૧૮૪. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 29, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
મમાગ્ને વર્ચો વિહવેષ્વસ્તુ વયં ત્વેંધાનાસ્તન્વં પુષુમ્ । મહ્યાં નમન્તાં પ્રદિશશ્ચ તસ્ત્રસ્ત્વયાધ્યક્ષેણ પૃતના જયેમ્ II (અથર્વવેદ ૫/૩/૧)
ભાવાર્થ : વિશ્વસંગ્રામમાં વિજય માટે શરીર તંદુરસ્ત અને મજબૂત હોવું જરૂરી છે. દુર્બળ શરીરમાં એટલી શક્તિ અને તેજ હોતાં નથી, જેનાથી શાસન અને નેતૃત્વ કરી શકાય.
સંદેશ : મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તે પારસ્પરિક સહકાર અને ઉદારતાના ભાવનાત્મક સદ્ગુણોથી અલંકૃત છે. એકબીજાને પોતાનો બૌદ્ધિક અને ક્રિયાત્મક સહકાર આપીને તે જ્ઞાન, અનુભવ, સાધન, તે ઉત્પાદન, ચિંતન અને વિકાસનાં અનેકવિધ દ્વાર ખોલી દે છે અને પ્રગતિના માર્ગ પર આગળ વધી શકે છે, પરંતુ દરેક માણસ એવું કરી શકતો નથી. સમાજમાં દુષ્ટ, દુર્ગુણી અને દુરાચારી પ્રકૃત્તિના લોકો પણ રહે છે. તેઓ એકબીજાને સહકાર આપવાના બદલે નુકસાન પહોંચાડવાનું કાર્ય કરતા રહે છે. કુવિચારો, કુસંસ્કારો અને કુરિવાજોને વધારતા રહે છે અને સર્વત્ર અરાજકતા ફેલાવે છે. સરકાર અમુક ગુનેગારોને શિક્ષા કરી શકે છે, આર્થિક પ્રગતિનાં કેટલાંક સાધનો પૂરાં પાડી શકે છે, પરંતુ વ્યક્તિગત મૂર્ખતા અને દુષ્ટતાને, સામાજિક ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાને દૂર કરવી તે તેના કાબૂની વાત નથી.
પ્રજાતંત્રમાં માનવી અને સમાજસુધારણાની જવાબદારી લોકસેવકોની હોય છે. તેમણે આ મોરચે સમાજનું નેતૃત્વ કરવાનું હોય છે. સમાજ અને રાષ્ટ્રનો સ્તર ઊંચો લઈ જવામાં લોકસેવકો જ સમર્થ બની શકે છે. એના માટે પહેલાં પોતાનું જીવન ઉચ્ચ કક્ષાનું બનાવવું પડે છે કે જેનાથી બીજા પર યોગ્ય પ્રભાવ પાડી શકાય. પોતે પોતાના આચરણ દ્વારા સમાજની સામે આદર્શ રજૂ કરવાનો હોય છે. બીજાઓનાં દુ:ખ અને તકલીફોને જોઈને પોતે પોતાની સગવડોમાં કાપ મૂકવો પડે છે. બધાની સાથે શિષ્ટતા અને સભ્યતાપૂર્ણ મધુર વ્યવહાર કરવો પડે છે, મીઠાં વચનો બોલવાં અને પાળવાં પડે છે, પ્રામાણિક જીવનપદ્ધતિ સ્વીકારવી પડે છે અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારીને યોગ્ય રીતે નિભાવવાનો આદર્શ રજૂ કરવો પડે છે. સમાજમાં ફેલાયેલા કુરિવાજોને બદલવા ઘણા મુશ્કેલ છે. પોતે પોતાના વર્તનથી સમાજમાં સ્વસ્થ પરંપરાઓ સ્થાપવી પડેછે. સમાજને સુધારવા, તેનું સંચાલન કરવા અને સ્વસ્થ પરાપંરાઓને પ્રચલિત કરવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે.
નેતૃત્વની આવી ક્ષમતા વિકસિત કરવા માટે શારીરિક અને આત્મિક બળની જરૂર પડે છે. શરીર હૃષ્ટપુષ્ટ અને નીરોગી હોવું તે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. ગાંધીજી કેટલા બધા દૂબળાપાતળા હતા, પરંતુ તેમનામાં શરીરબળ અને આત્મબળનું તેજ હતું કે જેથી સમગ્ર સંસાર આશ્ચર્યચકિત થઈ ગયો હતો. પ્રબળ આત્મશક્તિથી પેદા થયેલું સાહસ સમાજમાં ફેલાયેલા કુરિવાજોની સામે ટક્કર લેવામાં સમર્થ બને છે. ચારેય બાજુથી વિરોધ પેદા થાય છે, લોકો મજાક અને અસહયોગ કરે છે, છતાં સામા પ્રવાહે તરવાનો પુરુષાર્થ કરવો પડે છે. ઉત્તમ સ્વાસ્થ્યથી જ વ્યક્તિગત અને સામાજિક બંને સ્તરે સભ્ય તથા સુવ્યવસ્થિત લોકોની જેમ ભૌતિક અને આત્મિક પ્રગતિનો સુખસંતોષ પ્રાપ્ત થઈ શકે છે.
વિશ્વસંગ્રામમાં વિજયનો આ જ રાજમાર્ગ છે.
પ્રતિભાવો