વાતચીત કરવાની કળાનું મહત્વ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા |
August 25, 2022 Leave a comment
વાતચીત કરવાની કળાનું મહત્વ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા |
ઘણી વ્યક્તિઓ એવી પણ જોવા મળે છે કે જે એટલી યોગ્ય નથી હોતી કે જેટલા બીજા લોકો તેને સમજે છે, પરંતુ વાણીની કુશળતા દ્વારા તે લોકો બીજાના મન પર પોતાની એવી છાપ પાડે છે કે સાંભળનારા મુગ્ધ થઈ જાય છે. ઘણીવાર યોગ્યતાવાળા લોકો અસફળ રહે છે અને નાની કક્ષાના લોકો સફળ થઈ જાય છે. પ્રગટ કરવાનાં સાધન બરોબર હોય તો ઓછી યોગ્યતાને પણ સારી રીતે પ્રદર્શિત કરી શકાય છે અને તેના દ્વારા ઘણું કામ કરી શકાય છે. વિદ્યુત વિજ્ઞાનના આચાર્ય જે.બી. રાડે કહ્યું હતું કે ઉત્પાદન કેન્દ્રમાં જેટલી વીજળી ઉત્પન્ન થાય છે તેનો બે તૃતીયાંશ ભાગ ઉપયોગ કર્યા વગર જ બરબાદ થઈ જાય છે. પાવર હાઉસમાં ઉત્પન્ન થયેલ વીજળીનો એક તૃતીયાંશ ભાગ જ કામમાં આવે છે. તેઓ કહે છે કે અત્યાર સુધી જે યંત્રો બનેલાં છે તે અધૂરાં છે. એ માટે ભવિષ્યમાં એવાં યંત્રોની શોધ થવી જોઈએ કે જે ઉત્પન્ન થયેલી વીજળીની બરબાદી ન થવા દે. જે દિવસે આ પ્રકારનાં યંત્રો તૈયાર થઈ જશે તે દિવસે વીજળીધરોની શક્તિ ત્રણગણી વધી જશે, એટલે કે ખર્ચ ત્રીજા ભાગનો જ થશે.
લગભગ એવી જ નુકસાની યોગ્યતાઓની બાબતમાં થાય છે. યોગ્ય વિદ્યુતયંત્રોના અભાવના કારણે બે તૃતીયાંશ વીજળી નકામી થઈ જાય છે, એ જ રીતે વાતચીતની કળાથી અજાણ હોવાના કારણે બે તૃતીયાંશથી પણ વધારે યોગ્યતાઓ નકામી પડી રહે છે. જો આ વિદ્યાની જાણકારી હોય તો ત્રણગણું કાર્ય કરી શકાય છે. જેટલી સફળતા તમે મેળવો છો તેટલી તો ત્રીજા ભાગની યોગ્યતાવાળા લોકો પણ પ્રાપ્ત કરી શકે છે. તમે પોતાની શક્તિઓ વધારવા માટે ખૂબ જ મહેનત કરો, પરંતુ તેનો લાભ ઉઠાવવામાં અસમર્થ રહો તો તે મેળવેલું શું કામનું ? યોગ્ય એ છે કે જેટલું પોતાની પાસે છે તેનો યોગ્ય રીતથી ઉપયોગ કરવામાં આવે. જેમને મૂર્ખ કહેવામાં આવે છે અથવા મૂર્ખ સમજવામાં આવે છે તેઓ ખરેખર એટલા અયોગ્ય નથી હોતા. તેમનામાં પણ મોટેભાગે બુદ્ધિમત્તા હોય છે, પરંતુ જે અભાવના કારણે તેમણે અપમાનિત થવું પડે છે તે અભાવ છે – “વાતચીતની કળાથી પરિચિત ન હોવું. ‘
