SV-02 : મશીનરીના દાગીનાઓની સફાઇ । ઔષધિ વિના કાયાકલ્પ
September 5, 2022 Leave a comment
SV-02 : મશીનરીના દાગીનાઓની સફાઇ । ઔષધિ વિના કાયાકલ્પ
જૂના વિકારોનું સંશોધન કરવા માટે એ આવશ્યક છે કે એકવાર અંદરની સારી રીતે સાફસૂફી કરવામાં આવે. મશીન ઘણા દિવસો સુધી ચાલતું ન રહે તો મશીનરીના દાગીનાઓમાં ધૂળ જામી જાય છે જેનાથી મશીનને ચલાવવામાં મુશ્કેલી ઉભી થાય છે. મશીન ભારે કરે છે ત્યારે બુદ્ધિશાળી મિસ્ત્રી તેની સાફસૂફી કરે છે. જામેલા મેલને કાઢી નાખે છે. સાફસૂફી કરવાથી મશીન હલકું ફરે છે અને સારી રીતે કામ કરતું થઇ જાય છે. તેવી જ રીતે શરીરની સાફસૂફી પણ જરૂરી છે. બહારની સાફસૂફી તો નાહવા ધોવાથી કરી લેવામાં આવે છે પણ અંદરની સાફસૂફી તરફ ધ્યાન આપવામાં આવતું નથી. ખરેખર તો બહારની સાફસૂફી જેટલી જ અંદરની સાફસૂફી પણ જરૂરી છે.
જે લોકોએ હજી સુધી અંદરની સાફસૂફી પ્રત્યે ધ્યાન આપ્યું નથી તેઓ જરા પણ વિલંબ કર્યા સિવાય તે કામને કરી નાખે. બીમાર અને કમજોર લોકોએ તો સૌથી પહેલું આ જ કરવું જોઇએ. જો નાળીમાં કીચડ ભરાઇ જવાને કારણે સડો પેદા થયો હોય અને ભયંકર દુર્ગંધ મારતી હોય તો ઉપરથી તેના ઉપર ગુલાબજળ છાંટવાથી ચાલશે નહિ. પરન્તુ તે નાળીમાં જામી ગયેલા મેલને એક વાર કાઢી નાખીને સાફ કરવી પડશે. સાફસૂફી કરવાથી દુર્ગંધ એની જાતે મટી જશે. બીમાર અને કમજોરોએ પોતાની સ્થિતિ ઉત્તમ બનાવવા માટે કાયાકલ્પ કરવા માટે ઘણા સમયથી અંદર ભરાઇ રહેલા મેલને સારી રીતે સાફ કરી નાખવાની જરૂરત છે. આ સફાઇની સાથે સાથે અનેક મુશ્કેલીઓથી એની જાતે જ છુટકારો મળી જાય છે.
અંદર જામી ગયેલા મેલને સાફ કરવા માટે જુલાબ લેવાની તથા દસ્ત સાફ આવે તેવી દવાઓ ખાવાની પદ્ધિત અધૂરી અને નુકસાનકારક છે એનું કારણ એ છે કે સડી ગયેલો મળ, ગાંઠો, કરમિયા, વિકૃત વાયુ આવી જાતના જુદા જુદા વિકારો મોટા આંતરડામાં આંતરડાના છેડાવાળા ભાગમાં જમા થયેલા હોય છે. દસ્ત સાફ કરનાર દવા જ્યારે પેટમાં પહોંચે છે તો તેની તીક્ષ્ણતાને કારણે આમાશયમાં રસો વે છે. આ દ્રવિત થતા પાણીના પ્રવાહથી આમાશયમાં જામેલું પચ્યા વગરનું અન્ન નીચેની બાજુ જાય છે. દવાની ઘણીખરી શક્તિ તો આમાશયમાં જ ખર્ચાઇ જાય છે. જો થોડી ઘણી શક્તિ બચે છે તેનાથી નાના આંતરડામાંથી પાણી નીચોવાય છે અને આ રીતે કાચો મળ પાતળો બનીને દસ્તના રૂપે નીકળી જાય છે . દસ્ત સાફ કરનારી દવાની અસર નાના આંતરડાની લાંબી યાત્રામાં પૂરી થઇ જાય છે. મોટા આંતરડામાં ચોંટી રહેલો વિકાર એમને એમ ત્યાં જ પડ્યો રહે છે. જૂનો દોષ જે મોટા આંતરડામાં હતો એ તો ત્યાં જ રહ્યો. ફક્ત આમાશય અને નાના આંતરડાનો કાચો મળ નીકળી ગયો. આવા ઝાડાથી સાફસૂફીનો સાચો ઉદેશ્ય પૂરો થતો નથી. ઉલટાનું દવાની ગરમીની બળતરા થાય છે. આમાશય અને આંતરડાનો કીમતી રસ દસ્ત બહાર વહેવડાવી