SV-02 : ઉત્તમ સ્વાસ્થ્ય માટેનાં ચાર સૂત્ર (૧) ખાવાના પદાર્થોની પસંદગી। ઔષધિ વિના કાયાકલ્પ

SV-02 : ઉત્તમ સ્વાસ્થ્ય માટેનાં ચાર સૂત્ર (૧) ખાવાના પદાર્થોની પસંદગી । ઔષધિ વિના કાયાકલ્પ

આપણે આ વાત સમજી લેવી જોઇએ કે શરીરને પ્રકૃતિના અનુકૂળ નિયમો મુજબ જો ચલાવવામાં આવે તો સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે. બીમારી અને કમજોરીઓથી પીછો છોડવવા માટે દવાદારૂ યા સારા પૌષ્ટિક કહેવાતા પદાર્થોનું સેવન કરવાની જરૂર નથી. આપણી પાયન શક્તિ સારી નહીં હોય તો ઘણા જ મોંઘા અને તાકાતવાળા કહેવાતા પદાર્થોથી પણ કોઇ લાભ થશે નહિ. તે પેટમાં જશે અને પચ્યા વગર મળ દ્વારા બહાર નીકળી જશે. જો તે પદાર્થોનુ પાચન જ ન થાય અને તે પાચન ન થવાથી તેનું લોહી ના બને તો પછી તેના દ્વારા આપણા શરીરને પોષણ ક્યાંથી મળશે ? બળ ક્યાંથી વધશે ? જો આપણી પાચનશક્તિ સારી હશે તો સામાન્ય પ્રકારનું ભોજન પણ ભરપૂર બળ આપશે.

ઘેટાં-બકરાં, જે ઘાસ ખાય છે અને તેમાંથી કેટલી બધી ચરબી પેદા કરી લે છે. ભૂંડને માખણ મલાઇ દૂધ રબડી ખાવા મળતાં નથી તે બિચારૂં એવા પદાર્થો ખાય છે કે જેમાં પૌષ્ટિક તત્ત્વોની માત્રા ઘણી થોડી હોય છે તેમ છતાં તે પોતાની પાચનશક્તિ દ્વારા તે સામાન્ય ભોજનમાંથી જ પોતાના શરીરને હ્રષ્ટપુષ્ટ બનાવી દે છે. બીજા જાનવરોને જોઇએ તો પાડા-બળદ-ઘોડા-હાર્થી વગેરે, પ્રાણીઓને મેવા મીઠાઇથી ભરેલી થાળીઓ પીરસવામાં આવતી નથી. તેમજ તેમને તાકાતની ગોળીઓ ધાતુપુષ્ટિ વટી ખાવા મળતી નથી. તેમ છતાં *તે બધાં સંપૂર્ણ બલવાન હોય છે. મામૂલી ધાસ ખાવાથી તેમના શરીરને જરૂરી રક્ત માંસ પ્રાપ્ત થઈ જાય છે.

કયા ખાદ્યપદાર્થમાં કેટલા વિટામીન તત્ત્વો છે ? કઇ ચીજ કેટલી તાકાતવાળી છે ? આ ઝંઝટમાં પડવાને બદલે એટલું જાણી લેવું જોઇએ કે આપણા શરીરની પાચકત બરાબર કામ કરી રહી છે ખરી ? જે પેટ સારી રીતે કામ કરતું ન હોય તો આ કમજોરી અને બીમારીનુ મૂળ તેને જ સમજવું જોઇએ અને તેના ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ખેડૂત જવની ભાખરી, ચણાના શાકની સાથે ખાઇને પણ તંદુરસ્ત રહી શકે છે. બાર કલાક કામ કરે છે અને રાત્રે મીઠી નીંદરનો આનંદ અનુભવી શકે છે પરન્તુ એક શહેરી બાબુ વીણી વીણીને સારામાં સારી કીમતી ચીજોની વાડકીઓ પોતાની ખાવાની થાળીમાં રાખે છે, ધી, રબડી-મીઠાઇ, અથાણું, ચટણી, જુદી જુદી જાતનાં શાકભાજી ખાય છે. દરરોજ નવાં નવાં ટોનિક પીએ છે તેમ છતા તેનું શરીર કરમાયેલું, કમજોર અને દુબળુ પાતળું જ રહે, છે ફક્ત છ કલાક ઓફિસમાં બેસવાથી જ થાકી જાય છે, રાત્રે માથું દુ:ખે છે ઉઘ પણ સારી રીતે આવતી નથી. આ બધો જ ખેલ પાચનશક્તિનો છે. બળ ખાદ્યપદાર્થોમાં નથી. પાચનશક્તિમાં જ બળ છે. મોઢું હોજરી, જઠર ઇત્યાદિ અવયવોમાંથી જે પાચનરસ નીકળે છે તેમાં એવો જાદુ ભરેલો છે કે તે ભોજનની સાથે મળીને ભોજનને પોતાની આવશ્યક્તા પૂરી કરનારૂં બનાવી દે છે. ધેટાં, બકરાંના પાચક રસો ઘાસને એવું બનાવી દે છે કે તેના દ્વારા શરીરમાં પૂરતી ચરબી બની જાય. પાચનશક્તિ સારી હોય તો મનુષ્ય પણ પોતાનાં બલવર્ધક બધા જ તત્વો સાધારણ ભોજનમાંથી જ પ્રાપ્ત કરી શકે છે.

