SV-02 : કમજોરી અને બીમારીનું કારણ । ઔષધિ વિના કાયાકલ્પ
September 5, 2022 Leave a comment
SV-02 : કમજોરી અને બીમારીનું કારણ । ઔષધિ વિના કાયાકલ્પ
કમજોરી અને બીમારી બન્નેનો આધાર એક જ છે. શરીરના યંત્રો જો સરખી રીતે કામ ન કરે તો જીવનશક્તિ જરૂરી માત્રામાં ઉત્પન્ન થઇ શકતી નથી, આનું નામ જ કમજોરી. તે કમજોરી વધારે અવ્યવસ્થાને કારણે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે અને કોઇ એક અંગ અથવા આખા શરીરમાં કોઇ ઉપદ્રવ પેદા કરે તો તેને બીમારી કહેવામાં આવે છે.
બીમારીનું મૂળ કારણ શારીરિક અવયવોની કાર્યપ્રણાલીમાં દોષ આવવો તે છે. એવું કહેવામાં આવે છે કે કીટાણુઓ દ્વારા રોગો ફેલાય છે. તેથી એવો ભ્રમ પેદા થાય છે કે બીમારીઓ બહારથી આવે છે, જો કીટાણુઓથી બચી શકાય તો બીમારી થાય નહિ. પરન્તુ આ ખ્યાલ સાચો નથી. બીમારીમાં જે કીટાણુઓ જોવામાં આવે છે. તે અંદરની ગરબડના કારણે અંદરથી જ ઉત્પન્ન થયેલાં હોય છે. શરીરની અંદર એટલો આમ્લ, ક્ષાર અને તાપ હોય છે કે તેનાથી બહારથી આવેલા કીટાણુઓ આસાનીથી નાશ પામે છે. બહારથી આવેલાં કીટાણુઓને શરીરમાં રહેવાનું સ્થાન ત્યારે જ પ્રાપ્ત થઇ શકે છે, જ્યારે આમ્લ ક્ષાર, તાપ તેમજ લોહીમાં દોષ હોય છે. નિર્દોષ રક્ત અને બળવાન શરીરમાં ભયંકરમાં ભયંકર રોગના કીટાણુઓની પણ કંઇ અસર થતી નથી.
ઝાડા, ઉલટી, પ્લેગ, બળિયા વગેરે આક્રમણકારી રોગોના જમાનામાં અનેક પરોપકારી સ્વયંસેવકો તે રોગીઓની સેવા કરતા હતા. તેવા રોગીઓનાં શબો જલાવતા હતા, તેમ છતાં તે રોગો તેમના ઉપર આક્રમણ કરી શક્યા નહિ. બળિયા નીકળેલા બાળકને માતા છાતીએ લગાડીને બેસે છે, ઝાડા, ઉલટી તથા પ્લેગના રોગીઓની સેવા તેમનાં સગાસંબંધીઓ ઘણી નજદીકથી કરતા હોય છે. ક્ષયના રોગી પાસે રહીને સારવાર કરવામાં આવે છે પરંતુ એવું જોવામાં આવ્યું છે કે સેવા કરનારાઓ ઉપર તે રોગની સાધારણ રીતે કોઇ અસર થતી નથી. ગંદકીને સાફ કરવાનો જ જેમનો એક માત્ર ધંધો છે તેવા મેતર (ભંગી) લોકો વાતવાતમાં રોગના કીટાણુઓથી ડરવાવાળાઓની સરખામણીમાં ઘણા જ તદુરસ્ત અને બળવાન રહેતા હોય છે.
એવું પણ જોવામાં આવે છે કે મોટા ઘરોમાં કે જ્યાં સફાઇ માટે અને કીટાણુઓથી બચવા માટે પૂરતું ધ્યાન રાખવામાં આવે છે ત્યા પણ ક્ષય જેવા ચેપી રોગો તથા અનેક પ્રકારના અન્ય રોગો હોય છે. ત્યાં જ્યારે વારંવાર કીટાણુઓથી બચવા માટેની આટલી સાવધાની રાખવામાં આવે છે તો પછી આ કિટાણુઓ ત્યાં કેવી રીતે પહોંચી જાય છે ? જો એવું કહેવામાં આવે કે તે કીટાણુઓ હવામાં દોડતાં રહેતાં હોય છે અને તે અહીં તહીં બધી જગ્યાએ પહોંચી જતાં હોય છે તો સવાલ એ પેદા થાય છે કે જો તે કીટાણુઓ હવામાં જ ઉડતાં રહેતાં હોય છે તો તે હવા બધા લોકો સુધી પહોંચે છે તેથી બધાને રોગ થવો જોઇએ. ખરી વાસ્તવિક્તા એ છે કે અંદરની ખરાબીથી રોગ અને રોગના કીટાણુઓ પેદા થાય છે. જો રોગને બહારથી આવનારો માનવામાં આવે તો પણ એ તો સ્વીકારવું જ પડશે કે નિર્બળ શરીરમાં જ રોગના કીટાણુઓ પોતાનો અડ્ડો જમાવવામાં સમર્થ બને છે. નીરોગી અને સતેજ શરીરમાં જો તેઓ પ્રવેશ કરશે તો અંદરની જીવનશક્તિ એક જ ક્ષણમાં તેનો નાશ કરી નાખી તેને બહાર ફેંકી દેશે.
