના વગરેનો ઉદય થયો અને તેની શક્તિ વધતી ગઈ. માણસે આપસમાં એકબીજાને મદદ કરી, પોતાની સ્થૂળ અને સૂક્ષ્મ શક્તિઓને અરસપરસ મેળવી. આ મિલનથી એવી એવી ચેતનાઓ તથા સગવડતાઓ ઉત્પન્ન થઈ, જેના લીધે તેની ઉન્નતિનો રસ્તો દિવસેદિવસે આગળ વધતો ગયો. બીજાં પ્રાણીઓ સામાન્ય રીતે શારીરિક દૃષ્ટિથી મનુષ્ય કરતાં ખૂબ બળવાન હતાં, પરંતુ આ મૈત્રીભાવના તથા સંઘભાવનાના અભાવમાં તેઓ જ્યાં ને ત્યાં જ પડ્યાં રહ્યાં. તેઓ ઘણા પ્રાચીન સમયમાં જેવાં હતાં તેવાં જ અત્યારે પણ છે. મનુષ્યની માફક તેઓ પ્રગતિનું સુવિસ્તૃત ક્ષેત્ર ન મેળવી શક્યાં, સંઘશક્તિ પણ એક મહાન શક્તિ છે. તેને સારા અથવા ખરાબ જે પણ જે કાર્યમાં લગાવવામાં આવશે ત્યાં આશ્ચર્યજનક સફળતાનાં દર્શન થશે.
મનુષ્યોમાં પણ અનેક દેશ, જાતિ, વર્ગ તથા સમૂહ છે. તેમાંથી તેઓ જ આગળ વધ્યા છે, પ્રગતિ સાધી શક્યા છે કે જેમનામાં ધારણા મુજબ વધારે સહયોગની ભાવના છે. વ્યક્તિગત રૂપથી વિચારવામાં આવે, તો પણ આપણને તે જ વ્યક્તિ સમૃદ્ધ મળશે, જેણે કોઈ પણ ઉપાયથી બીજાનો સહયોગ મેળવ્યો છે. કોઈ પણ શેઠશાહુકાર મુનીમ, ગુમાસ્તો, કારભારી, કારીગર, મજૂર, એજન્ટ વગેરેના સહયોગ વગર સમૃદ્ધ નથી થઈ શકતો. ચોર, ઉઠાવગીર, હંગ, ડાકુ, લૂંટારા, જુગારી વગેરેને પણ જે સફળતાઓ મળે છે તેમાં તેમના દળની સંઘશક્તિ જ મુખ્ય કાર્ય કરે છે. ખરાબ લોકો દ્વારા, ખરાબ કાર્ય માટે, અંદરોઅંદર ટોળી બનાવીને અવાંછનીય સાહસિક કાર્ય થતાં હોય તેવું આપણે આપણી ચારે બાજુ હંમેશાં જોઈએ છીએ. એવા દષ્ટાંતોની ખોટ નથી, પરંતુ સાથે એ હકીકત પણ આપણી સામે છે કે શ્રેષ્ઠ લોકોએ શ્રેષ્ઠ કાર્યમાં ઘણી મહાન સફળતાઓ આંતરિક સંગઠનને કારણે મેળવેલી છે. વ્યક્તિવાદના સ્થાન ઉપર સમૂહવાદની પ્રતિસ્થાપનાનું મહત્ત્વ હવે આખી દુનિયા જાણ છે. અલગ અલગ રીતે નાનાનાના પ્રયત્નો કરવામાં શક્તિનો અપવ્યય વધારે અને કામ ઓછું થાય છે, પરંતુ સામૂહિક સહયોગથી એવી ઘણી ચેતનાઓ અને સગવડો ઉત્પન્ન થાય છે, જેના દ્વારા મોટાં મોટાં મુશ્કેલ કાર્ય સરળ થઈ જાય છે. સહકારી ખેતર, સહકારી રસોઈ, સહકારી વેપાર, સહકારી સંસ્થા વગેરે ઘણી દિશાઓમાં સહકારનું ક્ષેત્ર વિસ્તરી રહ્યું છે. એમાં શંકા નથી કે આ પ્રવૃત્તિની વૃદ્ધિની સાથેસાથે માનવજાતનાં સુખશાંતિ અને સફળતા પણ આશ્ચર્યજનક રીતે વધતાં રહેશે.
પ્રતિભાવો