દેવાના નજીવા કામમાં વપરાઇ જવાથી પેટ કમજોર બને છે આ બન્ને બાબતો સ્વાસ્થ્યના માટે અનિષ્ટ પેદા કરનારી છે આ પ્રણાલીમાં લાભ થવાની જગ્યાએ નુકસાન વધારે થાય છે નાળી સાફ કરવા માટે દુધ અને ઘીની ડોલો ભરી ભરીને નાંખવી એ જેવું મૂર્ખતાભર્યું કામ છે. તેવું જ મૂર્ખતાભર્યું કામ આમાશય અને નાના આંતરડામાંથી મળને વહેવડાવવા માટે પેટના ધણા મોધા રસોને નીચોવવાનું છે. દસ્ત સાફ લાવનારી દવાઓ પોતે ઘણી જ ગરમ અને ઝેરી હોય છે એ જો ન પચે તો લોહીમાં ખરાબી, કોઢ, ભયંકર વ્રણ વિગેરે ઉત્પન્ન કરે છે. કદાચ પચી જાય તો પણ જુલાબ પછી ઘણા દિવસો સુધી શરીરમાં ઘણી ગરમી અને બેચેની રહે છે અને આ ગરમીની બળતરામાં કેટલાયે નાના નાના રોગ ઉભા થાય છે.
આંતરડાઓને સાફ કરવા માટે એનિમાનો ઉપયોગ બધા કરતાં શ્રેષ્ઠ છે. એનીમા લેવાનું મશીન (સાધન) બજારમાં વેચાય છે. ચીનાઇ માટીના એક ડબ્બામાં રબ્બરની ત્રણ ફૂટ લાંબી નળી લગાવેલી હોય છે જેનાથી પાણીનો આવરો ચાલુ બંધ કરી શકાય છે. સાધારણ રીતે ૫૦૦ થી ૩૦૦ ગ્રામ જેટલું પાણી આ એનિમાના સાધન દ્વારા પેટમાં ચઢાવવામાં આવે છે. પાણી સાધારણ નવશેકું ગરમ હોવું જોઇએ . આ પાણીમાં ઘણા નાહવાના સાબુને ઓગાળે છે પરન્તુ અમારા માનવા પ્રમાણે એક લીંબુને નીચોવી તેનો ગાળેલો રસ તે પાણીમાં ભેળવવો તે ઘણું ઉત્તમ છે.
જમીન ઉપર ચઢાઇ (બીછાવીને) પાથરીને જમણી બાજુના પાસાએ સૂઇ જાઓ. ગરમીમાં કોઇ એક ખુરશી ઉપર પાણીથી ભરેલો એનિમાનો ડબ્બો રાખો. ટોટી ઉપર થોડુ તેલ લગાવી ગુદાના માર્ગમાં એક ઇંચ જેટલી ટોટીનો પ્રવેશ કરાવો અને ટોટીનો નળ ખોલીને પાણી અંદર જવા દો. પાણી ધીરે ધીરે પેટમાં ચઢશે. હાથથી પેટને ધીરે ધીરે મસળો જેથી આંતરડાનો મેલ છૂટો થાય. પેટમાં પાણી જવાથી ઘણીવાર દર્દ થતુ હોય તેવું લાગે છે અને સડાસ જવાની ઇચ્છા થાય છે. જો આવું મામૂલી લાગે તો કંઇ વાંધો નહિ પણ જો ઘણા જોરથી થાય તો ટોટી બંધ કરી પાણી ચઢાવવાનુ રોકી દેવું જોઇએ. જ્યારે પાણી બંધ થઇ જશે, પછી થોડા સમય બાદ ટોટી ખોલી પાણીનો આવરો ચાલુ કરો. દર્દ અથવા મળ ત્યાગ કરવાની ઇચ્છાને લીધે જે પાણી ઘણીવાર ચાલુ બંધ કરવું પડે તો તેવું કરવું જોઇએ. બધું જ પાણી પેટમાં જતાં પહેલાં જો અત્યંત તીવ્ર વેગથી મળત્યાગ કરવાની ઇચ્છા થાય તો વચમાં ઉઠીને મળ ત્યાગ કરવો જોઇએ. અને કેટલાક સમય પછી ફરીથી બધા જ પાણીથી એનિમા લેવો જોઇએ. પેટમાં બધું જ પાણી ગયા પછી ૧૫ થી ૨૦ મીનીટ સુધી જેવી રીતે સૂતા છો એવી રીતે જ પડ્યા રહો અને પેટને થોડું થોડું ફૂલાવવું અને સંકોચવાનું ચાલુ રાખો અને પછી ઉઠીને મળત્યાગ કરવો જોઇએ. મળત્યાગ કરવાની વ્યવસ્થા નજીકમાં જ હોવી જોઇએ. કારણ કે આંતરડામાં આટલું પાણી અને ઓગળેલો મળ જમા થયેલો હોવાથી મળત્યાગની ઇચ્છા ઘણી જ તીવ્ર થાય છે અને આવા સમયે ઘણે દૂર જવામાં ઘણી અગવડ લાગે છે.
