ગાયત્રીનો દસમો અક્ષર ‘ગો’ । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

ગાયત્રીનો દસમો અક્ષર ‘ગો’ । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

ગાયત્રીનો દસમો અક્ષર ‘ગો’ આપણી આજુબાજુવાળાને સહકાર આપવાનો અને એમના પ્રત્યે સહિષ્ણુ બનવાનું શિક્ષણ આપે છે

ગોપ્યા સ્વીયા મનોવૃત્તિર્નાસહિષ્ણુર્નરો ભવેત્ ।  સ્થિતિમન્યસ્ય સંવીક્ષ્ણ તદનુરૂપતાં ચરેત્ ॥

અર્થાત્ – પોતાના મનોભાવોને સંતાડવા ન જોઈએ, આત્મીયતાનો ભાવ રાખવો જોઈએ. માનવીએ અસહિષ્ણુ ન બનવું જોઈએ. બીજાની પરિસ્થિતિનો ખ્યાલ રાખવો જોઈએ.

પોતાના મનોભાવ અને મનોવૃત્તિઓને સંતાડવાં એ જ છળ, કપટ અને પાપ છે. મનમાં હોય એવો જ ભાવ બહાર પ્રગટ કરવો એ પાપ નિવૃત્તિનો સૌથી મોટો રાજમાર્ગ છે. સ્પષ્ટ અને સાચું કહેનારા, મનમાં જેવું હોય એવું મોઢેથી કહી દેનારા કોઈને ગમે તેટલા ખરાબ લાગે પણ તેઓ ઈશ્વર અને આત્મા આગળ અપરાધી સાબિત થતા નથી.

જેઓ આત્મા પર અસત્યનું આવરણ ચઢાવેછેતેઓ એક રીતે પોતાના જ હત્યારા છે. કોઈ વ્યક્તિ વધુ રહસ્યવાદી હોય, અનેક અપરાધી કૃત્યો કરતી હોય, તે છતાં પણ એના કોઈ વિશ્વાસુ મિત્રો ચોસ હોવા જોઈએ, જેની આગળ એ પોતાનાં રહસ્યો વ્યક્ત કરીને મનને હળવું કરી શકે અને એમની સલાહથી પોતાના દોષોનું નિવારણ કરી શકે.

દરેક વ્યક્તિના દષ્ટિકોણ, વિચાર, અનુભવ, અભ્યાસ, જ્ઞાન, સ્વાર્થ, રુચિ અને સંસ્કાર અલગઅલગ હોય છે. એટલે બધાના વિચારો પણ અલગઅલગ હોય છે. આ તથ્યને સમજીને દરેક વ્યક્તિએ બીજા પ્રત્યે સહિષ્ણુ અને ઉદાર બનવું જોઈએ. પોતાનાથી કોઈ પણ બાબતમાં મતભેદ રાખનારને મૂર્ખ, અજ્ઞાની, દુરાગ્રહી, દુષ્ટ કે વિરોધી માની લેવાનું ઉચિત નથી. મોટા ભાગના કલહોનું મૂળનું આવી અસહિષ્ણુતા જ હોય છે. એકબીજાના દૃષ્ટિકોણના અંતરને સમજીને યથાસંભવ સમજાવટનો રસ્તો કાઢવો જોઈએ. પછી જે મતભેદ બાકી રહે એને ધીરેધીરે ઉકેલતા રહેવું જોઈએ.

સંસારમાં બધા જ પ્રકારના મનુષ્યો છે. મૂર્ખ-વિદ્વાન, રોગી-નીરોગી, પાપી-પુણ્યશાળી, કાયર-વીર, ઉદ્દંડ-નમ્ર, ચોર-પ્રામાણિક, નિંદનીય-આદરણીય, કર્તવ્યપરાયણ કર્તવ્યવિમુખ, દયાપાત્ર-દંડપાત્ર, શુષ્ક-રસિક, ભોગી ત્યાગી વગે૨ે પરસ્પર વિરોધી સ્થિતિઓના મનુષ્યો રહેલા છે. એમની સ્થિતિ જોઈને એ પ્રમાણે એમની સાથે બોલવા ચાલવાનો વ્યવહાર રાખી એમને સહકાર આપવો જોઈએ. એમની સ્થિતિના આધારે જ એમની સાથે સંબંધ સ્થાપિત કરવો જોઈએ.

