૧૮૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૧૩/૧૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 27, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૧૩/૧૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઇયુષ્ટે યે પૂર્વતરામ પશ્યન્વ્યુચ્છન્તીમુષસં મર્ત્યાસઃ અસ્માભિરુ નુ પ્રતિચક્ષ્યાભૂદો । તે યન્તિ યે અપરીષુ પશ્યાન્ । (ઋગ્વેદ ૧/૧૧૩/૧૧)
ભાવાર્થ : જે મનુષ્યો ઉષાકાળે ઊંઘમાંથી ઊઠીને પરમાત્માનું ધ્યાન કરે છે તેમને ઈશ્વર બુદ્ધિશાળી અને ધાર્મિક બનાવે છે. જે સ્ત્રીપુરુષો પરમાત્માની સાક્ષીમાં મધુર સંબંધ જાળવી રાખે છે તેમને ભગવાન હંમેશાં સુખી રાખે છે.
સંદેશ : બધાં પ્રાકૃતિક તત્ત્વોમાં વાયુ સૂક્ષ્મ છે. પૃથ્વી, જળ તથા અગ્નિ કરતાં વાયુની સૂક્ષ્મતા ઘણી વધારે છે. એના કારણે એના ગુણ અને પ્રભાવ પણ વધુ છે. ખોરાક અને પાણી વિના તો થોડો સમય મનુષ્ય જીવતો રહી શકે છે, પરંતુ વાયુ વિના એક ક્ષણ પણ જીવતો રહી શકતો નથી. શરીરમાં બીજાં તત્ત્વોનો વિકાર એટલો નુકસાનકારક હોતો નથી, જેટલો વાયુનો હોય છે. ગંદા, અશુદ્ધ, સડેલા, દુર્ગંધયુક્ત અને ઝેરી વાયુમાં શ્વાસ લેવો મુશ્કેલ હોય છે અને દમ ઘુંટાવા લાગે છે. દિવસપર્યંત તો કામકાજના કારણે આપણે ગમે ત્યાં જવું પડે છે, તેથી શુદ્ધ વાયુનું સેવન થઈ શકતું નથી. આધી પ્રાતઃકાળના સર્વસુલભ પ્રાણવાયુની અવગણના કરીને મોં ઢાંકીને સૂઈ રહેવું તે પહેલા દરજ્જાની મૂર્ખતા જ છે.
પ્રાતઃકાળે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને નિત્યકર્મથી નિવૃત્ત થઈને પ્રાણવાયુનું સેવન કરવાની સાથે વ્યાયામ અને ઈશ્વરચિંતન પણ કરવું જોઈએ. આ સમગ્ર સંસાર, આ અદ્ભુત પ્રકૃતિ, ફળ, ફૂલ, અનાજ, પાણી બધું જ તે પરમપિતા પરમેશ્વરે આપણા ઉપયોગ માટે ઉત્પન્ન કર્યું છે. તે પ્રભુનું ધ્યાન ધરીને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ અને તેમના દિવ્ય નિર્દેશોનું પાલન કરવાનો સંકલ્પ લેવો એ જ ઈશ્વરનું ચિંતન છે. કોઈ મંદિરમાં જઈને ફળ, ફૂલ, જળ, દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી દેવાં તથા અગરબત્તી કે દીવો પ્રગટાવી દેવાં અને ઘંટ વગાડીને માથું નમાવવું કે કાકલૂદી કરવી તે ઈશ્વરભક્તિ નથી. આ તો માત્ર એક આડંબર છે. જીવનનો સદુપયોગ ઈશ્વરીય આદેશોનું યોગ્ય રીતે પાલન કરવાથી જ થઈ શકે છે. આસુરી પ્રવૃત્તિઓ આપણાં દૈનિક કાર્યોમાં દખલગીરી ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણાં વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક એમ બધાં કાર્યો દૈવી ગુણોથી પ્રેરિત હોવાં જોઈએ. સ્વાર્થ, મોહ, લોભ, ક્રોધ વગેરે રાક્ષસો આપણને ન સતાવે, આ જ વાસ્તવિક ઈશ્વરચિંતન છે.
જીવનનો સદુપયોગ કરવો તે આપણી સૌથી મોટી સમસ્યા છે. દીર્ઘદૃષ્ટિ અને બુદ્ધિમત્તાપૂર્વક તેને ઉકેલવી જોઈએ. એના માટે પ્રાતઃકાળનો સમય સર્વશ્રેષ્ઠ છે. થોડો સમય પ્રભુચિંતન કરવાથી જીવનલક્ષ્યની પ્રાપ્તિ માટે દિવ્યસંદેશ પ્રાપ્ત થાય છે. જે કોઈ દોષ દુર્ગુણો હોય છે તે દૂર થાય છે તથા સદ્ગુણોની વૃદ્ધિ થાય છે. મનમાંથી દુષ્ટ વિચારો અને પાપભાવના દૂર થાય છે. પ્રાતઃકાળે પ્રકૃતિના સંસર્ગથી ઈશ્વરની સર્વવ્યાપક સત્તા સાથે સીધો સંબંધ સ્થપાય છે અને મનમાં પવિત્ર, મધુર અને સુંદર વિચારોના તરંગો લહેરાય છે.
આ પ્રકારના ધાર્મિક આચરણથી પ્રભુકૃપાનું વરદાન મળે છે અને મનુષ્ય સમગ્ર દિવસ સ્ફૂર્તિ અને ઉલ્લાસની સાથે પોતાનાં દૈનિક કાર્યો કરતો રહીને સુખ, શાંતિ, યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે.
પ્રતિભાવો