મનના ભાવોને સારી રીતે, યોગ્ય રીતથી પ્રગટ કરી શકવાની યોગ્યતા એક એવો જરૂરી ગુણ છે, જેના વગર જીવનવિકાસમાં ઘણી મુશ્કેલી ઉત્પન્ન થાય છે. આપના મનમાં શું વિચાર છે, શું ઈચ્છો છો, કેવી સંમતિ રાખો છો તેને જ્યાં સુધી પ્રગટ ન કરવામાં આવે ત્યાં સુધી બીજાને શું ખબર પડે ? મનમાં જ મુંઝાયા કરવાથી બીજાના માટે સારી ખોટી કલ્પનાઓ કરવાથી કોઈ ફાયદો નથી. તમને જે મુશ્કેલી છે, જે ફરિયાદ છે, જે શંકા છે તેને સ્પષ્ટ રૂપથી કહી દો. જે સુધારો અથવા પરિવર્તન ઈચ્છો છો તેને પણ પ્રગટ કરી દો. આ રીતે પોતાની વિચારધારાને જ્યારે બીજાની સામે રજૂ કરશો અને પોતાની વાતની યોગ્યતા સાબિત કરશો તો મનની ઈચ્છા મુજબનો સુધારો થવાની ઘણી બધી આશા છે. ભ્રમનું, ગેરસમજનું સૌથી મોટું કારણ એ છે કે ખોટા સંકોચ અને શરમને કારણે લોકો પોતાના ભાવોને રજૂ કરતા નથી. આથી બીજા એમ સમજે છે કે આપને કોઈ મુશ્કેલી અથવા અસુવિધા નથી. જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી બીજી વ્યક્તિ કેવી રીતે જાણે કે આપ શું વિચારો છો, શું ઈચ્છો છો ? અપ્રત્યક્ષ રૂપથી, સાંકેતિક ભાષામાં વિચારોને જાહેર કરવાથી ફક્ત ભાવુક અને લાગણીશીલ લોકો પર પ્રભાવ પડે છે, સાધારણ કક્ષાના લોકોનાં હૃદયો પર તેની ઘણી ઓછી અસર થાય છે, પોતાની ગુંચવણમાં ફસાઈ રહેવાના કારણે, બીજાની સાંકેતિક ભાષાને સમજવામાં તેઓ કાં તો સમર્થ નથી હોતા અથવા તો થોડું ધ્યાન દઈને પછી ભૂલી જાય છે. હંમેશાં વધુ જરૂરી કામ તરફ પહેલાં ધ્યાન આપવામાં આવે છે અને ઓછા જરૂરી કામ તરફ પાછળથી ધ્યાન આપવામાં આવે છે. સંભવ છે આપની મુશ્કેલી અથવા ઈચ્છાને ઓછી જરૂરી સમજીને પાછળ રાખવામાં કે ફેરવિચારણા માટે ટાળી દેવામાં આવતી હોય. જો સાંકેતિક ભાષામાં મનોભાવ રજૂ કરવાથી કામ ન થતું હોય તો પોતાની વાતને સ્પષ્ટ રૂપથી નમ્ર ભાષામાં કહી દો. તેને અંદરને અંદર દબાવી રાખીને પોતાને વધુ મુશ્કેલીમાં ન મૂકશો.
સંકોચ તે વાતોને કહેવામાં થાય છે, જેમાં બીજાને કાંઈક નુકસાન અથવા પોતાને કંઈક લાભ થવાની શક્યતા હોય છે. એવો પ્રસ્તાવ મૂકતાં સંકોચ એ માટે થાય છે કે પોતાની ઉદારતા તથા સહનશીલતાને કલંક લાગે, પ્રમાણિકતા પર આક્ષેપ કરવામાં આવશે અથવા ક્રોધના ભોગ બનવું પડશે. જો આપનો પક્ષ યોગ્ય, સાચો અને ન્યાયપૂર્ણ હોય તો આ કારણોથી સંકોચ રાખવાની કોઈ જરૂરિયાત નથી. હા, જો આપની માગણી અનીતિયુક્ત ન હોય તો અધિકારોના રક્ષણ માટે નિર્ભયતાપૂર્વક આપની માગણી રજૂ કરવી જોઈએ. દરેક મનુષ્યની પવિત્ર ફરજ છે કે માનવતાના અધિકારો મેળવે અને તેમની રક્ષા કરે. ફક્ત વ્યક્તિગત સ્વાર્થ માટે નહિ, પરંતુ એ માટે કે અપહરણ અને કાયરતા આ બંને ઘાતક તત્ત્વોનો અંત આવે.
પ્રતિભાવો