કાયાકલ્પ કરવાની ઇચ્છાવાળાઓએ પહેલી વાત એ ધ્યાનમાં રાખવાની છે કે કૃત્રિમતાને છોડીને સાદું સરલ સાત્ત્વિક અને પ્રકૃતિને અનુકૂળ રીતભાતવાળું જીવન અપનાવે. બીજી ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે પોતાના શરીરની પાચનશક્તિને સારી બનાવવાનો પ્રયત્ન કરે. પાચનશક્તિ સારી છે કે નહિ તે જાણવા માટે એ જોવું જોઇએ કે દરરોજ નિયમીત સમયે ભૂખ લાગે છે કે નહિ ? ખાવામાં આવતો ખોરાક સારી રીતે પચે છે કે નહિ ? દસ્ત સાફ આવે છે કે નહિ ? જો આ બધું બરાબર નથી તો તેને બરાબર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ અને જો આ બધુ બરાબર ચાલતુ હોય તો તે ભવિષ્યમાં પણ કાયમી ધોરણે બરાબર ચાલતું રહે તેવો પ્રયત્ન કરવો જોઇએ.

પાચનશક્તિ સારી રાખવા માટે ચાર વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. (૧) ખાવાના પદાર્થોની પસંદગી (૨) ખાવાની રીત (૩) જરૂરી મહેનત (શ્રમ) (૪) અવ્યવસ્થાથી બચાવ. આ ચાર વાતો ઉપર જો ખાસ ધ્યાન આપવામાં આવશે તો પાચનશક્તિ હરહંમેશ સારી રહેશે. જો તેમાં પણ કોઇ દોષ હશે તો તે પણ બહુ જ જલદી દૂર થઇ જશે હવે આ ચાર વાતો ઉપર થોડો પ્રકાશ પાડવામાં આવે છે.

(૧) ખાવાના પદાર્થોની પસંદગી : મનુષ્ય વાંદરા જેવું પ્રાણી છે. વાંદરાનો આહાર ફળ છે. શરીરશાસીઓએ ફળને મનુષ્યના સર્વશ્રેષ્ઠ આહાર તરીકે માન્યતા આપેલી છે. આનાથી વધારે સારો લાભદાયક જલદી પાચન કરી શકાય તેવો જીવનશક્તિ વધારનારો તેમજ શુદ્ધ લોહી બનાવનારો કોઇ ખાદ્ય પદાર્થ નથી. જે પદાર્થો જેટલા વધારે જીવંત હશે તેટલી વધારે જીવનશક્તિ આપી શકશે. શાસમાં કહ્યુ છે કે જીવ જીવન ભોજન છે. જીવનું ભોજન જીવિત પદાર્થ જ છે જેનામાં જીવન જેટલું ઓછું હશે તે આહરા તેટલો ઓછો પોષક હશે. દૂધ અને ફળ જીવિત પદાર્થોમાં મનુષ્યના માટે પહેલા નંબરના ખાધ પદાર્થો છે. તે સરલ અને સજીવ તો છે જ સાથે સાથે તે ઇન્દ્રિયોની રૂચિને અનુકૂળ પડે તેવાં પણ છે. તેના પછીનો બીજો નંબર શાકભાજીનો આવે છે. તે સજીવ તો છે પરન્તુ સ્વાદોન્દ્રિયને અનુકૂળ નથી તે તેના પાકૃતિક રૂપમાં ખાવા લાયક હોતાં નથી. દૂધી, તુરીયું, કોળું, રતાળ, બટાકા અળવી, રીંગણાં, સુરણ, ટીડોળા વિગેરે શાક કાચા ખાઇ શકતાં નથી તેને આગ ઉપર પકાવવાની જરૂરત પડે છે પરન્તુ કેટલાંક શાક એવાં પણ છે કે જે કાચાં ખાઈ શકાય છે જેવા કે ટામેટા, ગાજર, મૂળા, ચીભડું, કાકડી, ભીંડા વગેરે. ત્યારબાદ સૂકાયેલા પદાર્થોનો નંબર લાગે છે. અનાજ, મેવા, વગેરે આ શ્રેણીમાં આવે છે. સૂકાઇ ગયેલા પદાર્થોનો રસ નાશ પામવાના કારણે તે એટલા લાભદાયક રહેતા નથી. સૂકા અનાજને બદલે લીલું અનાજ સારૂં રહે છે. ચણા, વટાણા, બાજરી, જુવાર, ઘઉં વગેરે પોતાની કાચી અવસ્થામાં ધાર્યા કરતા વધુ લાભદાયક હોય છે. સૂકા મેવામાં, લીલો મેવો સારો હોય છે. સૂકી ખારેકને બદલે ભીની ખજુર, દ્રાક્ષ, કીસમીસને બદલે લીલીદ્રાક્ષ, સૂકા નારીયેળને બદલે લીલું નાળિયેળ ચોકકસપણે લાભદાયક હોય છે.