સૂઈ રહેવાની એક બીજી રીત પણ છે. જમીન ઉપર ચટાઈ પાથરી ઉંધા સૂવું જોઇએ. પેટ જમીન તરફ અને પીઠ આકાશની તરફ રહે. ઘૂંટણો સંકોચીને પેટ છાતી તરફ કરવી જોઇએ આને ઉંટની માફક સૂવાનું કહેવામાં આવે છે. જરૂરિયાત જેવું લાગે તો હડપચી અને છાતીની નીચે પાતળો તકિયો આરામને માટે રાખી શકાય છે. આ રીતે ઉંધા સૂઈ રહેવાથી પીઠની અને જાધની ઉપરનો તથા કમરની નીચેનો સ્થૂળ અવયવ અને પેટ થોડું નીચે આવી જશે. આ સ્થિતિમાં પાણી ચઢાવવાથી એ લાભ બતાવવામાંઆવ્યો છે કે પેટ થોડું ઢીલુ હોવાના કારણે પાણી ઘણે દૂર સુધી સહેલાઇથી આંતરડામાં જાય છે. પાસ વાળીને સૂવાથી એકબાજુ પાણીનો ભાર વધી જાય છે પરન્તુ આ પદ્ધતિથી પેટના બન્ને ભાગો ઉપર પાણીનું સરખું દબાણ પડે છે. બન્ને પદ્ધતિઓ સારી છે. બન્ને પ્રચલિત પણ છે. જેને જે પદ્ધતિ સુવિધા જનક લાગે, તે પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. એનિમા લેવા માટે સવાર અથવા સાંજનો સમય ઘણો અનુકૂળ છે. દરરોજનું નિયમિત શૌચકર્મ કરી લીધા બાદ એનિમા લેવો જોઈએ. સાધારણ સાફસૂફી માટે એક દિવસમાં સવારે અને સાંજે બે વાર પાણી ચઢાવવું પૂરતું છે.
એનિમા કોઈ નવી ક્રિયા નથી. આપણા પૂર્વજો ભારતીય ઋષિમુનિઓ ‘બસ્તિક્રિયા’નો આંતરિક શુદ્ધિ માટે ઘણા જૂના જમાનાથી ઉપયોગ કરતા આવ્યા છે. તેઓ પાણીને ગુદા મારફતે ખેંચીને ઉપર ચઢાવતા હતા અને તે પાણીને થોડો વખત પેટમાં રાખીને પછી બહાર કાઢી નાખતા હતા. આંતરડાં ધોવાની આ પદ્ધતિ ઘણી જ લાભદાયક હોવાની સાથે સાથે દોષરહિત પણ છે. યોગીઓ અનુભવથી ગુદા દ્વારા પાણી ચઢાવવાની ક્રિયામાં સફળ થઇ શક્તા હોય છે પરન્તુ તે બધા માટે સંભવ નથી. આ કઠણ કામને એતિમાએ સહેલું બનાવી દીધું છે. એનિમા લેવામાં કોઈ તકલીફ યા ભય નથી. કોઈપણ મામૂલી સમજણની વ્યક્તિ પણ તે લઇ શકે છે, દરેક ઋતુમાં, તંદુરસ્ત અથવા અસ્વસ્થ તે દશામાં તેનો પ્રયોગ કરી શકાય છે. હા પણ નાનાં બાળકો માટે ખાસ સાવધાનીની જરૂર છે. તેમનાં આંતરડાં સાફ કરવા માટે આ કામ માટે બનાવવામાં આવેલી નાની પીચકારીથી ગ્લિસરિન અંદર ધકેલી શકાય છે સાધારણ ગરમ ગાયનું ઘી ગ્લિસરિનનું કામ આપી શકે છે. પાણીની પીચકારી આપવી હોય તો બાળકની ઉમરના પ્રમાણમાં પાણીની માત્રા લેવી જોઇએ.
