૧૮૧. વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૧૮૪૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 26, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૧૮૪૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઉત વાત પિતાતિ ન ઉત ભ્રાતોત નઃ સખા | સ નો જીવાતને કૃધિ (સામવેદ ૧૮૪૧)
ભાવાર્થ: વાયુ જીવન છે, આરોગ્યદાતા છે. આથી પ્રાતઃકાળે ઊઠીને પ્રાણદાયક વાયુનું નિયમિત સેવન કરવું એ પિતા, ભાઈ અને મિત્રના જેટલું સુખ આપે છે.
સંદેશ : સંસારમાં વાસ્તવિક સૌંદર્ય પ્રકૃતિમાં જ છે. આપણે કૃત્રિમ પ્રસાધનોથી આપણું સૌંદર્ય વધારવાનો ભલે ગમે તેટલો પ્રયત્ન કરીએ, પરંતુ પ્રકૃતિના સંપર્કથી આપણા શરીરને જે સ્વાસ્થ્ય, શક્તિ અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે તે અનેક રીતે ચઢિયાતું હોય છે. પ્રકૃતિના નિયમોનું પાલન કરવાથી, વ્યાયામ અને પ્રાકૃતિક ભોજનથી શરીરના સ્નાયુઓનો સમતોલ વિકાસ થાય છે અને અંગેઅંગમાંથી સૌંદર્યનું તેજ ફૂટે છે. પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં ઊઠીને સુખદાયક પ્રાણવાયુનુંનિયમિત સેવન અને વ્યાયામ કરવાથી મનુષ્ય નીરોગી અને દીર્ઘજીવી બને છે. જો આપણે બળવાન, શક્તિશાળી અને વીર બનવા ઇચ્છતા હોઈએ તો આપણે આ નિયમિત દિનચર્યા સ્વીકારવી જોઈએ.
નિયમિતતાનું ઘણું જ મહત્ત્વ છે. બેચાર દિવસ સવારે ઊઠી ગયા, થોડીઘણી કસરત પણ કરી લીધી અને પછી બધું બંધ. આ રીતે તો લાભના બદલે ઊલટું નુકસાન જ થશે. દ૨૨ોજ ચોક્કસ સમયે ઊઠવાની અને વ્યાયામ કરવાની ટેવ પાડવી જોઈએ. નિયમિત વ્યાયામ એક ઘણી જ સારી ટેવ છે. તેની શરીર પર જ નહિ, પરંતુ માનસિક બળની વૃદ્ધિ પર પણ આશ્ચર્યકારક અસર પડે છે. પરિશ્રમશીલ બનીને દિવસપર્યંત થાક લાગે એટલી સખત મહેનત કરવી તે સારી ઊંઘ લાવવા અને કકડીને ભૂખ લગાડવાની સૌથી સારી અને સસ્તી દવા છે, પરંતુ વ્યાયામનો ચમત્કાર તો વિશિષ્ટ છે. એની અસર ફક્ત શરીર સુધી સીમિત નથી રહેતી, પરંતુ તે સ્વભાવ અને મનોબળની શુદ્ધિમાં પણ મદદરૂપ થાય છે. આખો દિવસ લોખંડ ટીપનાર લુહાર કરતા અખાડામાં બે કલાક કસરત ક૨ના૨ પહેલવાન વધુ બળવાન હોય છે. એનું કારણ છે વ્યાયામની સાથે સંકળાયેલી ઉત્સાહવર્ધક ભાવના. તે સમયે મનમાં એવી ભાવના રહે છે કે આપણે સ્વાસ્થ્યની સાધના કરીએ છીએ અને આ શ્રદ્ધાનો મનોવૈજ્ઞાનિક અને ચમત્કારિક પ્રભાવ આપણા સ્વાસ્થ્ય પર પડે છે.
વ્યાયામ અને રમતગમતમાં નિયમિતરૂપે ભાગ લેવાથી શરીર મજબૂત, સુંદર અને સુડોળ બની જાય છે. ભૂખતરસ તથા ગરમીઠંડી સહન કરવાની શક્તિ વધે છે. વ્યાયામથી સ્નાયુઓને શક્તિ મળે છે, ફેફસાં મજબૂત થાય છે, લોહી શુદ્ધ થાય છે, બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને આયુષ્ય લાંબું બને છે. રોગ અને ઘડપણ તેની પાસે આવતું નથી, મૃત્યુ પણ દૂર ભાગે છે. દેશ, કાળ અને સમયને અનુરૂપ હળવો વ્યાયામ કરવો જોઈએ, દેશી રમતો રમવી જોઈએ અને યોગાસનો કરવાં જોઈએ. ક્રિકેટ, ટેનિસ વગેરે મોંઘી વિદેશી રમતો તરફ દોડવું તે રાષ્ટ્ર પ્રત્યે ગુનો છે. એનો એ પણ અર્થ નથી કે બધો તે જ સમય વ્યાયામ કે રમતમાં ગાળવો. પોતાની જરૂરિયાત મુજબ સમયગાળો નિશ્ચિત કરીને સવારમાં પ્રાણવાયુનું સેવન તથા વ્યાયામ સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ છે. સાંજના સમયે કોઈ રમત રમવાનો કે ફરવાનો શ્રમ કરી શકાય, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભલે સમય થોડો જ હોય, પરંતુ નિયમિતતા રાખવી જોઈએ. નિયમિત દિનચર્યા જીવનમાં સુખદાયક નીવડે છે.
પ્રતિભાવો