સાધારણ રીતે કમજોરી અને બીમારીનું મૂળ પેટમાં હોય છે. જ્યારે અનાજ સારી રીતે પચતું નથી ત્યારે તે અનાજથી લોહી પણ બનતું નથી. જરૂરી પ્રમાણમાં શુદ્ધ રક્ત બન્યા સિવાય શરીરને એવી શક્તિ પ્રાપ્ત થઇ શકતી નથી કે જેનાથી જરૂરી પરિશ્રમ કરી શકાય. આવા લોકો થોડી જ મહેનતમાં વધુ થાકી જાય છે. લોહીની ગરમી અને ગતિ ઓછી થઇ જવાના કારણે અંગોમાં સ્ફૂર્તિ રહેતી નથી. આળસ અને ઉદાસી છવાયેલી રહે છે. જરૂરી લોહી ન પહોંચી શકવાને કારણે હાથ, પગ અને કમરમાં દુખાવો તથા દર્દ થવા લાગે છે. આ કમજોરી છે. આ કમજોરી બહારનાં અંગોની માફક અંદરનાં અંગોમાં પણ થાય છે. તે પણ પોતાનું કામ સારી રીતે કરી શક્યાં નથી. પરિણામે પચ્યા વિનાનું અન્ન મળ દ્વારા નીકળી જાય છે. શુદ્ધ થયા વિનાનું પાણી મૂત્ર દ્વારા નીકળી જાય છે. કાયમ ચીકણુ અને સફેદીવાળું પીળા રંગનું મૂત્ર આવવું એ મૂત્રાશય અને ગુદાની કમજોરીની નિશાની છે. શીઘ્રપતન એ વીર્યવાહિની નાડીઓ તથા ગુપ્ત સ્થાનના જ્ઞાનતંતુઓની નિર્બળતાની નિશાની છે. તેને જ લોકો પ્રમેહ કહે છે. ખંજવાળ, ગરમી, બળતરા, અકડાઇનું દર્દ, નિર્બળતા, આ બધાં એવાં લક્ષણો છે કે જે ભૂખ્યા માણસોમાં જોવામાં આવે છે. જેને અન્નજળ ન મળ તાં હોય એવો માણસ ભૂખ તરસના લીધે ઘણી જ બેચેની અનુભવો અને તેને કોઇ રોગ ન હોવા છતાં તેને સો રોગ થયા હોય તેવો દેખાશે. આ રીતે શરીરના અંદરના અવયવો મન, ફેફસાં, ગુદા, મૂત્રાશય, હૃદય, આંતરડાં. આમાશય વગેરે મુખ્ય અંગો તથા તે બધામાં ફેલાયેલા જ્ઞાનતંતુઓ, નસ, નાડી, માંસપેશીઓ, હાડકાં, ચેતના કેન્દ્ર વગેરે જ્યારે તેમનું પોષક તત્ત્વ-નવીન રક્ત, પ્રાપ્ત કરી શક્તાં નથી ત્યારે તેમની દશા ભૂખ્યા તરસ્યા માણસ જેવી થાય છે. આ ભૂખથી ઉત્પન્ન થતી પીડા કમજોરી એક જાતનો રોગ જ છે.
પાચનક્રિયા બરાબર ન હોવાના કારણે અન્ન પેટમાં સડવા લાગે છે જેવી રીતે લોટમાં પાણી નાખી વાસણમાં ભરી ગરમ જગ્યાએ રાખવાથી તેમાં સડો પેદા થાય છે, તુરત જ દુર્ગંધ મારવા લાગે છે અને ઝેરવાળું બની તેમાં નાના નાના કીડા પડવા લાગે છે, તેવી રીતે પેટમાં પચ્યા વગરના આહારની દશા થાય છે. સડીને તે ઝેરીલું બની જાય છે. આ ઝેર નસ, નાડીઓમાં અને લોહી માંસમાં ભળી જાય છે. લાગ મળતાં જ આ ઝેર એકઠું થઇ જાય છે અને તે અંગમાં ઉપદ્રવ પેદા કરે છે. આંખ, કાન, નાક, માથું, ઘુંટણો, હાથપગના જોડાણો, જ્યાં પણ આ ઝેર ભેગુ થશે ત્યાં ઉપદ્રવ પેદા કરવા માંડશે. આ ઉપદ્રવોને જ રોગ કહેવામાં આવે છે.
ઝેરી દૂષિત વિજાતીય અને બીનજરૂરી પદાર્થોને હંમેશાં બહાર ફેંકી દેતા રહેવું એ શરીરનું સ્વાભાવિક અને દૈનિક કાર્ય છે. મળ-મૂત્ર, પસીનો, કાન, નાક, આંખ વગેરેનો મેલ, અનાવશ્યક અને હાનિકારક ઝેરી પદાર્થો વગેરે ઘણી જ સહેલાઇથી હરહંમેશ છિદ્રો વડે બહાર ફેંકી દેવામાં આવે છે. પરન્તુ જ્યારે શરીરની જીવનશક્તિ નિર્બળ હોય છે ત્યારે આ સફાઇનું કામ સારી રીતે થઈ શક્યું નથી. આનાથી લોહી મેલું, ચીકણું, ભારે, દૂષિત, અને નિર્બળ થઇ જાય છે. શુદ્ધ લોહી તો દૂષિત પદાર્થોને ઝડપથી બહાર ફેંકી દે છે પરન્તુ અશુદ્ધ લોહી આ કાર્યને સારી રીતે કરી શકતું નથી. સ્વચ્છ પાણીમાં લાકડાનો ટુકડો ડૂબાડવામાં આવશે તો પાણી તરત જ તેને ઉપરની સપાટી પર ફેંકી દેશે પરન્તુ જો ચીકણા કીચડમાં લાકડાનો ટૂકડો ડૂબાડવામાં આવશે તો તે તેને ઉપર નહિ ફેંકી દે પણ તે લાકડાનો ટુડો વચમાં જ પડ્યો રહેશે. આ જ વાત શુદ્ધ અને અશુદ્ધ લોહી વડે રોગોને બહાર ફેંકી દેાના સામર્થ્યની બાબતમાં છે. કમજોર આદમીના શરીરમાં ઝેરી તત્ત્વો ભરેલાં હોય છે અને તે જ વારંવાર વિવિધ રૂપો ધારણ કરી ઉપદ્રવ પેદા કરે છે. એક ઉપદ્રવ દબાઈ જાય તો તે ઝેર બીજી બાજુ ચાલ્યું જાય છે અને કોઇ બીજા અંગમાં જઇને એક નવું રૂપ ધારણ કરીને નવા રોગના નામે પ્રગટ થાય છે. એક રોગ પૂરો થયો, બીજો શરૂ થયો, બીજો પૂરો થયો ત્રીજો શરૂ થયો આ ક્રમ સતત ચાલ્યા કરે છે.
લોહીમાં એક પ્રકારના શ્વેત રજકણ હોય છે તે યુદ્ધના સૈનિક જેવા હોય છે. વિજાતીય, ઝેરીલાં તત્ત્વો સાથે લડીને તેને પરાજીત કરી શરીરથી બહાર ફેંકી દેવાં તે તેનું મુખ્ય કામ હોય છે. જ્યાં ઝેરને એકઠું થયેલું જુએ છે ત્યાં આ સ્વસ્થ રજકણ પોતાનો મોરચો સંભાળી લે છે. શરીરના બીજા ભાગોમાંથી ખેંચાઇન યુદ્ધ સૈનિકો એકઠા થઇ જાય છે અને તે દૂષિત તત્ત્વો સાથે લડાઇની તૈયારી કરે છે. તેને મારીને બહાર હાંકડી કાઢવા માટે ભારે સંગ્રામ મચાવે છે આ સંગ્રામથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. સાધારણ રીતે દરેક બીમારીમાં ગરમી વધેલી જણાય છે. જો આખાયે શરીરમાં આ સંગ્રામ છેડવામાં આવેલો હશે તો આખું શરીર ગરમ થઇ જશે આને જ તાવ કહે છે. ફોલ્લા, સૂઝી ગયેલી જગ્યા વગેરેમાં પણ ગરમી જ મળશે. શરદીમાં માથું ગરમ રહેશે. દુ:ખતી આંખો સારી આંખો કરતાં વધારે ગરમ હશે. ફોલ્લા, જખમ, દસ્ત, કફ, ઉલટી, પસીનો વગેરે જુદા જુદા રૂપે આ દુષિત પદાર્થોને બહાર ફેંકાઇ જતા આપણે જોઇએ છીએ. જ્યારે આ ચીજો નીકળી રહી છે તો તે વેળાએ આપણે ડરવું કે ગભરાવું જોઇએ નહિ પરન્તુ ધીરજપૂર્વક તે ચીજોને નીકળવા દેવી જોઇએ. જેથી સફાઇનું કામ સારી રીતે થઇ શકે. રોગ ઉત્પન્ન થતાંની સાથે જ જો તેને દાબી દેવામાં આવે તો તાત્કાલિક દુ:ખ તો સારૂં થઇ જશે પણ તે ઝેર શરીરમાં જ રહેશે અને તે ફરીથી કોઇ નવો ઉપદ્રવ ઉભો કરશે.