એક દિવસના એનિમાથી સાફસૂફીનું કામ પૂરું થઈ જતું નથી. આ કામને એક અઠવાડિયા સુધી ચાલુ રાખવું જોઈએ. બિમારીને દૂર કરવા માટે તો એકથી દોઢ મહિના સુધી દરરોજ પાણી ચઢાવવાની આવશ્યક્તા પડે છે. પેટમાં જામેલો-આંતરડામાં ચોટેલો, સૂકાઇ ગયેલો, સડી ગયેલો મળ, મળની ગાંઠો પેટનો જૂનો સૂકો મળ ધીરે ધીરે નીકળે છે. લીંબુનુ પાણી તેને ફૂલાવે છે. છૂટો કરે છે ખતરોડે – ખોદે છે ત્યારે તેનું નીક્ળવાનું શરૂ થાય છે. એવું જોવામાં આવ્યું છે કે એનિમા લેવાની શરૂઆત કર્યાના બે ત્રણ દિવસ બાદ ધણો જ દુર્ગંધ મારતો – કાળો – સૂકાઈ ગયેલો મળ થોડો થોડો નીકળ્યા કરે છે. પેટની પૂરેપૂરી સાફસૂફી માટે ઓછામાં ઓછુ એક અઠવાડિયું તો જોઈએ જ. જ્યાં સુધી ખરાબ જૂનો – સડી ગયેલો મળ નીકળતો રહે ત્યાં સુધી સફાઈનું કામ ચાલુ રાખવું જોઈએ પછી ભલેને આ કામાં થોડો વધારે સમય લાગે.
જ્યારે સાફસૂફીનું કામ શરૂ કરવામાં આવે ત્યારે પેટને આરામ આપવાનો ક્રમ પણ સાથે સાથે જરૂરી છે. પેટને એનિમા દ્વારા જ્યારે બળતરા, દાહ, ઝેરીલી ઉત્તેજનાથી થોડો છૂટકારો મળે છે ત્યારે તે જૂનો થાક ઉતારવા માટે થોડો આરામ ચાહતું હોય છે. તેથી સાફસૂફીના દિવસોમાં ભૂખ પણ ઓછી થઈ જાય છે. બસ્તિક્રિયાની સાથે સાથે ઉપવાસ પણ કરવા જોઈએ. શરૂઆતના બે ત્રણ બે દિવસ તો નિરાહાર જ રહેવું જોઇએ. આ દિવસોમાં પાણી ખૂબ જ પીવું જોઇએ. પાણીમાં લીંબુ, સંતરાનો રસ અથવા થોડું મધ મીલાવી શકાય છે. આ દિવસોમાં વધારે પરિશ્રમ કરવો જોઇએ નહી. સાધારણ ફરવા જવું – સ્નાન, માલિસ વગેરે મામુલી હલચલ ચાલુ રાખવી જોઇએ. પરન્તુ વધારે સમય શરીર અને મનને આરામ આપવામાં લગાવવો જોઇએ. આનાથી શરીરની શક્તિ બીજા કામોમાં ન વપરાતાં ઘણા સમયથી જામેલા મળનો નિકાલ કરવામાં અને અસ્તવ્યસ્ત અંગોને વ્યવસ્થિત કરવામાં વપરાય.
ઉપવાસની અને એનિમા લેવાની ક્રિયા સાથે સાથે ચાલવાથી પેટને ઘણી રાહત મળે છે નિશાળમાં રજાઓ પડતાં બાળકોની જેવી ખુશી થાય છે તેવી જ ખુશીનો અનુભવ આ દિવસોમાં પાચન અંગ અનુભવે છે, પરન્તુ આ સમયનો તે રખડપટ્ટીમાં ઉપયોગ કરતાં નથી, પરન્તુ ઉત્સાહની સાથે સુધાર અને નિર્માણના કાર્યમાં લાગી જાય છે. એવું જોવામાં આવ્યું છે કે આ કાયાકલ્પના દિવસોમાં આંખ, નાક, કાનમાંથી મેલ નીકળે છે. જીભ અને દાંતો ઉપર મેલ જામે છે. પસીનો વધારે અને દુર્ગંધવાળો આવે છે, પેશાબમાં પણ પીળાશ વધી જાય છે – સ્વાદમાં તે કડવો બની જાય છે, જેટલા મળ નીકળવાના માર્ગો છે તે બધામાંથી સારા એવા પ્રમાણમાં મેલ નીકળે છે માટે આ દિવસોમાં ચામડી -ઇન્દ્રિયોને સારી રીતે અને જલદી સાફ કરતા રહેવાની આવશ્યકતા ઊભી થાય છે.
