૧૮૩. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૯/૬૦/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 28, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૯/૬૦/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
વાડ્ંમ આસન્નસોઃ પ્રાણશ્ચક્ષુરક્ષણો: શ્રોત્રંકર્ણયોઃ । અપલિતાઃ કેશાચ અશોણા દન્તા બહુ બાહ્યોર્બલમ્ ॥ (અથર્વવેદ ૧૯/૬૦/૧)
ભાવાર્થ : મારા મોઢામાંથી વાયુશક્તિ, નાકમાંથી પ્રાણશક્તિ, આંખોમાંથી દૃષ્ટિ, કાનમાંથી શ્રવણશક્તિ કદી નાશ ન પામે. વાળ સફેદ ન થાય, દાંત પડે નહિ અને હાથમાં બળ રહે.
સંદેશ : ભારતીય પરંપરા મુજબ માનવજીવન ચાર ભાગમાં વહેંચાયેલું છે. એને આશ્રમવ્યવસ્થા કહેવાય છે. ૫૨માત્માએ મનુષ્યને સો વર્ષનું આયુષ્ય આપ્યું છે અને ૨૫-૨૫ વર્ષના ચાર વિભાગ પાડીને એને આપણા ઋષિઓએ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમમાં વિભાજિત કર્યું છે. ૨૫ વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરીને વિદ્યાભ્યાસ અને શરીરનો વિકાસ કરવા માટેનાં છે. ૨૫ વર્ષ કૌટુંબિક જવાબદારીઓને નિભાવવા માટે, ૨૫ વર્ષ કુટુંબને સ્વાવલંબી અને સુસંસ્કારી બનાવતા રહીને આત્મવિકાસ અને લોકમંગળની સંયુક્ત સાધનાનાં છે અને અંતિમ ૨૫ વર્ષ ઘર તથા કુટુંબની મોહમાયાથી છુટકારો મેળવીને પરિભ્રમણ કરતા રહીને રાષ્ટ્ર માટે, પરમાત્મા માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરવા માટેનાં છે. જીવનકાળનું આવું વૈજ્ઞાનિક અને વ્યાવહારિક વિભાજન પ્રાચીનકાળની જેમ આજે પણ પ્રાસંગિક અને ઉપયોગી છે.
પરમાત્માની કૃપાથી આપણને સો વર્ષનું પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત થઈ જાય તો શું એટલું પૂરતું છે ? આ દીર્ઘાયુષ્યનું સુખ ભોગવવા માટે શરીરનાં અંગઉપાંગોમાં સંપૂર્ણ શક્તિ અને નીરોગીપણું જરૂરી છે, તો જ જીવનનું સુખ મળે છે. નહિતર,રોગી શરીરને જીવતી લાશની માફક સો વર્ષ સુધી ઢસડતાં રહેવું તે પોતાની જાતે જ કઠોર દંડ ભોગવવા બરાબર છે. આથી મનુષ્યની એ જવાબદારી છે કે તે પોતાનું ખાવુંપીવું, વર્તન, વ્યવહાર વગેરે એવાં રાખે કે દીર્ઘાયુષી બનવાની સાથે શારીરિક રૂપથી તે પૂર્ણ રીતે સ્વસ્થ રહે. આંખ, કાન, નાક, દાંત, વાળ વગેરે બધું જ સો વર્ષ સુધી પૂરી ક્ષમતાથી કાર્યરત રહે અને જીવનશક્તિમાં કોઈ પણ પ્રકારની ઊણપ ન આવે.
માનો કે ભગવાનની કૃપાથી સો વર્ષના આયુષ્યની સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે, તો શું એટલાથી જીવનલક્ષ્ય પ્રાપ્ત થઈ જશે ? ના, એકલા શારીરિક સ્વાસ્થ્યથી શું થાય ? એનાથી પણ વધુ મહત્ત્વ તો માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનું છે. એમના અભાવમાં શારીરિક શક્તિનો રાવણ અને દુર્યોધનની જેમ દુરુપયોગ થતો રહેશે. સ્વાર્થ, મોહ, લોભની આગળ સંસારમાં બીજું કશુંય નહિ દેખાય. સંસારમાં જે કંઈ સંપત્તિ છે તે મને મળી જાય, બધાં સુખસગવડો મારા તાબામાં આવી જાય એવું વિચારવામાં જ બધી શક્તિ વપરાશે. પુત્રૈષણા, વિતૈષણા અને લોકૈષણામાં ડૂબી જઈને સંસારમાં બીજાઓનું શોષણ કરવાની પ્રવૃત્તિ વધશે. સર્વત્ર લૂંટફાટ તથા મારામારીનું વાતાવરણ સર્જાશે. ‘મારે તેની તલવાર’નું વાતાવરણ પેદા કરવામાં શારીરિક શક્તિનો ઉપયોગ થશે. તૃષ્ણામાં ફસાયેલો માણસ ન તો પોતે સુખી રહી શકશે કે ન બીજાને સુખેથી જીવવા દેશે.
વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતોષ મેળવવા માટે શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક, આત્મિક અને આધ્યાત્મિક સ્તર પણ શ્રેષ્ઠ હોવો જોઈએ. આવા સત્પ્રયાસોની મદદથી આપણે જીવનલક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું.
પ્રતિભાવો