કપટ અને અસહિષ્ણુતા એ બે બહુ મોટાં પાતકો છે. દગો, વિશ્વાસઘાત, કપટ, ઢીંગ, પાખંડ એ માનવતાને ક્લકિત કરનારાં સૌથી દુષ્ટ પ્રકારનાં કાયરતાભર્યાં કૃત્યો છે.જેમને આપણે ખરાબ સમજીએ છીએ, એની સામે લડીએ તો એટલો વાંધો ન હોય, પરંતુ મિત્ર બની, હળીમળી, મીઠીમીઠી વાતો દ્વારા અંધારામાં રાખી એનો અનર્થ કરવો એ હલકી કોટિનું પાપ છે. અનેક લોકો ઉપરથી સારું રાખે છે, મીઠું બોલે છે, હિતેચ્છુ બને છે અને અંદરથી શત્રુનું કામ કરે છે. મિત્રતાનું વચન આપે છે કે અમે તમારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરીશું, પરંતુ પાછળથી પોતાના વચનનો ભગ કરીને વિપરીત કાર્ય કરે છે.

આજકાલ માણસ અત્યંત કાયર થઈ ગયો છે.એની દુષ્ટતા હવે લડાઈના મેદાનમાં દૃષ્ટિગોચર નથી થતી. પ્રાચીનકાળમાં લોકો જેની સામે દ્વેષ રાખતા કે જેનું અહિત કરવા ઇચ્છતા એમને ચેતવણી આપીને પછી મેદાનમાં લડવા માટે નીકળતા. પરંતુ આજે તો વીરતાનાં દર્શન દુર્લભ થઈ ગયાં છે. મિત્ર બનીને વિશ્વાસ સંપાદન કરીને, કોઈને પોતાની જાળમાં ફસાવીને પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે એના પ્રાણના પણ ગ્રાહક બની જવું એ આજનો એક વ્યાપક રિવાજ બની ગયો છે. જ્યાં જોઈએ ત્યાં છળ, કપટ, દગો, વિશ્વાસઘાતની બોલબાલા જ દેખાય છે. આ આત્મિક કાયરતા માનવીના પતનની જ નિશાની છે. એનાથી ઉપર ઊઠ્યા વગર કોઈ વ્યક્તિ ‘સાચો માનવી’બની ન શકે.

કોઈની અમાનત આંચકી લેવી, ઝેર આપી દેવું, આપેલું વચન તોડવું, બનાવટી વસ્તુને અસલી કહીને આપી દેવી, મિત્ર બનીને શત્રુનું કામ કરવું, આ બધી બાબતો માનવતા પરનું કલંક છે.

લગ્ન વખતે લોકો દેવતા અને પંચોની સાક્ષીમાં ધર્મપ્રતિજ્ઞા લે છે કે અમે એ સ્ત્રીના જીવનની દરેક જવાબદારી ઉપાડીએ છીએ. જેમ બાળકની બધી જ જવાબદારી માતા પર હોય છે અને માતા પોતાના બાળકને એ રીતે સંભાળે છે, વઢે છે, મારે છે, પરંતુ એના કરતાંય એના હૃદયમાં અનંત કરુણા, આત્મીયતા, મમતા અને ક્ષમાનો સમુદ્ર લહેરાતો હોય છે. જે માતાના હૃદયમાં વાત્સલ્ય, ક્ષમા, મમતા અને કરુણાની ભાવના ન હોય અને બાળકો પાસેથી પોતાનો ફાયદો ઉઠાવવાની,બાળકોને ગુલામની જેમ વશમાં રાખવાની વૃત્તિ હોય, એ ‘માતા’ શબ્દને કલંકિત કરે છે. એ જ રીતે જેઓ દેવતાઓ અને મંત્રોની સાક્ષીમાં પોતાની ધર્મપત્નીને માતા-પિતા, ભાઈ-બહેન વગેરે સ્વજનોથી છોડાવીને તેના સ્નેહ અને જવાબદારી પોતાના માથે લે છે, એમણે જીવનભર લગ્નની એ પ્રતિજ્ઞા નિભાવવી જોઈએ. પરંતુ આપણે જોઈએ છીએ કે સ્ત્રીની નાનકડી ભૂલ હોય તો પણ એને એટલી ભારે શિક્ષા કરવામાં આવે છે કે તે જોઈને ન્યાયનો આત્મા પણ કંપી ઊઠે. પતિ દ્વારા પત્નીની હત્યા કે ત્યાગમાં સામાન્ય રીતે આવો જ કાયરતાભર્યો વિશ્વાસઘાત ભરેલો હોય છે.