જેના માટે મનુષ્યની અકલ ઓછી વાપરવામાં આવી છે અને જે જેટલા અંશે સજીવ અને પ્રકૃતિ અનુસાર લેવામાં આવે છે તે તેટલા અંશે લાભાદાયક નીવડે છે. ઘઉં અથવા ચણા પાણીમાં પલાળી રાખી જયારે તેના અંકુર ફૂટે તેનામાં ફરીથી સજીવતા આવી જાય ત્યારે તેનુ ભોજન કરવું તે ઉત્તમ છે. ત્યારબાદ મોટું દળેલું અનાજ ભોજનમાં લેવું સારૂં છે ત્યારબાદ ચાળ્યા વિનાના લોટની રોટલી લેવી સારી ગણાય. ચાળેલા લોટની રોટલીનો નબર તેના પછી આવે છે. મેંદાની રોટલી એનાથી પણ ખરાબ છે. કારણ એ છે કે અનાજને જેટલું તેના પ્રાકૃતિરૂપથી દૂર લઇ જવામાં આવશે – તેની અસલી શકલ ને જેટલી હદે બગાડવામાં આવશે – તે તેટલુ જ હાનિકારક બનતું જશે. મોટું દળેલું અનાજ જલદી પચી જાય છે કારણ કે તેમાં અનાજને ઘણા થોડા પ્રમાણમાં દળવામાં આવે છે. મેંદો બનાવવામાં અનાજ કે કચુંબર કરી નાખવામાં આવે છે. પરિણામે મેંદો જલદીથી પચતો નથી અને કબજીયાત ઉત્પન્ન કરે છે. ધી તેલમાં તળવાથી શેકવાથી પકાવવાથી તેનાં (અનાજના) પોષક તત્વો ઘણાં વધારે નષ્ટ થઇ જાય છે. તેથી જ રોટલીને બદલે પૂરી-પકવાન ઘણાં વધારે સત્વહીન બની જાય છે. દૂધના ઉપયોગી તત્ત્વોને અગ્નિ દ્વારા નષ્ટ કરીને તેમાંથી હલવો બનાવવામાં આવે છે તે હાનિકારક બની જાય છે. શેરડીને ચૂસીને ખાવી લાભદાયક છે. પરન્તુ ખાંડ બુરૂ અથવા મીઠાઈ નુકસાનકારક સાબિત થાય છે. એનું કારણ સ્પષ્ટ છે કે જે પદાર્થને પોતાની અકકલ વાપરી જેટલા પ્રમાણમાં તોડવામાં, ભાગવામાં, બાળવામાં અથવા સૂકવવામાં આવશે તે પદાર્થ તેના જ પ્રમાણમાં પોતાની અંદર રહેલાં ઉપયોગી સત્યો-અશોને ખોતો જશે.