ઉપવાસ કરનારને બીજા યા ત્રીજા દિવસે ભૂખની વધારે પીડા માલુમ પડે છે. ધણા લોકોને ઉબકા જેવું પણ આવે છે. આનાથી કોઈ નુકસાન થતું નથી. થોડી હિંમતથી કામ લેવું જોઇએ. જે લોકો કમજોર શરીરવાળા અથવા શારીરિક દૃષ્ટિથી નિર્બળ હોય તેમણે એકાદ બે લીંબુ નીચોવેલા પાણીમાં ફળોનો રસ લેવાનું શરૂ કરી દેવું જોઈએ. સંતરાં, મોસંબી, શેરડી, દ્રાક્ષ, દાડમ જેવાં ફળોનો રસ ૧૦૦ ગ્રામ દિવસમાં ચારથી પાંચ વાર લેતા રહેવું જોઈએ. ટામેટાનો રસ અથવા કાચુ દૂધ પણ થઈ શકાય છે. આ પણ શક્ય ન બને તો ઉકાળેલી શાક્ભાજીનો રસ લઈ શકાય છે. જે શાકભાજી જ કાચી ખાઈ શકાય તેવી હોય તેને કચડીને તેનો રસ કાઢવો જોઇએ અને તે રસ પણ લઈ શકાય છે. તરબૂચ અથવા નારિયેળનું પાણી પણ કામ આવી શકે છે. કંઈ ન મળે તો માથી પણ કામ ચલાવી શકાય છે. સારાં અને ઉંચી જાતનાં ફળોનો રસ, ઘણો હલકો, ઘણો સુંદર અને ઘણો પોષક હોય છે. હલકી કક્ષાનાં ફળ-શાક્ભાજીમાં ઉંચી જાતનાં ફળો કરતાં પોષક તત્વો ઓછા હોય છે અને ભારેપણું વધારે હોય છે. તેમ છતાં જે લોકો પરિસ્થિતિને કારણે ઉંચી જાતનાં ફળો ન મેળવી શકતા હોય તેઓ ઉપર બતાવેલી હલકી કક્ષાની ચીજોથી કામ ચલાવી શકે છે. મીઠું, ખાંડ, અથવા મરચાં, મસાલાને ફળોની સાથે ભેળવીને તેનું મહત્ત્વ ઓછું કરવું જોઈએ નહિ. શાકનો રસ કદાચ ઘણો જ બેસ્વાદ લાગે તો થોડું ઘણું મીઠું મીલાવી શકાય છે. મરચાં મસાલાથી તો હંમેશાં બચતા રહેવું જોઇએ. એ ધ્યાન રાખવામાં આવે કે ઉપરના રસીલા આહાર પણ વધારે માત્રામાં અને વધારે વખત ન લેવામાં આવે. થોડી માત્રામાં અને ઘણા સમય બાદ આ બે સિદ્ધાંતોને યાદ રાખીને ઉપવાસ કરવામાં આવે. પેટને વધારેમાં વધારે આરામ આપવો એ જ ઉપવાસનો ઉદ્દેશ્ય છે. જો વધારે આહાર પેટમાં પહોંચાડવામાં આવે તો તેનાથી ઉદ્દેશ્ય પૂરો થતો નથી.