વાસના અને ધનનો લોભી મનુષ્ય જયારે યોગ્ય માર્ગે પોતાની લોલુપતા પૂરી કરી શકતો નથી, ત્યારે તે અનેક અનૈતિક કપટભર્યા માર્ગો અપનાવીને પોતાનો સ્વાર્થસિદ્ધ કરે છે. શાસ્ત્રનો આદેશ છે કે આપણે હંમેશાં પોતાનાં ધર્મ, કર્તવ્ય અને જવાબદારીઓને ઉત્તમ રીતે નિભાવીએ. સચ્ચાઈના માર્ગે ચાલવામાં જો કોઈ અગવડો સહેવી પડે તો એને પ્રસન્નતાપૂર્વક સહેવી જોઈએ. આ રીતે જેઓ સત્યના માર્ગે ચાલવામાં આવતી મુશ્કેલીઓનું – આફતોનું સ્વાગત કરવા પણ તૈયાર રહે છે, તેઓ જ ગાયત્રી માતાના સાચા પ્રેમપાત્ર બની શકે છે.

બીજી આવશ્યકતા છે કે આપણે સહિષ્ણુ બનીએ. કોઈની નાનકડી ભૂલ પર રાતાંપીળાં થઈ જવું કે કોઈ સાથે જરા પણ મતભેદ થતાં એને કટ્ટર દુશ્મન માની લેવો એ બહુ સંકુચિત વિચાર છે. સંસારમાં કોઈ પણ સંપૂર્ણ રીતે નિર્દોષ કે નિષ્પાપ નથી. દરેક મનુષ્ય અપૂર્ણ છે એમાં કોઈને કોઈ દોષ કે ક્ષતિ જરૂર હોય છે. નાનકડી નબળાઈના કારણે એને પૂર્ણ ત્યાજ્ય સમજી લેવાનું બરાબર નથી. બીજાની ઇચ્છાઓનો સમુચિત ઉપયોગ કરવો જોઈએ. એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. ત્રુટિઓ સુધારવાનો કે ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ એના માટે અધીરા ન થવું જોઈએ. સહિષ્ણુતા અને ધૈર્યપૂર્વક કામચલાઉ સહયોગનો માર્ગ શોધી કાઢવો જોઈએ અને જોર-જુલમથી નહિ પણ મધુર, સુવ્યવસ્થિત અને ન્યાયોચિત માર્ગથી પ્રતિકૂળતાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આપણા બધા વિચારો યોગ્ય જ હોય એ જરૂરી નથી. એ આપણા માટે યોગ્ય હોઈ શકે છે, પણ બીજાને એ માનવા માટે આપણે ફરજ પાડી શકીએ નહિ. અનેક દાર્શનિક, ધાર્મિક, સામાજિક અને રાજનૈતિક મતભેદો એવા હોય છે, જેમાં બંને પક્ષો દિગ્માન્ત જોવા મળે છે. એ વખતે આપણે અધિક સહિષ્ણુતાનો પરિચય આપવો પડે છે. કેટલાક વિરોધોને તો અપરાધ જ કહી શકાય, જેના માટે રાજદંડની વ્યવસ્થા છે. ચોરી, હત્યા, લૂંટ, કપટ, દુરાચાર જેવાં અનૈતિક કર્મોનો પ્રબળ વિરોધ થવો જ જોઈએ. એમાં જરા પણ સહિષ્ણુતાની જરૂર નથી. પરંતુ ‘પ્રબળ વિરોધ’ આપણને જ અપરાધી ન બનાવી દે એ ધ્યાન રાખવું જોઈએ. શિક્ષા કરવામાં બધા વિવેક જાળવી શકતા નથી, ખાસ કરીને જે અપરાધનો ભોગ બન્યા હોય તેઓ તો વિવેક ગુમાવી જ બેસતા હોય છે. એટલે શિક્ષા માટે ઉદાર, વિવેકી અને ન્યાયપ્રિય, નિષ્પક્ષ વ્યક્તિને જ પંચમાં નિયુક્ત કરવા જોઈએ. ન્યાયાલયો અને ન્યાયાધીશોની સ્થાપના એ જ આધારે કરવામાં આવી છે.

સંસારમાં કોઈ પણ બે વ્યક્તિઓ એકસરખા રંગ-રૂપની હોતી નથી. પ્રભુની રચના જ એવી છે કે દરેક મનુષ્યની આકૃતિમાં કોઈ ને કોઈ ફેરફાર જોવા મળે છે. જેમ વિભિન્ન આકૃતિવાળા માણસો એકસાથે પ્રેમપૂર્વક રહી શકે છે એમ જ વિભિન્ન મનોભૂમિવાળા લોકોને પણ એકસાથે પ્રેમપૂર્વક સહકારપૂર્વક રહેવામાં કોઈ વાંધો ન જ હોવો જોઈએ. સમાજનાં સુખ,શાંતિ, એકતા, ઉન્નતિ આ જ વાત ઉપર આધાર રાખે છે. અસહિષ્ણુ લોકોનો સમાજ હંમેશાં કલહ અને સંઘર્ષોને લીધે જર્જરિત થતો રહે છે અને કોઈ પણ રીતે ઉન્નતિ સાધી શકતો નથી.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: