શિષ્ટાચારની પ્રવૃતિ બાળપણથી જ વિકસાવો | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
શિષ્ટાચારની પ્રવૃતિ બાળપણથી જ વિકસાવો | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
શિષ્ટાચારની પ્રવૃત્તિ આટલી મહત્ત્વપૂર્ણ હોવા છતાં પણ, દિલગીરી સાથે કહેવું પડે છે કે મોટા ભાગનાં ઘરો અને પરિવારોમાં તેની તરફ યોગ્ય ધ્યાન આપવામાં નથી આવતું. ઘણા લોકો એવું વિચારે છે કે ઘરની અંદર, અરસપરસ શિષ્ટાચાર દેખાડવાની શું જરૂર છે. તે તો મોટે ભાગે બહારની વ્યક્તિઓ, અતિથિઓ પ્રત્યે જ બતાવવો જરૂરી છે, પરંતુ આ એક મોટી ભ્રમપૂર્ણ માન્યતા છે. જો આપણને શિષ્ટાચારનો અભ્યાસ ન હોય, આપણે એકબીજા સાથે અસભ્યતાનો વ્યવહાર અને બોલાચાલી રાખીએ તો આપણે બહારના લોકો સાથે પણ સંતોષજનક વ્યવહાર નહિ કરી શકીએ. એ માટે માતાપિતા અથવા સંભાળ લેનારની પવિત્ર ફરજ છે કે બાળકોને શરૂઆતના જીવનથી જ શિષ્ટાચારનું મહત્ત્વ સમજાવે અને તેવું જ શિક્ષણ આપે.
ઉત્તમ શિક્ષણનો એક હેતુ એ પણ છે કે વ્યક્તિને જીવનમાં સારી ટેવોથી સજ્જ અને સુશોભિત કરવામાં આવે. વ્યક્તિને સુસંસ્કૃત બનાવવી તે ઉત્તમ શિક્ષણનો મુખ્ય હેતુ હોવો જોઈએ, પરંતુ દુર્ભાગ્યથી આપણી પાઠશાળાઓનો શિક્ષણક્રમ કંઈક એવો છે તથા આપણા જેટલું વધુ ભણતો ઘરોનું વાતાવરણ પણ એટલું પ્રતિકૂળ છે કે વિદ્યાર્થી જાય છે એટલો જ વધુ અવિનયી અને ઉદ્ધત થતો જાય છે. જેમ જેમ આજકાલનું કહેવાતું જ્ઞાન વિદ્યાર્થીઓના મગજમાં ઘૂસતું જાય છે તેમ તેમ વિનય અથવા ચરિત્ર ઓછાં થતાં જાય છે. આજકાલની વિદ્યાનો નશો શરાબની જેવો જ છે. દારૂની બાબતમાં ઈટાલિયન લોકોમાં એવી કહેવત છે કે જ્યારે શરાબ અંદર જાય છે ત્યારે સદ્દબુદ્ધિ બહાર નીકળી જાય છે. આજની શરાબ જેવી વિદ્યાના પ્રભાવથી સદ્ગુદ્ધિ અને ઉત્તમ ચરિત્ર દૂર જતાં રહ્યાં છે એવા સમયમાં આ જ્ઞાનના પ્રચારની કે “વિદ્યાની શોભા વિનયથી છે” એ બાબતનું મહત્ત્વ દિન પ્રતિદિન વધતું જાય છે.
વિદ્યાર્થીઓને વિનયશીલ બનાવવા માટે ભગીરથ જેવા પ્રયત્નની જરૂર નથી, પરંતુ જો આપણે સાવધાન રહીએ, અસાવધાની અને આળસને સ્થાન ન આપીએ તો આપણને ઘણા નાના નાના મોકા મળશે, જેનો સદુપયોગ કરીને આપણે બાળકોને આપણી ઈચ્છા મુજબ વિનયશીલ બનાવી શકીએ છીએ. બાળકો અવિનયી એ કારણે હોય છે કે આપણે પોતે સારો વ્યવહાર કરતા નથી અને બાળકોને વ્યવસ્થિત રાખવાની ક્ષમતા ધરાવતા નથી.
બાળક આપણી સામે પોતાના મોટા ભાઈ કે બહેનનું અથવા આપણું પોતાનું નામ લે છે, તો આપણે હસી કાઢીએ છીએ. આપણે વિચારીએ છીએ કે બાળક શબ્દોનું ઉચ્ચારણ કરવાનું શીખી રહ્યું છે, તો તેને સફળ જોઈને પ્રસન્ન થઈ જઈએ છીએ. આપણું બાળક જ્યારે બીજા બાળકને ગાળ દે છે અથવા પોતાનાથી મોટી કોઈ વ્યક્તિને લાકડીથી મારે છે, તો તેના સાહસને જોઈને આપણને પ્રસન્નતા થાય છે. બાળક જ્યારે આપણી આજ્ઞાને ટાળી દે છે તો આપણે પણ આજ્ઞાપાલન પર ભાર નથી મૂકતા અને પછી જ્યારે તે મોટો થઈને પૂરેપૂરી રીતે ઉદ્દંડ, નિરંકુશ અને ઉદ્ધત થઈ જાય છે ત્યારે આપણે પોતાના ભાગ્યને દોષ દઈએ છીએ. જે વાતાવરણ આપણે તેની સામે ઊભું કરીએ છીએ તે વાતાવરણમાં બાળક ઉદ્ધત અને અવિનયી ન બને તો કેવો બને ? દોષ આપણો છે અને આપણે ભાગ્યને દોષ દઈએ છીએ.