દર્દ અથવા વેદના શું છે ? જીવન શક્તિ અને ઝેરીલાં તત્ત્વો વચ્ચેની લડાઇ એટલે જ વેદના આ લડાઇમાં જો લોહીના શ્વેતકણ (શેષ) જીતે તો બીમારી દૂર થઇ જાય છે અને જો ઝેરીલા તત્ત્વો જીતે અને પોતાનો પ્રભાવ વધારે તો શરીરને માટે ઘણી જ ઘાતક પરિણામવાળી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ફોલ્લા ઝેરી બની હાડકાને પણ ગાળી નાખે, તાવનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી પ્રાણ લઇ લે, ઉલટી–ઝાડાની ઉગ્રતાથી શરીરનું નાશ, આ બધો ઝેરનો વિજય છે. ઝેરને પરાજીત કરી સ્વસ્થ જીવન કોષોની સહાયતા કરવી એ જ સારવારનો ઉદેશ્ય છે ડોકટરની એ ફરજ હોવી જોઇએ કે તે રોગને દબાવે નહિ પરન્તુ તેને બહાર ફેંકી દેવામાં સ્વસ્થ કોષોની મદદ કરે. પરન્તુ હાલની ચિકિત્સા પદ્ધીતનો દૃષ્ટિકોણ કંઇ જુદો જ છે. રોગને દબાવીને પોતાની દવાનો ચમત્કાર પ્રગટ કરવાનું જ તેમનુ લક્ષ્ય છે. આનાથી રોગીને તાત્કાલિક તો થોડો લાભ દેખાય છે પરન્તુ તેનું કષ્ટ દૂર થતુ નથી. કવીનાઇન ખાવાથી તાવમાંથી સારા થઇ જવાય છે પણ આ સાજા થયું ન સાજા થવા બરાબર છે. અત્યંત ગરમ ઉષ્ણ અને રૂપી દવાઓથી સંહારનું કામ થાય છે. રોગના કીટાણું અને સ્વસ્થ કીટાણું બધા આનાથી મરી જાય છે પાછળની ગરમીથી મહીનાઓ સુધી શરીર બળતું રહે છે. આ તો એવી વાત થઇ કે આપણા અને દુશ્મનના સૈન્યો લડતા હોય ત્યારે ગેસ છોડીને બન્ને સૈન્યોને મારી નાખવામાં આવે અને લડાઇ પુરી થવાની ખુશી મનાવવામાં આવે. લડાઇ પુરી તો જરૂર થઇ પણ તેના આપણી સેના પણ મરી ગઇ. પ્રશંસાપાત્ર વાત તો ત્યારે થઇ કહેવાય કે જ્યારે દુશ્મનની સેના મરી જાય અને આપણી સેનાને કોઇ નુકસાન ન થાય.
રોગોને દબાવવાને બદલે તેના ઝેરને શરીરની બહાર ફેંકી દેવું એ જ સારી વાત છે. ચિકિત્સા આવશ્યક છે પરન્તુ તે એવી હોવી જોઇએ કે જે બીમારીને ભલે મોડા પણ ધીરે ધીરે સારી કરે પરન્તુ ઝેરને કાઢી નાંખે અને સ્વસ્થ જીવન કોષોની રક્ષા કરે.
યાદ રાખો રોગ અને નિર્બળતા એક જ છે. પાચન અંગોનો સુધાર બધા રોગોની મૂળભૂત ચિકિત્સા છે. આ ચિકિત્સા વિધિથી કમજોરી અને બીમારી બંન્નેનો નાશ થાય છે અને કાયાકલ્પની માફક ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. પાચનક્રિયાને સુરક્ષિત રાખવાના ઉપાય પહેલાં બતાવી દેવામાં આવ્યા છે. રોગીષ્ટ, નબળા, શક્તિ વગરના, ઝેરીલા અને વિકૃત અવસ્થામાં પડી રહેતાં પાચક અંગોને ફરીથી સજીવન કરવાની વિધિ આગળ બતાવવામાં આવશે.
પ્રતિભાવો