ઉપવાસમાં ગભરાવવાની જરૂર નથી. આપણે એવું માનીએ છીએ કે ભૂખ્યા રહેવાથી શરીર દુર્બળ અને કમજોર બની જાય છે. આ માન્યતા સાચી નથી. ઉપવાસ પછી શરીર એટલી ઝડપથી ઉન્નતિ કરે છે કે ભૂખ્યા રહેવાથી જે ઓછપ આવી હતી તેનાથી પણ ઘણી અધિક વૃદ્ધિ થાય છે. એવું જોવામાં આવ્યું છે કે જે રોગીઓને બિમારીમાં લાંધણ કરાવવામાં આવે છે અથવા ઉપવાસ સહન કરવા પડે છે તેઓ રોગમુક્ત બનીને જ્યારે બેઠા થાય છે ત્યારે તેમને ઘણી કકડીને ભૂખ લાગે છે. આવી કકડીને ભૂખ તેમને બિમારી પહેલા ક્યારેય લાગતી ન હતી. એવું પણ જોવામાં આવ્યુ છે કે બીમારીના દિવસોમાં થયેલી ક્ષતિઓની પૂર્તિ પણ થોડાક સમયમાં થઇ જાય છે એનું કારણ એ છે કે બિમારીના દિવસોમાં જે લાંપણો-ઉપવાસ થયાં હતાં તેનાથી આરામ મળવાથી પેટના મર્ચીનના દાગીનાઓમાં એક નવું જીવન આવી જાય છે, શરીર પોતાની ખોવાયેલી તાકાત કરતાં પણ વધારે તાકાત પ્રાપ્ત કરી લે છે. ઉપવાસના દિવસોમાં વજન ચોક્કસ ઓછું થાય છે – કમજોરી પણ આવે છે પણ આ કમજોરી બધી જ રીતે લાભકર્તા હોય છે. છેવટે આનું પરિણામ ઘણું જ આશાજનક આવે છે.
એક વખત એક ફ્રેન્ચ નાવ (હોડી) એક ઘણા દૂરના દેશ તરફ જઈ રહી હતી. તોફાનના કારણે હોડી અનિશ્ચિત દિશામાં ચાલી ગઈ. નાવમાં ભોજનની સામગ્રી ઘણી જ ઓછી હતી. જેટલા યાત્રીઓ નાવમાં હતા તેમને માટે તે છ દિવાનું ભોજન હતું. પરન્તુ નાવને કિનારે પહોચતાં એક મહિનો લાગે તેવો હતો. નાવમાં કપ્તાને યાત્રીઓમાં આ ભોજન વહેંચી દીધું અને કહી દીધું કે આ ભોજનને થોડું થોડું કરીને એવી રીતે ખાવુ કે જેનાથી એક મહિના સુધી જીવતા રહી શકાય. યાત્રીઓએ એવું જ કર્યું. એક મહિના પછી જ્યારે નાવ કિનારે પહોંચી તો યાત્રીઓને જે લાભ જાણવા મળ્યો તે ઘણો જ આશ્ચર્યજનક હતો. તે યાત્રીઓમાંથી ઘણાને રક્તવિકાર, શ્વાસ, જલોદર, બહુમૂત્ર વગેરે રોગો હતા તે બધા એકદમ સાજા થઈ ગયા. લગભગ બધા જ યાત્રી બિલકુલ નીરોગી બની ગયા હતા. જો કે દેખાવમાં તેઓ થોડા કમજોર જણાતા હતા. ઉપવાસનો જ આ મહિમા છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં વ્રતોના મોટા મોટા માહાત્મ્ય લખવામાં આવ્યાં છે. સ્વાસ્થ્યની દૃષ્ટિથી ઉપવાસનું જેટલું મહાત્મ્ય ગાઈ શકાય તેટલું ઓછું છે. ચંદ્રાયણ વ્રતમાં ધીરે ધીરે ૧૫ દિવસોમાં ધટાડીને બિલકુલ નિરાહારની પરિસ્થિતિ સુધી પહોંચવામાં આવે છે અને પછી ફરીથી ધીરે ધીરે ૧૫ દિવસોમાં થોડો થોડો ખોરાક વધારીને પૂરા ખોરાક સુધી પહોચવામાં આવે છે અને પછી ફરીથી ધીરે ધીરે ૧૫ દિવસોમાં થોડો થોડો ખોરાક વધારીને પૂરા ખોરાક સુધી પહોંચવામાં આવે છે. આ વ્રત ખરેખર મનુષ્યના સ્વાસ્થ્યને ચંદ્રમાની સાથે સાથે શીતલ શાન્તિદાયક અને પ્રકાશવાન બનાવી દે છે માટે જ તેનું નામ ચાંદ્રાયણ રાખવામાં આવ્યું છે. ઉપવાસનું મહત્ત્વ ઘણું છે. જો તે સારી રીતે કરવામાં આવે તો સ્વાસ્થ્ય સુધારવાની બાબતમાં ઉપવાસ ઘણો જ સહાયક સિદ્ધ થાય છે.
