SV-02 : ઔષધિ (દવા) વિના કાયાકલ્પ, ભૂમિકા | શ્રીરામ શર્મા આચાર્ય
September 5, 2022 Leave a comment
SV-02 : ઔષધિ (દવા) વિના કાયાકલ્પ, ભૂમિકા | શ્રીરામ શર્મા આચાર્ય
તંદુરસ્તી દરેક મનુષ્યનો સ્વાભાવિક અધિકાર છે. પરમાત્માએ દરેક પ્રાણીને એવાં સાધનો આપીને (પૃથ્વી) ઉપર મોકલેલ છે કે જેથી તે નીરોગી અને સ્વસ્થપૂર્ણ જીવન જીવી શકે, પરન્તુ આપણે જોઇએ છીએ કે મનુષ્ય કમજોરી અને બીમારીના પંજામાં બહુ બૂરી રીતે ફસાયેલો છે. દુનિયાનાં બીજાં બધાં જ પ્રાણીઓ સામાન્ય બુદ્ધિવાળી હોવા છતાં નીરોગી જીવન જીવે છે જ્યારે મનુષ્ય વધારે બુદ્ધિશાળી હોવાનો દાવો કરતો હોવા છતાં આ રીતે રોગગ્રસ્ત જીવન જીવે છે તે ખરેખર ઘણા આશ્ચર્યની વાત છે.
મનુષ્ય પોતાના જીવનમાં જીભના સ્વાદને, વિષય વાસનાને તેમજ કૃત્રિમતા અને અપ્રાકૃતિકતાને સ્થાન આપવાના કારણે રોગોનો ભોગ બને છે. માંદગીને નોતરવાની દુ:ખદાયક સ્થિતિ તેણે જાતે જ ઉત્પન્ન કરી છે. જો માણસ પોતાની આ ભૂલ સુધારી લે તો આવી દુ:ખદાયક સ્થિતિમાંથી સહેલાઇથી છુટકારો પ્રાપ્ત કરી શકે.
સ્વાભાવિક તંદુરસ્તી આજે દુર્લભ બની છે. રોગ વગરનું તંદુરસ્ત શરીર એટલે જ દીર્ઘજીવન, સ્ફૂર્તિ, બલિતા, સાહસ, પુરૂષાર્થ વગેરે.
આજના નાદુરસ્ત શરીરવાળા મનુષ્યને જો સ્વાભાવિક તંદુરસ્તી પ્રાપ્ત થાય તો સમજવું જોઇએ કે તેનો કાયાકલ્પ થઇ ગયો. અસ્વસ્થતાનું નિવારણ અને સ્વાભાવિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ એટલે જ કાયાકલ્પ. આ કાયાકલ્પ માટે દવાઓની નહિ, પરન્તુ પ્રાકૃતિક નિયમોને અનુસરીને પોતાના જીવનમાં તે પ્રમાણે આચરણ કરવાની જરૂર છે.
આ પુસ્તિકામાં પ્રાકૃતિક આહારવિહાર મુજબ પોતાનુ જીવન જીવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે અને ઘણા સમયથી બગડેલા અંદરના અવયવોની જરૂરી સાફસૂફી કરી તે અવયવોન ફરીથી ચેતનવંતા બનાવવાનો માર્ગ ચીંધવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે તંદુરસ્તીની દિશામાં આ પુસ્તિકા બધાને ઘણી ઉપયોગી થશે.
– શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો