સહયોગ અને શિષ્ટાચારનો સંબંધ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
સહયોગ અને શિષ્ટાચારનો સંબંધ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
સહયોગના મહત્ત્વને તો હંમેશાં બધા લોકો સ્વીકારે છે કેમ કે અત્યારના સમયમાં મનુષ્યના જીવનનિર્વાહની રીત અને સામાજિક વ્યવસ્થા એવી ગૂંચવણ ભરેલી થઈ ગઈ છે કે એક માણસને બીજા માણસોની મદદ વગર એક પણ દિવસ ચાલી નથી શકતું, પરંતુ એ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે વાસ્તવિક સહયોગ મેળવવાનો શો ઉપાય છે ? સહયોગની વૃદ્ધિ કરવાનું અને તેને સ્થાયી બનાવવાનું મુખ્ય સાધન ઉત્તમ વ્યવહાર છે અને ઉત્તમ વ્યવહારનું એક અગત્યનું અંગ શિષ્ટાચાર છે. મનુષ્ય શિષ્ટાચારથી જ બીજી વ્યક્તિઓને પોતાની સભ્યતા અને સંસ્કૃતિનો પરિચય આપીને પોતાનો મિત્ર, સહાયક, હિતેચ્છુ અથવા અનુગામી બનાવી શકે છે.
એક મહાપુરુષે કહ્યું છે, “મને બોલવા દો, હું વિશ્વ પર વિજય મેળવી લઈશ. ’’ ખરેખર શિષ્ટાચારયુક્ત મધુર વાણીથી વધુ સારું હથિયાર આ દુનિયામાં બીજું કોઈ નથી. જે માણસમાં યોગ્ય રીતથી વાતચીત કરવાની ક્ષમતા છે તેની પાસે એક કીમતી ખજાનો છે. બીજાને પ્રભાવિત કરવાનું મુખ્ય સાધન વાણી જ છે. લેવડદેવડ, વ્યવહાર, આચરણ, વિદ્વત્તા, યોગ્યતા વગેરે દ્વારા પ્રભાવિત કરવા માટે સમયની, અવસરની, ક્રિયાત્મક પ્રયત્નની જરૂર હોય છે, પરંતુ વાર્તાલાપ એક એવો ઉપાય છે, જેના દ્વારા ઘણા જ ઓછા સમયમાં બીજાને પ્રભાવિત કરી શકાય છે.
વાતચીત કરવાની કળામાં જે હોશિયાર છે તે ખૂબ સંપત્તિવાન છે. યોગ્યતાનો પરિચય વાણી દ્વારા મેળવી શકાય છે. જે વ્યક્તિનો વિશેષ પરિચય નથી તેની સાથે વાતચીત કર્યા બાદ જાણી શકાય છે કે તેનું આચરણ કેવું છે, તે કેવા વિચારવાળો છે, કેટલો યોગ્ય છે, કેટલું જ્ઞાન અને અનુભવ ધરાવે છે. જે બીજા આગળ પોતાની યોગ્યતા દર્શાવે છે તેવા મનુષ્યની સાથે ખૂબ જ સાવધાની સાથે વર્તવું જોઈએ. કેટલીયે એવી સુયોગ્ય વ્યક્તિને આપણે જાણીએ છીએ, જેઓ પરીક્ષા કરવાથી ઉત્તમ પ્રકારનું મગજ, શ્રેષ્ઠ હૃદય અને દેઢ ચરિત્રવાળી સાબિત થશે, પરંતુ તેમનામાં વાતચીત કરવાની આવડત ન હોવાને કારણે બધામાં મૂર્ખ જેવી લાગે છે અને તેમને ઉપેક્ષાભરી દષ્ટિથી જોવામાં આવે છે. તેમની યોગ્યતાઓને જાણવા છતાં પણ લોકો તેમનો લાભ મેળવવાની ઈચ્છા રાખતા નથી.
પ્રતિભાવો