આ દયાજનક પરિસ્થિતિથી છુટકારો મેળવવા માટે આપણે બાળકો માટે સુંદર અને સ્વસ્થ પરિસ્થિતિનું નિર્માણ કરવું પડશે. સુંદર વાતાવરણ અને માનસિક પરિસ્થિતિઓનું નિર્માણ કરવું તે શિક્ષણનો મુખ્ય હેતુ હોવો જોઈએ. તેનું કારણ એ છે કે કોઈ વિશેષ પરિસ્થિતિમાં બાળકને રાખવાનો અર્થ છે તેને બીજી પરિસ્થિતિઓથી સંપૂર્ણ દૂર રાખવું. જો આપણે બાળકો માટે સારી પરિસ્થિતિઓનું નિર્માણ કરી દઈશું, તો તેઓ વગર પ્રયત્ને ખરાબીઓથી બચી જશે, કેમ કે એક સારા વાતાવરણમાં રહેનારું બાળક બીજા વાતાવરણનું કાર્ય કરી જ નહિ શકે. દાખલા તરીકે હંમેશાં માતાપિતાને પ્રણામ કરવાવાળા વાતાવરણમાં ઉછરેલા છોકરાઓ પોતાનાં માતાપિતાને ગાળ નથી દઈ શકતા. આથી આપણે બાળકોને સુંદર વાતાવરણમાં રાખીને તેમને ખરાબ વાતાવરણથી એટલાં દૂર રાખવાં જોઈએ કે જેથી ખરાબ વાતાવરણમાં રહેતી વ્યક્તિઓ જેવું આચરણ કરવું તેમના માટે મુશ્કેલ થઈ જાય. સુંદર વાતાવરણમાં રહેવાથી બાળક પોતાની જાતે જ ખરાબ વાતાવરણ અને તેના પ્રભાવથી દૂર રહેશે. એથી જે લોકો ઈચ્છે છે કે તેઓનાં બાળકો વિનયશીલ બને તેમણે અત્યારથી જ તેવું વાતાવરણ તૈયાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જો દુર્ભાગ્યવશ શરૂઆતથી જ આપણે વાતાવરણને સુધારવાનો પ્રયત્ન કર્યો ન હોય તો આપણે નિરાશ થવું ન જોઈએ. જ્યારથી આપણે સુધારો કરવાની શરૂઆત કરીશું ત્યારથી જ આપણને પોતાના પ્રયત્નોનું ફળ મળવાનું શરૂ થઈ જશે. સારા પ્રયત્નો કદી નકામા નથી જતા. કલ્યાણકારી કર્મો કરનારની કદી દુર્ગતિ નથી થતી. એથી જ્યારથી આપણે ચેતી જઈએ ત્યારથી સારા પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. કલ્પના કરો કે આપનાં માબાપ અથવા અન્ય વડીલ જીવે છે અને આપનાં બાળકો હજી નાનાં નાનાં છે, તો જો આપણે અત્યારથી જએ નિશ્ચય કરી લઈએ કે આપણે પોતાનાં માબાપને અને ગુરુજનોને હંમેશાં સવારે ચરણસ્પર્શ કરીશું, તો આપનાં બાળકો આપણી આ રીતથી પ્રભાવિત થયા વગર રહેશે નહિ. તેમના કોમળ મન પર અદૃશ્ય રૂપથી પવિત્ર સંસ્કાર પડતા જશે અને મોટા થયા પછી તેઓ પણ આપના આ આચરણનું અનુકરણ કરશે.
માતાપિતાને પ્રણામ કરવાનો પવિત્ર પ્રભાવ આપના પર પણ પડશે. જો આપના ગુરુજનોની ધારણા આપના તરફ હજી સુધી સારી નહિ રહી હોય, તો આપના પ્રણામ કરવાની તાત્કાલિક અસર એ થશે કે આપના તરફની તેમની ભાવનાઓ શુદ્ધ થતી જશે અને આપને તેઓના આશીર્વાદ મળવા શરૂ થઈ જશે. જો આપના માટે તેમણે કોઈ ખોટી ધારણાઓ બાંધી હશે, તો તે ખોટી ધારણાઓ ધીરે ધીરે દૂર થઈ જશે અને સાચા મનથી તેઓ આપના માટે સારી કામનાઓ કરશે, જે કદી નિષ્ફળ નહિ જાય.
પ્રતિભાવો