ઉપવાસ કરવાંનું એનિમા લેવાનું એક સાથે જ કરવું જોઈએ. શરૂઆતમાં એક બે દિવસ આહાર વિનાનો ઉપવાસ કર્યાં બાદ થોડી માત્રામાં રસીલા પદાર્થો લેતા રહી ફળાહારી ઉપવાસ કરવો જોઈએ. વધારે લાંબા ઉપવાસ તો કોઇ અનુભવી આરોગ્યશાસ્ત્રીની દેખરેખ નીચે કરવા જોઈએ. પરન્તુ એક અઠવાડિયાની સાફસૂફી – કાયાકલ્પ કિયા – પોતાની જાતે પણ કરી શકાય છે. જેવી રીતે ચાંદ્રાયણ વ્રતને પંદર દિવસ પૂર્ણ આહાર સુધી પહોંચવામાં લાગે છે તેવી રીતે એક અઠવાડિયા સુધી ઉપવાસ તથા એનિમા દ્વારા સાફસૂફી કરીને સાધારણ સ્થિતિ સુધી પહોંચવાને એક અઠવાડિયુ લગાવવું જોઇએ.
ભય ઉપવાસ કરવામાં નહિ પરન્તુ ઉપવાસ તોડવામાં છે. બસ્તિક્રિયા અને વ્રત પછી પેટ ઘણુ જ કોમળ બની જાય છે. આ અવસ્થામાં જો ભારે સ્થૂળ અને કબજીયાત કરનારો ખોરાક વધારે પ્રમાણમાં લેવામાં આવે તો ઘણું મોટું નુકસાન થવાની સંભાવના છે. તેથી ઉપવાસ ધીરે ધીરે છોડવો જોઈએ ક્રમબધ્ધ રીતે ખોરાક વધારવો જોઈએ. સૌથી પહેલાં ફળોનો રસ લેવો જોઇએ. બીજે દિવસે તેની માત્રા જરા વધારવી જોઇએ. ત્રીજે દિવસે રસ લેવો. જેવો કે સફરજન–પપૈયું-તરબૂચ ફાલસા વગેરે. ચોથા દિવસે હલકી જાતના ફળ પર આવી શકાય છે જેવા કે ખજુર, ટેટી, ટામેટા, ગાજર,જાંબુ, કેરી, બોર વગેરે પાંચમા દિવસે ઉકાળેલી ચા, કાચી શાકભાજી લેવી જોઈએ. છઠ્ઠા દિવસે હલકી ઘઉંની એક બે રોટલી અથવા ફાડા અથવા ભાત શાકભાજીની સાથે લેવા જોઈએ. આ રીતે એક અઠવાડિયામાં સાધારણ શ્રેણીના ખોરાક સુધી પહોંચવું જોઈએ આ અઠવાડિયામાં દૂધ દરરોજ લઇ શકાય છે. તાજા દોહેલું દૂધ બધા કરતાં સારૂં હોય છે. જો દૂધ વધારે સમય સુધી ઉકાળેલું હોય તો તેને ગરમ કરી લેવું જેઈએ. બહુ વધારે વખત ઉકાળવાની જરૂરત નથી. વધારે ગરમ કરવાથી તેનાં પોષક તત્ત્વો નાશ પામે છે અને તે ભારે, કબજીયાત કરનાર તથા રેચક બની જાય છે. દૂધમાં ગળપણ મીલાવાની કોઈ જરૂર નથી. કારણ કે દૂધમાં પહેલેથી જ જરૂરી મીઠાશ હોય છે. મઠા (જાડી છાસ)ની સાથે થોડું મીઠું મેળવી શકાય છે. એકસાથે ઘણી બધી ચીજો ભેગી કરીને ન ખાવી જોઈએ. ઘણી જાતની દાળ,ઘણા પ્રકારનાં શાકભાજી, મીઠાઈ, ચટણી, અથાણું, ફળ, દૂધ, દહીં, રોટલી, ભાત વગેરે ઘણી બધી ચીજોનો ખડકલો ન તો સારી રીતે પચે છે અને ન તો એમાંથી સારૂં લોહી બની શકે છે. એક વખત એક જ ચીજ ખાવી તેઈએ વધારેમાં વધારે બે ચીજો લઈ શકાય છે. રોટલી શાક, ફાડા મઠો – દૂધ ભાત અથવા આવી જ કોઈ બે ચીજોનું મિશ્રણ લઈ શકાય છે.
ઉપર જે એનિમા લેવાનું અને ઉપવાસ કરવાનું વર્ણન કરવામાં આવ્યું એવી સાફસૂફી જો વર્ષમાં એક વાર કરવામાં આવે અને આહાર વિહારમાં પ્રકૃતિને અનુકૂળ આચરણ કરવાનું વધારેમાં વધારે ધ્યાન રાખવામાં આવે તો ખોવાયેલું સ્વાસ્થ્ય કોઈપણ જાતની શંકા સિવાય ફરીથી પ્રાપ્ત કરી શકાય છે અને અનેક રોગોના મૂળને કાપીને તેને હંમેશને માટે વિદાય કરી શકાય છે. એ સમજી શકાય તેવી વાત છે કે આજની પરિસ્થિતિમાં પૂર્ણ રૂપથી પ્રકૃતિને અનુકૂળ આહાર વિહાર રાખવો ઘણો જ કઠીન છે. આ કઠનાઈઓ હોવા છતાં આપણે યથાશક્તિ આપણા આચરણમાં પ્રકૃતિનો પક્ષપાત વધારેમાં વધારે કરવો જોઈએ અને અસ્વાભાવિકતા નથા કૃત્રિમતાથી જેટલું બચી શકાય તેટલું બચતા રહેવું જોઇએ. આ દિશામાં જેટલી સફળતા પ્રાપ્ત કરવામાં આવશે તેટલી જ વધારે તંદુરસ્તી પ્રાપ્ત થશે. દવાઓથી નહિ પરન્તુ જીવનક્રમને સાત્વિક અને નૈસર્ગિક રીતે રાખવાથી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે. શરીર એવાં તત્વોમાંથી બનેલું છે કે જો તેનાં અંદર જામેલા ઝેરને એક વાર સાફ કરવામાં આવે તો તેપછી તે પોતાની સ્થિતિને સારી રાખવા માટે ઘણી જ તીવ્ર ગતિથી પ્રયત્ન કરે છે.
સ્વાભાવિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવાથી તથા તેને કાયમ રાખવાથી શરીરની સ્થિતિ ઘણી જ સારી થઇ જાય છે. ચામડી ઉપર કાંતિ, ચેતનતા, સ્ફૂર્તિ ઉત્સાહ, પ્રસન્નતા, સાહસ, પુરુષાર્થ, પરિશ્રમ કરવામાં રૂચિ, બળ, સહન શક્તિ, ઇન્દ્રિયો કાયમને માટે કાર્યક્ષમ થઇ જવી આ બધા નીરોગીપણાનાં સ્વાભાવિક લક્ષણો છે. જેનું સ્વાસ્થ્ય ઠીક હશે તેનામાં આ બધાં જ લક્ષણો પોતાની મેળે આપોઆપ રહેતાં થઇ જશે. સ્વાસ્થ્ય બગડતાંની સાથે જ આ લક્ષણોમાં પણ ઉણપ આવી જાય છે અને તેનામાં સુધારા થતાની સાથે જ આ બધી જ વાતો વધતી જાય છે. શરીરની સાફસૂફી કરી નાખવાથી અને તે પછી આહારવિહાર પર પ્રકૃતિના નિયમો અનુસાર પૂર્ણ સંયમ રાખવાથી, કોઈપણ જાતની શંકા વગર નિશ્ચતપણે સ્વાભાવિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે અને આ સ્વસ્થતાને અનુરૂપ શારીરિક ઉન્નતિની આશાનો આનંદ તથા સંતોષજનક લક્ષણો પ્રગટ થવા લાગે છે. શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે તે અસાધારણ અને અનિર્વચનીય હોય છે. આજના તૂટેલા, ફૂટેલા, સડેલા, સ્વાસ્થ્યની સરખામણીમાં આ આનંદમય સ્વાભાવિક સ્વાસ્થ્યની સ્થિતિ એક જાતનો કાયાકલ્પ જ છે. આ કાયાકલ્પ દરકને માટે સંભવ છે. આમાં કોઇ દવાની નહિ પરન્તુ આત્મસંયમ, ઇન્દ્રિય નિગ્રહ, કૃત્રિમતાનો ત્યાગ, અને પ્રકૃતિને અનુકૂળ આચરણ કરવાની જરૂર છે. થોડું સાહસ કરીને વાચકોએ આ દિશામાં આગળ વધવું જોઇએ. જે માણસ જેટલા અંશે આ માર્ગ ઉપર ચાલવાનું રાખશે તેટલા પ્રમાણમાં તેને કાયાકલ્પનું સુખ પ્રાપ્ત થતું રહેશે.
પ્રતિભાવો