ઉપયોગી કે બિનઉપયોગી પદાર્થની પરીક્ષા કરતી વેળાયે એટલું ધ્યાન રાખવું જોઇએ કે આ પદાર્થ પોતાના અસલી પ્રાકૃતિક રૂપમાં જીભને અનુકૂળ છે કે નહિ ? સરસ અને સજીવ છે કે નહિ ? આ કસોટીમાંથી પાર ઉતરનાર પદાર્થોને જ પહેલા નંબરના લાભદાયક માનવામાં આવે. દાડમ, દ્રાક્ષ, સફરજન, વગેરે ધણાં ફળ એવાં છે કે જેને ફક્ત અમીર લોકો જ જરૂરી પ્રમાણમાં મેળવી શકે છે. પરન્તુ ઘણાં ફળ એવાં પણ છે કે જે મધ્યમ વર્ગના લોકો અથવા ગરીબોને પણ સહેલાઇથી મળી શકે છે. સંતરા, જામફળ, લીંબુ, પપૈયું, રાસબરી, કેરી, જાંબુ, ફાલસા, બોર, ટેટી, તરબૂચ, ગાજર, ટામેટાં, ભીંડા, કાકડી વગેરે એવાં ફળ છે કે જે ધણાં મોંઘાં નથી પડતાં, ગરીબ લોકો પણ તેને ખરીદી શકે છે. કાચા અન્નમાં ચાણા, વટાણા અને બાજરી-ધઉં વગેરે ઘણા સ્વાદિષ્ટ લાગે છે તેને થોડાક જ પ્રમાણમાં અગ્નિ ઉપર શેકવામાં આવે તો તેના સ્વાદમાં વધારો થાય છે. ત્યારબાદ તે શાક રહી જાય છે જે કાચાં ખાઇ શકાતાં નથી જેવા. કે દૂધી, તૂરિયુ, પરવળ, પાલક-મેથીની ભાજી, બટાકા વગેરે આ શાકને પાણીમાં ઉકાળીને કામમાં લેવાં જોઇએ. તેનાં છોતરાં કાઢી નાખવાથી અથવા ઉકાળીને તેનો રસ નીચોવી લેવાની પદ્ધતિ ઘણી જ ખરાબ છે. દરેક ફળ, શાકભાજી તેમજ અન્નમાં તેનાં છોતરાં ઘણા જ શક્તિશાળી-પોષક અને ગુણકારક હોય છે. કેરી, દાડમ, સંતરાં, ટેટી, તડબૂચ, જેવાં જે ફળોની છાલ ઉતાર્યા સિવાય ચાલે તેમ ન હોય તેને છોલીને ખાવાં બીજા ફળ યા શાક્ભાજીની છાલ ઉતારવી જોઇએ નહિ. ઘઉંના લોટનું ભૂસું અથવા દાળના છોતરાં કાઢી નાખવાથી તેની તાકાત અડધી રહી જાય છે. આ જ વાત ફળો અને શાકભાજીને પણ લાગુ પડે છે. ઉકાળીને રસ નીચોવી લેવાથી તેનું સત્ત્વ નીકળી જાય છે અને છોનરાં જ ખાવા મળે છે. શાકને ભુડથુ બનાવીને અથવા નિચોવી લીધા સિવાય જ તેને પક્વવું જોઇએ. મરચું મસાલા વગેરે શરૂઆતથી અંત સુધી હાનિકારક છે. જેટલા મીઠાની શરીરને જરૂર હોય છે, તેટલું મીઠું અન્ય શાકભાજી અને ફળોમાં પહેલેથી જ મોજૂદ હોય છે. કદાચ મીઠા સિવાય ચલાવી શકાય તેમ ન હોય તો થોડું મીઠું મેળવવું જોઇએ. મરચા-મસાલાનો ઉપયોગ જેટલો ઓછો કરવામાં આવે તેમાં જ આપણી ભલાઇ છે.

અન્નની અંદર જવું એક એવું અનાજ છે કે જેનાં છોતરાં ફેંકી દેવાં જરૂરી છે. બાકી બધા જ અનાજ તેનાં છોતરાં સાથે જ ખાવાં જોઇએ. ફાડા બનાવીને ખાવાની પદ્ધતિ ઘણીજ સરસ છે. દૂધ અથવા છાશની સાથે પકાવીને પણ ફાડા બનાવી શકાય છે. મગ, મસૂર વગેરેને દળ્યા સિવાય જો આખી દાળ પકાવવામાં આવે તો તે ઘણું જ સારૂં રહે છે. રોટલી બનાવવી હોય તો તે જાડી બનાવવી જોઇએ અને ધીમા તાપે શેકીને ગરમ ગરમ આપવી જોઇએ. બહુ જ પાતળી અને વધારે આગ ઉપર શેકેલી કડક અને કરકરી રોટલી નુકસાનકારક હોય છે. કારણે કે તેના ઉપયોગી તત્વો બળી જતા હોય છે. દાળ શાકને ધી યા તેલમાં રાંધવાથી તેની ઉપયોગિતા નષ્ટ થઇ જાય છે. એકી સાથે કેટલીયે જાનનાં શાક અને દાળ જમવાં ઠીક નથી. જુદી જુદી જાતના પદાર્થોની પચવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. તેથી એકી સાથે ધણી બધી ચીજો ખાવાથી પાચનકાર્યમાં ગડબડ ઉભી થાય છે. રોટલીની સાથે એક દાળ યા એક શાક પૂરતું છે. પોતાની જમવાની થાળીને વાડકીઓથી સજાવવાની પ્રથા સ્વાસ્થ્ય માટે ઘણી જ નુકસાનકર્તા છે.

ફળ, દૂધ, દહીં, છાશ તેમજ શાકભાજી વગેરેનું ભોજનમાં પ્રથમ સ્થાન હોવુ જોઇએ. અનાજને ખીચડી ફાડા વગેરે બનાવી સરસ રૂપમાં લેવાનો પ્રયત્ન કરવો જોઇએ આખા ભોજનમાં રોટલીનું પ્રમાણ અડધાથી પણ ઓછુ રહે તે ઘણું સારૂં છે. સાત્ત્વિક અને સ-રસ ભોજન બધા કરતા વધારે બલવર્ધક છે કારણ કે તે જલદી પચી જાય છે. જે જલદી પચી જશે, તેનું શુદ્ધ રસ અને રક્ત બનશો શુદ્ધ રસ રક્ત બનવા ઉપર જ આરોગ્યતા અને શક્તિશાલીનતાનો આધાર રહેલો છે. સ્વાદ અથવા કિમતના આધારે સારા દેખાતા પદાર્થો વાસ્તવિક રીતે જોતાં સારો નહિ પણ ખરાબ છે. પકવાન મીઠાઇઓ-ધી-પનીર વગેરે ગળી ચીજો ઉત્તેજક તેમજ ઉપયોગી તત્ત્વો રહિત બનેલી ચીજો સ્વાદના કારણે પેટમાં કૉસીને ભરવામાં આવે છે પરંતુ તે સારી રીતે પચતી નથી. તે ચીજો પચવામાં પેટની ઘણી શક્તિ ખર્ચ કરાવી નાખે છે, પેટમાં જ સડે છે અને પાચનતંત્રનાં અંગોને નબળા બનાવી દે છે. વળી તેનાથી જે થોડુ ઘણુ લોહી બને છે. તે પણ અશુદ્ધ હોય છે. આ રીતે આવા ગળ્યા, મોંઘા અને વધુ અકકલ વાપરીને તૈયાર કરેલા આ પદાર્થો બધી દૃષ્ટિથી નુકસાનકારક સાબિત થાય છે. સ્વાદના કારણે તે ઘણી મોટી માત્રામાં આપણા પેટમાં પહોંચી જાય છે જે ઘણું વધારે દુ:ખદાયી છે.

બજારમાં મળતા ખાદ્ય પદાર્થો તો આનાથી પણ વધારે ખરાબ હોય છે. દુકાનદાર પોતાનો લાભ મેળવવામાં એવો મગ્ન હોય છે કે ગ્રાહકોની તંદુરસ્તીની ઘાતનું તેને જરા પણ ધ્યાન રહેતું નથી. બજારના હલવા કરતાં ઘરની રાબ લાખ દર્ભે સારી હોય છે. સ્વાદની લોલુપતાને કારણે ખુમચાવાળા અથવા દુકાનદાર પાસે દોડવું એ તંદુરસ્તીની દૃષ્ટિએ એક ઘાતક કુટેવ છે. માંસ-દારૂ-ઈંડા-માછલી ધુમ્રપાન-ભાગ-તમાકુ વગેરેનું મનુષ્યના ભોજનમાં કોઇ સ્થાન નથી. આ વિજાતીય-અવૈજ્ઞાનિક તામસી પદાર્થો માણસના શરીર અને મન ઉપર પોાતાની ઘાતક અસરનો પ્રભાવ પાડ્યા વગર નથી રહેતા. તેનાથી હંમેશાં બચવું જોઇએ અને તેમાંથી કોઇ પદાર્થનો આપણને ચસકો લાગી ગયો હોય તો તુરત જ તેને છોડી દેવો જોઇએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: